(૧)શેતાનના પંજામાંથી બચવાનો ઉપાય …(૨)આપણા અધ:પતનનું કારણ …

પ્રેરક પ્રસંગ …

(૧) શેતાનના પંજામાંથી બચવાનો ઉપાય …

ભગવાન ઈશુખ્રિસ્ત એકવાર રસ્તામાં ચાલ્યા જતા હતા. થોડીવાર પછી ત્યાંથી પાંચ ગધેડા પર મોટી  મોટી ગાંસડીઓ લાદીને એક સોદાગર નીકળ્યો. ગધેડા પર લાદેલી ગાંસડીઓનો બોજો ઘણો વધારે હતો અને બિચારા ગધેડા ગાંસડીને જાળવીને માંડ માંડ ચાલતા હતા. આ જોઈને ઈશુ ખ્રિસ્તે સોદાગરને પૂછ્યું : ‘ભાઈ, સોદાગર, આ ગાંસડીઓમાં તેં કઈ કઈ ચીજવસ્તુઓ રાખી છે? આ બિચારા ગધેડા એને માંડ માંડ ઉપાડી રહ્યા છે અને માંડ માંડ ચાલી શકે છે.’ ઈશુનો પ્રશ્ન સાંભળીને પેલા સોદાગરે જવાબમાં કહ્યું : ‘મહાશય,  આ ગાંસડીઓમાં માનવીને ઉપયોગી થાય તેવી ચીજવસ્તુઓ ભરી છે અને એ બધી ઉપયોગી ચીજવસ્તુઓનો વેપાર કરવા હું એને બજારમાં લઇ જાઉં છું. આ વસ્તુઓ ઘણી મૂલ્યવાન છે. એટલે મારી નજર ગધેડા તરફ જતી નથી, મને એની દયા આવતા નથી. મારે તો આ ચીજવસ્તુઓ બજારમાં જઈને વેંચી નાંખવી છે.


થોડી જિજ્ઞાસા થતાં ઈશુએ પેલા સોદાગરને વળી એક પ્રશ્ન પૂછ્યો : ‘અરે ભાઈ, એમાં કઈ કઈ ચીજવસ્તુઓ ભરી છે એની તો વાત કર, જેની મને ખબર પડે.’ સાંભળીને પેલા સોદાગરે કહ્યું : ‘મહાશય, આપ જે પેલો ગધેડો જુઓ છો ને ! એના પર મેં ‘અત્યાચાર’ ની ગાંસડી લાદી છે. એના ભારથી બિચારો માંડ માંડ ચાલે છે.’ સાંભળીને ઈશુએ વળી આશ્ચર્ય સાથે પૂછ્યું : ‘શું કહ્યું તમે ? એમાં આત્યાચાર છે? અરે ભાઈ, આ અત્યાચારને વળી બજારમાં કોણ ખરીદવાનું છે.’ સોદાગરે ઠંડે કલેજે કહ્યું : ‘કેમ મહાશય, સમાજમાં એનાય ખરીદનારા છે અને એ છે રાજા, મહારાજા અને સત્તાધારી લોકો. તમને જાણીને આશ્ચર્ય થશે પણ સારા પ્રમાણમાં ઊંચા ભાવે આ મારી અત્યાચારની ગાંસડીનું વેંચાણ થશે.’

એ પછી કુતૂહલ સાથે સોદાગરને ઈશુએ પૂછ્યું: ‘આ બીજી ગાંસડીમાં શું રાખ્યું છે?’ સોદાગરે વિનમ્રતાથી કહ્યું : ‘અરે મહાશય ! આ ગાંસડી તો ‘અહંકાર’ થી ભરપૂર ભરી છે. આના ખરીદનારાયે આ સંસારનાં લોકો છે અને  એનેય લપાલપ ખરીદી લેવાના.  આ ત્રીજા ગધેડા પર ‘ઈર્ષ્યા’ ની ગાંસડી છે. આ જગતમાં કેટલાક લોકો જ્ઞાની અને વિદ્વાન હોય છે એ લોકોમાં આ ગાંસડીની માગ મોટી  છે. આ ગાંસડી ખરીદવા એવા જ્ઞાની અને વિદ્વાનોની લાઈન લાગે છે અને મોં માગ્યા દામ આપે છે.’

ઈશુએ કહ્યું : ‘તારી ત્રણ ગાંસડીની વાત તો જાણે સાંભળી. પણ આ ચોથી ગાંસડીમાં શું છે ?’ સોદાગરે કહ્યું : મહાશય, એ ગાંસડી ‘બેઈમાન’થી  ભરેલી છે. તમને આશ્ચર્ય થશે  કે એના ગ્રાહકો છે આપણા વેપારીઓ. આ ગાંસડીના વેપારમાંથી માણે સારો એવો નફો મળવાનો છે અને એને ખરીદવાની હોડ મચી જવાની છે.’

