ક્રિમી પાસ્તા …

ક્રિમી પાસ્તા …

પાસ્તા, નૂડલ્સ વગેરે આપણા દેશનું મૂળ ખાવાનું / વ્યંજન નથી. કોઈપણ ખાવાનું સરહદ પારથી અન્ય દેશમાં જાય છે ત્યારે તેના સ્વાદનું મૂળભૂત સ્વરૂપ જળવાતું નથી. દરેક પોતાના સ્વાદ અનુસાર ફેરફાર કરતાં હોય છે. જેમાં પાસ્તા પણ અપવાદરૂપ નથી. વ્હાઈટ સોસ અને ટામેટા સોસને બદલે ક્રીમમાં બનાવેલા પાસ્તા, ઇટાલિયન પાસ્તા ને બદલે વધુ પસંદ આવશે. તમે પણ બનાવીને જુઓ.

 

સામગ્રી :

૨૦૦ ગ્રામ પાસ્તા (૨-કપ)
૧ કપ કોબીચ (બારીક સમારી લેવી)
૧ કપ ગાજર અને કેપ્સિકમ (શિમલા મિર્ચ) (બારીક સમારવા)
૧/૨ કપ તાજા લીલાં વટાણા
૨ ટે.સ્પૂન માખણ
૧૦૦ ગ્રામ ક્રીમ (૧/૨ કપ)
૧ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)
૧ ટૂકડો આદુ (૧ ઈંચ લંબાઈનો) (છીણી લેવું)
૧/૪ ચમચી કાળા મરી (થોડા ઓછા ચાલશે)
૧ નાનું લીંબુ
૧ ટે.સ્પૂન લીલી કોથમીર (બારીક સમારવી)


રીત :

પાસ્તાને પેકેટમાંથી બહાર કાઢી લેવા.

એક વાસણમાં એટલું પાણી લઈને રાખો કે જેમાં પાસ્તા સારી રીતે ઉકાળી / બાફી શકાઈ. (લગભગ પાસ્તાથી ત્રણ (૩) ગણું ) પાણીમાં ૧/૨ ચમચી મીઠું અને ૧-૨ ચમચી તેલ નાંખવું. પાણીમાં ઉફાળો આવ્યા બાદ, પાસ્તાને પાણીમાં નાંખવા અને પાકવા દેવા. થોડા સમય બાદ, ચમચાની મદદથી પાસ્તા હલાવતાં રહેવા. પાસ્તામાં ફરી ઉફાળો આવે, ત્યારે તાપ ધીમો કરી દેવો. લગભગ ૧૫-૨૦ મિનિટમાં પાસ્તા પાકી જશે. પાસ્તાને હાથથી દબાવીને જોઈ લેવા કે તે નરમ થઇ ગયા છે?

પાસ્તાને પાકવા દઈએ તે દરમ્યાન બધા જ શાક બારીક સમારીને તૈયાર રાખવા.


પાણીમાં ઉકાળેલા પાસ્તાને ચારણીમાં કાઢી અને તેની ઉપર ઠંડું પાણી રેડવું, કારણ તેનાથી તેમાં રહેલી ચિકાસ નીકળી જશે.

એક કડાઈમાં માખણ લેવું અને તેણે ગરમ કરવું. આદુ અને બધાજ શાક સમારેલા તેમાં નાખો. શાકને ચમચાની મદદથી હલાવી બે (૨) મિનિટ સુધી પાકવા દેવું. શાક થોડું પાકે (નરમ થાય) કે તેમાં ક્રીમ, મીઠું અને કાળા મરી સારી રીતે મિક્સ કરવું અને ચમચાની મદદથી ૧-૨ મિનિટ પાકવા દેવું.

બસ, હવે પાસ્તાને નાંખી સારી રીતે ચમચાથી હલાવી મિક્સ કરી ૧-૨ મિનિટ પાકવા દેવા. ગેસ બંધ કરી દેવો. પાસ્તામાં લીંબુનો રસ અને લીલી સમારેલી કોથમીર નાંખી અને મિક્સ કરી દેવું.

સ્વાદિષ્ટ – મઝેદાર ક્રિમી પાસ્તા તૈયાર છે.

ગરમા ગરમ પાસ્તા પીરસો અને ખાઓ. ક્રિમી પાસ્તા તમને પસંદ આવ્યા કે નહિ તે જરૂરથી જણાવજો.

 

બ્લોગ લીંક: http://das.desais.net