સમોસા …

સમોસા …

સમોસા ઉત્તર ભારતનું વ્યંજન છે, પરંતુ હવે તે પુરા ભારતમાં જ નહિ પરંતુ દુનિયાના દરેક દેશમાં સૌના માનીતા અને પ્રિય છે. અગાઉ આપણે મગની દાળના (મીની) સમોસા કેમ બને તે જોયું; આજે આપણે બટેટા-લીલા વટાણાના સમોસા બનાવીશું.

સમોસાના લોટ (પળ માટેની ) માટેની સામગ્રી:

સામગ્રી:

૩૦૦ ગ્રામ મેંદો

૭૫ ગ્રામ ઘી

૧/૪ નાની ચમચી બેકિંગ પાઉડર ( સમોસાના પળ ને બિસ્કીટ જેવું બનાવવા ૨૫૦ ગ્રામ લોટ માટેનું માપ)

મીઠું સ્વાદાનુસાર

સમોસામાં સ્ટફિંગ  ભરવા માટે (પૂરણ બનાવવા)ની સામગ્રી:

સામગ્રી:

૬૦૦ ગ્રામ બટેટા

૧/૨ કપ લીલા વટાણા ( જો તમને પસંદ હોય તો જ)

૧૨-૧૫ નંગ કાજુ

૨૫-૩૦ નંગ કિસમિસ ( જો તમને પસંદ હોય તો જ )

૨-૩ નંગ લીલા મરચા ( મરચાને જીણા સમારી લેવા)

૨”-ઈંચનો આદુનો ટૂકડો ( આદુને છીણી લેવું)

૧ ટે.સ્પૂન લીલી કોથમીર

૨ નાની ચમચી ધાણા નો પાઉડર

૧/૪ નાની ચમચી ગરમ મસાલો

૧/૪ નાની ચમચી આમચૂર પાઉડર

મીઠું સ્વાદાનુસાર

તેલ-તળવા માટે જરૂરિયાત મુજબનું

(નોંધ: સ્ટફિંગ માં કાંદા અને લસણ નો પણ ઉપયોગ કરી શકાય છે. )

રીત:

સૌ પ્રથમ બટેટાને બાફવા મૂકી દેવા. મેંદામાં તેલ/ઘી નું મોણ, અને મીઠું નાંખી અને સારી રીતે તેને મિક્સ કરી દેવું. અને તે લોટને નવસેકા (હુંફાળા) પાણીથી બાંધવો. લોટ (કણક) થોડો કઠણ રહે તેમ બાંધવો. અને ત્યારબાદ, ૩૦ મિનિટ સુધી તેને ઢાંકી અને એક સાઈડ પર રાખી દેવો. ( લોટમાં ?(કણક) ?ઘી નાખવાથી સમોસાના પળ ઉપર બબલ્સ નહિ થાય.)

બાફેલા બટેટાની છાલ ઉતારી અને તેને મોટા કટકામાં સમારવા.

ત્યારબાદ, એક કડાઈમાં એક ચમચો તેલ મૂકવું અને કડાઈને ગેસ ઉપર ગરમ કરવા રાખવી. તેલ ગરમ થાય એટલે તેમાં ઘાણા પાઉડર, લીલા સમારેલા મરચાં અને છીણેલું આદુ નાંખી અને સાંતળવું અને ત્યારબાદ, સમારેલા બટેટા અને વટાણા પણ નાંખવા. ત્યારબાદ, ગરમ મસાલો, મીઠું સ્વાદાનુસાર, અને આમચૂર પાઉડર તેમાં નાંખવો. અને એક ચમચાથી હલાવી બધાંને મિક્સ કરવું. જ્યારે બરોબર મસાલો બટેટા ઉપર ચડી જાય (મિક્સ થઇ જાય) એટલે ગેસ બંધ કરી દેવો અને કડાઈ નીચે ઉતારી લેવી.

(નોંધ: કાંદાનો ઉપયોગ કરવો હોય તો સૌ પહેલાં કાંદા ને ઝીણા સમારી લેવા, અને ધાણા પાઉડર ને અન્ય મસાલા સાંતળો તે પહેલાં લસણની પેસ્ટ અને કાંદા ને સાંતળવા અને તે સાંતળી લીધાં બાદ અન્ય મસાલા ઉપર મુજબ નાંખવા)

પૂરણ ઠંડું થઇ ગયાબાદ, કાજુ-કિસમિસ તેમાં મિક્સ કરી દેવા. આમ, સમોસાનું પૂરણ તૈયાર થઇ જશે.

