ખોટો નાતો …(રચના)

ખોટો નાતો …(રચના)

રચયતા: શ્રી કેદારસિંહજી મે. જાડેજા (ગાંધીધામ – કચ્છ)જેને રામ થકી નહિં નાતો, મુરખ જન ફોગટ ફેરા ખાતો..

કાવાદાવા થી કરતો કમાણી, મનમાં મેલ ન માતો
પદ મેળવવા પર ને પીડતાં, લેશ નહિં એ લજાતો…

ભક્ત જનોના ભાવ ન જાણે, અવળાં કરે ઉતપાતો
સંત સભામાં આતંક આણિ, ફુલણશી છે ફુલાતો…

ધર્મ ના નામે ધતિંગ રચીને,અવળો અવરથી થાતો
મીઠી મધુરી વાણી વદી ને, ઠગતો જગત ના ઠગાતો..

ખબર નથી રઘુનાથની પાંસે, પળ પળ પાડો મંડાતો
ભૂત બનીને પડશે ભટકવું, મૂક્તિ માર્ગ ના કળાતો…

ચેત ચેત નર સંત સેવા કર, કર નારાયણ નાતો
દીન “કેદાર” દામોદર ભજિલે, શીદ ભમે ભટકાતો..

સાખી.

માનવ ભજી લે રામ ને, શાને તું ઝોકાં ખાય છે
ખબર ક્યાં છે ઉમર તારી, કઇ પળ થી પૂરિ થાય છે..

કરી લે રટણ  શ્રીરામ નું, ફોગટ ના ફેરા ખા નહિં
ભજીલે ભાવથી ભૂધર, અવર સંગ આવે નહિં..

સાભાર:રચિયતા : શ્રી કેદારસિંહજી મે. જાડેજા (ગાંધીધામ -કચ્છ)

www.kedarsinhjim.blogspot.com

.

(૨) પ્રેરક પ્રસંગ …

મસ્તરામ, એકાંત સેવી અવધૂત પાસે જઈને રાજાએ માંગણી કરી કે, “આપ સમર્થ અને ચમત્કારી સંત છો. આપની પાસેથી મારે સ્વર્ગ અને નર્કના દરવાજાઓનું દર્શન કરવું છે.”

અવધૂતે આજીજીનો જવાબ વાળ્યો નહીં અને ચૂપચાપ બેસી રહ્યા. આવી ઉપેક્ષાથી ગુસ્સે ભરાયેલો રાજા તેમની સામે આવીને ઊભો અને મોટેથી કહેવા લાગ્યો કે, “તમે ખરેખર સંત  હો તો મને સ્વર્ગ અને નર્કના દરવાજાનાં દર્શન કરાવો.”

અવધૂતે તુચ્છકારથી તેની સામે જોયું અને કહ્યું : “તું કોણ છો અને શા માટે આવ્યો છો?” રાજાએ માંડમાંડ ગુસ્સાને કાબૂમાં રાખ્યો અને કહ્યું : “ હું  આ પ્રદેશનો રાજા છું.” અવધૂતે હાંસી ઉડાવી. “તું રાજા છે ? તારા દીદાર તો કોઈ ભિખારી જેવા જણાય છે ! તારા જેવા રાજા હોય તો લોકોની હાલત ક્યાંથી સારી થઇ શકે ?”

રાજાનો ગુસ્સો સાતમા આસમાને  પહોંચી ગયો. તેણે તલવારની મૂઠ ઉપર હાથ મૂક્યો. અવધૂત હસવા લાગ્યા : “તારી પાસે તલવાર પણ છે ? આવા કટાયેલા હાથાથી તું લોકો ને ડરાવતો રહે છે ?” રાજાએ મ્યાનમાંથી ચમકતી તલવાર કાઢીને ઉગામી. સહેજ પણ થડકાર અનુભવ્યા વગર અવધૂત કહે : રાજા, “ જુઓ આ નર્કના દ્વાર ખુલવા લાગ્યા !” સંતના ઉપદેશથી અને તેનો આશય સમજાઈ ગયાથી રાજાએ તરત તલવાર ફેંકી દીધી અને સંતના ચરણ પકડી લીધા. “જુઓ રાજા ! હવે સ્વર્ગનાં દ્વાર ઉઘાડી રહ્યા છે !” રાજા સમજ્યો, સ્વર્ગ અને નર્ક બંને આપણી કરણી અને મનોવૃત્તીનાં સ્વરૂપ છે.

સાભાર :-નગીનદાસ સંઘવી

(શાંત તોમાર છંદમાંથી  પાઠક વર્ગ માટે પ્રસ્તુત)

.

જાઉં છે મરી, ને રામ….(ભજન)

જાઉં છે મરી, ને રામ….(ભજન)

.

 

.

.

જાઉ છે મરી, લે લગાડી …

જાઉ છે મરી …જાઉ છે  મરી ને રામ,

જાઉ છે મરી…

લે લગાડી રામ ભજી લે

જાઉ છે મરી…

.

જાઉ છે મરી …જાઉ છે મરી

લે લગાડી… હે રામ ભજી લે

જાઉ છે મરી…

.

મેળી, મંદિર, માળીયા તારા જાશે રે પડી

કાચી કાયાનું ધૂળ બંધાણું,

જાણે ધૂળની પળી …

જાઉ છે મરી ને રામ, જાઉ છે મરી..

લે લગાડી રામ ભજી લે

જાઉ છે મરી…

.

સગા, કુટુંબી તારું લૂંટવા લાગે, કાનની કડી,

સગા, કુટુંબી તારું લૂંટવા લાગે, ભાઈ કાનની કડી..

કાઢો, કાઢો એમ સહુ કહે, હવે રોકોમાં ઘડી

જાઉ છે મરી ને રામ, જાઉ છે મરી …

લે લગાડી…એ જી રામ ભજી લે,

જાઉ છે મરી….

માટે લે લગાડી રામ ભાજી લે

જાઉ છે મરી…

.

ફૂલણસીની જેમ ફૂલી રહ્યા છે

જાણે ગરથમાં ગળી

જમળા આવશે, જીવને લેવા

ભાંગશે નળી …

માટે જાઉ છે મરી ને રામ

જાઉ છે મરી...

માટે લે લગાડી રામ ભજી લે

જાઉ છે મરી

હે જી લે લગાડી રામ ભજી લે

જાઉ છે મરી…

.

