ગાજરનો હલવો …

(૧) ગાજરનો હલવો …માઈક્રોવેવમાં …..
સમય : ૩૫ -૪૦ મિનિટ

ગાજરનો હલવો કડાઈમાં પણ બનાવી શકાય છે અને ઘરમાં જો માઈક્રોવેવ  હોય તો તેમાં પણ બનાવી શકાય છે. માઈક્રોવેવમાં બનાવેલ ગાજરનો હલવો કડાઈ કરતાં સ્વાદમાં વધુ સ્વાદિષ્ટ બને છે.


કડાઈમાં ગાજરનો હલવો બનાવવા માટે થોડો સમય વધુ લાગે છે અને હલવો સતત હલાવતા રહેવો પડે છે. જ્યારે માઈક્રોવેવમાં ગાજરનો હલવો જલ્દી અને સરળતાથી બની શકે છે.


સામગ્રી :

૧ કી.ગ્રા. ગાજર
૧ કપ દૂધ (જો તમને પસંદ હોય તો)
૧ ટે.સ્પૂન ઘી
૨૫૦ ગ્રામ માવો (૧ – કપ)
૨૫૦ ગ્રામ ખાંડ (૧/૪ – કપ)
૩૦-૩૫ નંગ કાજુ (દરેકને ૪-૫ ટૂકડામાં સમારવા)
૨૦ નંગ કિસમિસ (ડાળખી કાઢી અને સાફ કરી લેવી)
૪-૫ નંગ નાની એલચી (દાણા કાઢી ને ભૂકો કરવો)

રીત :

માઈક્રોવેવમાં ગાજરનો હલવો બનાવવા પ્લાસ્ટીકના સાધનનો ઉપયોગ  ન કરતા, માઈક્રોવેવમાં ઉપયોગમાં લઇ શકાય તેવા (ગ્લાસના) કાચના વાસણ વધુ સારા રહે છે.

૧)    માવાને શેકવો :
માઈક્રોવેવમાં ઉપયોગમાં લઇ શકાય તેવા કોઈપણ  કાચના વાસણમાં  માવાને તોડી ને ભૂકો  કરી નાખવો અને તે વાસણ માઈક્રોવેવમાં મૂકી અને ૧-૧/૨  (દોઢ) મિનિટ નો સમય સેટ કરી  અને શેકાવા દેવો. ત્યારબાદ, માવાને બહાર કાઢી ચમચાથી ઉપર નીચે કરી હલાવવો અને ફરી પાછો માઈક્રોવેવમા ૧ મિનિટ રાખી અને શેકવો. બસ ત્યારબાદ, વાસણ બહાર કાઢી લેવું. માવો શેકાઈ ગયો હશે.૨)    ગાજરને પાણીમાં ધોઈ અને સાફ કરી અને છીણી લેવા.
માઈક્રોવેવમાં ઉપયોગ લઇ શકાય તેવા કાચના વાસણમાં, છીણેલા ગાજર, દૂધ અને ઘી  નાંખી અને તે વાસણનું ઢાંકણું ઢાંકી દેવું.  (જો ઢાંકણ, ઢાંકવા માટે સગવડ ન હોય તો ઢાંકણા વિના પણ ચાલશે) અને વધુમાં વધુ તાપ રાખી અને પાંચ મિનિટ  નો સમય સેટ કરી પાકવા દેવા.  ત્યારબાદ, વાસણ બહાર કાઢી, ઢાંકણું ખોલી અને ચમચાની મદદથી ગાજરના છીણને એકદમ વ્યવસ્થિત ઉપર નીચે કરી હલાવી અને મિક્સ કરવું.


૩)    ત્યારબાદ, તે જ વાસણને ઢાંકણું ઢાંક્યા વિના ફરી માઈક્રોવેવમાં રાખી અને માઈક્રોવેવનો સમય પાંચ મિનિટ સેટ કરી, ફરી ગાજરને પાકવા મુકવા. પાંચ (૫) મિનિટ બાદ, માઈક્રોવેવમાંથી વાસણ બહાર કાઢી લેવું અને ચમચાની મદદથી ફરી ઉપર-નીચે કરી અને હલાવી મિક્સ કરવું.


૪)    ત્યારબાદ, ગાજરના વાસણમાં ખાંડ, માવો, કાજુના કટકા ને કિસમિસ નાખવા અને તેને ચમચાની મદદથી હલાવી અને મિક્સ કરવા.
ત્યારબાદ, તે વાસણને માઈક્રોવેવમાં રાખી અને પાંચ (૫) મિનિટનો સમય સેટ કરી અને હલવો તેમાં પાકવા દેવો.  ત્યારબાદ, ચેક કરતાં તમને લાગે કે હજુ થોડો ઢીલો /નરમ છે તો તમે ફરી ૨-૩ મિનિટ માટે માઈક્રોવેવમાં રાખી શકો છો.


બસ, હલવાને માઈક્રોવેવમાંથી બહાર કાઢી લેવો. બધી જ વસ્તુઓ તેમાં સારી રીતે મિક્સ થઇ ગઈ છે. ગાજરનો હલવો તૈયાર છે.


