અંતરની દુઆ …(પ્રેરક પ્રસંગ)

અંતરની દુઆ …(પ્રેરક પ્રસંગ)

લગ્નનાં મંગળ ગીતો ગવાતાં હતાં. શરણાઈના સૂર હવામાં રેલાતા હતા. ગામનો ભીમો મન મૂકીને વગાડતો હતો. સાજન-માજન સહુ આનંદમાં મહાલતાં હતાં. લગ્નવિધિ ગોધૂલિ સમયે થવાની હતી. પણ આવ્યા ત્યારથી જ ગામડાગામમાં પણ તેમની એટલી ઉત્તમ સરભરા થતી જોઈને જાનૈયાઓના અચરજનો પાર રહ્યો નોહતો. શહેરની કૃત્રિમ ભભક અને દેખાવને સ્થાને, દિલની દીલાવારીનાં જ દર્શન બધે થતાં હતાં. ગામમાંનું દરેક જણ, જાણે કે પોતાને જ ઘેર લગ્નપ્રસંગ હોય એમ, હોંશે હોંશે દોડી દોડીને કામ કરતુ હતું. મંડપ શણગારવા જેને જે ઉત્તમ લાગે તેવી કલાત્મક વસ્તુઓ સહુ લાવ્યાં. કુદરતની અણમોલ બક્ષિશ જેવાં રંગબેરંગી ફૂલોનો તો પાર જ ન હોતો. તેનાથી મંડપ તો શું પણ દવાખાનાનું કમ્પાઉન્ડ પણ શુશોભિત થઇ મધમધી ઊઠ્યું હતું. શું શરણાઈવાળો કે શું ઢોલવાળલો , સહુને આજે તો માંડ તક મળી હતી – – પોતાના જ સ્વજન જેવા શુકલ સાહેબ માટે કંઈક કરી છૂટવાની. પછી તો તેમાં કોઈ ક્યાંય પણ કચાશ રહેવા દે જ શાના ?

ગામના સરકારી દવાખાનાના એકમાત્ર ડૉકટર શુક્લ સાહેબની દીકરી ઉષાનાં આજે લગ્ન હતાં. આમ તો તેઓ વતનમાં જઈને જ લગ્નપ્રસંગ ઉકેલવાના હતાં. પરંતુ ગામલોકોનો અતિશય આગ્રહ હતો અને પ્રથમ વખતનું મંગળકાર્ય અને ગણેશ – સ્થાપના પોતાના ઘરમાં કરવાની પત્નીની પણ ઈચ્છા હતી, તેથી તેમણે વતનમાં જવાનો વિચાર માંડી વાળ્યો. સહુ સગાંવહાલાંઓને અહીં આવવા નિમંત્રણ પણ મોકલી દીધાં હતાં. ઘરઆંગણે પ્રથમ વખત જ જાન  આવતી હતી, એટલે ડૉક્ટરને અપાર મૂંઝવણ થતી હતી. વર્ષોથી શહેરનો મોહ છોડી  તેમણે ગામડામાં સેવા આપવાનો ભેખ લીધો હતો, એટલે શહેરી રીતરસમોથી સાવ અજાણ હતા. અમદાવાદ જેવા શહેરની હાઈકોર્ટના વકીલના સુપુત્રની જાન ઘેર આવતી હતી એટલે તેઓને વિશેષ મૂંઝવણ થતી હતી. ગામડાના કૂદરતી જીવન અને સાદગીથી તેઓ તો ટેવાઈ ગયા હતાં, પણ શહેરી સુખસગવડોમાં રાચનારાં આટલા મોટા લોકોની સગવડો તેઓ કેમ કરીને સાચવી શકશે એની એમને ભારે ચિંતા થતી હતી. જાનૈયાઓને ઉતારો ક્યાં આપીશું? તેમની રહેવાની અને જમવાની વ્યવસ્થા શી રીતે કરીશું? એમને કોઈ અગવડ પડશે તો? ધૂળિયા ગામના બરછટ માણસોના અતિ ઉત્સાહથી એમને અપમાન તો નહિ લાગી જાય ને? આવા આવા અનેક પ્રશ્નો મૂંઝવતા હતા.

