મગની દાળના (મીની) સમોસા…

મગની દાળના (મીની) સમોસા…

 

સામાન્ય સમોસા તો મોટા હોય, ૧-૨ સમોસા તે ખાઈ શકાય. પરંતુ આજે આપણે મગની દાળનાં નાના સમોસા બનાવીશું.

મગની દાળના નાના સમોસા, સામાન્ય સમોસા કરતાં સાઈઝમાં અડધા જ હોય છે. કારણકે તેમાં બટેટાની જગ્યાએ સેકેલી દાળ નો ઉપયોગ કરવામાં આવે છે. અને આ સમોસા ૧૦ – ૧૨ દિવસ સુધી ઉપયોગમાં લઇ શકાય છે. ચા ની સાથે સવારે કે સાંજે નાસ્તામાં પણ લઇ શકાય છે. આ સિવાય દિવાળી જેવાં તેહવારમાં પણ બનાવી શકાય. અથવા ઘરમાં પાર્ટી હોય તો મેહમાન માટે બનાવાય.

સામગ્રી:

સમોસાનું પળ બનાવવા માટેની સામગ્રી:

૨૫૦ ગ્રામ મેંદો (૧-૧/૪ કપ )

૬૦ ગ્રામ ઘી (૧/૪ કપ ) (હંમેશા સમોસાનું પળ બનાવવા ઘી-તેલ લોટના માપના ૧/૪ ભાગનું જ લેવું. )

૧/૨ નાની ચમચી મીઠું. (સ્વાદ અનુસાર)

સમોસામાં ભરવાનું પૂરણ બનાવવા માટેની સામગ્રી:

૧૦૦ ગ્રામ મગની દાળ (ફોતરા વાળી ૧/૨ કપ)

૨ ટેબલ સ્પૂન તેલ (ટે.સ્પૂન )

૧ ચૂટકી (ચપટીક) હિંગ

૧/૪ નાની ચમચી જીરૂ

૧ નાની ચમચી ધાણા નો પાઉડર

૧ ચમચો વરિયાળી નો પાઉડર

૨ નંગ લીલા મરચા

૧” ઈંચ નો ટૂકડો આદુ

૧/૪ નાની ચમચી લાલ મરચા નો પાઉડર (મરચાનો પાઉડર સ્વાદ અનુસાર લઇ શકાય)

૧/૪ નાની ચમચી ગરમ મસાલો (થોડો ઓછો પણ લઇ શકાય)

૧/૪ નાની ચમચી આમચૂર પાઉડર ( થોડો ઓછો પણ ચાલે )

૧/૨ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

સમોસા તળવા માટે જરૂરી- તેલ

રીત:

મેંદા ને ચારણીમા ચાળી અને એક વાસણમાં રાખવો.

ત્યારબાદ, તેમાં ઘી અને મીઠું ઉમેરવું અને નવસેકા (હુંફાળું) પાણી ની મદદેથી લોટ બાંધવો. સમોસાના પળ નો લોટ (કણક) હંમેશા કડક બાંધવો. (ખાસ ધ્યાન રહે ઢીલો નહિ બાંધવો)

લોટ ને સેટ થવાં માટે ૧/૨ કલાક માટે ઢાંકી ને રાખવો. સમોસા બનાવવા માટેનો લોટ તૈયાર થઇ ગયો.

સમોસામાં ભરવાં માટેનું પૂરણ બનાવવાની રીત:

મગની દાળ ફોતરાવાળી સમોસાના પૂરણ માટે ઉપયોગમાં લેવાય તો સારૂ. મગની દાળ સાફ કરી અને ધોઈ ૨ કલાક સુધી પાણીમાં પલાળી રાખવી. અને જો ફોતરાવાળી દાળ હોય તો તેના ફોતરા પાણીમાં કાઢી નાખવા અને દાળ ચારણીમાં કાઢી અને થોડો સમય માટે બહાર રાખવી. જેથી તેમાંથી બધું પાણી નિતરી (નીકળી) જાય.

પલાળેલી દાળમાં વધારાનું બીજું પાણી ઉમેર્યા વિના, તેમાં લીલા મરચાં, આદુ નાંખી અને તેને મિક્ષરમાં (મિક્સીમા)બારીક પીસી લેવી.

