મલાઈ કોફતા પાલક ગ્રેવી સાથે…

મલાઈ કોફતા પાલક ગ્રેવી સાથે…

 

મલાઈ કોફતા બહુજ સ્વાદિષ્ટ બને છે. અને તેમાં પણ પાલક ગ્રેવીની સાથે ખૂબજ મજેદાર લાગે છે. કોઈ ખાસ પ્રસંગ કે મેહમાન આવે ત્યારે બનાવીએ તો તે સૌથી વધુ પસંદ કરશે.
સામગ્રી :
૨૦૦ ગ્રામ પનીર
૧૦૦ ગ્રામ માવો
૩-૪ બટેટા (બટેટા બાફી લેવા)
૧૫-૧૬ નંગ કિસમિસ
૭-૮ નંગ કાજુ
૧/૨ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)
૧” ઈંચ નો નાનો ટૂકડો આદુ
૨ ચમચા તપકીર અથવા કોર્ન ફ્લોર(મકાઈ નો લોટ )
તેલ તળવા માટે જરૂરી…
પાલકની ગ્રેવી બનાવવા માટે …
સામગ્રી :
૫૦૦ ગ્રામ ચૂંટેલી (વીણેલી) પાલક( પાન)
૧/૨ નાની ચમચી ખાંડ
૩-૪ નંગ (મધ્યમ આકારના) ટામેટા
૨-૩ નંગ લીલા મરચા
૧ કટકો આદુ
૨ ટે.સ્પૂન તેલ
૧ ચપટીક (Pincvh) હિંગ (જો તમને પસંદ હોય તો)
૨ નાની ચમચી ચણાનો લોટ
૨ નાની ચમચી કસૂરી મેથી (જો તમને પસંદ હોય તો)
૨ ચમચા ક્રીમ-મલાઈ (જો તમને પસંદ હોય તો)
૧ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)
૧/૪ નાની ચમચી ગરમ મસાલો
૨ નાની ચમચી લીંબુનો રસ (જો ખટાસ પસંદ હોય તો )
રીત:

બટેટાને બાફી અને છાલ ઊતારી લેવી. કિસમિસ ની ડાળખી તોડી અને સાફ કરી ધોઈ લેવી. અને કાજુના ૫-૬ ટુકડા (એક કાજુના) થાય તેમ બધાં કાજુના ટુકડા કરવા.માવા તેમજ પનીર ને કોઈ એક વાસણમાં રાખી દેવું અને તેમાં બાફેલા બટેટા ના કટકા, મીઠું અને કોર્ન ફ્લોર તપકીર નાંખી અને તેનો છૂંદો (મેસ)કરી માવો બનાવવો..
ત્યારબાદ,આદુની પેસ્ટ અથવા છીણેલું આદુ તેમાં નાંખી મિક્સ કરવું. આ મિશ્રણ કોફતા બનાવવા માટેનું તૈયાર થઇ જશે.મીઠું સ્વાદાનુસાર તેમાં જરૂરથી નાખવું.


નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. બટેટાનાં મિશ્રણનો જે માવો છે તેમાંથી થોડો માવો હાથમાં લઇ અને તેમાં કાજુના ૨-૩ કટકા તેમજ માથે કિસમિસ રાખી અને ગોળ અથવા લંબગોળ કોફતાના આકારમાં બંધ કરી અને એક પ્લેટ ઉપર રાખવા. લગભગ ૧૫-૧૬ ગોળ અથવા લંબ ગોળ આકારમાં કોફતા તૈયાર થશે.
એક કડાઈમાં ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકવું અને તૈયાર થયેલ ગોળાને તેમાં ધીમા (મધ્યમ) તાપે તળવા. કડાઈમાં એક સાથે ૩-૪ ગોળા જ? તળવા મૂકવા અને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ધીમે ધીમે કડાઈમાં ફેરવતા જવું અને તળવા.
તળેલા કોફતા એક પ્લેટ ઉપર કિચન પેપર નેપકીન રાખી અને તેની પર રાખવા. આમ બધાજ કોફતાને તળી લેવા. કોફતા તૈયાર થઈ ગયા બાદ હવે તેની ગ્રેવી બનાવીશું.
પાલક ગ્રેવી (Spinach Gravy):
પાલકની ડાળખી તોડી અને દૂર કરવી અને ફક્ત તેના પાન જ રેહવા દેવા. અને તે પાન ને ખૂબજ સારી રીતે બે વખત પાણીમાં ધોવા અને ત્યારબાદ એક વાસણમાં રાખવા. તેમાં પા કપ (૧/૪-કપ) પાણી તેમજ ખાંડ નાંખી અને ગેસ પર ગરમ કરવા મૂકવી. ગેસ પર વાસણ ગરમ કરતી વખતે ઢાંકી ને રાખવું. ૫-૬ મિનિટમાં પાલક બફાઈ જશે એટલે ગેસ બંધ કરી દેવો.
ટામેટા ને ધોઈ અને તેના કટકા ચપ્પુથી કરવા (ટામેટાને સમારી લેવા) લીલા મરચાની ડાળખી કાઢી લેવી, આદુને છાલ ઊતારી છીણી લેવું, અથવા તેને ધોઈ ને ૩-૪ ટૂકડામાં કાપવું. અને આ બધાને મીક્ષરમાં (મિક્સીમાં) બારીક પીસી લેવા.
એક કડાઈમાં તેલ મૂકી અને તેન ગરમ કરવું, ગરમ તેલમાં હિંગ અને જીરૂ નાખવું અને શેકાવું (સાંતળવું);(ડુંગળી પસંદ હોય તો એક ડુંગળી સમારી અને તે નાંખી અને બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવી) તે શેકાઈ ગયા બાદ, તેમાં કસૂરી મેથી નાંખવી (કસૂરી મેથી સાફ કરી પછી જ ઉપયોગમાં લેવી) અને સાથે સાથે ચણાનો લોટ પણ નાંખવો અને તેને થોડો શેકવો.
હવે, આ મસાલામાં, ટામેટા, આદુ, લીલાં મરચાં ની બનાવેલી પેસ્ટ નાંખવી અને મસાલાને ૨-૩ મિનિટ હલાવતાં રેહવું અને સાંતળવું. (સેકવું) ત્યારબાદ, ક્રીમ અથવા મલાઈ નાંખવી. અને થોડું પકાવવું. અને આ મસાલાને ત્યાં સુધી પકવવો કે તેમાં ઉપર તેલ છૂટી ને બહાર દેખાઈ.
ઊકાળેલી-બાફેલી પાલકને ઠંડી થઇ ગયાબાદ, મિક્ષરમાં (મિક્સીમાં) નાંખી બારીક એકસરખી પીસી લેવી. અને પાલકની પેસ્ટને આગળ જે મસાલો બનાવ્યો તેની સાથે મિક્સ કરી દેવી. ગ્રેવી તમારે જેટલી ઘટ કે પાતળી રાખવી હોય તે ?પ્રમાણે (મુજબ) પાણી અને મીઠું સ્વાદાનુસાર નાંખી તેને ગરમ કરવી. એક ઉફાળો આવ્યાં બાદ, તેમાં ગરમ મસાલો નાંખવો અને ત્યારબાદ, તેમાં કોફતા નાંખી અને એક મિનિટ સુધી તેને પકવવા દેવા.
મલાઈ કોફતા પાલકની ગ્રેવી સાથે તૈયાર થઇ ગયા. સર્વ કરતી સમયે (પીરસતી સમયે) ગ્રેવી ઉપર થોડું ક્રીમ નાંખી ને આપવા.
જો તમે ડુંગળીનો ઉપયોગ શાકમાં કરવા માંગતા હોય, તો એક ડુંગળી ને જીણી સમારી અને જીરૂ શેકી લીધા બાદ, ડુંગળી નાંખી અને શેકવી અને આછો ગુલાબી/બ્રાઉન કલર થાય ત્યાં સુધી સાંતળવી. ત્યારબાદ, ઉપરોક્ત રીતે મલાઈ કોફતા પાલક ગ્રેવી સાથે બનાવવા.
ગ્રેવી ઘણીજ રીતે તમે બનાવી શકો છો. જેમકે કાજુ ગ્રેવી, ક્રીમ-મલાઈ ગ્રેવી, ખસખસ ટામેટા ગ્રેવી. આમ કોઈપણ ગ્રેવી બનાવી , કોફતા બનાવી તેમાં નાંખવા. તમારી પસંદગીની ગ્રેવી સાથે મલાઈ કોફતા તૈયાર થઇ જશે.
પાંચ વ્યક્તિ માટે
સમય: ૫૦ મિનિટ