ધર્મનું રહસ્ય …(પ્રેરક પ્રસંગ)

ધર્મનું રહસ્ય …

જૂના જમાનાની વાત છે. કૌશિક નામના એક તપસ્વી બ્રાહ્મણ હતા. બાળપણથી જ વેદ્શાસ્ત્રોનો અભ્યાસ કરવા લાગ્યા. યુવાન થતાં તેઓ એક વનમાં ચાલ્યા ગયા અને ત્યાં રહીને વેદોનો ઊંડો અભ્યાસ અને તપ કરવા લાગ્યા. એક દિવસ તેઓ એક વૃક્ષ નીચે બેસીને વેદપાઠ કરતાં હતા. એ વૃક્ષની ડાળ પર એક બગલી શાંતિથી બેઠી હતી. થોડીવાર પછી એ બગલી ચરકી. કમનસીબે એનું ચરક બ્રાહ્મણ પર પડ્યું. ચરક પડતાં જ બ્રાહ્મણદેવ રાતાપીળા થઇ ગયા. લાલચોળ આંખે ઉપર નજર નાંખી. ક્રોધભરી નજર પડતાં જ બિચારી બગલી પ્રાણ ગુમાવીને નીચે પડી ગઈ અને થોડીવારમાં બળીને ખાક થઇ ગઈ.

બગલીની આવી દુર્દશા જોઈને બ્રાહ્મણને દુઃખ થયું. તેઓ પશ્ચાતાપ કરવા લાગ્યા. એની સાથે એના હૃદયના એક ખૂણામાં પોતાના તપને કારણે મળેલી શક્તિનો અહંકાર પણ જાગી ઊઠ્યો. બગલીનું અનિષ્ટ થયું એને લીધે બ્રાહ્મણ દુઃખી હતો અને મનમાં ને મનમાં પસ્તાતો હતો. આવાં ચિંતા અને વિચારમાં પોતાનાં દૈનિક કર્મો પતાવીને નજીકના નગરમાં બ્રહ્મદેવ ભિક્ષા માગવા ગયા. એક ગૃહસ્થના બારણે જઈને એમણે ‘હે મા ભિક્ષા આપો’ એવો સાદ કર્યો. ભીતરથી એક સ્ત્રીનો નમ્રતાપૂર્વક અવાજ આવ્યો : ‘બાબા, જરા ઊભા રહેજો. હું હમણાં ભિક્ષા લાવું છું.’ બ્રાહ્મણ તો ઊભા રહ્યા. સારો એવો સમય ગયો પણ કોઈ ભિક્ષા લઈને આવ્યું નહિ અને કોઈ કાંઈ બોલ્યું-કર્યું પણ નહિ. લગભગ એક ઘડી વધુ વીતી ગઈ. ભિક્ષા લઈને કોઈ આવ્યું નહિ. હવે બ્રાહ્મણની ધીરજ ખૂટી. પશ્ચાતાપને કારણે એણે ક્રોધના ઘોડા પર રાખેલી સંયમની લગામ છૂટી ગઈ. વળી પાછો એના મનમાં ક્રોધનો અગ્નિ ભભકવા લાગ્યો. જ્ઞાનને બદલે વળી પાછું તપનું અભિમાન બ્રાહ્મણના અંત:કરણમાં જાગી ઊઠિયું. તે મનમાં ને મનમાં વિચારવા લાગ્યો :

‘આ મૂર્ખ ગૃહણી મારા તપના પ્રતાપને જાણતી નથી. બ્રાહ્મણના તપમાં કેટલું બળ હોય છે એ આજે હું એને  બતાવી દઉં. બ્રાહ્મણના અપમાનનું શું પરિણામ આવે એ પણ મારે એને  બતાવી દેવું છે.’ આમ બ્રાહ્મણના મનમાં વિચારનો વંટોળિયો ચાલતો હતો. ત્યાં જ બારણું ખૂલ્યું અને એક સ્ત્રીએ અત્યંત વિનમ્ર અવાજે કહ્યું : ‘હે બ્રહ્મદેવ, આ લો ભિક્ષા.’ ભિક્ષાનું પાત્ર આગળ ધરવાને બદલે બ્રાહ્મણે ક્રોધિત સ્વરે કહ્યું ‘અરે ગૃહણી, તમારું આ કેવું વર્તન ! બ્રાહ્મણને ભિક્ષા માટે રોકીને બે ઘડી સુધી એને તારા દ્વારે ઊભો રાખ્યો અને એના ખબર-અંતરેય ન પૂછ્યા ? એટલોય વિવેક નહિ?’ આ સાંભળીને પેલી સ્ત્રીએ શાંત અને વિનમ્ર સ્વરે કહ્યું : ‘બ્રાહ્મણદેવ માફ કરજો. હું તો ગૃહસ્થ સ્ત્રી છું અને કોઈ જરૂરી કામમાં રોકાઈ ગઈ હતી. એટલે આપને  ભિક્ષા આપવામાં આટલું મોડું થયું. મારા પતિ બહારથી ઘેર આવ્યા હતા અને હું એમની સેવામાં હતી.’ બ્રાહ્મણનો ક્રોધ તો જલજલા થઇ ગયો. એણે કહ્યું : ‘શું કહ્યું ? શું તમારા પતિ બ્રાહ્મણથી ચડિયાતા છે ? એટલે જ મારી અવગણના કરીને એની સેવામાં હતી, એમ ને?’ પેલી સ્ત્રીએ વળી પાછો શાંતિથી પણ થોડા મક્કમ સ્વરે કહ્યું : ‘માફ કરજો, વિદ્વાન મહારાજ. મારે માટે તો પતિ જ સૌથી મોટા દેવ છે.’

