ભગવાન ચૈતન્યદેવ…(ચૈતન્ય મહાપ્રભુ )…

ભગવાન ચૈતન્યદેવ…

.

.

બંગાળના નવદ્વીપ (નદિયા) નામે નગરમાં જગન્નાથ મિશ્ર નામે એક બ્રાહ્મણ પંડિત રેહતા હતા. તેમના પત્નીનું નામ શચીદેવી હતું.

તે દિવસે ફાગણની પૂનમ હતી. આકાશમા ચંદ્ર પૂર્ણકળાએ ખીલ્યો હતો. તેવામાં ધીરે ધીરે ચંદ્રનું ગ્રહણ થવાં માંડ્યું. દુષ્ટ રાહુ ચંદ્રમાને ગળી રહ્યો હતો, પણ પેટ વિનાનો રાહુ ચંદ્રમાને કેમ કરી ગળી શકવાનો હતો? થોડા વખત પછી ચન્દ્ર છૂટી ગયો ને પૂર્ણ કળાએ પ્રકાશી રહ્યો. બરાબર એ વખતે ચારે બાજુ દાનપુણ્ય અને કીર્તન ચાલતાં હતાં. ઈ.સ. ૧૪૮૬.

છોકરાનું નામ પાડવાનો વખત થયો ત્યારે પિતાએ તેની સામે અનાજ, પુસ્તક, ખડી, સોનામહોરો, રૂપિયો વગેરે લાવીને મૂકયાં. સામાન્ય રીતે નાનું બાળક ચળકતી ચીજ લેવા લલચાય, પણ આ બાળકે ન લીધું સોનું કે ન લીધું રૂપું. એણે લીધું એક પુસ્તક ! એ પુસ્તક હતું ‘શ્રીમદ ભાગવત.’ શચીમાતાએ પુત્રનું નામ પાડ્યું નિમાઈચંદ્ર ? ટૂંકમાં નિમાઈ. નિમાઈ શરીરે એવો રૂપાળો હતો કે લોકોએ એનું નામ પાડ્યું ગૌરાંગ !

નિમાઈ ભણવામાં બહુ હોશિયાર હતો. એક વાર જે સાંભળ્યું તે તેને કાયમ યાદ રહી જતું. તે જમાનામાં નવદ્વીપ વિદ્યાનું મોટું ધામ હતું. ત્યાં મોટી મોટી પાઠશાળાઓ હતી ને મોટા મોટા પંડિતો હતા. આવી એક પાઠશાળામાં નિમાઈ ગુરુની પાસે ભણતો હતો. રઘુનાથ નામે બીજો એક વિદ્યાર્થી તેનો સહાધ્યાયી હતો. એક દિવસે વાતવાતમાં રઘુનાથે નિમાઈને કહ્યું : ‘મેં ન્યાયશાસ્ત્ર પર એક ગ્રંથ લખ્યો છે.’ નિમાઈએ કહ્યું : ‘મેં પણ એક લખ્યો છે ! હું તને એ બતાવીશ.’

બીજે દિવસે બંને મિત્રો હોડીમાં બેસી ગંગાજીમાં ફરવા નીકળ્યા. હોડીમાં નિમાઈએ પોતાનો રચેલો ગ્રંથ કાઢી રઘુનાથને વાંચી સંભળાવવા માંડ્યો. સાંભળતાં સાંભળતાં રઘુનાથનું મોં પડી ગયું. તરત નિમાઈએ પૂછ્યું: ‘હેં શું થયું? શાથી તું એકદમ ઉદાસ થઈ ગયો?’

રઘુનાથે કહ્યું : ‘ભાઈ નિમાઈ, આજ સુધી હું એમ સમજતો હતો કે ન્યાયશાસ્ત્રમાં મારો ગ્રંથ અજોડ છે, પણ હવે મને ખબર પડી કે તારા ગ્રંથ આગળ મારો ગ્રંથ કઈ જ નથી ! અજોડ બનવાની મારી હોંશ આજે ભાંગી ગઈ તેથી હું ઉદાસ થઇ ગયો.’

