સ્ટફ્ડ રવા ઈડલી … અને દાળ ચોખાની ઈડલી …

સ્ટફ્ડ રવા ઈડલી …

rava idli

ઠંડીની ઋતુમાં આપણને ઈચ્છા થાય કે કશુંક ગરમ ખાવાનું મળે તો મઝા પડી જાય. આવા સમયે જો વરાળ નીકળતી હોય તેવી ગરમા ગરમ સ્ટફ્ડ રવા ઈડલી મળી જાય તો એનાથી વધુ ઉત્તમ શુ?

દાળની ઈડલી તમારે બનાવવી હોય તો પેહલાથી જ દાળને પલાળવી પડે છે. પરંતુ રવા ઈડલી તો જ્યારે મન થાય ત્યારે તૂરત જ બનાવી શકાય છે. તેમાં પણ આપણને મન પસંદ સ્ટફ (પુરણ/માવો) ભરીને બનાવવામાં આવે તો તે એક અલગ જ સ્વાદિષ્ટ સ્ટફ્ડ રવા ઈડલી બનશે. તો ચાલો આજે સ્ટફ્ડ રવા ઈડલી બનાવીએ.

સામગ્રી:

૩૦૦ ગ્રામ રવો (૧-૧/૨ -કપ)

૩૦૦ ગ્રામ દહીં (૧-૧/૨ -કપ)

૧/૪ – કપ પાણી

૧ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

૧ નાની ચમચી (ENO Salt) ઈનો પાઉડર

૨ ટે.સ્પૂન તેલ

૧ નાની ચમચી રાઈ

૭ – ૮ નંગ મીઠાં લીંમડાના પાન

૧ નાની ચમચી અળદ ની દાળ

૧ નંગ લીલું મરચું (બારીક સમારી લેવું)

.

ઈડલીમાં સ્ટફિંગ (પૂરણ) ભરવાની સામગ્રી:

 

૩ નંગ મધ્યમ આકારના બટેટા (બટેટાને બાફી લેવા)

૧- કપ પાલક ભાજી (બારીક સમારી લેવી)

૧ નંગ લીલું મરચું (બારીક સમારી લેવું)

૧ નાની ચમચી આદુની પેસ્ટ

૧/૨ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

૨ નાની ચમચી તેલ

 

રીત:

 

સૌ પ્રથમ દહીંને એકદમ ફેંટી લેવું.

ત્યારબાદ રવાને એક વાસણમાં સાફ કરી લેવો અને તેમાંજ દહીં નાંખી અને સાથે સારી રીતે હલાવી અને મિક્સ કરવું. ત્યારબાદ તેમાં પાણી અને મીઠું નાંખી અને સારી રીતે ફેંટવું. ખાસ ધ્યાન રહે કે તેમાં રવાના ગાંઠા ન રહે કે પડે.

ત્યારબાદ, એક નાની કડાઈ / વાસણમાં (બે) ૨- નાની ચમચી તેલ નાંખી ગેસ પર ગરમ કરવા મૂકવું. ગ્રામ થાય એટલે તેમાં રાય નાંખી અને સાંતળવી, ત્યારબાદ, તેમાં મીઠાં લીંબડાના પાન, અળદની દાળ નાંખી અને દાળને આછી બ્રાઉન થાય ત્યાં સુધી શેકવી. ત્યારબાદ, બધા જ મસાલા આ મિશ્રણમાં નાંખી અને મિક્સ કરી દેવા. આ મિશ્રણને ૧૫ મિનિટ સુધી ઢાંકી ને રાખવું જેથી રવો ફૂલી જાય.


રવાની ઇડલીમાં ભરવાનું સ્ટફ/પુરણ-માવો બનાવાની રીત:

બટેટાની છાલ ઉતારી અને તેનો બારીક છૂંદો (મેસ) કરવો. ત્યારબાદ, એક કડાઈ/વાસણમાં તેલ તેમાં નાંખી તેમાં લીલાં મરચા, આદુ નાખવું, ત્યારબાદ, પાલકની ભાજી નાંખી અને તેને પકાવવી. પાકી જાય એટલે તેમાં બટેટાનો છૂંદો નાંખવો અને તેને સારી રીતે અંદર મિક્સ કરી દેવો. બસ, ઈડલીમાં ભરવાનું પૂરણતૈયાર થઇ જશે.