હવે જે લોટ બાંધેલ છે તેના લગભગ ૧૦ સરખા લુઆ-ગોળા (ભાગ) કરવા. અને એક ગોળા ને લગભગ ૮”-ઈંચ જેવી પૂરી બને તેમ વેલણથી વણવો. વણેલો લોટ થોડો મોટો હોવો જરૂરી.

આ વણેલા લોટના એક સરખા બે ભાગ ચપ્પૂથી કરવા. અને એક ભાગને કોણ આકારમાં બનાવી તેના છેડા પાણીથી ચિપકાવવા. પાણી લગાડી અને થોડું પ્રેસ કરવાથી ચિપકી જશે.

જે ત્રિકોણ આકારમાં કોણ બનાવેલ છે તેમાં બટેટાનું પૂરણ (માવો) ભરવું. અને ત્યારબાદ, ઉપરના ખૂલ્લા ભાગને પણ કવરની જેમ બંધ કરી અને પાણી થી ચિપકાવવો.

આમ, ધીરે ધીરે બધાજ સમોસા ભરી અને તૈયાર કરવાં.

સમોસાને ત્યારબાદ, તળવા માટે એક કડાઈમાં જરૂરી તેલ લેવું અને કડાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકવી. તળ ગરમ થાય એટલે એકી સાથે ૪-૫ સમોસા તળવા માટે કડાઈમાં મૂકવા. ( કડાઈના માપને ધ્યાનમાં રાખી અને સમોસા એકીસાથે તળવા મૂકવા )

સમોસા ખાસ ધ્યાન રહે કે મધ્યમ (ધીમા) તાપે/આંચે ગેસ પર તળવા અને જ્યાં સુધી બ્રાઉન કલર થાય નહિ ત્યાં સુધી તેને તળવા. બંને સાઈડ ને ફેરવતા રેહવી.

સમોસા તળાઈ ગયાબાદ, એક પ્લેટ પર પેપર નેપકીન રાખી અને તેની ઉપર સમોસા તળાઈ ગયેલા રાખવા.

આમ ધીરે ધીરે બધાજ સમોસા તળી લેવા.

સમોસા લીલી કોથમીરની ચટણી અથવા મીઠી ચટણી સાથે પીરસવા.

ટીપ્સ: બેકિંગ પાઉડર ખૂલ્લો રહી ગયેલ હોય કે જુનો હોય તો તેનો ઉપયોગ કરશો નહિ તે કદી કામમાં નહિ આવે. બકિંગ પાઉડર હંમેશાં ઉપયોગ કરી લીધાબાદ, એરટાઈટ સાધનમાં જ પેક કરીને રાખવો.

સમોસાના પળમાં બબ્લસ થતા હોય તો લોટમાં તેલને બદલે ઘી નું મોણ નાંખી અને લોટ બાંધવો. અને લોટ ને હંમેશ કઠણ બાંધવો.

કાંદાના સમોસા ની રીત : …

આજ રીતે કાંદાના સમોસા પણ બહુ જ સરસ બને છે.

જાડા પૌવામાં ૫ થી ૬ કાંદાને બારીક સમારીને મિક્સ કરવા તેમાં લીંબુંનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું, બારીક સમારેલા લીલા મરચાં, થોડું લાલ મરચું, કોથમરી, આખું જીરૂ, નાખી મિક્સ કરી લગભગ ૨ થી ૩ કલાક ઢાંકીને રાખવું.(પૌવામાં પાણી બિલકુલ નાખવું નહિ )પડ બનાવવા માટે ૧ વાટકી ઘઉં ના લોટ માં ૧/૨ વાટકી મેંદો, ૧/૪ વાટકી ચોખાનો લોટ લેવો તેમાં ૧ ચમચી લીંબું નો રસ, સ્વાદ પ્રમાણે મીઠું, ૧ ચમચી જીરૂ નાખવું, ૨ ચમચી ગરમ તેલ નાખવું અને ગરમ પાણીથી લોટ બાંધી ગોળ વણી કાચા પડ બનાવી શકાય અથવા રોટલી બનાવી કાચીપાકી શેકી પાકા પડ પણ બનાવી શકાય.પાકા પડ બનાવવાનો ફાયદો એ છે કે સમોસા જલ્દીથી થઈ જાય છે.