આ સાંભળી નિમાઈએ એક પલકમાં વિચાર કરી લીધો. તેણે કહ્યું: ‘હું કહ્યું છું કે ન્યાયશાસ્ત્રમાં રઘુનાથ પંડિતનો ગ્રંથ સદાયે અજોડ રેહશે.’ આમ કહી એણે તે જ વખતે પોતાનો ગ્રંથ ઉપાડીને ગંગાના વહેતા પાણીમાં નાખી દીધો ! રઘુનાથ આભો બની જોઈ રહ્યો. મિત્રતાની ખાતર નિમાઈએ ઘડીકમાં દુર્લભ કીર્તિનો મોહ જતો કર્યો હતો.

ભણીગણીને મહાપંડિત બન્યા પછી નિમાઈ પરણીને સંસારી થયા. એકવાર કાશ્મિરથી કેશવ નામે એક મોટો પંડિત આવ્યો. દેશદેશના પંડિતોને વાદમાં જીતી એ દિગ્વિજયી થવા નીકળ્યો હતો, અને અનેક પંડિતોને વાદમાં હરાવી અત્યારે નવદ્વીપ આવ્યો હતો. સીધા જ નિમાઈની પાસે જઈ એણે કહ્યું : ‘એઈ છોકરા, લોકો નિમાઈ પંડિત કહે છે એ તું જ કે? ચાલ, મારી સાથે વાદમાં ઊતર !’ નિમાઈએ નમ્ર ભાવે કહ્યું: ‘જી, આપ્ ક્યાં ને હું ક્યાં ! તમારી સામે વાદમાં લડવાનું મારું ગજું નહિ !’ ‘તો લખી આપ્ કે હું હાર્યો !’ કેશવ પંડિતે કહ્યું.

નિમાઈ વિચારમાં પડી ગયા. ‘હું હાર્યો’ કેહવાનો કંઈ વાંધો ન હતો, પણ નવદ્વીપને બદનામ કેમ થવા દેવાય? તેથી તેમણે કહ્યું : ‘લખી આપું, પણ તે પેહલાં આપ ગંગાજી વિશે એક સ્તોત્ર રચી ગાઓ !’

જવાબમાં કેશવ પંડિતે ત્યાં ને ત્યાં શ્લોકો રચી બોલવા માંડ્યાં. પૂરા સો શ્લોક થયા. સાંભળી સૌ આભા બની ગયા, પણ નિમાઈ કંઈ બોલ્યા નહિ. ત્યાએ કેશવ પંડિતે ગર્વથી કહ્યું: ‘છોકરા, મારા આ સ્તોત્રમાં કંઈ ભૂલ હોય તો દેખાડ !’

ફરી ફરી એણે આવું કહ્યું ત્યારે નિમાઈએ કેશવ પંડિતના એ સોયે શ્લોક ફરી બોલે બતાવ્યા અને તેમાં ક્યાં શ્લોકમાં ક્યાં ભૂલ હતી તે બતાવ્યું. એ જોઈ કેશવ પંડિત આભો બની ગયો. તે બોલ્યો: ‘બાપરે, આ તો ભારે જબરો ! હું શું બોલી ગયો તેની મને ખબર નથી,પણ આને છે.’ તરત જ મિથ્યા ગર્વને બાજુએ મૂકીને એણે નિમાઈનાં ચરણમાં માથું મૂક્યું, ને એ એમનો શિષ્ય થયો.

ઈશ્વરપુરી કરીને એક વૈષ્ણવ ભક્ત હતો. એણે ‘શ્રીકૃષ્ણલીલામૃત’ નામે એક ગ્રંથ લખ્યો હતો. એકવાર નિમાઈની પાસે આવી એણે કહ્યું : ‘મને આ ગ્રંથ જરી જોઈ આપો !’