ત્યારબાદ, એક કૂકરમાં બે નાના ગ્લાસ પાણી નાંખી અને ગરમ કરવા ગેસ પર મૂકવું.

ઇડલીના મિશ્રણમાં ENO-Salt (ઈનો-પાઉડર) નાંખી અને ચમચાથી હલાવવું. ઉભરો આવે /મિશ્રણ ફૂલે ત્યારે તેને હલાવવું બંધ કરી દેવું. ઈનો-પાઉડર નાંખ્યા બાદ, મિશ્રણ ને વધુ ફેંટવું નહિ. બસ ઈડલી બનવવા માટેનું મિશ્રણ તૈયાર છે.


સૌ પ્રથમ ત્યારબાદ, ઈડલી ના સ્ટેન્ડ ના દરેક ખાનામાં ચમચીની મદદથી તેલ લગાડવું અને ત્યારબાદ, મિશ્રણને ચમચાથી દરેક ખાનામાં અડધાથી ઓછું ભરવું. તે ભરાઈ ગયા બાદ, તેમાં સ્ટફ માટેનું પુરણ/માવો દરેક ઉપર થોડો થોડો મૂકવો અને તે મૂકાઈ ગયાબાદ, ફરી ઈડલીનું પૂરણ તેની ઉપર થોડું પાથરી અને પૂરણને ઢાંકી દેવું. આમ બધાજ ખાના ભરી દેવા.


લગભગ સ્ટેન્ડના માપ મૂજબ ૧૨ થી ૧૮ ઈડલી એક સાથે બનશે. કૂરમાં ૨ ગ્લાસ પાણી નાંખી અને ગરમ કરવા મૂકવું જ્યારે તેમાં વરાળ થાય, કે તરત તેમાં સ્ટેન્ડ મૂકવું અને ઢાંકણું બંધ કરવું. કૂકરના ઢાંકણામાં સિટી લગાડવી નહિ.તેજ તાપમાં ગેસ રાખી ઈડલીને પકવવા મૂકવી. ત્યારબાદ, ઢાંકણું ખોલીને અંદર ચપ્પુથી ચેક કરવું જો ચપ્પુમાં ઈડલી ચોંટે નહિ તો ઈડલી બની ગઈ તેમ સમજવું.

ત્યારબાદ, સ્ટેન્ડ બહાર કાઢી અને ઠંડું થવાં દેવું, અને ત્યારબાદ, ચપ્પુની મદદથી ધીરે ધીરે ઈડલી બહાર કાઢી અને એક પ્લેટમાં રાખવી. આમ, બધીજ ઈડલી તૈયાર કરવી.


ગરમા ગરમ સ્ટફ્ડ ઈડલી, સંભાર, નારિયેળની ચટણી, ચણાની દાળની ચટણી કે સીંગદાણાની ચટણી સાથે ખાવાના ઉપયોગમાં લઇ શકાય છે.

ટીપ્સ:

સ્ટફ્ડ ઈડલીમાં ભરવાં માટેના પૂરણને કોઈપણ વસ્તુનો ઉપયોગ કરીને બનાવી શકાય છે. જેમકે લીલાં વટાણા ક્રશ કરીને, ગાજર છીણેલું નાંખી, પનીર છીણીને મિક્સ કરી સ્ટફ બનાવી શકાય છે.

આ ઈડલી દાળ ચોખાની પણ બનાવી શકાય છે.

 

 

૨] દાળ ચોખા ની ઈડલી …

 

 

idli

 

 

ઈડલી દાળ ચોખાની બનાવવામાં આવતી હોય છે, પરંતુ જો અગાઉથી દાળ –ચોખાને પલાળી તેને પીસીને તેનું ખીરું બનાવી આથો ન આવ્યો હોય તો રવાની પણ ઈડલી બનાવી શકાય છે.

 

રવા અથવા સૂજી ની ઈડલી તરત ભલે બની શકે, પરંતુ તેનો સ્વાદ અને તેની સુગંધ ચોખાની બનેલી ઈડલીમાં જે હોય છે તે આ ઈન્સ્ટન / ઝડપથી રવાની બનેલ ઈડલી માં ક્યાંથી હોય ? ગરમાગરમ વરાળ નીકળતી ઈડલી અને એટલો જ ગરમા ગરમ સાંભાર જો આપણી સામે રાખવામાં આવે તો આપણે દરેક કામ છોડી અને ફક્ત ઈડલી માટે જ વિચારીશું. નાના બાળકોને પણ એટલી જ પસંદ આવે છે. જે નાસ્તામાં, બપોરના ભોજનમાં કે રાત્રીના ભોજનમાં પણ બનાવી શકાય છે.

