માવાના ઘુઘરા (કચોરી)…

માવાના ઘુઘરા (કચોરી) …

માવાના ઘુઘરા દિવાળીમાં આપણે ત્યાં સામાન્ય રીતે બનાવતાં હોય છે. ઉત્તરભારત, રાજસ્થાન વગેરે રાજ્યમાં હોળીનાં તેહાવારમાં બનાવવામાં આવતા હોય છે. માવાના ઘુઘરા (કચોરી) બનાવ્યા વિના હોળીનો તેહવાર ઉજવવો તેઓ માટે ફિક્કો તેહવાર લાગે છે. જેમકે રંગ વિનાની હોળી ઉજવી હોય તેમ તેઓ માને છે.

ઘુઘરા અનેક રીતે બને છે. જેમ કે માવા + અલેચિના, માવા તથા એલચીના ઘુઘરા ઉપર ખાંડની ચાસણીનું પળ ચડાવાવામા પણ આવે છે, ખાલી માવાના, બદામના, કાજુ બદામના, સફરજનના, કેશરના, સુકો મેવાના વગેરે અનેક પ્રકારના ઘુઘરા બનાવાવામાં આવે છે, કોઈપણ પ્રકારના ઘૂઘરમા દરેક નો માવો (પૂરણ) જ ફકત બદલવાનુ હોય છે.

ચાલો આજે આપણે માવાના ઘુઘરા બનાવીએ.

ઘુઘરામાં ભરવાના પૂરણની સામગ્રી:

સામગ્રી:

૪૦૦ ગ્રામ માવો (માવો હંમેશ ચાખી ને લેવો)

૧૦૦ ગ્રામ રવો

૨- ટે. સ્પૂન ઘી

૪૦૦ ગ્રામ ખાંડ (પીસી લેવી)

૧૦૦ ગ્રામ કાજૂ (એક કાજૂના ૫ થી ૬ ટૂકડા કરવા) (ઠાકોરજીને પ્રસાદ રૂપે સેવામાં ધરવાનું હોય તો કાજુનો ભૂકો કરી લેવો)(તમને પસંદ આવે તેમ કરવું)

૫૦ ગ્રામ કિસમિસ (ડાળખી તોડી ને સાફ કરી રાખવી)

૭-૮ નંગ નાની એલચી (ફોતરા કાઢી અને પીસી લેવી)

૧૦૦ ગ્રામ સૂકા નારિયેળનો ભૂકો (જીણો ભૂકો) (જો તમને પસંદ હોય તો)

લવિંગ જરૂરીયાત પ્રમાણે લેવા (જો તમને પસંદ હોય તો)

 

રીત:

ભારે તળિયાવાળી કડાઈમાં માવાને ગેસ પર આછો ગુલાબી (બ્રાઉન) થાય ત્યાં સુધી શેકવો અને ત્યારબાદ, એક વાસણમાં કાઢી લેવો.

 

ત્યારબાદ, તે જ કડાઈમાં ઘી નાંખી અને રવાને તેજ રીતે આછો ગુલાબી (બ્રાઉન) થાય ત્યાં સુધી શેકવો. અને શેકાઈ ગયા બાદ, એક પ્લેટમાં કાઢી લેવો.

ખાંડને પીસી લેવી. સૂકો મેવો તૈયાર કરી રાખવો. (કાજૂના ટૂકડા પસંદ ન હોય તો ભૂકકો કરવો.) એલચીને પણ પીસી લેવી.

ત્યારબાદ, માવો, રવો, ખાંડ, એલચી પાઉડર અને સૂકા મેવાને એકસાથે ભેગા કરી અને મિક્સ કવા. જેથી ઘુઘરામાં ભરવાનું પૂરણ તૈયાર થઇ જશે.

(જો તમને પસંદ હોય તો બદામનો ભૂકો પણ તેમાં થોડો ઉમેરી શકાય)

ઘુઘરાનું ઉપરનું પળ બનાવવા માટેની જરૂરી સામગ્રી :

સામગ્રી:

૫૦૦ ગ્રામ મેંદો

૫૦ ગ્રામ દૂધ અથવા દહીં (જે તમને પસંદ હોય તે)

૧૨૫ ગ્રામ ઘી (લોટ (કણક) બાંધવા માટે તેમજ ઘુઘરા તળવા માટે)

રીત:

મેંદાને એક વાસણમાં ચારણીથી ચાળી અને અલગ રાખવો.

ત્યારબાદ, ઘી નું મોણ તેમાં નાખવું (ઘી ને ઓગાળી/વિગારી ને નાખવું) અને લોટમાં એકદમ સરસ રીતે મિક્સ કરવું.

હવે, લોટમાં દૂધ નાંખી અને જરૂરી પાણી ઉમેરી અને એકદમ કઠણ લોટ બાંધવો.

લોટ બંધાઈ ગયા બાદ, તેની ઉપર ભીનું કપડું ઢાંકી દેવું અને લોટ સાઈડ પર મૂકી દેવો.

ત્યારબાદ, કપડું ખોલીને લોટને ખૂબજ મસળી અને મુલાયમ બનાવવો. (આ લોટના લગભગ ૫૦ થી ૫૫ ગોળા/લુઆ થશે.) બધાજ ગોળાને ભીના કપડાથી ઢાંકી રાખવા અને એક ગોળાને બહાર કાઢી લગભગ ૪”-ઈંચ ની પૂરી વેલણથી વણવી. અને તેને એક પ્લેટમાં રાખી દેવી. એકીસાથે એક પછી એક દશ પૂરી વણી અને રાખી દેવી.