નિમાઈ જેમ જેમ એ ગ્રંથ વાંચતા ગયા તેમ તેમ તેમના હૃદયમાં ભક્તિભાવનાં મોજાં ઊછળતાં ગયાં. પછી તો એમણે એ ભક્તની પાસેથી કૃષ્ણભક્તિનો મંત્ર લીધો. હવે તેઓ આખો વખત હે કૃષ્ણ ! હે કૃષ્ણ ! કરવા લાગ્યા. કૃષ્ણ કૃષ્ણ કરતાં એક વખત તે બેભાન થઇ ધરતી પર પડી ગયા અને એમની આંખોમાંથી દડદડ અશ્રુનો પ્રવાહ વહી ચાલ્યો.

થોડા વખતમાં આખો માણસ જાણે બદલાઈ ગયો. હવે નિમાઈએ શાસ્ત્રોની ચર્ચા છોડી દીધી ને આખો વખત હરિકીર્તન કરવા માંડ્યા. શિષ્યો શાસ્ત્રની વ્યાખ્યા પૂછે ત્યારે નિમાઈ ‘હે કૃષ્ણ ! હે કૃષ્ણ !’ કરે ! આ જોઈ કેટલાક શિષ્યો એમને છોડી જતા રહ્યા ને કેટલાક એમના સાથે હરિકીર્તન કરવામાં જોડાઈ ગયા. પંડિત નિમાઈ હવે ભક્ત તરીકે જાણીતા થયા. તેમને ત્યાં ભજન કીર્તનની ધૂમ મચી ગઈ. જેને હરિ ભજવા હોય તે આવે, તેમાં નાતજાત કુળશીલ કશાનો ભેદ નહિ ! નીમાઈના વૈષ્ણવ ભક્તોમાં નિત્યાનંદ નામે એક સંન્યાસી હતો અને હરિદાસ નામે એક મુસલમાન પણ હતો.

તે વખતે નવદ્વીપમાં જગાઈ અને માધાઈ નામના બે ભાઈ ગામના કોટવાલ હતા. બંને શરીરે પઠ્ઠા હતા અને દારૂ પી લોકોને રંજાડતા હતા. આખું ગામ તેમનાથી બીતું હતું. એકવાર નિમાઈને તેમના ભક્તોએ કહ્યું: ‘આ જગાઈ-માધાઈને સુધારવાનો શું કોઈ રસ્તો નથી?’

નિમાઈએ કહ્યું : ‘રસ્તો નથી કેમ? છે ! રસ્તો હરિ કીર્તનનો ! ચાલો, આપણે હરિકીર્તન કરતાં કરતાં એમને ઘેર જઈએ !’

બસ, ભક્તોની મંડળી લઈને નિમાઈ કીર્તન કરતા જગાઈ-માધાઈના ઘર તરફ ચાલ્યા. જગાઈ-માધાઈને આ ઘોંઘાટ ગમ્યો નહિ. તેમણે નિમાઈ વગેરેને હાંકી કાઢવા છૂટા ઢેખાળા મારવા માંડ્યા. એક ઢેખાળો આવીને નિત્યાનંદના કપાળમાં ચોંટ્યો. કપાળમાંથી લોહીની ધારા વહેવા માંડી, પણ નિત્યાનંદે ભજન ચાલુ રાખ્યું નિમાઈ વધારે મસ્ત હરિ કીર્તન કરવા લાગ્યા. તે કીર્તન કરતાં કરતાં છેક જગાઈ-માધાઈ પાસે પહોંચી ગયા. બધાને થયું કે હમણાં જગાઈ-માધાઈ નિમાઈનું માથું ફોડી નાખશે.’