 

દાળ – ચોખાની ઈડલી બનાવવા માટે સૌ પ્રથમ દાળ અને ચોખાને પલાળી, તેને પીસી અને તેનો આથો લાવવો પડે છે. ઈડલી પોચી – સ્પંજ વાળી તોજ બને કો જો તેમાં યોગ્ય આથો આવે. એટલા માટે આપણે સૌ પ્રથમ મિશ્રણ / ખીરું કરવા માટે પૂરું ધ્યાન આપવું જરૂરી છે. અને તેના માટે સૌ પ્રથમ ઈડલી ક્યારે બનાવી છે તે અગાઉથી નક્કી હોવું જરૂરી છે. પ્લાનિંગ કરવું જરૂરી છે. જો ઈડલી બે દિવસ પછી ખાવાની હોય તો ગરમ પ્રદેશમાં આગલે દિવસે સવારે જ દાળ –ચોખાને પલાળી દેવા જરૂરી છે. પરંતુ ઠંડા પ્રદેશમાં રહેનારને બે દિવસ અગાઉ સવારે દાળ – ચોખા પલાળવા જરૂરી છે. કારણ કે ઠંડા પ્રદેશમાં આથો આવતો સમય લાગે છે. તો ચાલો આપણે જલ્દીથી શરૂ કરીએ દાળ – ચોખાની ઈડલી બનાવવી.

 

સામગ્રી :

૩ કપ ચોખા
૧ કપ અડદ ની ધોયેલી દાળ
૧/૨ નાની ચમચી બેકિંગ સોડા (પાઉડર)
મીઠું સ્વાદ અનુસાર
તેલ ઈડલીના સ્ટેન્ડમાં લગાડવા માટે જરૂરી

 

રીત :

 
અડદની દાળ અને ચોખા બંનેને અલગ અલગ સાફ કરવા અને ધોવા અને ૪ કલાક અથવા પૂરી રાત માટે પાણીમાં પલાળવા.

 

અડદની દાળમાંથી વધારાનું પાણી કાઢી લેવું અને સામન્ય પાણીનો ઉપયોગ કરી અને તેને મિક્સીમાં કે પત્થર પર એકદમ બારીક (લીસી) પીસવી. આજ રીતે ચોખામાંથી વધારાનું પાણી કાઢી અને અને જરૂર પૂરતા પાણીનો ઉપયોગ કરી અને તેને કરકરા સામાન્ય દાણાદાર રહે તેમ પીસવા. ત્યારબાદ બંને ને મિક્સ કરી દેવા. મિશ્રણ / ખીરું એટલું નરમ ન હોવું જોઈએ કે ચમચાથી નીચે પાડીએ તો તૂર્ત ધારની જેમ પડે, પરંતુ તે એટલું ઘટ રાખવું કે તૂરત નીચે ન પડે.

 

મિશ્રણ / ખીરામાં ત્યાર બાદ જરૂરી મીઠું તેમજ બેકિંગ સોડા નાખી અને આથો લાવવા માટે ગરમ જગ્યા હોય ત્યાં ૧૨ -૧૪ કલાક માટે ઢાંકી ને રાખી દેવું. આથો આવેલું મિશ્રણ / ખીરું પહેલા કરતા ડબલ ફૂલાઈને થઇ જશે. ઈડલી બનાવવા માટે મિશ્રણ તૈયાર છે.

 

ઈડલી બનાવીએ

 

આથો આવેલ મિશ્રણને ચમચાથી હલાવવું, અને જો વધુ ઘટ લાગે તો તેમાં થોડું પાણી મિક્સ કરી શકો છો. ખાસ રહે કે મિશ્રણને બહુ મિક્સ ન કરવું કે જેને કારણે મિશ્રણમાં રહેલ હવા નીકળી જાય. ત્યારબાદ, ઈડલી બનાવવાનું સાધન હોય તો તેમાં અથવા તો ઈડલી મેકરમાં કે પ્રેશર કૂકરમાં ઈડલી બનાવી શકાય છે.

