પાલક પનીર…

પાલક પનીર …

 

 

પાલક પનીરના શાકમાં, પાલક અને પનીર બન્ને પૌષ્ટિક છે. ખાવામાં પાલક પનીરનું શાક બહુજ સ્વાદિષ્ટ હોય છે અને બનાવવામાં પણ ખૂબજ આસાન /સરળ છે. આ શાક ઘરમાં, નાના – મોટા સૌ પસંદ કરે છે. કોઈ ખાસ પ્રસંગ પર આપણે ઘરમાં બનાવીએ તો બધાં જ પસંદ કરે.  આજે  આપણે પાલક પનીરનું શાક બનાવીશું.

સામગ્રી :

૫૦૦ ગ્રામ પાલક (Spinach)

૧/૨ નાની ચમચી ખાંડ

૨૦૦ ગ્રામ પનીર (પનીરના ૧ ઈંચના ચોરસ ટુકડા કરવા)

૨ ટે.સ્પૂન રિફાઈન્ડ તેલ

૧ Pinch (ચપટીક) હિંગ

૧/૨ નાની ચમચી જીરૂ

૨ નાની ચમચી કસૂરી મેથી (તની ડાળખી તોડી ને સાફ કરી લેવી)

૨-૩ નંગ ટામેટા

૩-૪ નંગ લીલાં મરચાં

૧ નાનો ટુકડો આદુ (૧ ઈંચ લંબાઈનો)

૨ નાની ચાચી બેસન (ચણાનો લોટ)

૨ ટે.સ્પૂન ક્રીમ / મલાઈ (જો તમને પસંદ હોય તો)

મીઠું સ્વાદ અનુસાર

૧/૪ નાની ચમચી ગરમ મસાલો

૨ નાની ચમચી  લીંબુનો રસ

 

રીત  :

 

પાલકની ડાંડી (ડાળખી) તોડી અને પાલકના પાન સારી રીતે પાણીમાં ધોઈ અને એક વાસણમાં રાખવા. તેમાં ૧/૪ કપ પાણી અને ખાંડ નાંખી અને વાસણને ઢાંકીને ગેસ પર ગરમા કરવા મૂકવું. ૫-૬ મિનિટમાં પાલક નરમ થઇ પાકી  જશે. ગેસ તૂરત બંધ કરી દેવો.

 

પનીરને ૧-ઈંચના ચોરસ ટૂકડામાં સમારી લેવું. પનીરનો ઉપયોગ શાકમાં, પનીર ફ્રાઈ/તળીને કે ફ્રાઈ/તળ્યા વગર પણ કરી શકો છો. પનીરને ફ્રાઈ/તળવા માટે નોનસ્ટિક કડાઈમાં થોડું તેલ નાંખી, પનીરના ટૂકડાને બન્ને તરફ  હલકા બ્રાઉન કલરના થાય તેમ તળવા/ફ્રાઈ કરવા.

 

ટામેટાને ધોઈને એના ટુકડા કરવા. લીલાં મરચાની ડાળખીને તોડી લેવી અને મરચા ને ધોઈ લેવા. આદુને ધોઈ, ઉપરથી છીણી અને ૩-૪ ટુકડામાં સમારવું. આ બધાને એકસાથે મિક્સરમાં બારીક પીસી લેવા.

એક કડાઈમાં તેલ નાખી અને ગરમ કરવું. ગરમ તેલમાં હિંગ અને જીરુ નાખવું, જીરૂ શેકાઈ ગયા બાદ, કસૂરીમેથી અને ચણાનો લોટ (બેસન) નાખી તેને થોડો શેકવો,  હવે આ મસાલામાં ટામેટા, આદુ, લીલાં મરચાની પેસ્ટ નાખી અને ૨-(બે)મિનિટ સુધી સાંતળવી /શેકવી. હવે ક્રીમ/મલાઈ નાખી અને મસાલાને ત્યાંસુધી સાંતળવો કે તેલ અંદરથી છૂટું પડીને બહાર સપાટી ઉપર તરવા લાગે (દેખાવા લાગે).

પાલક જે અગાઉ બાફેલ તે, ઠંડી થઇ ગયા બાદ, મિક્સીમાં નાખી અને બારીક પીસી લેવી અને પાલકની પેસ્ટને અગાઉ સાંતળીને તૈયાર કરેલ મસાલા સાથે મિક્સ કરી દેવી. પાલકની ગ્રેવી તમારે કેટલી ઘટ કે પાતળી રાખવી છે તે પ્રમાણે તેમાં પાણી અને મીઠું ઉમેરવા. ઉફાળો આવ્યા બાદ, પનીરના ટુકડા તેમા નાંખી દેવા. ૨(બે) મિનિટ સુધી તેને પાકવા દેવું અને ગેસ બંધ કરી દેવો.

પાલક-પનીરનું શાક તૈયાર છે. શાકમાં ગરમ મસાલો અને લીંબુનો રસ નાંખી મિક્સ કરી દેવો.

 

પાલક-પનીરનું શાક એક વાસણમાં કાઢી અને તેની ઉપર એક નાની ચમચી મલાઈ / ક્રીમ નાંખી અને પીરસવું. પાલક પનીર નું શાક ગરમા ગરમ રોટલી કે નાન સાથે પીરસવું અને ખાવું.

 

નોંધ : (૧)  જો તમે કાંદા (ડુંગળી) નો ઉપયોગ કરવા માંગતા હોય તો એક કાંદાને જીણા સમારી, જીરૂ શેકાઈ ગયા બાદ તૂરત જ તેમાં કાંદા નાંખી અને આછા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સાંતળવા અને ત્યારબાદ, આગળ બતાવ્યા પ્રમાણે પાલક-પનીરનું શાક તૈયાર કરવું.

બ્લોગ લીંક: http://das.desais.net