વ્રજલીલાનાં મૂકસાક્ષી પનઘટ…

વ્રજલીલાનાં મૂકસાક્ષી પનઘટ…

“સુંદર છે સરોવરની પાળ, ઝૂલે વડલાની ડાળ, ને છલકે છે ગાગરું ગામની વાટ ને હસે છે પનઘટના ઘાટ” શ્રીયમુનાજીના પનઘટ પર રોજની અલકમલકની વાતો, કયાંક કોઇ ગોપીની વહેતી આંખો ને કયાંક ખીલ ખીલ ઉઠતું હાસ્ય, પનિહારીઓના પગનાં ખનકતાં કડલા,નુપુરનો રણકાર અને હાથોના કંકણ-કિંકણીના ખનકારને પનઘટ પોતાના મનમાં સમાવતો જાય છે.શ્રીયમુનાજીના પનઘટનાં કોઇક ખૂણે ગુપચુપ સંકેતમાં થતી વાતોના વાયરા ને વાયુ વેગ દઇ રહ્યોં છે.નટખટ કનૈયો ચંદ્રલેખા,મેઘમાલા, ચંદ્રનના,ચંદ્રાવી, હર્ષિની, હર્ષા, કમલિની,કુમુદિનિ વગેરે પાણી ભરવા આવેલી સખીઓની ઠિઠોલી કરતોજાય છે અને તેમની ઇંઢોણીને ચોરતો જાય છે સાથે તેમની ભરેલી ગાગરડીઓને ઊંધી કરતો જાય છે. આપણે વૈષ્ણવો પુરૂષોત્તમ માસ દરમ્યાન પનઘટના મનોરથના દર્શનમાં તમામએ ક્ષણોમાં જીવી લઇએ છીએ જયાં એક સમયે પનિહારીઓ માતા યશોદાને સાચી ખોટી ફરિયાદો કરી રહી છે, મર્કટ સાથે મર્કટ બનેલા કનૈયાનું સુમધુરુ હાસ્ય સંભળાઇ રહ્યું છે ને, ગગરીઓ સખીઓ બનીને એકબીજા સાથે વાત કરી રહેલી છે. વૃક્ષની ઉંચી ડાળીએ કનૈયાએ સખીઓની બધી જ ઇંઢોણીઓ એકબીજાની સાથે બાંધી રાખેલી છે.ગોપસખાઓ સાથે કનૈયાએ કરેલી દાણ લીલાઓ અને રસેશ્વરી રાધાના ઉપાલંભો મીઠા લાગી રહ્યાં છે.કદંબની ડાળી પર મહેંકી રહેલા ફૂલો, ને વહી રહેલા મીઠી વાંસળીના મધુર સુરોને પનઘટ વહાવી રહ્યું છે અને પનઘટના કિનારે વૃક્ષોની આજુબાજુ થયેલી આંખમિચોલીના ખેલમાં પનઘટ પણ કનૈયાની સાથે ખેલી રહ્યું છે.આમ તો યમુનાના પનઘટ સાથે વ્રજની ઘણી બધી યાદો જોડાયેલી છે પરંતુ ગોપીઓ જે રીતે પનઘટ સાથે જોડાયેલી છે તે જ રીતે પનઘટ પણ ગોપીઓ સાથે જોડાયેલો છે કનૈયાનાં બધા જ તોફાનોનો, ને તેનાં અવનવા અદભૂત ખેલનો એકમાત્ર મૂક સાક્ષી શ્રીયમુનાજીનો પનઘટ જ છે.જયારે શ્રીઠાકુરજી મથુરા પધાર્યા ત્યારે સર્વે એ જ ગોપીઓ,એ જ નિસર્ગ અને એ જ વ્રજવાસીઓની મૂક વેદનાનો પણ એકમાત્ર સાક્ષી પનઘટ છે.”કયારેક પનઘટને જો વાચા આવી જાય તો તે કહેશે કે મૈયા-બાબાને સર્વે વ્રજવાસીઓની વ્યથા સાથે રડતી રાતી થયેલી આંખોને તો સૌએ ભાળી પણ રડતાં રડતાં હું થયો પાણી પાણી તેમ છતાં મારા મનની વાત સૌથી અજાણી અને સાચું જ છે ને!!!!! ” વળી શ્રી યમુનાજીના પનઘટનાં એ પાણીમાં પણ રડતી રાધાના ખારા આંસુ પણ ભળ્યાજ હશેને…?? બસ આમ જ વ્રજનારી અને વ્રજનિશની કેટલીયે વાતોને પનઘટ યુગોથી પોતાના હ્લદયમાં સંતાડી રહ્યું છે ને પનઘટના દર્શન દરમ્યાન આપણે વૈષ્ણવો પણ વ્રજવાસી બનીને વ્રજ અને વ્રજલીલાનાં મૂકસાક્ષી બની જઇએ છીએ…

.

આલેખન:પૂર્વી મલકાણ

“Purvi Malkan” <[email protected]>

(ઉપરોક્ત લેખનું આલેખન શ્રીમતી પૂર્વીબેન મલકાણે કરેલ છે, જેઓએ આ અગાઉ પણ અત્રે તેમની રસોઈની અનેક પોસ્ટ મૂકેલ છે. આજે તેમની કલમે એક વ્રજની સુંદર વાત રજૂ કરવા કોશિશ કરેલ છે, જે અત્રે અમોએ સાભાર આપ સર્વે માટે પ્રસ્તુત કરવાં નમ્ર કોશિશ કરેલ છે.)

સ્નો ઇન વેમ્બલી-લંડન…

તારીખ.૧૮.૧૨.૨૦૧૦ ના અમારે ત્યાં વેમ્બલી -લંડનમાં પડેલ સ્નો ની એક ઝલક … સ્નો પડે ત્યારે નાના – મોટા સૌને જે આનંદ આવે છે અને તે આનંદ કઈ રીતે માણે છે તે અમારાં ઘરની તસ્વીર પરથી જાણી શકશો .. તમોને પણ આનંદ જરૂર આવશે…