૫)   ગાજરના હલવામાં એલચીનો ભૂકો છાંટી તેમાં મિક્સ કરી દેવો અને એક વાસણમાં કાઢી ઉપર કાજુ નાંખવા (છાંટવા) અને તેને શણગારવો /સજાવવો.ગરમા ગરમ હલવો  ખવડાવો અને ખાવ …. જો ઠંડો હલવો પસંદ હોય તો ફ્રીજમાં રાખીને ઠંડો કરીને ખાવાની મજા પણ અલગ જ છે.

 

નોંધ :

૧]    જો માવાનો ઉપયોગ પસંદ ના હોય, અથવા તે સરળતાથી પ્રાપ્ત થઇ શકે તેમ ના હોય  તો …
મિલ્કમેઇડ જે બજારમાં તૈયાર મળે છે તેનો ઉપયોગ પણ કરી શકાય. મીલ્કમેઇડનો ઉપયોગ કરો ત્યારે ધ્યાનમાં રહે કે ખાંડ નો ઉપયોગ થોડો ઓછો કરવો. મીલ્કમેઇડ પોતે મીઠું હોય છે.

૨]   દૂધના પાઉડરનો ઉપયોગ પણ કરી શકાય છે. પાઉડરને થોડા પાણીમાં ઘટ ઓગાળીને માવાની જગ્યાએ ઉપયોગમાં લઇ શકાય.

૩]    માઈક્રોવેવના પાવરની કેપેસિટીને ધ્યાનમાં લઇ સમય ૩૫-૪૦ મિનિટ કે તેથી વધુ ઓછો થઇ શકે છે.

 

૨) ગાજરનો હલવો રાઈસ કૂકરમાં …

 

સામગ્રી :

૩-૪ નંગ ગાજર (લગભગ ૭૫૦ ગ્રામ)
૩/૪  – કપ ખાંડ
૧ કપ દૂધ (જરૂર લાગે તો થોડું વધુ લેવું)
૧ ટે. સ્પૂન ઘી
૧ નાની ચમચી એલચી  નો ભૂકો (પસંદ હોય તો ઉપયોગ કરવો)
૨૦ – ૩૦  ગ્રામ કાજુ અને બદામ શણગારવા માટે

રીત:

૧)     સૌ પ્રથમ ગાજર પાણીથી ધોઈ, સાફ કરી અને છીણી લેવા અને ૧ કપમાં છીણેલા ગાજર ભરી લેવા. અને તેને રાઈસ કૂકરમાં ત્યારબાદ નાખવા. (તે કપનો માપ બાકીની સામગ્રી માટે રાખવો)

૨)     ત્યારબાદ, ૩/૪  કપ ખાંડ લેવી. (છીણેલા ગાજરના કપ નું માપ- હલવો પ્રમાણસર મીઠો થશે., (જો વધુ મીઠાશ જોઈએ તો થોડી ખાંડ વધુ લેવી.) અને તેને રાઈસ કૂકરમાં નાંખવી.

૩)     ૧ કપ દૂધ નાંખવું.

૪)     રાઈસ કૂકરનું ઢાંકણું બંધ કરી અને રાઈસ કૂકરની સ્વીચ ON (ચાલુ) કરવી અને ગાજરના હલવાને પાકવા દેવો.  થોડી જ મિનિટમાં હલવો પાકવાથી અંદરથી મીઠી સુગંધ આવવા લાગશે.

૫)     જો તમને એમ લાગે કે ઘી વિનાનો હલવો ના હોય, તો આ સમય છે કે તેમાં ઘી નાખવું.રાઈસ કૂકરનું ઢાંકણું ખોલી અને અડધા પાકેલા હલવામાં ઘી નાંખવું અને હલવો ફરી પાકવા દેવો.

૬)     જ્યારે તમને લાગે કે હલવો બની ગયો એટલે રાઈસ કૂકરની સ્વીચને  Warm Mode ઉપર મૂકી દેવી. જો તમે હલવાને ત્યારબાદ પણ રાઈસ કૂકરમાં રાખશો તો તે સૂકો બનતો જશે. માટે જરૂરી છે કે કૂકરમાં થી હલવાને કાઢી અને એક બાઉલમાં કાઢી લેવો.

૭)     જો તમને એલચીનો સ્વાદ પસંદ હોય તો તેનો ભૂકો છાંટી અને મિક્સ કરવો અથવા કાજુ ના કટકા અને બદામને કાતરી અને ઉપર છાંટી અને હલવો શણગારવો.

બસ, હલવો ગરમા ગરમ ખાઓ અને ખવરાવો. અને જો આઈસ્ક્રીમ પસંદ હોય તો હલવાના કપમાં એક સ્કૂપ આઈસ્ક્રીમનો મૂકી અને ઠંડા અને ગરમ ને સાથે ખાઈ શકાય.

 

નોંધ : ઘી વગરનો હલવો કદાચ નવાઈ લાગશે અથવા પસંદ ના પણ આવે, પરંતુ  એક વખત બનાવશો તો સ્વાદ જરૂર પસંદ આવશે.

 

બ્લોગ લીંક: http://das.desais.net