સાંભળીને બ્રાહ્મણ રાતાપીળા થઇ ગયા અને કહ્યું : ‘અરે ! અભિમાની નારી ! પતિને ઉત્તમ ગણે છે અને બ્રાહ્મણનું અપમાન કરે છે ! તને ખબર  છે કે બ્રાહ્મણોથી તો દેવરાજ ઇન્દ્ર પણ ડરે છે. બ્રાહ્મણોનું તેજ અને તેના પ્રતાપને તું જાણતી નથી ? જો બ્રાહ્મણ ઈચ્છે તો સંસારને બાળીને ભસ્મ કરી શકે છે.’


બ્રાહ્મણનાં વચનો સાંભળીને  પેલી સ્ત્રીએ કહ્યું : ‘હે તપોધન આટલો ક્રોધ ન કરો, હું કંઈ પેલી બગલી નથી કે જે તમારા ક્રોધથી ભસ્મ થઇ જાઉં. ક્રોધ કરીને તમે મારું કંઈ બગાડી શકવાના નથી. હે બ્રાહ્મણવર ! ક્રોધ તો એવો શત્રુ છે કે જે ક્રોધને આશ્રય આપનારનો જ નાશ કરે છે. મેં બ્રાહ્મણનું અપમાન નથી કર્યું. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે – જે  જિતેન્દ્રિય, ધર્મપરાયણ અને સ્વાધ્યામાં તત્પર અને પવિત્ર છે, તેમજ જેણે કામક્રોધને જીતી લીધા છે એને દેવો  બ્રાહ્મણ કહે છે.’ (વનપર્વ – ૨૦૬.૩૪)

આ પતિપરાયણ પવિત્ર સ્ત્રીના મુખે બગલીને ભસ્મ  કર્યાની વાત સાંભળીને બ્રાહ્મણનો ક્રોધ ઓગળી ગયો. એના આશ્ચર્યનો પાર ન રહ્યો. વિનમ્રભાવે એ પવિત્ર નારીની માફી માગી અને પૂછ્યું : ‘હે માં ! તમે બગલીના ભસ્મ થવાની વાત કેવી રીતે જાણી ? એ ઘટનાને તો જગતમાં મારા સિવાય કોઈ જાણતું જ નથી.’ પેલી પતિવ્રતા સ્ત્રીએ કહ્યું : ‘ હે બ્રહ્મદેવ ! હું તો એક સાધારણ ગૃહસ્થ નારી છું. મેં કોઈ સાધના તપ કર્યાં નથી. વેદવેદાદિનું અધ્યન કર્યું નથી. હું તો નિષ્ઠાપૂર્વક પતિની સેવા કરું છું  એ જ એક માત્ર મારો ધર્મ છે. હે બ્રહ્મદેવ ! પતિસેવા રૂપી જે ધર્મ મને  મળ્યો છે એ જ મને  અત્યત પ્રિય છે. બધા દેવતાઓમાં મારા પતિ જ મારા માટે સૌથી મોટા દેવ છે. હે બ્રહ્મદેવ ! આપ તો નિ:સંદેહ ત્યાગી, તપસ્વી અને વિદ્વાન છો. આમ હોવા છતાં પણ આપ ધર્મનું રહસ્ય સમજ્યા નથી. જો તમે ધર્મનું રહસ્ય કે તત્વ જાણવા ઇચ્છતા હો તો મિથિલાપુરીમાં ધર્મવ્યાધ નામના એક જ્ઞાની વ્યાધ રહે છે. એને જઈને પૂછજો.’