હે…સાધુ સંતની, સંગત કરી લે

ગુરૂની સેવા એ વાત ખરી

સાધુ સંતની, હે જી સંગત કરી લે

ગુરૂની સેવા તો ખરી

દાસી જીવણ સંગ ભીમને ચરણે

જન્મ જાય રે ટળી …(૨)

જાઉ છે મરી ને હે રામ

જાઉ છે મરી …

.

લે લગાડી, હે…લે લગાડી રામ ભજી લે…

જાઉ છે મરી

લે લગાડી, રામ ભજી લે

લે લગાડી, રામ ભજી લે

જાઉ છે મરી …

જાઉ છે મરી ને રામ …

જાઉ છે મરી ..

માટે લે લગાડી, રામ ભજી લે

જાઉ છે મરી….

.

લાલ સૂપ … (ગાજર અને બીટ નું સૂપ ) …

લાલ સૂપ … (ગાજર અને બીટ નું સૂપ) …

 

શિયાળામાં સૂપ પીવાની મજા જ જુદી હોય છે, સાંજના ભોજન પહેલા જો એકાદ સ્વાદિષ્ટ સૂપ મળી જાય તો ?… આપણે અગાઉ વેજિટેબલ્સ નૂડલ્સ સૂપ, બ્રોકલી સૂપ અને પાલક સૂપ જોઈ ગયા, આજે આપણે લાલ સૂપ બનાવીશું. લાલ સૂપ નામ તમે કદાચ સાંભળ્યું નહિ હોય !?

હા, તો આજે આપણે લાલ સૂપ બનાવીશું. ના ભાઈ, ટામેટાનો નહિ, પરંતુ લાલ શાકભાજી નો, આ સૂપમાં  મોટાભાગના લાલ શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે છે.  જેવા કે ગાજર, લાલ બીટ, લાલ કેપ્સિકમ  -કોબીચ…વગેરેનો ….

 

સામગ્રી :

૧ નંગ મધ્યમ કદનું લાલ બીટ (નાના કટકામાં સમારવું)

૧ વાટકી લાલ પાનની કોબીચ (સમારેલી)

૧ નંગ નાનું ગાજર (નાના ટૂકડામાં સમારવું)

૧ નંગ લાલ સિમલા મિર્ચ (કેપ્સિકમ) (નાની નાની સમારવી)

બેબી કોર્ન -૪-૫  લાંબા ટૂકડામાં સમારવું

૧ નાની વાટકી બ્રોકલી (સમારી લેવું)

૨ ટે.સ્પૂન માખણ

૧ ટે.સ્પૂન કોર્ન ફ્લોર (મોટો ચમચો)

૧ નંગ આદુ (૧ ઈંચ નો ટૂકડો) (છીણી લેવું)

 

અથવા

 

૧ નાની ચમચી આદુની પેસ્ટ

૧/૨ નાની ચમચી સફેદ મરચા નો પાઉડર

૧/૨ નાની ચમચી કાળી મરીનો પાઉડર

મીઠું સ્વાદ અનુસાર

૧ ટે.સ્પૂન ચિલી સોસ

૧ નાનું લીંબુ (રસ કાઢી લેવો)

 

રીત :

 

બધા જ શાકભાજી સાફ કરી –ધોઈ, સમારીને તૈયાર રાખવા.

કોર્ન ફ્લોરને ૧/૨ વાટકી પાણીમાં નાંખી અને ઘોળી લેવો. (ધ્યાન રહે કે ગાંઠા ન રહે)

એક ભારે તળિયા વાળા વાસણમાં ૧-૧/૨ ચમચો માખણ નાંખી અને ગરમ કરવું. આદુની પેસ્ટ અને બીટ નાંખવું અને ૨ મિનિટ સુધી મધ્યમ તાપથી સાંતળવું.

હવે, બાકીના બધા જ શાક તેમાં નાંખી દેવા. અને શાકને ૨ -૩ મિનિટ ચમચાથી હલાવતાં રેહવું અને સાંતળવું. શાક ઢાંકી અને ફરી ૨-૩ મિનિટ પાકવા દેવું. આ શાકમાં ૭૦૦ ગ્રામ પાણી, કોર્ન ફ્લોર, સફેદ મરચાનો પાઉડર, મરી પાઉડર, મીઠું અને ચિલી સોસ નાંખવા.

સૂપને ઉફાળો આવે ત્યાંસુધી સતત ચમચાથી હલાવતાં રેહવું. ઉફાળો આવ્યાબાદ, તાપ ધીમો કરી અને ૩-૪ મિનિટ સુધી પાકવા દેવો. બસ, લાલ વેજીટેબલ સૂપ તૈયાર છે. ગેસ બંધ કરી દેવો અને સૂપમાં લીંબુનો રસ નાંખવો અને મિક્સ કરવો.

સૂપને બાઉલમાં કાઢી, માખણ અને લીલી કોથમીર નાંખી અને પીરસવો અને પીવો. ઉપર થોડું ક્રીમ-બટર પણ મૂકી શકાય.

બ્લોગ લીંક: htpp://das.desais.net

પાલક સૂપ …

પાલક સૂપ …

 

આપણે અગાઉ વેજીટેબલ નૂડલ્સ સૂપ અને બ્રોકલી સૂપ ને અહીં માણ્યો તો આજે આપણે માણીશું પાલક સૂપ. પાલક નો સૂપ તમે જાણો છો કે જે પૌષ્ટિક અને આઇરન (લોહતત્વ) થી ભરપૂર અને સ્વાદિષ્ટ હોય છે.અને  ઠંડીની  ઋતુમાં તો સૂપની મજા જ અનેરી હોય છે. આજે આપણે સાંજના ભોજન પહેલા પાલકનો સૂપ માણીશું.

સામગ્રી:

૫૦૦ ગ્રામ પાલક (એક બંચ )

૪ નંગ ટામેટા

૧/૨” ઈંચ નો ટૂકડો આદુ

૩/૪ – નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

૧/૨ – નાની ચમચી સંચળ પાઉડર  (કાળું મીઠું)

૧/૪ – નાની ચમચી (થોડું ઓછું) મરી પાઉડર

૧/૨  લીંબુ (અડધું)

૧ ટે.સ્પૂન માખણ

૧ ટે.સ્પૂન ક્રીમ (મલાઈ તાજી)

૧ ટે.સ્પૂન લીલી કોથમીર (બારીક સમારેલી)

 

રીત:

પાલકની ડાળખી કાપી અને સાફ કરવી. પાલકના પાંદડાને બે વખત પાણીમાં ડૂબાડીને સારી રીતે ધોઈને સાફ કરવા. ટામેટાને પણ ધોઈને સાફ કરવા. આદુ પણ છાલ ઊતારીને ધોઈ લેવું.