ચતૂર રામજી શેઠ એમની મૂંઝવણ પારખી ગયા. એક દિવસ, સામે પગલે ચાલીને, ટાપુ મહારાજને લઈને, તેમને મળવા આવ્યા અને બોલ્યા :

‘અરે ડૉકટર સાહેબ, એમાં તમે શા માટે મૂંઝાઓ છો? તમે રાત-દિવસ જોયા વગર અમને તમારી સેવાનો જે લાભ આપ્યો છે તે  શું ગામ ભૂલી જશે ? તમે જો – જો તો ખરા, ઉષાબેનને આપણે કેવા રંગે-ચંગે પરણાવીશું. તમારા બહેને કહેવડાવ્યું છે  કે આપણી મેડી ઉપર જ જાનનો ઉતારો રાખીશું. ત્યાં કેવો મજાનો મીઠો પવન આવે છે ! તમે જરાય ચિંતા ન કરતા. ભલે શહેરવાળા પણ યાદ કરે કે ગામડાગામમાં પણ લગ્નપ્રસંગ એકવાર માણ્યો હતો ખરો !

રામજી શેઠનો એકનો એક દીકરો પ્રદીપ દિવાળીને દિવસે ફટાકડા ફોડતા દાઝી ગયો હતો ત્યારે, ડૉકટરને ખબર મળતાં જ, બધી જરૂરી દવા લઇ તાબડતોબ શેઠને ઘેર દોડી ગયા હતાં. અને જ્યારે પ્રદીપ ભયમુક્ત જણાયો ત્યારે જ ત્યાંથી ખસ્યા હતા. એટલું જ નહિ મહિનાઓ સુધી સારવાર ચાલુ રાખી અને સારો કરી  દીધો હતો.  શેઠ એ ભૂલી કેમ શકે ? ત્યારથી રામજી શેઠ ડૉકટર માટે કંઈક કરી છૂટવા તલપાપડ હતાં. પણ એવી કોઈ તક એમને  મળતી જ  નહોતી. આજ માંડ માંડ મળેલી તક ઝડપી લઇ રામજી શેઠ પ્રસન્ન થઇ ગયા હતાં.

બે બે ઓઈલ મીલના માલિકની મેડી કંઈ સાધારણ તો નહોતી જ. ગામડામાં ભાગ્યે જ જોવા મળે એવી સગવડો તેમાં હતી. આથી ડૉકટરે પણ નિરાંતનો  શ્વાસ લીધો.

ત્યાં ટપુ મહારાજ બોલ્યાં : ‘સાહેબ, બેનના લગ્નમાં રસોઈનું કામ તો હું જ કરીશ.

‘મહારાજ, એ બધાં તો શહેરના લોકો, સ્વાદિષ્ટ અને મસાલેદાર રસોઈ જમવાવાળા. એમને આપણી  સાદીસીધી રસોઈ ન ફાવે.’

‘અરે સાહેબ, આ રામજી શેઠને જ પૂછોને કે ટપુ મહારાજની રસોઈ કેવી હોય છે ! એમનાં બધા જ પ્રસંગો પર રસોઈ તો મેં જ કરી છે.’

‘હા ડૉકટર સાહેબ, મહારાજની રસોઈમાં કહેવું નહિ પડે. એટલે તો હું તેમને મારી સાથે જ તમારી પાસે તેડી લાવ્યો છું.’

‘ઠીક, તો તમે જાણો. રસોઈ બાબત તો મારા પત્ની અને મારા બહેનને મળી લીસ્ટ તૈયાર કરી લેજો. મને તો આવા પ્રસંગોમાં ખબર પડતી નથી.’

‘તમે દવા આપીને અમને સાજા કરો છો એ જ ઘણું છે. બાકીનું બધું જ અમે સંભાળી લઈશું.’

