મગની દાળ ની કઢી …(ગુજરાતી)

મગની દાળ ની કઢી …(ગુજરાતી) …

 

ચણાના લોટની કઢી આપણે સૌ બનાવતા હોય છે અને જે આપણે દરેક પસંદ કરતા હોય છે. મગની દાળની કે ચણાની દાળની બનાવેલી કઢી, ચણાના લોટની બનાવેલી કઢી કરતાં એકદમ અલગ જ પ્રકારની સ્વાદિષ્ટ બને છે.

 

સામગ્રી:

 

૩૦૦ ગ્રામ મગની દાળ (પાલીસવાળી) (૧-૧/૨ -કપ)

૪૦૦ ગ્રામ દહીં (૨-કપ)

૧-૨ (Pinch) ચપટીક હિંગ

૧/૨ નાની ચમચી જીરું

૧/૨ નાની ચમચી મેથી

૧/૨ નાની ચમચી હળદર (પાઉડર)

૨-૩ નંગ લીલાં મરચાં

૧/૪ નાની ચમચી લાલ મરચાનો પાઉડર (જો તમે પસંદ કરતાં હોય તો)

૧- ટે.સ્પૂન લીલી કોથમીર (ઝીણી સમારેલી)

તેલ (કઢી તેમજ તેમાં મૂકવા માટેના ભજીયા (મૂઠિયા) તળવા માટે)

 

રીત:

 

મગની દાળ સાફ કરી, ધોઈ અને ૨ થી ૩ કલાક માટે પલાળવી.

પલાળેલી દાળ ત્યારબાદ, પાણીમાંથી બહાર કાઢી અને મિક્સીમાં અથવા કૂંડી -ધોકાથી ઝીણી પીસવી. પીસાયેલી દાળ ને બે ભાગમાં વેહેંચવી.

દાળના એક ભાગમાં દહીં ફેંટીને નાંખવું અને તેને મિક્સ કરવું. સાથે સાથે ૨ (બે) લીટર પાણી નાંખી અને કઢી માટે તૈયાર કરવું.

બીજા ભાગને એક વાસણમાં રાખી તેમાં થોડી લીલી કોથમીર (સમારેલી) નાંખી અને સ્વાદાનુસાર મીઠું, હળદર અને હિંગ (પસંદ હોય તો) નાંખી અને મિક્સ કરવું. જે કઢીમાં નાંખવા માટે ના ભજીયા (મૂઠિયા) નો માવો તૈયાર થશે.


એક કડાઈમાં તેલ લેવું, અને કડાઈ ગેસ પર ગરમ કરવા મૂકવી. ત્યારબાદ, ગરમ તેલમાં દાળના ભજીયા (મૂઠીયા) મૂકવા અને તળવા. કડાઈમાં એક સાથે જેટલા ભજીયા મૂકી શકાય તેટલાં મૂકી અને બ્રાઉન કલર આવે ત્યાં સુધી પલટાવતાં રેહવું અને તળવા. અને તળેલા ભજીયા / (મૂઠીયા) એક પ્લેટમાં અલગથી મૂકવા. આમ બધાજ ભજીયા તળી લેવા.


(ભજીયા સિવાય અન્ય રીતે પણ મૂઠીયા મૂકી શકાય છે.)


અન્ય રીત:

 

સૌ પ્રથમ પલાળેલી દાળને કૂંડી – ધોકાથી ઝીણી/બારીક પીસવી. ત્યારબાદ, જરૂરી મીઠું,હળદર અને હિંગ (જો તમને પસંદ હોય તો) નાખવી, તેમજ તમને પસંદ હોઈ તો તેમાં ઝીણા સમારેલ લીલાં મરચાં અથવા આદુ મરચાની પેસ્ટ પણ સ્વાદાનુસાર નાંખી અને મિક્સ કરી શકાય. પૂરણમાં બરોબર મિક્સ કરી અને તૈયાર કરવું. (ખાસ ધ્યાન રહે કે દાળ પીસતી સમયે દાળમાં પાણી રેહવું ના જોઈએ.)

ત્યારબાદ, કઢી બનાવવા માટે એક કડાઈમાં /વાસણમાં ૨ ચમચા તેલ મૂકવું અને ગેસ પર કડાઈ ધીમા તાપે ગરમ કરવા મૂકવી. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, જીરું /(રાય), અને મેથી નાંખી અને સાંતળવી. ત્યારબાદ, તૂરત જ હળદર પાઉડર, લીલાં સમારેલા મરચાં તેમજ લાલ મરચાં નો પાઉડર નાંખવો. આ મસાલામાં આગળ કઢી માટે તૈયાર કરેલ દહીનું (ઘોરવું) મિશ્રણ નાખવું. કઢીના પાણીને સતત ચમચાથી હલાવતાં રેહવું. આમ, તેજ આગમાં (ગેસ) રાખી અને ઉફાળો આવે ત્યાં સુધી પાકવા દેવી.