પાલક, ટામેટા અને આદુના મોટા મોટા ટૂકડા કરી ૨ -૩ ચમચા પાણી એક વાસણમાં લઇ અને તેને ગેસ પર ઉકાળવા મૂકવું.   પાલક નરમ થઇ જાય કે તૂરત ગેસ બંધ કરી દેવો.

પાલક અને ટામેટાને ઠંડા થઇ ગયા બાદ, મિક્સીમાં બારીક પીસી લેવા.

પીસેલા મિશ્રણમાં ૧ લીટર (પાંચ કપ) પાણી નાંખવુ અને ત્યારબાદ, તેણે ગરણીથી ગાળી લેવું. ગાળેલા સૂપને ફરી વખત ગેસ પર ગરમ કરવા મૂકવું. તેમાં મીઠું, સંચળ અને મરી નાંખી અને ઊફાળો આવવા દેવો. ઊફાળો આવ્યાબાદ, ૨-૩ મિનિટ સુધી પાકવા દેવો.

પાલકનો સૂપ તૈયાર છે. ગેસ બંધ કરી દેવો. સૂપમાં સૌપ્રથમ માખણ નાખી અને તણે મિક્સ કરવું અને ત્યારબાદ, લીંબુનો રસ નાંખી અને મિક્સ કરવો.

ગરમા ગરમ પાલકનો સૂપ, સૂપ બાઉલમાં ઉપર સાથે સાથે ક્રીમ અને લીલી કોથમીર નાંખી અને સજાવટ કરી  પીરસવો અને પીવો..

ગરમા ગરમ સૂપ સૂપ સ્ટિક, શેકેલી બ્રેડ સાથે પણ લઇ શકાય.

 

 

 

બ્લોગ લીંક: htpp://das.desais.net


શા કામનું ?….(રચના)

શા કામનું ?….(રચના)

.

જન્મ ધરિ ને કાંઇ ન કિધું, જીવન તારૂં શા કામ નું

હવે દેખિ બુઢાપો કરે બળાપો, હવે સમજ્યે શા કામ નું…

.

જવાની જોશ માં ગુજરી, નચાવ્યા નાચ નટીઓ ના

કર્યા નાટક અને ચેટક, ન જાણ્યા જાપ જતિઓ ના

મોહ માયા માં જીવન વિતાવ્યું, નામ લીધું નહીં રામ નું…

.

કરી ના સંત ની સેવા, ગયો નહિં ગ્યાન ને લેવા

ભજન માં ભાગ ના લીધો, મેળવીયા માન ને મેવા

રંક જનો ને ખુબ રંજાડ્યા, ધન સંઘર્યું શા કામ નું…

.

બનાવ્યા બંગલા મોટા, ભર્યા ભંડાર મોતી ના

હવે-ઊઘાડો એકલો સબડે, પડ્યા સાંસા છે જ્યોતી ના

યમ દુતો જ્યારે દ્વારે દેખાણા, જોખમ લાગ્યું જાન નું…

.

હવે ના હાથ હાલે છે, શરણાઇ વાગે સ્વાસ ની

સુતો જે સેજ સૈયા પર, પડ્યો પથારી ઘાંસ ની

યાદ આવી હવે ઇશ કેરી, લાધ્યું રટણ શ્રી રામ નું…

.

હજુ છે હાથ માં બાજી, હરિ હુકમ નું પાનુ છે

સુધારે સામળો સઘડું, ગતી ગોવિંદ ની ન્યારી છે

“કેદાર” હરપલ હરિ જપી લે, સ્મરણ કરી લે શ્યામ નું…

.

રચિયતા : શ્રી કેદારસિંહજી મે. જાડેજા  (ગાંધીધામ – કચ્છ)

બ્રોકલી સૂપ …

બ્રોકલી સૂપ …

 

બ્રોકલીનો સૂપ અનેક રીતે બનાવી શકાય છે.

સફેદ વેજીટેબલ સ્ટોકથી બનાવેલ બ્રોકલી સૂપ જેટલો બનાવવામાં આસાન છે એટલો જ પીવામાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે.

સામગ્રી :

 

૩૦૦ ગ્રામ બ્રોકલી ( લગભગ ૧ બ્રોકલીનું ફૂલ)

૧૫૦ ગ્રામ ટામેટા (લગભગ ૩ નંગ)

૧૫૦ ગ્રામ બટેટા ( લગભગ ૨ નંગ)

૧ નંગ આદુનો ટૂકડો ( ૧ ઈંચ નો ટૂકડો)

૮ નંગ કાળી મરી

૪ નંગ લવિંગ

૧ નાની ચમચી મીઠું  (સ્વાદાનુસાર)

૧-૧/૨ – ટે.સ્પૂન માખણ

૧/૨  – ટે.સ્પૂન લીલી કોથમીર (બારીક સમારેલી)

 

રીત :

બ્રોક્લીના ટૂકડા કરી અને ખૂબજ સારી રીતે પાણીથી સાફ કરી લેવી અને એક વાસણમાં એટલું પાણી લેવું કે તેમાં બ્રોક્લીના ટૂકડા ડૂબેલા રહે. અને તે પાણી ગેસ પર ગરમ કરવા મૂકવું. પાણીનો ઊફાળો આવ્યા બાદ,  બ્રોક્લીના ટૂકડા તેમાં નાંખવા અને વાસણને ઢાંકી અને ૨ મિનિટ પછી ગેસ બંધ કરી દેવો. બ્રોક્લીના ટૂકડાને ૫ મિનિટ સુધી અંદર ઢાંકેલા વાસણમાં જ રેહવા દેવા.

ટામેટાને ધોઈ અને મોટા ટૂકડામાં સમારી લેવા. બટેટાની છાલ ઉતારી અને તેણે સમારી લેવા. (બટેટાને ચિપ્સ ના આકારમાં પાતળા સમારવા) બ્રોક્લીની ડાળખી કાઢી અને તેના ટૂકડા કરવા. આદુને પણ નાના ટૂકડામાં સમારવું.

બીજા વાસણમાં એક ટે.સ્પૂન માખણ નાંખી અને ગેસ પર ગરમ કરવું. તેમાં મરી, લવિંગ અને તજ નાંખી અને આછા સાંતળવા.  ટામેટા, બટેટા અને બ્રોક્લીના ટૂકડા અંદર નાંખી અને મિક્સ કરવા અને તેમાં થોડું પાણી નાંખી વાસણ ઢાંકી અને ૬ – ૭ મિનિટ સુધી પાકવા દેવું. ઢાંકણું ત્યારબાદ ખોલીને જોવું કે બટેટા બફાઈ ગયા છે કે નહિ ? અને જો બટેટા કાચા હોય તો ફરી ૨ -૩ મિનિટ ઢાંકણ ઢાંકી અને પાકવા દેવા અને ત્યાબાદ, ગેસ બંધ કરી દેવો અને ઠંડું પાડવા દેવું.