પછી તો ગામલોકોને જેમ જેમ ખબર પડતી ગઈ તેમ તેમ સમગ્ર ગામમાં આનંદઉત્સવનું વાતાવરણ છવાઈ ગયું. કારણકે સહુના આદરણીય હતાં ડૉકટર શુકલ સાહેબ. કેટલા બધા ઉપકારો હતાં એમનાં આ ગામ ઉપર ! ડૉકટરે મોઢું કદી કટાણું કર્યું નહોતું. તેમણે તો પોતાની ફરજ સમજીને પ્રેમથી લોકોને દવા આપી હતી. તો સામા પક્ષે પણ રાત-દિવસ જોયા વગર, કમાણીની બિલકુલ આશા રાખ્યા વગર, પોતાની સેવા કરનારને આ એક જ પ્રસંગે મદદ કરી શકાય  તેમ છે એમ જાણ્યા પછી, પાછું વળીને શું કામ જોવું એવા વિચારથી ગામલોકો ઉત્સાહથી છલકાતાં હતા. સરલ-સીધા માણસોની એ દુનિયા હતી. એટલે જ જોતજોતામાં મંડપ શણગારાઈ ગયો હતો. એમાં ગ્રામ્યજનોનાં દિલનો ઉત્સાહ ભળ્યો. એમનાં પ્રેમ ને ફૂલોના સૌરભથી મંડપ મહેકી ઊઠ્યો હતો. ભલે વેવાઈ હાઈકોર્ટના વકીલ હતાં, શહેરી હતાં; પણ ગ્રામ્યજનોનું આતિથ્ય તેમને ખૂબ સપર્શી ગયું. શિષ્ટાચારના બંધનની વચ્ચે ક્યાંય વર્તવાનું ન હતું. એટલે ખૂબ હળવાશ અનુભવતા હતાં.

શુક્લ સાહેબ અને રમાબેન કન્યાદાનની વિધિ માટે તૈયારી કરતાં હતાં. જાન  મંડપમાં આવી ગઈ હતી. ગ્રામવધૂઓ અને કન્યાઓ ઉમંગથી ગીતો ગાવામાં વ્યસ્ત હતી.

ડૉકટરે નિરાંત અનુભવી હતી ત્યાં તો ગોર મહારાજનો પોકાર પડ્યો :

‘ચાલો હવે કન્યાદાનનો સમય થયો છે. મંડપમાં બધા આવી જાઓ.’

‘સાંભળો તો, જરા જલ્દી અહી આવોને.’ રમાબહેને પતિને બૂમ પાડી.

‘શું કામ છે ?’  ‘કામ તો છે જ. જરા બહાર જઈને જુઓને !’

ડૉકટર બહાર ગયા અને બહાર જઈને જોયું તો  આંબાવદરનો દાનો હરિજન ચિંતિત ચહેરે ઊભો હતો. ડૉકટરને જોતાં જ તે બોલી ઊઠ્યો : ‘સા’બ, જલદી હાલો. મારી દિકીરીને વેણ ઊપડી છે. સવારથી પિલાય છે. સા’બ, ઘડીનું ય મોડું ન કરો. તમારો હાથ અડશે ને બિચારી હળવી થઇ જશે.’

‘શું છે દાના ? અત્યારે શું કામ પડ્યું તારે ?’ રામજી શેઠ બહાર આવ્યા : ‘આજ તો સા’બની દીકરી ઉષાબેનનાં લગન છે. અને અટાણે જ તને કામ પડ્યું ?’

‘હા, શેઠ, મને એની જાણ નો’તી; નકર તો અટાણ ઘડીએ ન આવત. સવારથી અટાણ  લગણ વાટ જોઈ પણ છૂટકો જ નથ થયો. સુયાણી કે’છે કે બાળક આડું છે. એની તો મત મૂંઝાઈ ગઈ છે. ને છોડી બહુ પીલાય છે. કષ્ટાય છે બાપડી. એટલે છોડીની માએ કીધું કે, ‘ભલે, સા’બને ઘેર લગન હોય, પણ તમે જાવ ને એમને  કયો તો ખરા જ. સા’બ તો ભગવાન જેવા છે. કોઈ દી ‘કોઈને ના નથ પાડી. છોડીને એમનો હાથ અડશે ને છૂટકારો થઇ જશે.’ એટલે વિરજી શેઠનો ઘોડો લઈને આયો છું. છૂટકારો થઇ જશે એટલે નહિ રોકું. ‘સા’બ ઝટ કરો; નકર છોડીનું મોં નહિ જોઈ શકું.’

દાનો એકશ્વાસે બોલી ગયો ને પ્રસંગની ગંભીરતાનો ડૉકટરને ખ્યાલ આવી ગયો.

