પાલક સૂપ …

પાલક સૂપ …

 

આપણે અગાઉ વેજીટેબલ નૂડલ્સ સૂપ અને બ્રોકલી સૂપ ને અહીં માણ્યો તો આજે આપણે માણીશું પાલક સૂપ. પાલક નો સૂપ તમે જાણો છો કે જે પૌષ્ટિક અને આઇરન (લોહતત્વ) થી ભરપૂર અને સ્વાદિષ્ટ હોય છે.અને  ઠંડીની  ઋતુમાં તો સૂપની મજા જ અનેરી હોય છે. આજે આપણે સાંજના ભોજન પહેલા પાલકનો સૂપ માણીશું.

સામગ્રી:

૫૦૦ ગ્રામ પાલક (એક બંચ )

૪ નંગ ટામેટા

૧/૨” ઈંચ નો ટૂકડો આદુ

૩/૪ – નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

૧/૨ – નાની ચમચી સંચળ પાઉડર  (કાળું મીઠું)

૧/૪ – નાની ચમચી (થોડું ઓછું) મરી પાઉડર

૧/૨  લીંબુ (અડધું)

૧ ટે.સ્પૂન માખણ

૧ ટે.સ્પૂન ક્રીમ (મલાઈ તાજી)

૧ ટે.સ્પૂન લીલી કોથમીર (બારીક સમારેલી)

 

રીત:

પાલકની ડાળખી કાપી અને સાફ કરવી. પાલકના પાંદડાને બે વખત પાણીમાં ડૂબાડીને સારી રીતે ધોઈને સાફ કરવા. ટામેટાને પણ ધોઈને સાફ કરવા. આદુ પણ છાલ ઊતારીને ધોઈ લેવું.

પાલક, ટામેટા અને આદુના મોટા મોટા ટૂકડા કરી ૨ -૩ ચમચા પાણી એક વાસણમાં લઇ અને તેને ગેસ પર ઉકાળવા મૂકવું.   પાલક નરમ થઇ જાય કે તૂરત ગેસ બંધ કરી દેવો.

પાલક અને ટામેટાને ઠંડા થઇ ગયા બાદ, મિક્સીમાં બારીક પીસી લેવા.

પીસેલા મિશ્રણમાં ૧ લીટર (પાંચ કપ) પાણી નાંખવુ અને ત્યારબાદ, તેણે ગરણીથી ગાળી લેવું. ગાળેલા સૂપને ફરી વખત ગેસ પર ગરમ કરવા મૂકવું. તેમાં મીઠું, સંચળ અને મરી નાંખી અને ઊફાળો આવવા દેવો. ઊફાળો આવ્યાબાદ, ૨-૩ મિનિટ સુધી પાકવા દેવો.

પાલકનો સૂપ તૈયાર છે. ગેસ બંધ કરી દેવો. સૂપમાં સૌપ્રથમ માખણ નાખી અને તણે મિક્સ કરવું અને ત્યારબાદ, લીંબુનો રસ નાંખી અને મિક્સ કરવો.

ગરમા ગરમ પાલકનો સૂપ, સૂપ બાઉલમાં ઉપર સાથે સાથે ક્રીમ અને લીલી કોથમીર નાંખી અને સજાવટ કરી  પીરસવો અને પીવો..

ગરમા ગરમ સૂપ સૂપ સ્ટિક, શેકેલી બ્રેડ સાથે પણ લઇ શકાય.

 

 

 

બ્લોગ લીંક: htpp://das.desais.net