રીંગણ કરી …

રીંગણ  (બૈગન)  કરી … (Brinjal Curry) …

૪-૫ વ્યક્તિઓ માટે

(સમય : ૫૦ મિનિટ)


બી – (seeds) વિનાના રીંગણાને મેરીનેટ કરીને બનાવેલ બૈગન કરી (રીંગણા) ખૂબજ સ્વાદિષ્ટ બને છે. સીંગદાણાની કરીમાં (શાકના રસામાં ) નરમ – મુલાયમ રીંગણા તરતા હોય અને તેનો સ્વાદ જ અનેરો હોય છે. જે સૌને પસંદ આવે.

સામગ્રી :

 

૫૦૦ ગ્રામ બી – વિનાના રીંગણા  (૨ મોટા રીંગણા)

 

રીંગણાને મેરીનેટ કરવા માટે …

સામગ્રી :

૨  ટે.સ્પૂન દહીં

૨ ટે.સ્પૂન ચણાનો લોટ

૧/૨ – નાની ચમચી મીઠું

૧/૪ – નાની ચમચી ગરમ મસાલો

તેલ રીંગણા તળવા માટે..

 

કરી બનાવવા માટે …

સામગ્રી :

૨૫૦ ગ્રામ ટામેટા (૪ નંગ)

૧-૨ નંગ લીલા મરચા

૧ નંગ આદુ (૧ ઈંચ નો ટૂકડો)

૨ ટે.સ્પૂન સિંગદાણા (સેકેલ-ફોતરા ઉતારી લેવા)

૧/૨ – કપ તાજુ દહીં

૨ ટે.સ્પૂન તેલ

Pinch (ચપટીક) હિંગ

૧/૨ – નાની ચમચી જીરું

૧/૨ – નાની ચમચી હળદર પાઉડર

૧-૧/૨ – નાની ચમચી ધાણા પાઉડર

૧/૪ – નાની ચમચી લાલ મરચાનો પાઉડર

૩/૪ – નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

૧/૪ – નાની ચમચી ગરમ મસાલો

૧ ટે.સ્પૂન લીલી કોથમીર (બારીક સમારેલી)

 

રીત :

 

રીંગણાને પાણીથી ધોઈ, છાલ ઉતારી અને પાણીમાં ડૂબાડીને રાખવા.

રીંગણાને મેરીનેટ કરવા મસાલો તૈયાર કરવો….

એક વાસણમાં ફેંટેલુ દહીં, ચણાનો લોટ, મીઠું અને ગરમ મસાલો કાઢવો અને બધાને મિક્સ કરવું.

રીંગણાના ૧-૧/૨” ઈંચની x ૧-૧/૨” ઈંચની, જાડાઈ અને પહોળાઈમાં ટૂકડા  કરવા. રીંગણાના  ટૂકડાને દહીંના મસાલામાં ખૂબજ સારી રીતે મિક્સ કરવા અને ૨૦ મિનિટ સુધી તેમાં રાખવા. (દહીં સાથેનો મસાલો દરેક ટૂકડામાં વ્યવસ્થિત લાગી જવો જોઈએ.)


૨૦ મિનિટ બાદ, એક કડાઈમાં તેલ નાંખી અને ગેસ પર ગરમ કરવા મૂકવું. અને તેલ ગરમ થાય એટલે આ ટૂકડા એક એક કરી કડાઈમાં નાખી અને એક સાથે કડાઈની સાઈઝ પ્રમાણે ૬-૭ ટૂકડા મધ્યમ તાપ રાખી અને આછા બ્રાઉન કલરના તળવા.  ટૂકડા બરોબર રીતે ચારે બાજુ ફેરવી શકાય તેમ કડાઈમાં જગ્યા રહે તેમ  જોવું. (વધુ ટૂકડા એકી સાથે ન નાખવા) તળાઈ ગયાબાદ, ટૂકડાને એક ડીશમાં અલગથી રાખવા. આમ, બધા જ ટૂકડા ને તળી લેવા.


ટામેટાને ધોઈને મોટા ટૂકડામાં સમારવા. લીલાં મરચાની ડાળખી કાપી અને ધોઈ લેવા, આદુને પણ છીલી અને ધોઈ મોટા ટૂકડામાં સમારવું. સિંગદાણાને શેકી અને તેના ફોતરા કાઢી લેવા. બધી જ વસ્તુને એકી સાથે મિક્સીમાં બારીક પીસી લેવી.

રીંગણાની કરી તૈયાર કરવા… એક કડાઈમાં ૨-ટે.સ્પૂન તેલ નાખી ગરમ કરવુ. તાપ સાવ ધીમો રાખવો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ અને જીરું નાંખવું અને શેકવું, ત્યારબાદ, તૂરત હળદર પાઉડર, ધાણાનો પાઉડર અને ટામેટાનો પીસેલો મસાલો અને લાલ મરચાનો પાઉડર નાખવો અને તેલ તેમાંથી છૂટું પડે ત્યાં સુધી મસાલો શેકવો. શેકાઈજાશે તેલ છૂટું પડી અને ઉપર –બહાર આવી જશે.  ત્યારબાદ, તેમાં ફેંટેલુ દહીં નાખવું અને કરી પાકવા દેવી. કરીને ચમચાથી હલાવતાં રેહવું પાકી જશે એટલે તેલ બહાર –ઉપર તરવા લાગશે.

મસાલામાં જેવી કરી ઘટ કે પાતળી રાખવી હોય તેટલાં પ્રમાણમાં (લગભગ ૧-૧/૨ – કપ) પાણી નાખવું અને સ્વાદાનુસાર મીઠું નાંખવું. કરીનો ઉફાળો આવે ત્યાંસુધી તેને હલાવતાં રેહવી અને પાકવા દેવી. ગરમ મસાલો નાંખી અને ૩ -૪ મિનિટ સુધી ઉકાળવી.

રીંગણાના તળેલા ટૂકડા કરીમાં નાંખવા અને ધીમા તાપે ૨ -૩ મિનિટ પાકવા દેવા. બધો જ મસાલો રીંગણામાં ઉતરી જશે. ગેસ બંધ કરી દેવો. લીલી સમારેલી કોથમીર ઉપર છાંટી દેવી, બૈગન કરી તૈયાર છે.


રીંગણ  કરી ને પીરસતી સમયે ફરી કોથમીર છાંટી ને જ પીરસવું અને જે રોટલી, પરાઠા કે ભાત સાથે ખાવાની મજા જ કોઈ અનેરી છે તો ચાલો ખાવાની મોજ લો  અને ખવડાવ જો હો….

નોંધ :

જો તમને કાંદા પસંદ હોય તો, ૧-૨ કાંદા ને નાના નાના ટૂકડામાં સમારી અને જ્યારે જીરું નાંખીને શેકીએ  કે તૂરત ત્યારબાદ, તેલમાં કાંદા નાંખી અને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવા  અને ત્યારબાદ, બાકીની વસ્તુ ક્રમ મુજબ લેવી.

બ્લોગ લીંક: http://das.desais.net