ત્યાં તો એમના નાના ભાઈ જયંતિભાઈ મોટા ભાઈને બોલાવવા આવ્યા :

‘ગોર મહારાજ ઉતાવળ કરે છે. જલદી ચાલો !’

‘જેન્તી, તું અને વિમલા બંને કન્યાદાન આપવા બેસી જાવ. મારે અગત્યનું કામ આવી પડ્યું છે. હમણાં જ જવું પડશે. જાઓ, તમે મુહૂર્ત સાચવી લો. મારી રાહ ન જોશો.’

જેન્તીભાઈએ કંઈ દલીલ ન કરી. ભાઈનો સ્વભાવ તો તેઓ જાણતા જ હતા.

‘રામજી શેઠ, તમે છો એટલે મારે કોઈ ચિંતા નથી. તમે બધું ય સંભાળી લેજો. મારે તો ગયા વગર છૂટકો જ નથી. તેડું આવ્યું છે છતાં ન જાવ અને અહી દીકરી ના લગ્ન ઊજવું ને  ત્યાં બાઈ ને કંઈ થઇ જાય તો મારી દિકરીનો મંગલ પ્રસંગ પણ અમંગલ બની જાય. બાઈને છૂટકારો થયે તુરત જ આવી પહોંચીશ.’ કહેતાં  કહેતાં ડૉકટર શુકલ પોતાની બેગ અને જરૂરી સામાન લેવા ઘરમાં ગયા.

રમાબહેન પરિસ્થિતિની ગંભીરતા સમજી ગયાં.

તાત્કાલિક જરૂરી વસ્તુઓ ભેગી કરી આપી.

ડૉકટર ઘોડા પર બેસીને દાના સાથે ગયા. ફરજ ખાતર પોતાના આંનદનો જરા સરખોય વિચાર ન કરનાર આ ફરિશ્તા જેવા ડૉકટરને જતાં રામજી શેઠ જોઈ જ રહ્યા. અને પછી પ્રસંગમાં ક્યાંય સહેજ પણ ખામી ન રહી જાય એ જોવા વધુ જાગ્રત થઇ ને મંડપમાં  જઈને  બેઠા.

અહી ઢોલ ઢબૂક્તા રહ્યા. શરણાઈઓ બજતી રહી. મંગલ ગીતો ગવાતાં રહ્યા. કન્યાદાન દેવાઈ ગયું. હસ્તમેળાપ થઇ ગયો. સપ્તપદી પણ પૂરી થઇ. મંગલફેરા ય ફરાઈ ગયા. અને ત્યાં દાનાને ઘેર ડૉકટર ઇન્જેકશનો આપતાં રહ્યા. દવા બદલાવતા રહ્યા. સુયાણીને સૂચનો આપતાં રહ્યા. છતાં ય પીડા ઓછી ન જ થઇ. બાળક ખસતુ જ ન હતું. એટલે પછી ડૉકટરે વિલંબ કર્યાં વગર ચીપિયાથી બાળક સીધું કરવા પ્રયત્ન કર્યો. તેમણે બધા જ પ્રયત્નો કરી જોયા. હવે ભગવાન પર ભરોશો રાખવાનો હતો. તેમણે અંતરથી ભગવાનને પ્રાર્થના કરી કે, ‘બાળક અને બાઈ બંનેને સલામત રાખો.’

ભગવાન પણ આજ એમની ખરી કસોટી કરતો રહ્યો હતો. આખી રાત આમ જ પસાર થઇ ગઈ.પણ સવારે છ વાગ્યે બાબાનો જન્મ થયો ત્યારે જ ડૉકટરે હળવાશ અનુભવી.

પછી તો બાઈ હળવી થતાં, પીડામુક્ત બનતાં ઊંઘી ગઈ. અને ત્યારે ડૉકટરને યાદ આવી ઉષા. પોતાની લાડકી દીકરી શું વિચારતી હશે? એના જીવનના ધન્ય મંગલ પ્રસંગેય એના પિતા હાજર રહ્યા નહિ. ! પણ ફરી એના આત્માએ દલીલ કરી કે, ત્યાં હાજર રહ્યો હોત તો એક પિતા એની એવી જ લાડલીને ગુમાવી દેત ને? ચાલ, લગન તો આનંદથી પતિ ગયાં હશે. રામજી શેઠ ને સઘળું ગામ ત્યાં છે. એટલે મંગલ પ્રસંગ તો સરસ રીતે પતિ ગયો હશે. તો પણ, વહેલાસર હવે તેમણે ઘેર પહોંચી જ જવું જોઈએ.

