લાલ સૂપ … (ગાજર અને બીટ નું સૂપ ) …

લાલ સૂપ … (ગાજર અને બીટ નું સૂપ) …

 

શિયાળામાં સૂપ પીવાની મજા જ જુદી હોય છે, સાંજના ભોજન પહેલા જો એકાદ સ્વાદિષ્ટ સૂપ મળી જાય તો ?… આપણે અગાઉ વેજિટેબલ્સ નૂડલ્સ સૂપ, બ્રોકલી સૂપ અને પાલક સૂપ જોઈ ગયા, આજે આપણે લાલ સૂપ બનાવીશું. લાલ સૂપ નામ તમે કદાચ સાંભળ્યું નહિ હોય !?

હા, તો આજે આપણે લાલ સૂપ બનાવીશું. ના ભાઈ, ટામેટાનો નહિ, પરંતુ લાલ શાકભાજી નો, આ સૂપમાં  મોટાભાગના લાલ શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે છે.  જેવા કે ગાજર, લાલ બીટ, લાલ કેપ્સિકમ  -કોબીચ…વગેરેનો ….

 

સામગ્રી :

૧ નંગ મધ્યમ કદનું લાલ બીટ (નાના કટકામાં સમારવું)

૧ વાટકી લાલ પાનની કોબીચ (સમારેલી)

૧ નંગ નાનું ગાજર (નાના ટૂકડામાં સમારવું)

૧ નંગ લાલ સિમલા મિર્ચ (કેપ્સિકમ) (નાની નાની સમારવી)

બેબી કોર્ન -૪-૫  લાંબા ટૂકડામાં સમારવું

૧ નાની વાટકી બ્રોકલી (સમારી લેવું)

૨ ટે.સ્પૂન માખણ

૧ ટે.સ્પૂન કોર્ન ફ્લોર (મોટો ચમચો)

૧ નંગ આદુ (૧ ઈંચ નો ટૂકડો) (છીણી લેવું)

 

અથવા

 

૧ નાની ચમચી આદુની પેસ્ટ

૧/૨ નાની ચમચી સફેદ મરચા નો પાઉડર

૧/૨ નાની ચમચી કાળી મરીનો પાઉડર

મીઠું સ્વાદ અનુસાર

૧ ટે.સ્પૂન ચિલી સોસ

૧ નાનું લીંબુ (રસ કાઢી લેવો)

 

રીત :

 

બધા જ શાકભાજી સાફ કરી –ધોઈ, સમારીને તૈયાર રાખવા.

કોર્ન ફ્લોરને ૧/૨ વાટકી પાણીમાં નાંખી અને ઘોળી લેવો. (ધ્યાન રહે કે ગાંઠા ન રહે)

એક ભારે તળિયા વાળા વાસણમાં ૧-૧/૨ ચમચો માખણ નાંખી અને ગરમ કરવું. આદુની પેસ્ટ અને બીટ નાંખવું અને ૨ મિનિટ સુધી મધ્યમ તાપથી સાંતળવું.

હવે, બાકીના બધા જ શાક તેમાં નાંખી દેવા. અને શાકને ૨ -૩ મિનિટ ચમચાથી હલાવતાં રેહવું અને સાંતળવું. શાક ઢાંકી અને ફરી ૨-૩ મિનિટ પાકવા દેવું. આ શાકમાં ૭૦૦ ગ્રામ પાણી, કોર્ન ફ્લોર, સફેદ મરચાનો પાઉડર, મરી પાઉડર, મીઠું અને ચિલી સોસ નાંખવા.

સૂપને ઉફાળો આવે ત્યાંસુધી સતત ચમચાથી હલાવતાં રેહવું. ઉફાળો આવ્યાબાદ, તાપ ધીમો કરી અને ૩-૪ મિનિટ સુધી પાકવા દેવો. બસ, લાલ વેજીટેબલ સૂપ તૈયાર છે. ગેસ બંધ કરી દેવો અને સૂપમાં લીંબુનો રસ નાંખવો અને મિક્સ કરવો.

સૂપને બાઉલમાં કાઢી, માખણ અને લીલી કોથમીર નાંખી અને પીરસવો અને પીવો. ઉપર થોડું ક્રીમ-બટર પણ મૂકી શકાય.

બ્લોગ લીંક: htpp://das.desais.net