બટેટા, ટામેટા નો મસાલો અને ૧/૨ બ્લાચ કરેલા બ્રોક્લીના ટૂકડાને મિક્સીમાં બારીક પીસી લેવા. પીસાઈ ગયેલ મસાલો બ્રોક્લીના વાસણમાં નાંખી તેમાં ૪ કપ પાણી અને સ્વાદ અનુસાર મીઠું નાંખી અને ઊફાળો આવવા દેવો. ઊફાળો આવ્યા બાદ, ૩-૪ મિનિટ સુધી ઉકાળવા દેવું અને ગેસ બંધ કરી દેવો.


બ્રોક્લીનો  સૂપ તૈયાર છે. સૂપમાં બારીક સમારેલી કોથમીર નાંખી અને સૂપના બાઉલમાં થોડું માખણ નાંખી અને પીરસવું અને મોજથી પીવું…

બ્લોગ લીંક: htpp://das.desais.net

હાર્દિક સ્વાગત

પ્રિય મિત્રો,

નમસ્તે !

ગુજરાતી બ્લોગ જગતમાં ‘દાદીમાની પોટલી’ બ્લોગ પર આપનું હાર્દિક સ્વાગત છે. મારા આ બ્લોગ પર હું મારી તેમજ મારી પસંદગી ની  રચનાઓને સંકલન કરી મૂકવા નમ્ર કોશિશ કરું છું ……..(જેવી કે…લઘુકથા…બાળવાર્તા… પ્રેરક તેમજ બોધ કથા…ભજન-રાસ-ગરબા -લગ્ન ગીત …લોક ગીત.. હસાહસ.. .દાદીમાની રસોઇ – રસોડા ની ટીપ્સ…તેમજ અન્ય રચના …).. અને તે માટે હંમેશા પ્રયત્નશીલ રહીશ કે આપ સૌ સરળતાથી મારા બ્લોગને જાણી અને માણી શકો. આપના અભિપ્રાયો અને ખાસ કરીને મારી પસંદગીની રચનાઓ વિશેની આપની ટિપ્પણીઓ સહર્ષ મને હંમેશ આવકાર્ય રેહશે..

આ બ્લોગનું સંચાલન હું નોર્થમ્પટન -ઇંગ્લેન્ડ થી કરું છું. બ્લોગ ની મેં શરૂઆત કરી, ત્યારે કશી જતે અંગેની ગતા -ગમ મને નોહતી અને હજુ પણ નથી. પરંતુ બ્લોગર મિત્રોના માર્ગદર્શક પ્રતિભાવ અને સૂચનો ને ધ્યાનમાં રાખી અને વખતો વખત સુધારા કરતો જાઉં છું; છતાં આ જગત બહુજ મોટું હોય હું આ જગતમાં પા-પા પગલી જ ભરું છું.. મારા થી અજાણતા રહી જતી ક્ષતિ કે થતી ભૂલોને ન ગણ્ય કરવા વિનંતી અને શક્ય હોઈ તો તે અંગે મારું ધ્યાન દોરવા વિનંતી જેથી તે સુધારી શકું.

આ બ્લોગમા ફક્ત ને ફક્ત મારી પસંદગીનું શિસ્ત અને પ્રેરક વાંચન, રસોઈ ની સામગ્રી સાથે સંતવાણી – ભજન -કીર્તન મૂકવાની કોશિશ કરેલ છે અને કરતો રહીશ. વિવાદાસ્પદ રચના  કે વિચારોને  ને ક્યારેય અમે પ્રોત્સાહિત કરેલ નથી તેમજ તેવા વિચારોને કે લખાણને અહીં  ક્યારેય સ્થાન ના મળે તેવી મારી નમ્ર કોશિશ રેહશે. ફક્ત મારા આનંદ માટે જ બ્લોગ ની રચના કરેલ હોય, કોઈ નામ ની મહત્તા કે ભૂખ નથી અને ક્યારેય નહિ હોય.

મારા બ્લોગ ઉપર દર્શાવેલ મોટા ભાગનાં ચિત્રો/ફોટોગ્રાફ્સ વેબ જગતને આધારિત  છે, જે માટે હું વેબ જગતનો અત્રે આભારી છું.

સસ્નેહ,

અશોકકુમાર -‘દાસ’

મુખ્ય વેબસાઇટ: ‘દાદીમાની પોટલી’

http://das.desais.net

અમારા અન્ય બ્લોગ્સ:

‘કાકુ’….. સ્વરચિત કવિતા નો બ્લોગ…

kaku.desais.net

સંપર્ક:[email protected] (‘દાદીમાની પોટલી’..)

[email protected](‘કાકુ’)

* * * * * * * * * અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે.

અંહી મુક્વામાં આવેલા ભજન, પુષ્ટિમાર્ગ દ્વારા શ્રીઠાકોરજી ની ભક્તિ દર્શાવવા માટે જ છે, જે ડાઉનલોડ થઇ શકે એમ નથી….તથા દરેક ભજનની mp3 નાં કોપીરાઇટ્સ જે તે રચયિતાનાં પોતાનાં રહે છે. જો કોઇ કોપીરાઇટ્સ નો ભંગ થતો જણાય તો મારો સંપર્ક કરવા વિનંતી. જેને અત્રેથી દૂર કરી નાખીશું.

۞ Disclaimer : This blog is not for any commercial purposes.