તેમણે દાનાની રજા લીધી : ‘ભાઈ, દીકરીની જીવાદોરી ભગવાને સલામત રાખી મને જશ અપાવ્યો. મારા તરફથી દીકરીને કપડાના અને ભાણિયાને ઝબલાના આ રૂપિયા પચ્ચીસ લઇ લે. આજે દીકરી સાસરે જઈ રહી છે. હવે હું જઉં. બેનને હવે કાંઈ વાંધો નથી.’

‘અરે, સા’બ, તમારી દિકરીના લગ્ન જેવો પ્રસંગ મેલી તમે અમારી જીવલીને જીવાડવા અહી આવ્યા તો તમારી દિકરીના રામદેવપીર રખોપાં કરે ને એનુ હેવાતણ અખંડ રાખે. એ દીકરીને મારા દિલની દુવાઓ દેજો.’ દાનાની બુઢી મા આંખમાં ઝળઝળિયાં સાથે બોલી ઊઠી.

એ દુવાઓ લઇ ડૉકટર જ્યારે ઘેર આવ્યા ત્યારે તો જાનની વિદાયની તૈયારીઓ થતી હતી. દિકરીના લગ્નપ્રસંગે પણ દર્દીને ન ભૂલનારા એ ધૂની ડૉકટરની સહુ રાહ જોઈ રહ્યા હતા.

વેવાઈ આવી પહોંચ્યા અને કહેવા લાગ્યા : ખરાં છો, શુકલ સાહેબ તમે તો. હવે તમારા ગામની જનતાના પ્રેમનું ખરું રહસ્ય સમજાયું. આ પ્રસંગે બીજાં કોઈ ડૉકટરને ય જવાનું તમે કહી શક્યા હોત.’

‘હા, પણ અહી ગામડામાં બીજો ડૉકટર મળી શકે નહિ અને પ્રસંગની ગંભીરતા જોતાં મારે ગયા વગર છૂટકો જ નહોતો. ઉષાને તો બધાએ કેટકેટલી આશિષો આપી છે ! આવા ગરીબોના અંતરની દુવાઓથી જ આપણું કલ્યાણ થાય છે.’

હાઈકોર્ટના વકીલને ડૉકટર વધારે પડતા ભાવુક અને સિદ્ધાંતવાદી લાગ્યા. પણ તેમણે હવે અમદાવાદ પહોંચવાની ઉતાવળ હતી, એટલે પછી આ વાત આગળ લંબાવી નહિ અને કહ્યું : ‘ અમે તમારી જ રાહ જોઈ રહ્યા હતા. હવે વિદાય આપો. બસમાં આઠ કલાકનો રસ્તો થશે એટલે વહેલા નીકળી જઈએ તો સારું.’

ઉષા સાસરે ગઈ. એની વિદાય વખતે સમગ્ર ગામને વસમું લાગ્યું.

જેટલા રંગેચંગે લગ્ન ઉજવ્યાં એટલું જ દુઃખ કન્યાવિદાય વખતે સહુએ અનુભવ્યું.

એ વાતને ત્રણ વરસ વીતી ગયાં. અમદાવાદથી ઉષાના પતિ મહેન્દ્રનો તાર આવ્યો કે, ‘ઉષાની તબિયત નરમ છે, સિવિલમાં દાખલ કરી છે. જલદી આવો.’

‘શું થયું હશે ઉષાને ? સીમંત વખતે તો તેની તબિયત બહુ જ સારી હતી.’ રમાબહેને ચિંતિત સ્વરે પૂછ્યું : ‘ હું તો તેને અહીં જ આપણી સાથે તેડી લાવવાનું કહેતો હતો. પણ તેના સસરા અને મહેદ્ર માને તો ને ? તેઓએ ત્યારે કહેલું કે ગામડામાં જોઈતી સગવડ ન મળે. પહેલી ડિલિવરી છે એટલે ઉષા ભલે અહીં જ  રહી. એમની ઈચ્છા હોય પછી આપણાથી કંઈ વધારે દબાણ ઓછું કરાય છે ?’