અંતે છેલ્લા ગધેડા તરફ આંગળી ચીંધીને ઈશુએ પૂછ્યું : ‘એ ગાંસડીમાં શું શું ભર્યું છે ?’ સોદાગરે નમ્રતાથી જવાબ આપતા કહ્યું : ‘મહાશય, એ ગાંસડીમાં ‘છળકપટ’ ભર્યા છે. આ છળકપટની માગ આ સમાજની સ્ત્રીઓમાં સૌથી વધારે હોય છે. એનાય માણે ઠીક ઠીક નાણા ઉપજશે.’ ત્યાર પછી ઈશુએ પેલા સોદાગરને પૂછ્યું : ‘ભાઈ, તેં તો માણે તારો પરિચય આપ્યો જ નહિ. તું કોણ ચી એ તો કહે?’ એ સાંભળીને પેલા સોદાગરે કહ્યું : ‘મહાશય. મારું નામ તો કદાચ તમે સાંભળ્યું હશે. હું છું શેતાન. આખી માનવજાતિ મારી ઉત્સુકતાથી રાહ જોતી હોય છે. એટલે જ માણે મારા વેપારમાં લાભ, લાભ અને લાભ જ છે.’ આમ કહીને સોદાગર ત્યાંથી ચાલી નીકળ્યો.

ભગવાન ઈશુએ ઉપર આકાશ તરફ જોઈને કહ્યું : ‘ હે પ્રભુ ! હે પિતા, આ માનવજાતિને કંઈક સદબુદ્ધિ આપ. એ લોકો આ દુષ્ટ શેતાન જેવા સોદાગરના પંજામાંથી છુટકારો મેળવી શકે એવું કંઈક કર. સાથે ને સાથે એ લોકો ‘કેવી વસ્તુઓ’ ખરીદી રહ્યા છે, એટલું જ્ઞાન તો આપ.

.

(૨)   આપણા અધ:પતનનું કારણ …

એકવાર મહાવીર પ્રભુને એમનાં એક શિષ્યે પ્રશ્ન પૂછ્યો : ‘હે ગુરુદેવ, માણસ જીવનમાં ઘણી વખત અધ:પતન પામે છે. એનું કારણ શું છે અને એ અધ:પતનમાંથી મુક્ત થવાં માટે આપણે શું કરવું જોઈએ ?’

મહાવીર પ્રભુએ કહ્યું : ‘જો ભાઈ, કોઈ કમંડલ વજનદાર હોય અને એમાં પાણી પણ વધુ માત્રામાં સમાઈ શકતું હોય તો એ ખાલી કમંડલને નદીમાં છૂટું મૂકી દઈએ તો ડૂબશે કે નહિ?’ શિષ્યે કહ્યું : એ ક્યારેય ન ડૂબે.’


મહાવીરે શિષ્યને ફરી પૂછ્યું : ‘જો એની જમણી બાજુ એ એક કાણું હોય તો એ નદીમાં તારી શકે ખરું ?’

શિષ્યે કહ્યું : ‘ના, એ તો ડૂબી જ જવાનું.’

મહાવીરે કહ્યું : ‘એની ડાબી બાજુએ કાણું હોય તો એ ડૂબે કે તરે?’

શિષ્ય : ‘મહારાજ, કાણું ડાબે હોય કે જમણે, કે પછી ગમે ત્યાં કાણું હોય. એ કાણામાંથી કમંડળમાં પાણી ઘૂસી જવાનું અને અંતે એ ડૂબી જ જવાનું.’

મહાવીર  : ‘વત્સ, આ માનવજીવન પણ કમંડલ જેવું છે. જો એમાં કોઈ દુર્ગુણ રૂપી કાણું પડ્યું તો એ તાકવાનું નથી એમ જાણી લેવું. કામ, ક્રોધ, મળ, લોભ, મોહ, મત્સર – આ બધા દુર્ગુણ માણસને ડૂબાડવા કારણભૂત બંને છે. એટલે આપણે બધાએ હંમેશાં એ ધ્યાનમાં રાકાહ્વું જોઈએ કે આ જીવન રૂપી કમંડલમાં કોઈ દુર્ગુણ રૂપી કાણું ન પડી જાય અને એ કાણું પડતી વખતે એને આપણે બૂરી દીધું હોય તો આપણું જીવન નિષ્કંટક બની જશે અને આપણને દરેક વસ્તુ સુલભતાથી મળી જશે.

(મહાપુરુષના જીવનમાં ઘટેલી કેટલીક મહત્વની ઘટનાઓને ધ્યાનમાં લઈને ‘પ્રેરક  પ્રસંગ – માનવ વાટિકા  કે સુરભિત પુષ્પ ‘ એ નામે હિન્દીમાં શરદચંદ્ર પેંઢારકરનું અદ્વૈત આશ્રમ દ્વારા એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે. એમાંથી માનવના જીવન ઘડતરમાં તેમજ માનવ મનને હૃદયને સાચી શાંતિ અને સાચું સુખ આપવામાં સહાય રૂપ થતા કેટલાક પ્રસંગોનું કરેલું ગુજરાતી અનુસર્જન અહીં પ્રસ્તુત છે.)