* * * * * * * * *

માનવ દેહ …(રચના)

(૧) માનવ દેહ …(રચના)

.
માનવ કેરો દેહ મળ્યોછે, ચોરાશી તરવા તને
માયામાં જો મોહી રહ્યો તો, મુક્તિ ક્યારે મળશે તને…

બચપણ મહીં મા-બાપની, માયા તને વળગી રહી
ભણ્યો તું ભાવ થી ભેરૂ, ભગવાન ને જાણ્યો નહિં
પછી આવી યુવાની, થઇ ને દીવાની, મદ થકી મળવા તને…

મળ્યા છે માન ને દોલત, મળ્યા નોકર અને ચાકર
નથી દુ:ખી કોઇ વાતે, રહે છે મહેલ માં જાકર
મળ્યું છે મોટું નામ તુજને, ભક્તિ ક્યારે મળશે તને…

થઇ જ્યારે ઉમર તારી, થયો નિવ્રુત તું તન થી
સંસાર કેરા સુખ માં, ચીટકી રહ્યો મનથી
યાદ ન આવી ઇશ કેરી, ભુલી ગયો ભગવાન ને…

અવસર તને આપ્યો હતો, કરવાને ભક્તિ ભાવ થી
સમજી શક્યો નહિં સાન માં, મોકો ગુમાવ્યો હાથ થી
“કેદાર” પારખ કોક નિકળે, જાણી લે જે જગ તાત ને…

રચિયતા : કેદારસિંહજી મે. જાડેજા (ગાંધીધામ-કચ્છ)

સંત સખુબાઈ…

સંત સખુબાઈ…

ઘણા વર્ષો પેહલાની આ વાત છે. મહારાષ્ટ્રના પંઢરપુર નજીક એક ગામમાં એક ગરીબ દંપતી રેહતું હતું. આ દંપતી ખૂબજ ધાર્મિક, દયાળુ અને માયાળુ સ્વભાવનું હતું. પોતાની પાસે અન્ય સંપતિ ના હોવા ને કારણે કોઈ દાન-ધર્મ તેઓ કરી શકતા નહિ, આમ છતાં, તેઓ સદા તેમને ત્યાં આવતા મેહમાનોની આગતા સ્વાગતા પોતાની રીતે કરતાં. લોકોને આવકારતા.

તેમને ત્યાં બાળકની ખોટ હતી.મહારાષ્ટ્રમાં પંઢરપુર એક પવિત્ર સ્થળ છે. ત્યાંના મોટાભાગના લોકો પાંડુરંગ વિઠ્ઠલા ની પૂજા કરે છે. આ દંપતી પણ હંમેશા પાંડુરંગ વિઠ્ઠલા ના મંદિરે જતા ને તેમની પાસે એક બાળક માટેની હૃદયથી પ્રાર્થના કરતાં. ઈશ્વર કૃપાથી તેમને ત્યાં એક દીકરી નો જન્મ થયો. જે ‘સખુ’ ના નામે ઓળખાતી. જે નાનપણથી અનેક ગુણ ધરાવતી હતી. તેનો હસમુખો સ્વભાવ, લોકો સાથે સંબંધ કેળવવાની ભાવના તેમજ દરેકને મદદરૂપ થવાની તેની રીતને કારણે લોકો તેમજ આડોશ પોડોશના લોકો તેને ખૂબ જ ચાહતા હતા. તે હંમેશાં તેની માતાને ઘરકામમાં તેમજ રસોઈકામમાં મદદ કરતી. તેના માતા-પીતા તેણે ખૂબ પ્યાર કરતાં.

કરાવિરાપુરા નામે ગામમાં કૃપનારાયા નામે એક પંડિત રેહતા હતા.કરાવિરાપુરા ક્રિશ્ના નદીને કિનારે વસેલું હતું. પંડિત પાસે રુચા-વેદનું જ્ઞાન હતું, પરંતુ તે તેનો ઉપયોગ ફક્ત પૈસા મેળવવા માટે જ કરતાં હતા, કોઈ સારા કામ માટે તેનો ઉપયોગ કરતાં નહિ. પંડિતની પત્ની નું નામ ‘ગ્યાલીબાઈ’ હતું. પંડિતની પત્ની ખૂબક કર્કશ અને ઝગડાલુ સ્વભાવના હતા. તેઓ દરેકનું અપમાન કરતી, ભગવાનમાં માનતી નહિ. ઘરમાં મેહમાનને પણ ક્યારેય આવકાર આપતી નહિ.

તેઓ ને એક પૂત્ર હતો, તેનું નામ ‘ઓદુર્યા’ હતું. પંડિતે તેને વેદનું પોપટિયું જ્ઞાન આપેલ, તેને વેદ યાદ તો રહેતા હતા પરંતુ તેના જીવનમાં તેની કોઈ અસર નોહતી. કોઈ સારા ગુણ ન હતા , જેમે કે લોકોને મદદરૂપ થવું, વગેરે. તે કોઈ સારા મિત્રો પણ કેળવતો નહિ.

પંડિતના ઘરમાં પંડિતની પત્નીનું જ ચાલતું. બાપ-દીકરો ક્યારેય કશું ઘરમાં બોલી શકતા નહિ. પંડિતની પત્ની તેની મરજી મુજબ ઘરમાં નિર્ણય લેતી અને ગમે તે સાથે વાતચીત કરતાં કરતા ઝગડો કરવો તે તેનો સ્વભાવ હતો. તેનાથી લોકો દૂર ભાગતા, આડોશી -પાડોશી પણ તેની નજીક ફરકતા નહિ.