 

પ્રેશર કૂકરમાં ૨ નાના ગ્લાસ પાણી (લગભગ ૫૦૦ ગ્રામ પાણી) નાખી અને ગરમ કરવા માટે ગેસ પર રાખવું. ઈડલીનું સ્ટેન્ડ બહાર કાઢવું અને તેને સાફ કરી અને તેની પ્લેટમાં ઈડલીના ખાનામાં હાથેથી દરેક ખાનામાં તેલ લગાડી અને ચમચાની મદદથી ઈડલીના દરેક ખાનામાં ખીરું ભરવું/મુકવું. બધાજ ખાના ભરી અને સ્ટેન્ડમાં ગોઠવી અને સ્ટેન્ડ કૂકરમાં રાખવું. કૂકરનું ઢાંકણું બંધ કરી દેવું, તેમાં સિટી હોય તો કાઢી નાખવી., સીટી ઉપરથી ઢાંકણાંમાં લગાડવાની નથી.

 

ગેસ નો તાપ તેજ રાખી ૧૦ -૧૨ મિનીટ સુધી ઈડલી પાકવા દેવી. ત્યારબાદ ઢાંકણ ખોલી અને ચપ્પુની મદદથી ઈડલી ચેક કરવી, ચપ્પુની ધાર ઈડલી માં ખૂપાડવી અને બહાર કાઢવી, જો ચપ્પુ અંદરથી કશુંક પણ મિશ્રણ લાગ્યા વિના કોરૂ બહાર નીકળે તો સમજવું કે ઈડલી પાકી ગઈ છે. બસ ત્યાર બાદ ગેસ બંધ કરી દેવો. ત્યારબાદ સ્ટેન્ડ કૂકરમાંથી બહાર કાઢી અને દરેક પ્લેટ સ્ટેન્ડમાંથી બહાર કાઢી અને ઠંડી પડવા દેવી. અને ત્યાર બાદ ચપ્પુની મદદથી ઈડલીને પ્લેટના ખાંચામાંથી બહાર કાઢી અને એક ડીશમાં રાખવી. બસ ઈડલી તૈયાર છે.

 

ગરમા ગરમ ઈડલીને ગરમાગરમ સાંભાર અને નારીયેલની ચટણી, અથવા મગફળીની / સિંગદાણા ની ચટણી સાથે પીરસવી.

 

સ્પંજ ફૂલાવેલી ઈડલી બનાવવા માટે નીચે જણાવેલ વિગત ખાસ ધ્યાનમાં લેવી.

 

૧] મિશ્રણ / ખીરું વધુ પડતું પાતળું /પતલુ / ઢીલું ન હોવું જોઈએ. જો તે ઢીલું કે પાતળું હશે તો ઈડલી વધુ ફૂલશે નહિ. જો ભૂલથી તમારાથી ખીરું/મિશ્રણ ઢીલું /પાતળું રહી ગયું હોય તો તેમાં કોરા પૌવા થોડા મિક્સ કરી દેવા અને તેને ઘટ બનાવી લેવું.

 

૨] જે સાધન કૂકર કે ઈડલી મેકરમાં ઈડલી બનાવવા માંગતા હો તેનું પાણી પહેલે થી જ ગરમ રહેવું જોઈએ. જો ઈડલીને તરત જ ગરમ વરાળ નહી લાગે તો ઈડલી સારી રીતે નહિ ફૂલે.

 

૩] અડદની દાળ એકદમ બારીક પીસવી પણ ચોખાને બારીક ન પીસતા કરકરા પીસવા (દાણાદાર) અને બંને ને અલગ અલગ પીસવા. મિક્સ કરીને ન પીસવા.

 

૪] ઈડલીનું મિશ્રણ ઓછામાં ઓછું ૮ કલાક કે તેથી વધુ સમય રાખેલું હોવું જોઈએ. તો જ તેમાં આથો (ફરમેન્ટેશન) યોગ્ય રીતે આવશે. આમ છતાં જો તે મિશ્રણ સારી રીતે ફૂલેલ ન હોય / આથો આવેલ ન હોય તો તેમાં એક ચપટીક ઈનો સોલ્ટ પણ મિક્સ કરી શકાય છે.

 

૫] ઈડલીના મિશ્રણમાં ENO SALT મિક્સ ન કરતા બેકિંગ સોડા મિક્સ કરવું.

 

બસ આટલું ધ્યાન રાખવાથી તમારી ઈડલી એકદમ સ્પંજી – ફૂલી ને નરમ અને સ્વાદિષ્ટ બનશે.

 

બ્લોગ લીંક: htpp://das.desais.net

email : [email protected]