ઘુઘરા / કચોરી મા પૂરણ ભરવાની રીત :

અનેક રીતે ઘુઘરા ભરવામાં આવતાં હોય છે., જેમકે …

૧. ઘુઘરા બનાવાનો સંચો /મોડ (બીબું) સાધન આવે છે. તેમાં પૂરી રાખી અને તેમાં પૂરણ ભરી દઇ અને તેનું ઢાંકું બંધ કરી દેવાથી વધારાનો લોટ ને કાતરી લેવો અને ઘૂઘરો સાધનમાં તૈયાર થઇ જશે.

૨. પૂરીને હાથમાં લઇ અને તેમાં પૂરણ ભરી અને બંને છેડાને ભેગા કરીને પાણીથી ચિપકાવી દેવા અને આંગળીથી દબાવી ત્યારબાદ નખથી તેની કાંગરી પાડવી. જેને નખલા પાડવા નું કેહવાય. આ રીત બધાંને કદાચ ના પણ ફાવે. પરંતુ આ રીત થી તમારે જોઈએ તે માપના ઘૂઘરા બનાવી શકાય.

૩. પૂરીને ઘૂઘરાના (કાચોરીના) સંચામાં રાખી તેમાં પૂરણ ભરી અને તેની કિનારી ને પાણી લગાવી અને ચિપકાવી દેવી અને આંગળીથી દબાવી દેવી.

આમ આ ત્રણ રીત વધુ પ્રચલિત છે, જેમાં તમને અનુકૂળ આવે તે રીત અપનાવી શકાય છે.

ઘૂઘરાના મોડ/સંચાથી ઘુઘરા થોડા સાઈઝમાં મોટા થશે.

હવે, આપણે જે દશ પૂરી તૈયાર કરેલી છે તેમાંથી એક પૂરી લઇ તેમાં ૧-૧/૨ (દોઢ) ચમચી પૂરણ ભરવું અને બંને સાઈડ ભેગી કરી અને પાણીથી ચિપકાવી અને કિનારીને અંદરની સાઈડ આંગળીની મદદથી દબાવી દેવી. ત્યારબાદ, ઘૂઘરાના મોડમાં /સંચામાં મૂકી અને ઢાંકણું બધ કરવાથી વધારાનો લોટ કપાઈ જશે જે કાતરી લેવો. મોડમાં કચોરી / ઘુઘરાનો આકાર કાંગરી સાથે તૈયાર થઇ જશે.

આમ ધીરે ધીરે (૧૦) દશ પૂરીના ઘુઘરા ભરીને તૈયાર કરવા. તૈયાર થઇ ગયેલ ઘુઘરા એક વાસણમાં કોરા કપડા પર રાખી અને તે કપડું તીર ઘૂઘરાને ઢાંકી દેવું. ( તૈયાર થયેલ ઘૂઘરાને ખૂલ્લા ન રાખવા) તે થઇ ગયા બાદ, બીજી દશ પૂરી બનાવવી અને તે તૈયાર કરવા., આમ બધીજ પૂરી બનાવી અને ઘુઘરા તૈયાર કરી લેવા.

ઘુઘરા તૈયાર થઇ ગયા બાદ, એક મોટી કડાઈ લેવી અને તેમાં ઘી નાંખવું અને ઘી ને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું. ઘી ગરમા થાય એટલે ૭-૮ ઘુઘરા એકીસાથે તેમાં તળવા માટે નાખવા (કડાઈ ની સાઈઝને ધ્યાનમાં રાખી અને ઘૂઘરાની સંખ્યા વધ -ઘટ કરવી.) ઘૂઘરાને આછો ગુલાબી (બ્રાઉન) રંગ થાય ત્યાં સુધી તળવા અને ધીરે ધીરે પલટાવતાં રેહવું.


ઘુઘરા તૈયાર થઇ જાય એટલે એક થાળીમાં કાઢીને મૂકવા. આમ ધીરે ધીરે બધાજ ઘુઘરા તળીને તૈયાર કરવા.


ઘુઘરા ગરમા ગરમ પીરસવા અને ખાઈ શકાય, અને વધે તે ઘૂઘરાને એક એરટાઈટ વાસણમાં રાખીને બંધ કરી દેવા, અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે તેમાંથી કાઢીને ખાઈ શકાય.

તમોને થશે કે લવિંગનો ઉપયોગ તો ક્યાંય આવ્યો નહિ અને સામગ્રીમાં લખેલ છે.!

હા, લવિંગ ઘુઘરાનો શણગાર છે. જ્યારે પૂરણ ભરાઈ ગયા બાદ ઘૂઘરો મશીનમાંથી કે હાથેથી કાંગરી સહિત તૈયાર થઇ જાય, ત્યારબાદ, ઘૂઘરાની બરોબર મધ્ય ભાગમાં એક લવિંગ ને ખોસી દેવું. (ભરાવી દેવું) જે ઘૂઘરાની શોભા છે.આમ બધાં જ નહિ તો થોડા ઘુઘરામાં લવિંગ ભરાવી અને ઠાકોરજીને ધરાય અથવા કોઈ મેહમાન આવે ત્યારે તેમને પીરસવાથી સારૂ લાગશે. ( જો તમને પસંદ હોય તો જ લવિંગ નો ઉપયોગ કરવો.)

 

 

બ્લોગ લીંક: htpp://das.desais.net