પેલી વિદ્વાન મહિલાની જ્ઞાનપૂર્ણ વાતો સાંભળીને બ્રાહ્મણ આશ્રર્યમુગ્ધ બની ગયો. પરંતુ વ્યાધ એટલે એક માંસ વેચનારા કસાઈની પાસે જઈને ધર્મનું રહસ્ય પૂછવાની બાબતમાં બ્રાહ્મણના મનમાં સકોચ થયો. એનામાં બ્રાહ્મણ હોવાનું અભિમાન પણ હતું. આમ છતાં પણ પેલી નારીની દિવ્ય દ્રષ્ટિ અને જ્ઞાનને કારણે એની વાતો પર અવિશ્વાસ તો કરી શકાય એવું ન હતું. આ બાજુએ એને  ધર્મનું રહસ્ય જાણવાની ઈચ્છા હતી.

દુવિધાઓ અને શંકામાં ડૂબતા બ્રાહ્મણદેવ મિથિલાપુરીમાં પહોંચ્યા. સવારનો સમય હતો નગરમાં બધા લોકો અહીંતહીં જતા-આવતા હતા. બજારમાં પહોંચીને બ્રાહ્મણે ધર્મવ્યાધનું ઠામઠેકાણું પૂછ્યું. ચાલતાં ચાલતાં એની દુકાને પણ પહોંચી ગયા. અહી આવીને જોયું તો તે એક નાનકડા પાટલા પર બેઠો છે. એની સામે મરેલા પશુઓના મડદાં પડ્યાં છે. એમાંથી માંસના લોચા કાપીને ગ્રાહકોને વહેચી રહ્યો છે. આ બિભત્સ દ્રશ્ય જોઈને બ્રાહ્મણની ધૃણા વધી ગઈ. એક બાજુએ એકાંતમાં જઈને ઊભા રહ્યા. થોડીવાર પછી પેલો વ્યાધ પોતાના પાટલેથી ઊઠીને બ્રાહ્મણની પાસે આવ્યો અને વિનયપૂર્વક પ્રણામ કરીને પૂછ્યું : ‘હે બ્રહ્મદેવ, મને  ખબર છે કે આપને પેલી પતિવ્રતા સ્ત્રીએ મારે ઘેર ધર્મનું રહસ્ય પૂછવા મોકલ્યા છે. અને મારું આ કર્મ જોઈને તમને મારા પર તિરસ્કાર થયો એ વાત પણ હું જાણું છું. થોડીવાર તમે અહી ઊભા રહો. પછી તમે મારે ઘેર મારી સાથે આવજો. ત્યાં જ ધર્મની ચર્ચા થશે.’

બ્રાહ્મણ માટે તો આ બીજી અદભુત ઘટના હતી. મનમાં ને મનમાં વિચારતો હતો કે મને  પેલી સતી સ્ત્રીએ મોકલ્યો છે એ વાતનો ખ્યાલ આ વ્યાધને કેવી રીતે આવી ગયો ! પોતાનું કામ પૂરું કરીને કસાઈએ બ્રાહ્મણને કહ્યું : ‘ચાલો બ્રહ્મદેવ ! તમારી ચરણરજથી મારું ઘર પવિત્ર કરો.’ અને ઘરે બ્રહ્મદેવ પહોંચ્યા. જોયું તો ઘર હતું તો નાનું પણ અત્યંત સ્વચ્છ સુંદર ! પ્રત્યેક વસ્તુમાં સ્વચ્છતા અને પવિત્રતા તરવરતી હતી. દેવને અર્પિત કરેલ ચંદન – ધૂપ વગેરેની સુગંધ ચારે-તરફ ફેલાઈ રહી છે. કસાઈએ બ્રાહ્મણને બેસવા માટે એક સ્વચ્છ આસન આપ્યું. બેસતાં બેસતાં બ્રાહ્મણે કહ્યું : ‘હે વ્યાધશ્રેષ્ઠ ! આ માંસ વેંચવાનું ઘોર કર્મ ખરેખર તમારા માટે યોગ્ય નથી. તમે એને  છોડી દો. તમારું આ ઘોર કર્મ મને ઘણો સંતાપ આપે છે.’

વ્યાધે જવાબ આપતાં કહ્યું : ‘હે બ્રહ્મદેવ ! આ કામ તો મારા બાપદાદાના સમયથી ચાલતું આવ્યું છે. મારા કૂળ માટે જે ઉચિત છે તે જ કામકાજ મેં સંભાળ્યું છે. હું મારા પોતાના ધર્મનું પાલન કરું છું. એટલે આપ મહેરબાની કરીને મારા પ્રત્યે રોષ ન રાખતા.’ અલબત્ત હું જે કામકાજ કરું છું એ ખરેખર ઘોર કર્મ જ કહેવાય. પરંતુ હે બ્રહ્મદેવ ! હું એના દોષના નિવારણ માટે પણ પ્રયાસ કરતો રહું છું. હે વિપ્રવર ! હું મારો પોતાનો આ સ્વધર્મ છે એમ માનીને આ કામ છોડતો નથી. પહેલેથી જ મારા પૂર્વજો આ કામ કરતા આવ્યા છે એમ સમજીને એ જ પ્રમાણે હું મારું જીવન વિતાવું છું.