પંડિતનો પુત્ર પરણવા લાયક થયો, તેથી પંડિત તેના માટે છોકરીની શોધ કરવા લાગ્યો, પરંતુ તેના કુટુંબની છાપ ગામમાં સારી ના હોવાને કારણે તેને ત્યાં કોઈ દીકરી આપવા તૈયાર હતું નહી. પંડિતે આખરે આજુબાજુના ગામમા તપાસ કરવાનું શરૂ કર્યું. પંડિત ફરતા ફરતા સુખબાઈના ગામમાં આવ્યા. ગામમાં તપાસ કરતાં કોઈએ તેને પેલા ગરીબ દંપતી ?સુખબાઈનું ઘર બતાવ્યું. પંડિત તેમને ત્યાં આવ્યા અને તેને સુખબાઈએ કરેલી આગતા-સ્વાગતા પસંદ આવી અને તેણે પોતાના પૂત્ર સાથે લગ્ન માટે સુખબાઈના પિતા પાસે રજૂઆત કરી. પિતાને થયું કે આવા ધનાઢય ઘરમાં જો મારી પૂત્રી જશે તો ખૂબ સુખી થશે, કારણ તેઓને ત્યાં તો કોઈ કોઈ વખત બે સમય ભોજન પણ મળતું નહિ. સુખબાઈના પિતાને પંડિત કે તેના ઘર વિશે અન્ય કોઈ જ માહિતી નોહતી સિવાય તે ધનાઢ્ય છે. તેને એમ કે પ્રભુ વિઠ્ઠલાની કૃપાથી તેની પુત્રીને આવું સારું કુટુંબ મળેલ છે. તેથી તેણે પોતાની પુત્રીના વિવાહ માટે હા પાડી. સખુબાઈની ઉમર ત્યારે ફક્ત ૧૨ વર્ષની હતી. સખુની માતાને થયું કે તે હજુ તેની ઉમર નાની છે, તેથી તેને યોગ્ય ઉમર થાય ત્યાં સુધી પાછી ઘેર લઇ ગયા. પરંતુ ?તેની સાસુનો આગ્રહ હતો કે હવે સખુને તેના ઘરે પાછી મોકલવી જોઈએ, જો કે સખુની મા તેમ હજુ ઈચ્છતી નહતી. નાની સખુએ તેના સાસુ-સસરાને પોતાના માતા-પિતા અને પતિને ભગવાન સ્વીકારીને તેમણે ત્યાં ગઈ. પરંતુ ત્યાં તેઓનો તેની સાથેનો વ્યવહાર જોઈ અને તેને આઘાત લાગ્યો. સખુની સાસુ તને આખો દિવસ ઘરકામમાં જ વ્યસ્ત રાખતી, કપડા-વાસણ, વગેરે કામમાંથી નવરિજ થવાં ના દેતી અને ઘરના બધાજ જમીલે પછી જ તેને જમવા આપતાં અને તેમાં થોડો ભાત જ આપતાં અને બાકી બીજાની ડીશમાંથી વધેલ એઠું ખાવા આપતી. ગમે તેવી પરિસ્થિતિ કેમ ના હોય, પણ તેને કામ કરવું જ પડતું પછી ભલે ને તાવ-શરદી કેમ ના હોય ! આમછતાં એક કૂતરાને પણ ના મળે તેમ જમવા આપતાં. તેના ગરીબ માતા-પિતાને ત્યાંપણ ક્યારેય તને એઠવાડમાંથી ખાવા નોહ્તું મળતું. બીજું ઘરમાં ક્યાંય પૂજા કે ધર્મ જેવું કશું જ હતું નહિ. સખુબાઈને હતું કે તેના સસરા વેદના જાણકાર અને ધાર્મિક વૃતિના છે અને ધનાઢ્ય છે. પરંતુ તે બધું જ તને ખોટું પડતાં જોયું. એક દિવસ તે ભાત બનાવતી હતી ત્યારે એક બ્રાહ્મણ સારું ઘર છે અને ત્યાંથી કંઈક મળશે તેમ સમજી ભિક્ષા માંગવા આવેલ, સખુબાઈ તેને ભિક્ષા આપવા માટે બહાર નીકળીને હાથ લાંબો કર્યો તે સમયે તેની સાસુએ જોયું તો તરત જ તેને ગમે તેમ અપમાનિત કરી અને કેહવા લાગી કે તું આમ કરી અને ઘરને બરબાદ કરી નાખીશ. તેના સસરાએ પણ તેની પત્નીને સાથ આપ્યો અને કશું બોલ્યાં નહિ. સખુને આથી દુઃખ થયું. તેને દુઃખ હતું કે પોતે ગરીબ હતા છતાં તેના ઘરમાં દાન ધર્મ માટે થોડું તો બચાવીને રાખતા હતા જ્યારે અહીં આવું કશું જ કરતાં નથી, નથી કોઈ ધર્મ-કર્મ. જમવા પણ સાથે દેતા નહિ. આ બધું જોઈ તે રડતાં રડતાં પ્રભુ વિઠ્ઠલા ને હંમેશ પ્રાર્થના કરતી કે પ્રભુ ઘરના સર્વેને સદબુદ્ધિ આપો.

આમ સખુને અનેક દુઃખ પડતા, તેનો પતિ પણ તેને ક્યારેય ચાહતો નહિ, તે જમી છે કે નહિ તે પણ ક્યારેય ધ્યાન આપ્યું નથી. તેને સખુની કશીજ પડી ન હતી. સખુને એક આશ્રિત (નિરાશ્રિત) ઘરમાં હોય તેમ રાખતા હતા. તેની સાસુ વધુ ને વધુ સખુબાઈ પર નિર્દયી વર્ત કરતી જતી હતી, પરંતુ સખુબાઈ તને મૂંગા મોઢે તે સહન કરી લેતી. તેને ભૂખી રાખી તડપાવતા ત્યારે સખુબાઈ, થાકીને પ્રભુ વિઠ્ઠલાને રડતાં રડતાં ફક્ત પ્રાર્થના જ કરતી કે પ્રભુ તું જ મારા માતા-પિતા છે, તું જ મારું સર્વસ્વ છે, આ બધું ક્યા સુધી મારે સહન કરવાનું ? હવે કેટલી તું મારી કસોટી કરીશ?

ધીરે ધીરે સખુબાઈ પ્રભુ વિઠ્ઠલાની ભક્તિ તરફ વળી ગયા, ઘરના કામકાજમાં પણ પ્રભુનું જ સમરણ. સુતા-જાગતા, ઊઠતા-બેઠતા પ્રભુ વિઠ્ઠલા સિવાય કશું જ નહિ. ગમે તેટલા દુઃખમા પણ એક જ નામ. શરીર સુકાવા લાગ્યું, હવે તો ફક્ત હાડ જ શરીરમાં રહ્યા. આસપાસના લોકોને પણ દયા આવવા લાગી, પરંતુ ગ્યાલીબાઈ, સખુબાઈની સાસુને આ વાત કહે કોણ? ‘ બિલાડી ને ડોકે ઘંટ કોણ બાંધે ?’ લોકોએ તેને સલાહ આપી કે શા માટે આ દુઃખ સહન કરે છે, તારા માતા-પિતાને ત્યાં કેમ ચાલી જતી નથી? પરંતુ સખુબાઈએ કહ્યું પ્રભુ વિઠ્ઠલા જ મારા માતા-પિતા છે. તે મારી રક્ષા કરશે, તમે ચિંતા કરો નહિ.

તેના સાસુ -સસરા-પતિની આટલી બધી ક્રુરતા છતાં, તે કશું જ બોલતી નથી અને મૂંગે મોઢે સહન કરે છે, લોકો ને પણ આશ્ચર્ય થાય છે કે આ આ બધું કઈ રીતે સહન કર છે? ફક્ત પ્રભુ વિઠ્ઠલા નું નામ લઈને. લોકો પણ પ્રભુ વિઠ્ઠલા ને તેના માટે પ્રાર્થના કરવા લાગ્યા.

