સંયમ અને સિદ્ધિ …(બોધ કથા)

સંયમ અને સિદ્ધિ …(બોધ કથા)

ઇજિપ્તમાં જુન્નૂન નામના એક મહાત્મા થઇ ગયા છે. એમણે પાસે એક સુપ્રસિદ્ધ મુસલમાન સંત યુસુફ હુસૈન ધર્મની દીક્ષા લેવા માટે ગયા. એ વક્ત મહાત્મા જુન્નૂને એને એક નાની પેટી સોંપીને કહ્યું : ‘મારો એક મિત્ર, અહીંથી દૂર નાઇલ નદીને કિનારે રહે છે. સંભાળીને આ પેટી લઇ જાઓ અને એને આપી આવો. આપીને આવશો એટલે તમને દીક્ષા મળશે.’

રસ્તામાં યુસુફ હુસૈને વિચાર્યું કે આ પેટીમાં તો તાળુંયે  નથી. તો ચાલને એને ખોલીને જોઈ લઉં. એમાં શું છે, એ તો ખબર પડે. કુતુહુલતા સાથે એણે પેટીનું ઢાકણું ખોલ્યું તો એમાંથી એક ઉંદરડો નીકળીને ભાગ્યો. આ ઉંદરડા સિવાય એ પેટીમાં બીજું કંઈ ન હતું.


હવે યુસુફ હુસૈનને ઘણો પસ્તાવો થયો. અરે ભાઈ, આ મેં નકામું ઢાંકણું ખોલી નાંખ્યું. ન ખોલ્યું હોત તો સારું હતું. પણ હવે પસ્તાવાથી કંઈ ફાયદો થવાનો ન  હતો. છેવટે તેઓ ખાલી પેટી લાવીને પોતાના મહાત્મા જુન્નૂનના એક સંત મિત્રને દીધી.

પેટી ખોલતાં જ એ સંત મિત્રને એમાં કંઈ દેખાયું નહિ. એટલે એમણે કહ્યું : ‘ભાઈ, યુસુફ, તમને મહાત્મા જુન્નૂન દીક્ષા નહિ આપે. એનું કારણ એ છે કે તમારામાં સંયમ નથી. એમણે આ પેટીમાં ચોક્કસ કંઈક ને કંઈક મોકલ્યું જ હશે. ભાઈ, સાચે સાચી વાત કરજો. એમણે આ પેટીમાં શું મોકલ્યું હતું ?’ સાંભળીને યુસુફે સાચી વાત કરી અને એમની માફી માગી. તેમણે મહાત્મા જુન્નૂનની માફી માગવા શિખામણ આપી.

હતાશ થઈને યુસુફ હુસૈન મહાત્મા જુન્નૂન પાસે પાછા ફર્યા. બળી વાત માંડીને કરી અને પછી માફી પણ માગી લીધી. જન્નૂને કહ્યું : ‘ હે યુસુફ, તમે પરમ જ્ઞાનના અધિકારી નથી. મેં તમને એક ઉંદરડો સોંપ્યો હતો. એ પણ તમે ગુમાવી દીધો. જો ઉંદરડા જેવી ક્ષુદ્ર વસ્તુ સંભાળી રાખવાનો સંયમ ન હોય તો ભાઈ ધર્મજ્ઞાન જેવો અમૂલ્ય ખજાનો તમે કેવી રીતે જાળવી શકશો ? એને માટે તો તમારામાં અત્યંત સંયમની આવશ્યકતા છે. જાઓ, ભાઈ, પહેલાં તમારા ચિત્તને વશમાં કરવાનો, સંયમમાં રાખવાનો અભ્યાસ કરો અને પછી પાછા આવજો. સંયમ વિના સિદ્ધિ મેળવવી દુર્લભ છે.’

યુસુફ હુસૈન પોતાના નિવાસે પાછા ફર્યા. આત્મસંયમ કેળવવા લાગ્યા. કેટલાંય વર્ષો પછી પૂર્ણ સંયમ અને આત્મ શ્રદ્ધા સાથે વળી પાછા મહાત્મા જુન્નૂન પાસે ગયા અને એ વખતે એમનો મનોરથ પૂર્ણ થયો.