પોતાના  કર્મનો પરિત્યાગ કરનારને અધર્મની પ્રાપ્તિ થાય છે. જે લોકો પોતપોતાનાં કર્મમાં તત્પર છે તે જ વાસ્તવિક રીતે ધર્મપૂર્ણ છે. આ એક નિશ્ચિત સિદ્ધાંત છે. આમ છતાં પણ જે વ્યક્તિ પોતાનાં પૂર્વ કર્મોને કારણે આ સમયે ક્રૂર કર્મમાં લાગ્યો રહે તો એણે હંમેશાં એ વિચારતા રહેવું જોઈએ કે હું કેવી રીતે આવા ઘોર કર્મમાંથી મૂકતી મેળવી શકીશ. નિરંતર આ પ્રકારનો સદ્ વિચાર કરવાથી મનુષ્ય ચોક્કસ પોતાના ક્રૂર કર્મમાંથી મૂકતી મેળવે છે. પોતપોતાનાં કર્મમાં રત રહેનાર વ્યક્તિ જ મહાન યશનો ભાગીદાર બને છે. હે તપોધન ! સામાજિક વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે હું પોતાના કૂળના ધર્મનું પાલન કરું છું. વ્યક્તિગત વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે એટલે કે ગૃહસ્થધર્મમાં રહીને હું મારાં કર્તવ્યનું પાલન પણ કરું છું.

હે ભગવાન ! માતાપિતા જ મારે મન  મુખ્ય દેવતા છે. જે કંઈ મારે દેવો માટે કરવું જોઈએ એ હું મારાં માતા અને પિતા માટે કરું છું. મારાં સ્ત્રીપુત્રો પણ એમની સેવાચાકરી કરે છે. આ જ અમારો પરમધર્મ છે. માતાપિતાની સેવા એ જ મારા માટે પરમ તપ છે. આ તપના પ્રભાવથી જ મને દિવ્યદ્રષ્ટિ પ્રાપ્ત થઇ છે. આ તપના પરિણામે હું ધર્મના રહસ્યને સમજ્યો છું. એ પતિવ્રતા સ્ત્રીને પતિસેવા રૂપી ધર્મનું પાલન કરવાથી એ જ ફળ મળ્યું છે અને એવું જ ફળ મને માતાપિતાની સેવાથી પ્રાપ્ત થયું છે. આવું ફળ તો યોગીઓને યોગ દ્વારા અને તપસ્વીઓને તપ દ્વારા મળે છે.’

કૌશિક બ્રાહ્મણની જેમ આજે આપણામાં પણ મોટા ભાગના લોકો એવા છે કે જે ધર્મનું રહસ્ય સમજી શકતા નથી. આ જ કારણે કોઈ વિશેષ પૂજા, અનુષ્ઠાન, દ્વારા જ ઈશ્વરપ્રાપ્તિ કે ધર્મલાભ થાય છે એવું કહેતા રહે છે. આ સમસ્યાના ઉકેલ માટે મહાભારતમાં ધર્મવ્યાધની કથા આવે છે. મહાભારતની આ કથામાં ધર્મના વ્યવહારિક સ્વરૂપની ચર્ચા થઇ છે. એમાં બતાવ્યું છે કે આપણાં દૈનંદિન જીવન આપણાં વ્યાવસાયિક કર્મો સાથે ધર્મ કેવી રીતે જોડાયેલો છે, જીવનનાં કાર્યો કરતાં કરતાં પણ કેવી રીતે આપણે ધર્મલાભ મેળવી શકીએ. આ કથામાં ઉદાહરણો દ્વારા એ પણ બતાવ્યું છે કે આપણા કર્મ બાહ્ય રીતે ભલે ક્રૂર લાગે, ઉપર ઉપરથી ઘર ગૃહસ્થીની માયાજાળમાં બંધાયેલ દેખાતા હોઈએ પણ જો આપણે જીવનનાં કર્મોને ભગવાનની પૂજા રૂપે કરીએ અને એનાં ફળાફળ પ્રભુને સમર્પિત કરી દઈએ તો એ જ આપણા માટે મુક્તિનું સાધન બની જય છે. એનાથી ઊલટું જો આપણે જપ-તપ વગેરે સાત્વિક કર્મ અથવા વેદાધ્યાન જેવા જ્ઞાનાત્મક કર્મ પણ અહંકાર સાથે કરીએ તો એનાથી ધર્મ લાભ થતો નથી.