એક દિવસ સખુબાઈ તેના પાડોશી શાંતાબાઈ સાથે ક્રિશ્ના નદીએ પાણી ભરવાં માટે ગઈ. યાત્રાળુઓનું નું એક ટોળું પંઢરપુરની જાત્રાએ જવા નદીને કિનારે પળાવ નાંખીને બેઠા હતા અને તેની રસોઈ ના કામકાજમાં હતા અને સાથે સાથે પ્રભુ વિઠ્ઠલાનું નામ સમરણ કરતાં હતા. સખુબાઈએ તે સાંભળ્યું અને તે તેઓ તરફ ચાલી નીકળ્યા અને તેઓ સાથે પ્રભુ વિઠ્ઠલાનું નામ લેવા લાગ્યા.અને પ્રભુનાં નામમાં એવા મગ્ન થઇ ગયા કે તે ઘરના કામકાજ વગેરે બધું ભૂલી ગઈ, અને તેણે શાંતાબાઈને કહ્યું કે હવે હું પણ પંઢરપુર પ્રભુ વિઠ્ઠલાના દર્શને જઈશ.

શાંતાબાઈએ કહ્યું કે સખુ તારી સાસુને ખબર પડશે તો તારી ઉપર ગુસ્સે થશે અને તને વધુ હેરાન કરશે. પરંતુ સખુબાઈએ કશું જ સાંભળ્યું નહિ અને તે પણ યાત્રાળુઓ સાથે પંઢરપુર જવા ચાલી નીકળ્યા.

સખુબાઈની સાસુને જ્યારે આ વાતની જાણ થઇ કે તૂરત તે તેના દીકરા સાથે પંઢરપુર ચાલી નીકળી અને ત્યાં તેણે જોયું કે સખુબાઈ આંખ બંધ કરીને પ્રભુ વિઠ્ઠલાનું નામ લઇ નાચતા હતા, ત્યારે તેની સાસુએ બહુ બુમ પાડી તેને બોલાવવાની કોશિશ કરી પણ તેને કશો જવાબ ના મળતા તેની સાસુએ તેના વાળ ખેંચીને તેને બોલાવી. તેને મારી ખેંચીને પોતાની સાથે ઘેર લઇ ગયા. તે ઘરેથી ભાગી ના જાય તે માટે તેને થાંભલે બાંધી રાખી. તેણે જમવાનું પણ છોડી દીધું. સતત દુઃખ વચ્ચે પણ તેણે ભક્તિ ના છોડી.

આવી પરિસ્થિતિમાં ભક્તિ કરતાં,પ્રભુ વિઠ્ઠલાએ તેની ઉપર જે કૃપા કરી તે ખૂબજ આશ્ચર્ય જનક ઘટના છે. તે હંમેશાં પ્રભુ વિઠ્ઠલા વિઠ્ઠલા સિવાય કશું જ કરતી નહિ.

એક મધ્ય રાત્રીના એક સ્ત્રીના સ્વરૂપમા પ્રભુ આવ્યા અને તેને કહ્યું, સખુ, હવે તને નથી લાગતું કે તને વિઠ્ઠલા ના દર્શન થાય. તું પ્રભુ વિઠ્ઠલા ના દર્શન કરવા માંગે છે તો તું જા અને તું પાછી નહિ આવીશ ત્યાં સુધી હું અહીં રહીશ અને તારું બધું કામ કરીશ.

સવારે ઊઠીને તેની સાસુ અને પતિએ જોયું કે આટલુ આટલું કરવા છતાં કોઈ ભગવાન નું નામ કેમ લઇ શકે જ્યારે સખુ હજુ વિઠ્ઠલાનું જ રટણ કરે છે. તેની સાસુએ કહ્યું અંદર જા અને નાહીં ને રસોઈ બનાવ. પ્રભુ રૂપી સખુબાઈ શાંતિથી અંદર રસોઈ કરવા ગયા. ઘરના બધા કામ કર્યાં ડીશ પણ સાફ કરી. પરંતુ વિઠ્ઠલાનું નામ પણ સાથે લેતાં હતા.

આ સાંભળીને તેની સાસુ ચિડાઈ ગઈ અને બુમ પાડી કે ચૂપ રહે, ‘હું આ ગંદો શબ્દ’ સાંભળવા નથી માંગતી. ભગવાન રૂપી સખુએ કશો ઉત્તર આપ્યા વિના ઘરના બધાજ કામ કાજ કરતી રહી. આશ્ચર્યની વાત એ બની કે આ દિવ્ય હાજરીને કારણે સાસુ અને પતિમાં પણ પરિવર્તન આવ્યું અને તેઓ હવે સખુને ગાળો આપતાં નથી કે મારતા નથી. આડોશ પાડોશના લોકોને પણ આ જોઈ આશ્ચર્ય થયું.

આ બાજુ સખુબાઈ પંઢરપુરમા વિઠ્ઠલા ના દર્શન કરી અને ત્યાજ તેની ભક્તિ કરવા લાગ્યા અને બધું જ ભૂલી અને રોકાઈ ગયા. આમ ને આમ સખુબાઈએ પ્રભુ વિઠ્ઠલાનું નામ લેતાં લેતાં પંઢરપુર મા જ તેનો દેહ છોડી દીધો. લોકોને જાણ થઇ કે સખુબાઈએ દેહ છોડી દીધો છે. આ બાજુ પ્રભુ તો તેના ઘેર સખુબાઈ બનીને હજુ કામ કરતાં હતા. કારણકે તેણે સખુબાઈને કહેલ કે જ્યાં સુધી તું પાછી નહિ આવ ત્યાં સુધી હું અહીં રહીશ અને તારું કામ કરીશ.

હવે રુકમયી ને ચિંતા થઇ કે પ્રભુને પાછા કેમ લાવવા કારણ તે તો સકુબાઈની જગ્યાએ જ હજુ કામ કરે છે. આ માટે તેણે નક્કી કર્યું કે હવે એક જ ઉપાય છે કે સખુને પાછી તેના જીવનમાં મોકલાવી જરૂરી. રુક્મયીએ તેના ભક્તના સ્વપ્નામાં આવ્યા અને દર્શન આપ્યા કે તમે સખુના બાકી શરીરને લઇ આવો. લોકો સખુબાઈના બાકી દેહને લઇ આવ્યા, તેને રુક્મયી એ તેના દિવ્ય હાથે સપર્શ કરી અને સજીવન કર્યો અને સખુબાઈને કહ્યું તું હવે કરાવિરાપુરા પાછી જા ને ભગવાન ત્યાં તારી જગ્યાએ છે તેને પાછા મોકલ. જા તને મારા આશીર્વાદ છે.

