ખોટો નાતો …(રચના)

ખોટો નાતો …(રચના)

રચયતા: શ્રી કેદારસિંહજી મે. જાડેજા (ગાંધીધામ – કચ્છ)જેને રામ થકી નહિં નાતો, મુરખ જન ફોગટ ફેરા ખાતો..

કાવાદાવા થી કરતો કમાણી, મનમાં મેલ ન માતો
પદ મેળવવા પર ને પીડતાં, લેશ નહિં એ લજાતો…

ભક્ત જનોના ભાવ ન જાણે, અવળાં કરે ઉતપાતો
સંત સભામાં આતંક આણિ, ફુલણશી છે ફુલાતો…

ધર્મ ના નામે ધતિંગ રચીને,અવળો અવરથી થાતો
મીઠી મધુરી વાણી વદી ને, ઠગતો જગત ના ઠગાતો..

ખબર નથી રઘુનાથની પાંસે, પળ પળ પાડો મંડાતો
ભૂત બનીને પડશે ભટકવું, મૂક્તિ માર્ગ ના કળાતો…

ચેત ચેત નર સંત સેવા કર, કર નારાયણ નાતો
દીન “કેદાર” દામોદર ભજિલે, શીદ ભમે ભટકાતો..

સાખી.

માનવ ભજી લે રામ ને, શાને તું ઝોકાં ખાય છે
ખબર ક્યાં છે ઉમર તારી, કઇ પળ થી પૂરિ થાય છે..

કરી લે રટણ  શ્રીરામ નું, ફોગટ ના ફેરા ખા નહિં
ભજીલે ભાવથી ભૂધર, અવર સંગ આવે નહિં..

સાભાર:રચિયતા : શ્રી કેદારસિંહજી મે. જાડેજા (ગાંધીધામ -કચ્છ)

www.kedarsinhjim.blogspot.com

.

(૨) પ્રેરક પ્રસંગ …

મસ્તરામ, એકાંત સેવી અવધૂત પાસે જઈને રાજાએ માંગણી કરી કે, “આપ સમર્થ અને ચમત્કારી સંત છો. આપની પાસેથી મારે સ્વર્ગ અને નર્કના દરવાજાઓનું દર્શન કરવું છે.”

અવધૂતે આજીજીનો જવાબ વાળ્યો નહીં અને ચૂપચાપ બેસી રહ્યા. આવી ઉપેક્ષાથી ગુસ્સે ભરાયેલો રાજા તેમની સામે આવીને ઊભો અને મોટેથી કહેવા લાગ્યો કે, “તમે ખરેખર સંત  હો તો મને સ્વર્ગ અને નર્કના દરવાજાનાં દર્શન કરાવો.”

અવધૂતે તુચ્છકારથી તેની સામે જોયું અને કહ્યું : “તું કોણ છો અને શા માટે આવ્યો છો?” રાજાએ માંડમાંડ ગુસ્સાને કાબૂમાં રાખ્યો અને કહ્યું : “ હું  આ પ્રદેશનો રાજા છું.” અવધૂતે હાંસી ઉડાવી. “તું રાજા છે ? તારા દીદાર તો કોઈ ભિખારી જેવા જણાય છે ! તારા જેવા રાજા હોય તો લોકોની હાલત ક્યાંથી સારી થઇ શકે ?”

રાજાનો ગુસ્સો સાતમા આસમાને  પહોંચી ગયો. તેણે તલવારની મૂઠ ઉપર હાથ મૂક્યો. અવધૂત હસવા લાગ્યા : “તારી પાસે તલવાર પણ છે ? આવા કટાયેલા હાથાથી તું લોકો ને ડરાવતો રહે છે ?” રાજાએ મ્યાનમાંથી ચમકતી તલવાર કાઢીને ઉગામી. સહેજ પણ થડકાર અનુભવ્યા વગર અવધૂત કહે : રાજા, “ જુઓ આ નર્કના દ્વાર ખુલવા લાગ્યા !” સંતના ઉપદેશથી અને તેનો આશય સમજાઈ ગયાથી રાજાએ તરત તલવાર ફેંકી દીધી અને સંતના ચરણ પકડી લીધા. “જુઓ રાજા ! હવે સ્વર્ગનાં દ્વાર ઉઘાડી રહ્યા છે !” રાજા સમજ્યો, સ્વર્ગ અને નર્ક બંને આપણી કરણી અને મનોવૃત્તીનાં સ્વરૂપ છે.

સાભાર :-નગીનદાસ સંઘવી

(શાંત તોમાર છંદમાંથી  પાઠક વર્ગ માટે પ્રસ્તુત)

.