(નોંધ: ઉપરોક્ત રીત અમોને એક વાંચક શ્રીમતી પૂર્વીબેન તરફથી મળેલ છે જેનો સાભાર સ્વીકાર કરી અત્રે પ્રસ્તુત કરેલ છે. જે માટે અમો પૂર્વીબેન ના આભારી છીએ.)

સિંગદાણાની ચટણી …

સિંગદાણાની ચટણી…

સિંગદાણાની ચટણી ઈડલી, ઢોસા ની  સાથે ખાઈ શકાય. જે બહુજ સ્વાદિષ્ટ બને છે. ફ્રીઝમાં રાખવાથી ૩-૪ દિવસ સુધી ખાવાના ઉપયોગમાં લઇ શકાય છે.

સામગ્રી:

૧ કપ સિંગદાણા ને શેકીને તેના ફોતરા કાઢી લેવા

૨-૩ નંગ લીલા મરચાં

૧/૨ નાની ચમચી રાઈ

૧ થી ૨ ચૂટકી (Pinch) /ચપટીક-લાલ મરચાનો પાઉડર

૧ લીંબુનો રસ

૨ નાની ચમચી રિફાઈન્ડ ખાવાનું તેલ

મીઠું સ્વાદાનુસાર

રીત:

સિંગદાણા એક કપ જે માપથી લીધા હોય તેજ કપમાં તેટલું પાણી લેવુ અને તેમાં મીઠું, લીલા મરચાં નાંખીને અને મિક્સીમાં બારીક પીસી લેવું. જો તમને વધુ ઘટ લાગે તો થોડું પાણી ઉમેરવું. ચટણી તૈયાર થયે એક વાસણમાં કાઢી લેવી. ત્યારબાદ, તેમાં લીંબુનો રસ નાંખી અને મિક્સ કરવો.

ચટણી નો વઘાર :

ગેસ ઉપર એક નાની કડાઈ ગરમ કરવા મૂકવી અને તેમાં તેલ મૂકવું. ત્યારબાદ, તેમાં રાઈ નાંખવી, રાઈ શેકાય ગઈ તેમ લાગે કે તરત ગેસ બંધ કરી દેવો અને તેમાં બે ચૂટકી (Pinch) લાલ મરચાનો પાઉડર નાંખવો અને તે વઘારને ચટણીમાં નાંખી અને ૧-૨ વખત હલાવી મિક્સ કરી દેવો.

બસ, (મગફળીના દાણા )સિંગદાણાની ચટણી તૈયાર, જે ખાવાના ઉપયોગમાં લઇ શકાય છે.


આજ ચટણીમાં ૪-૫ કળી લસણ, ૪-૫ નંગ કાળી મરી અને થોડા અજમાનાં પાન પિસતાં પેહેલાં નાંખી અને પછી પીસવાથી તેનો સ્વાદ અલગ જ આવશે.

૧ કપ એટલે ૧૦૦ ગ્રામ., તમે ૫૦ ગ્રામ સિંગદાણા લઇ શકો છો.

સિંગદાણા ને સેકી અને તેના ફોતરા ઉતારી લેવા અને પછી જ તેને ઉપયોગમાં લેવા.

બ્લોગ લીંક: http://das.desais.net

ફૂદીનાની ચટણી …

ફૂદીનાની ચટણી  …

ફૂદીનાની ચટણી ખાસ કરીને  સમોસા, કચોરી, ભજીયા વગેરે સાથે ખાવાના ઉપયોગમાં લેવામાં આવે  છે. તે ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ હોય છે.

સામગ્રી :

૧ થી ૧-૧/૨ કપ ફૂદીનો (ફૂદીનાના ચૂંટેલા પાન)

૨ -૩ નંગ લીલા મરચાં

૧/૨ કપ દહીં અથવા ૧ નંગ કાચી કેરીના ટૂકડા

૧/૨ નાની ચમચી સેકેલું જીરૂ

૩/૪ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

રીત:

ફૂદીનાને સાફ કરી ધોઈને ચૂંટી લેવો. મરચાને પણ ધોઈને તેની ઉપરની ડાળખી તોડી નાંખવી.


ફૂદીનાના પાન, લીલાં મરચાં, મીઠું, સેકેલું જીરૂ અને દહીં બેગા કરી અને મિક્સીમાં બારીક પીસી લેવું.