સખુબાઈ પાછા કરાવિરાપુરા ગયા અને કૃષ્ણાના કિનારે પ્રભુ હતા ત્યાં તેને મળી અને તેના પગમાં પળી ગયા. અને કહ્યું ઓ પ્રભુ!

આ મેં શું કર્યું ? હું પણ કેવી ગાંડી છું કે મારા બધા જ કામ તમારી પાસે કરાવડાવ્યા. અને એટલું જ નહિ, હું તો ભૂલી જ ગઈ હતી અને મને યાદ પણ નોહ્તું કે તમે અહીં છો,?હું નથી જાણતી કે તમારે મારા કેવા કેવા કામ અહીં તમારે કરવા પડ્યા? પ્રભુ મને માફ કરજો.

ભગવાન વિઠ્ઠલા હસીને કહે છે કે મારા ભક્તો માટે આ બધું કશું જ નથી.

હવે પછી તારું જીવન સુખી થાઓ. તું તારા જીવન વડે લોકોની સેવા કર.

સખુને પ્રભુ એ આશીર્વાદ આપ્યા, અને તે હસતા હસતા ઘેર પાછા ફરિયા.

ગ્યાલીબાઈએ જ્યારે લોકો પાસેથી પોતાની વહુની આ વાત જાણી, ત્યારે તેણે કહ્યું :’શું પ્રભુ તમારી લીલાં! ‘અને સખુબાઈ ને કહ્યું કે તમે જૂની વાત ભૂલી જાઓ, તમે તો આ ઘરની જ્યોત છો અને ?ખૂબજ વ્હાલથી આવકાર્યા.

સખુબાઈના પુરા સંસારિક જીવનમાં પરિવર્તન આવ્યું, ત્યારબાદ, તેના સાસુ -સસરા -પતિ બધા જ સુધરી ગયા, તેઓનું જીવન ભક્તિમય થઇ ગયું.

બાકીનું જીવન સખુબાઈએ શ્રદ્ધા,ભક્તિ અને લોકોની સેવામાં જ વિઠ્ઠલાને સમર્પિત કર્યું.

તલ માવાની બાટી…

તલ માવાની બાટી…

મકર સંક્રાતી પર તલના વ્યંજન આપણે બનાવતા હોય છે, જેમ કે તલના લાડુ, તલની ચિકી-તલ સાકરી વગેરે…આજે આપણે તલ માવાની બાટી બનાવીશું…

સામગ્રી :

૫૦૦ ગ્રામ સફેદ તલ ( ૪-કપ)

૪૦૦ ગ્રામ માવો (૨-કપ)

૪૦૦ ગ્રામ ગોળ (૨-કપ)

૨ -નાના ચમચા ઘી

૧/૨ -કપ કાજુ (૩૦ નંગ આસપાસ)

૧૦ નંગ એલચી

 

રીત :

તલને સાફ કરવા, એક કડાઈમાં તલ ને નાંખી અને તેને ગેસ પર ધીમા તાપે શેકવા, તલને આછા બ્રાઉન થાય ત્યાં સુધી શેકવા અને ત્યારબાદ, ગેસ બંધ કરી દેવો.

શેકેલા તલ ને એક વાસણમાં અલગથી રાખી દેવા અને તેમાંથી ૧/૨ કપ તલ અલગ કરીને બાકીના તલને મિક્સરમાં કરકરા પીસી લેવા. (અધ કચરા)

માવાને એક કડાઈમાં નાંખી અને ધીમા તાપે ગેસ પર આછો બ્રાઉન શેકવો.

(જો માવાને શેકતી સમયે, તેમાંથી ઘી છૂટવા લાગે તો ઘીને કડાઈમાં રેહવા દેવું અને માવો અલગથી એક ડીશમાં કાઢી લેવો. જ્યારે ગોળને આપણે ગરમ કરવાનો થશે ત્યારે કડાઈમાં રહેલ ઘીનો ઉપયોગ કરીશું. અલગથી રાખેલ ૨-ચમચી ઘીનો ઉપયોગ ના કરવો.)

૨૦ નંગ કાજૂના બે પીસમાં (બ ભાગમાં) (ઊભા) લંબાઈમાં કટકા કરવા, જેનો ઉપયોગ બાટી બને ત્યારે તેની ઉપર લગાડવા કરીશું. બાકીના કાજૂને નાના ૭-૮ ટૂકડામાં કટકા કરવા.

એલચીનાં ફોતરા કાઢી અને તેના દાણાને બારીક પીસી લેવા. (ભૂકો કરવો)


ગોળને જીણો સમારી અને એક કડાઈમાં ઘી નાંખી અને તેમાં ગોળ નાંખી અને ધીમા તાપે ગરમ કરવો.ગોળ પીગળી જાય એટલે ગેસ બંધ કરી અને તે કડાઈમાં, પીસેલા તલનો ભૂકો, શેકેલો માવો, બારીક કરેલ કાજૂના કટકા, એલચીનો ભૂકો વગેરે ઘીમાં નાંખી અને સારી રીતે મિક્સ કરવું. આમ તલ માવાની બાટીનું મિશ્રણ તૈયાર થઇ જશે.


બાટી માટે તૈયાર થયેલા મિશ્રણમાંથી થોડું મિશ્રણ હાથમાં લઇ અને તેનો ગોળો બનાવવો અને ત્યારબાદ, હાથ વડે દાબીને બાટીનો આકાર આપવો. આકાર આપી દીધા બાદ તેની ઉપર તલ લગાડવા અને તલ લાગી ગયા બાદ, બે પીસ કરેલ કાજુ પૈકી એક કટકો કાજૂનો બાટીની વચ્ચે લગાડવો. અને તૈયાર થયેલ બાટીને અલગથી એક ડીશમાં રાખવી. આમ, ધીમે ધીમે બધીજ બાટી તૈયાર કરી લેવી.

બ્લોગ લીંક: htpp://das.desais.net


ચાલો ત્યારે, તલ માવાની બાટી તૈયાર છે. બાટીને ૩-૪ કલાક ખૂલી હવમાં રાખી દેવી. બસ, બાટી ખાઓ, ખવરાવો અને વધારાની બાટી એક એરટાઈટ વાસણમાં રાખી અને ઢાંકણું બંધ કરી દેવું. જયારે જયારે ખાવાની ઈચ્છા થાય ત્યારે ત્યારે તેમાંથી કાઢી અને ઉપયોગમાં લેવી.

નોંધ: કાચા માવા કે ઓછા શેકેલા માવાના ઉપયોગથી બનાવેલ બાટી જલ્દી ખરાબ થઇ જાય છે.