ઉફાળો આવ્યા બાદ, તેમાં અગાઉ તળેલા મૂઠીયા /ભજીયા નાખવા અને અને સ્વાદાનુસાર મીઠું નાખવું અને ફરી એક ઉફાળો આવવા દેવો અને ત્યાં સુધી પાકવા દેવી. ફરી ઉફાળો આવે ત્યારબાદ, ગેસ ના તાપ ને ધીમો કરી અને ૨૦ મિનિટ સુધી તેને પાકવા દેવી. વચ્ચે વચ્ચે ૨-૩ મિનિટે તેમાં ચમચાથી હલાવતાં રેહવી. પાકી જશે એટલે વાસણના કિનારે મલાઈ ની જેમ ચીપકેલી લાગશે. બસ, ત્યાર બાદ ગેસ બંધ કરી દેવો. મગની દાળની કઢી તૈયાર છે.

અન્ય રીત:

 

અગાઉ જણાવ્યા મુજબ દાળને કૂંડી-ધોકાથી વાટી અને તેમાં સ્વાદ અનુસાર મીઠું, આદુ-મરચાની પેસ્ટ વગેરે નાંખી અને જે પૂરણ તૈયાર કરેલ છે, તેને લઇ અને કઢીનો જ્યારે પેહલો ઉફાળો આવે કે તૂરત જ દાળના હાથેથી કઢીમાં નાના નાના મૂઠિયા મૂકવા. આમ ધીરે ધીરે બધાજ મૂઠીયા મૂકી દેવા. અને કઢી ની સાથે મૂઠીયાને પાકવા દેવા. ખાસ ધ્યાન રહે કે વારંવાર ચમચાથી કઢી હલાવતી સમયે સાવચેતી રાખવી કે મૂઠીયા તૂટીને છૂટા ના પડી જાય. ધીમા તાપે કઢીને પાકવા દેવી.

કઢી પાકી ગયા બાદ, કઢીમાં વઘાર કરવા માટે એક નાના વાટકામાં કે વાઘારીયામાં ૨ (બે) નાની ચમચી તેલ મૂકી અને ગરમ કરવું. ત્યારબાદ, તેમાં ૧/૨ જીરું નાંખવું, જો તમને તીખું પસંદ હોય તો, ૨ -૩ નંગ લીલાં મરચા લંબાઈમાં ચીરી કરી અને સાથે સાથે ૧/૨ ચમચી લાલ મરચું નાંખી અને વઘારનું તેલ કઢી ઉપર નાંખવું. ત્યારબાદ, વધારાની લીલી કોથમીર તેની ઉપર છાંટવી. બસ, મગની દાળ ની કઢી તૈયાર થઈ ગઈ.


ટીપ્સ:

(૧) જો દહીં તાજું અથવા ખાટું ન હોય તો કઢી ખાટી નહિ બંને, આ સમયે કાઢીને ખાટી બનાવવા માટે, એક લીંબુનો રસ કાઢી તેમાં નાંખવાથી કઢી ખાટી અને સ્વાદિષ્ટ બનશે.

(૨)જો તમે ચણાની દાળની કઢી બનાવવા માંગતા હોય તો આજ રીતે મગની દાળની જગ્યાએ ચણાની દાળ નો ઉપયોગ કરવો.

(૩)જો તમે મગની દાળની કે ચણાની દાળની કઢી બનાવવા માંગતા ન હોઈ તો ચણાના લોટની કઢીમા પણ આ જ રીતે ભજીયા કે મુઠીયા મૂકી શકાય.

(૪) મગની દાળના મુઠીયા અન્યરીતે બનાવવા હોય તો મિક્સીમાં ન પીસવું તેને કૂંડી -ધોકા થી વાટવી. જેથી કરી કઠણ ન બનતા નરમ બનશે. અમુક ગૃહણીઓમાં આ કઢી ડબકા કઢી તરીકે પ્રચલિત છે.

(૫) કઢી માં જો તમને પસંદ હોય તો સ્વાદાનુસાર ખાંડ પણ નાંખી શકાય છે જેથી કઢી ગરાસ-ખટાશ વાળાં સ્વાદ વાળી થશે.


 

૬ થી ૭ વ્યક્તિ માટે

સમય: ૧ કલાક

 

બ્લોગ લીંક: htpp://das.desais.net