એક કડાઈમાં તેલ લઇ અને ગરમ કરવું અને તેમાં હિંગ, જીરૂ નાંખીને સાંતળવું. તે  શેકાઈ જાય કે તરત તેમાં ધાણાનો પાઉડર, વરિયાળી પાઉડર, અને પીસેલી દાળ નાખવી. દાળને ચમચાથી હલાવતાં રેહવી અને શેકવી. ત્યારબાદ, તેમાં લાલ્માંર્ચાનો પાઉડર, આમચૂર પાઉડર અને મીઠું પણ નાખવું. દાળનો બ્રાઉન કલર આવે અને દાળ સૂકી (કોરી) થઇ ન જાય ત્યાં સુધી સેકવી. આમ, શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો. જે સમોસામાં ભરવાં માટેનું પૂર્ણ તયાર થઈ જશે.


સમોસા બનાવા માટે:

સમોસાનો જે લોટ બાંધેલ છે તેના લીંબુ જેવડી સાઈઝના ગોળા (લુઆ-ગોરણા)

બનાવવા-પાડવા. અને વેલણથી – ૪” ઈંચ પહોળી થાય તેવી પૂરી વણવી (બનાવવી). પૂરી પાતળી વણવી. જે પૂરી બંને તેને ચપ્પુની મદદથી બરોબર વચ્ચેથી બે સરખા ભાગ કરવા.


ત્યારબાદ, એક ભાગ હાથમાં લઇ અને તેના બંને છેડા કોન (શંકુ આકાર) આકાર થાય તેમ ભેગા કરવા અને પાણીની મદદથી ચોંટાડવા. આ કોનમાં ૧ થી ૧-૧/૨ ચમચી પૂરણ ભરવું. અને ઉપરનો ભાગ કવરની જેમ બંધ કરી ઢાંકી દઇ અને તેને પણ પાણી થી ચોંટાડવો. (પાણી લગાડી હાથથી થોડું પ્રેસ કરવાથી (દાબવાથી) ટે ચોંટી જશે.) સમોસાનો આકાર બરોબર એક સરખો લાગવો જોઈએ ટે ખાસ ધ્યાનમાં રહે. આમ, ધીરે ધીરે બધાજ સમોસા ભરી લેવા.


ત્યારબાદ, તેને તળવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે ગેસ ઉપર મૂકવું. ગરમ તેલમાં ૧૦-૧૨ (કડાઈની સાઈઝને / માપને ધ્યાનમાં રાખી ઓછા -વધારે લેવા) સમોસા એકી સાથે તળવા માટે મૂકવા. સમોસા મધ્યમ (ધીમા) તાપે તળવા. સમોસા બ્રાઉન કલરમાં થાય એટલે બહાર કાઢી અને એક પ્લેટમાં કિચન નેપકીન (પેપર) પાથરી તેની ઉપર મૂકવા.

આમ, ધીમે ધીમે બધાં જ સમોસા તળી લેવા અને પ્લેટ ઉપર મૂકવા. બસ, તમારા દાળના સમોસા તૈયાર થઇ ગયા.


સમોસા લીલી કોથમીરની ચટણી તેમજ મીઠી ચટણી સાથે ખાવાના ઉપયોગમાં લઇ શકાય. વધેલા સમોસાને એક એર ટાઈટ વાસણમાં ભરીને બંધ કરી રાખવાથી ૧૦-૧૫ દિવસ સુધી ઉપયોગમાં તે લઇ શકાય છે.

જો તમોને પસંદ હોય તો કાજુ -કિસમિસ પણ નાખીને બનાવી શકાય. તેમજ મસાલામાં પણ ફેરફાર-વધ-ઘટ કરી શકો છો.

સુજાવ :

(૧) દાળ ભીની રેહશે તો સમોસા બે (૨) દિવસથી વધુ રેહશે નહિ.

(૨) પૂરણ થોડું ખટ – મીઠું બનવવું હોય તો ૧ ટે.સ્પૂન ખાંડ પૂરણમાં નાંખવી

બ્લોગ લીંક: http://das.desais.net