જો તમને કાચી કેરીની ખટાશ સાથે આ ચટણી બનાવવા માંગતા હોય તો, ૧ કાચી કેરીની છાલ ઉતારી તેના ટૂકડા કરી અને ફૂદીનાના પાન, લીલાં મરચાં, મીઠું, સેકેલું જીરા સાથે મિક્સીમાં પીસી લેવું. અને ચટણીને એક વાટકીમાં કાથી લેવી.

આ ચટણી સમોસા, કચોરી વગેરે સાથે ખાવાના ઉપયોગમાં લઇ શકાય છે તે ઉપરાંત સવારે તેમજ રાત્રે જમવાના ઉપયોગમાં પણ લઇ શકાય છે.

ચટણીને ફ્રીઝમાં રાખવાથી એક અઠવાડિયાં સુધી ઉપયોગમાં લઇ શકાય છે.

બ્લોગ લીંક: http://das.desais.net

લીલી કોથમીર ની ચટણી …

લીલી કોથમીર ની ચટણી …

 

આ ચટણી મોટેભાગે સમોસા, કચોરી, ભજીયા, દહીંવડા વગેરે સાથે ખાવાના ઉપયોગમાં લેવામાં આવતી હોય છે.

સામગ્રી:

૧૦૦ ગ્રામ લીલી કોથમીર ( લીલા ધાણા )

૩-૪ નંગ લીલા મરચાં

૧ નાની ચમચી આમચૂર પાઉડર અથવા ૧ -નંગ લીંબુનો રસ

૧ નાની ચમચી ગરમ મસાલો અથવા સિંગદાણા

મીઠું સ્વાદ અનુસાર

રીત:

લીલી કોથમીર અને મરચાંને ધોઈને સાફ કરી લેવા અને તેને મોટા કટકામાં કાપી (સમારી) લેવા.

ત્યારબાદ, કોથમીર, લીલા મરચાં, ગરમ મસાલો. આમચૂર પાઉડર અથવા લીંબુનો રસ, મીઠું વગેરે ભેગું કરી મીક્ષરમાં (મિકસીમાં)નાંખી અને બારીક પીસવું. પાણી તેમાં જરૂરિયાત મુજબનું જ ઉમેરવું. ( ચટણી તમારે કેટલી પાતળી કે ઘટ? રાખવી છે તે ધ્યાનમાં લઈને )

કોથમીરની ચટણી તૈયાર થઇ ગયાબાદ, ફ્રીઝમાં રાખી શકાય છે અને તેનો ઉપયોગ એક અઠવાડિયાં સુધી થઇ શકે.

ગરમ મસાલાની જગ્યાએ થોડા સિંગદાણા અને થોડું સંચળ (કાળું નમક) નાખીને બનાવવાથી તેનો સ્વાદ વધુ અલગ આવશે.

આ ચટણીમાં બાફેલા બટેટાનાં કટકા/ટૂકડા નાંખીને ખાવાથી બટેટા ખૂબજ સ્વાદિષ્ટ લાગશે. (લખનૌમાં આવા બટેટા લીલી કોથમીરની ચટણીમાં નાંખીને બઝારમાં વેંહચાતા હોય છે.)

આ ચટણીમાં થોડું દહીં ઉમેરવાથી પણ તેનો અલગ સ્વાદ આવશે.

આ ચટણીમાં કાચી કેરીના ટૂકડા, ડુંગળીના ટૂકડા, લાલ અથવા લીલું આખું મરચું, લીલી કોથમીર વગેરેને એક્શાથે ભેગા કરીને ખાંડણીમાં પીસીને સ્વાદાનુસાર મીઠું નાંખીને ઉનાળામાં આ ચટણી પણ બનાવી શકાય. જે ખૂબજ સ્વાદિષ્ટ ?બનશે.

મોટે ભાગે કોઈપણ ચટણી આપણે મિક્સીમાં જ હવે બનાવતા થયા છે, પરંતુ જો તેને પથ્થરની કૂંડીમાં અથવા પથ્થર પર પીસીને બનાવવામાં આવે તો તેનો સ્વાદ સાવ અલગ જ આવશે. જે મિક્સી કરતાં વધુ સ્વાદિષ્ટ બનશે.

બ્લોગ લીંક: http://das.desais.net