‘હાય ભગવાન, એને કેમ હોસ્પીટલમાં દાખલ કરી હશે ! મારી દીકરીને શું થયું હશે ?’

‘જો, ખોટી કલ્પનાઓ ન કર. સાંજની ગાડીમાં જ બેસી જઈએ. સવારે તો પહોંચી જઈશું.’

અમદાવાદ પહોંચી તેઓ બંને સીધા સિવિલ હોસ્પિટલે જ ગયાં. ડૉકટરો બે બે દિવસથી જહેમત ઉઠાવી રહ્યા હતા. મહેન્દ્ર ને તેના પિતા વિમૂઢ બની બહાર બેઠા હતા. ડૉકટરને જોઈને મહેન્દ્ર તો રડી જ પડ્યો. ડૉકટર શુક્લ  અને રમાબહેન અંદર ગયાં. જઈને જોયું તો ઉષા બેભાન પડી હતી. અનેક નળીઓથી વિટળાયેલી ઉષાને આ સ્થિતિમાં જોતાં જ મા તો બેભાન જેવી થઇ ગઈ. એનું શરીર સખત આંચકા લેતું હતું. પિતા તો પિતા હોવાની સાથે એક ડૉકટર પણ હતાં જ. છતાં આ સ્થિતિમાં પોતાની લાગણીઓ ઉપર માંડ માંડ કાબૂ રાખી શક્યા. ફરજ પરના ડૉકટરે બહાર લઇ જઈ એમને ઉષાના કેસની સંપૂર્ણ વિગત જણાવી. બાળક અંદર જ ખલાસ થઇ ગયેલું અને એનું ઝેર ઉષાના શરીરમાં વ્યાપી ગયું હતું. નોર્મલ ડિલિવરી કરાવીને તેની બેભાન અવસ્થામાં જ મૃત બાળક તો કાઢી લીધું. પણ શરીરમાં વ્યાપેલા ઝેરની અસરને લીધે તાણ–આંચકી આવતાં હતાં.

ડૉકટરે કહ્યું કે આવો ગંભીર કેસ તો ભાગ્યે જ જોવા મળે છે; પણ કોઈ ચમત્કારિક કૃપાથી ઉષા બચી ગઈ છે. હવે ઝેરની અસર ધીમે ધીમે ઓછી થતી જશે તેમ તેમ રાહત થઇ જશે અને ભાનમાં આવી જશે. એ પછી પણ ત્રીજે દિવસે ઉષાએ આંખ ખોલી. ધીમે ધીમે તે બધાંને ઓળખી શકી. માને અને પિતાજીને જોઈને તેણે રાહત અનુભવી. તેના મોઢા ઉપર ફિક્કું સ્મિત જોઈને ડૉકટરને દાનાની માના શબ્દો યાદ આવી ગયા કે, ‘મારી જીવલીને જીવાડવા તમે અહીં આવ્યા તો રામદેવપીર તમારી દિકરીનાં  રખોપાં કરશે. તેને મારા દિલની દુવાઓ આપજો.’

આજે સાચે જ તેમની લાડલી છ છ દિવસ મૃત્યુની સામે ઝઝૂમી, મૃત્યુના દરવાજા ખખડાવી પાછી આવી હતી. પછી તો ડૉકટર શુક્લ કહેલી અંતરની દુવાની આ વાત હાઈકોર્ટના બુદ્ધિમાન વકીલ અને તેમના પુત્રને પણ યાદ આવી ગઈ. તેમને પણ પહેલી જ વખત સમજાયું કે, મોટા મોટા ડૉકટરોએ હાથ ધોઈ નાખ્યા હતા ત્યાં ગરીબ બાઈના અંતરની દુવાએ ઉષાનો જીવનદીપ સલામત રાખ્યો હતો.

.

સાભાર :શ્રી જ્યોતિબેન થાનકી લિખિત નવપ્રભાતનું  સ્મિતમાંથી  સંકલન કરી અહીં આપ સર્વે માટે પ્રતુત છે