ત્યાં તો ભારે નવાઈની વાત બની. જગાઈ-માધાઈનો દારૂનો નશો ઊતરી ગયો. સાથે કોટવાલીનો કેફ પણ ઊતરી ગયો. એકદમ બંને જણા નિમાઈનાં ચરણમાં પડ્યાં ને માફી માગવા લાગ્યા ! તે દિવસથી તેમનું જીવન બદલાઈ ગયું. તેઓ નિમાઈનાં ભક્તો બની ગયા. આજે તેઓ બંગાળના માનીતા વૈષ્ણવ સંતો ગણાય છે.

હવે નિમાઈએ સંન્યાસી બની, ઘરબાર છોડી નીકળી પડવાનો નિશ્ચય કર્યો. આ વખતે તેમની ઉંમર માત્ર ચોવીસ વર્ષની હતી. પિતા ક્યારના મરણ પામ્યા હતા ને ઘરમાં વિધવા માતા તથા પત્ની એકલાં હતાં. એક મધરાતે તેઓ ઊઠયા. ઊંઘતી માતાની પ્રદક્ષિણા કરી તેમણે તેને સંબોધીને કહ્યું : ‘મા, આજે હું તને છોદ્ડીને જાઉં છું. મા, કરોડો જન્મે પણ તારું ઋણ હું વાળી શકું તેમ નથી. પણ મા, સંન્યાસી થયાવાગર મારો છૂટકો નથી. આખી પૃથવી મને બોલાવે રહી છે, હું જાઉં છું.’

નિમાઈના ગયા પછી થોડી વારે શચીમાતા જાગી ગયાં. ‘નિમાઈ ! નિમાઈ !’ કરી તેમણે બૂમ પાડી નિમાઈનાં પત્ની વિષ્ણુપ્રિયા પણ જાગી ગયાં ને બેબાકળાં બની રડવા લાગ્યાં. હજી મધરાત હતી, તોય બંને જણા ઘરમાંથી નીકળી ગંગાને કિનારે જઈ ઊભાં. ત્યાં શચીમાતા હાથ લાંબો કરી બૂમો પાડવા લાગ્યાં : ‘નિમાઈ! નિમાઈ!’ જવાબમાં પડઘો સંભળાયો : ‘નાઈ! નાઈ!’ (નથી ! નાથી !)

શિયાળાની રાત હતી. એવી કડકડતી ઠંડીમાં નિમાઈ ગંગા તરી સામે પાર નીકળી ગયા હતા. સામે કાંઠે એક વડ હેઠળ કેશવ ભારતી નામે સંન્યાસીનો આશ્રમ હતો. નિમાઈએ ત્યાં જઈને એમનાં ચરણમાં માથું મૂક્યું. કેશવ ભારતીએ નિમાઈને સંન્યાસની દીક્ષા આપી ‘કૃષ્ણ ચૈતન્ય’ એવું એમનું નામ પાડ્યું. ઈ.સ. ૧૫૧૦. નીમાંઈના વાળ કાપતી વખતે નાયીના હાથ કાંપવા લાગ્યા : ‘આહાહા ! આવા કોમળ સુંદર કેશ ! આ કેમ કપાય? તે પાછો હઠી ગયો. નિમાઈ કેટલું કરગર્યા ત્યારે નાયીએ એમના માથાનું મુંડન કર્યું !

સંન્યાસ ગ્રહણ કર્યાં પછી નિમાઈ તીર્થ યાત્રાએ નીકળી પડ્યા. હજારો સ્ત્રીપુરુષો તેમના સાથે જવા તૈયાર થયાં, પણ તેમણે સૌને વાર્યા. તેમણે કહ્યું : ‘સંન્યાસી તરીકે તમારે પાસે ભિક્ષા માગવાનો મને અધિકાર છે. હું તમારી પાસે એટલી જ ભિક્ષા માંગુ છું કે તમે કૃષ્ણને કદી ભૂલશો નહિ.’

ચૈતન્ય જ્યાં જતા ત્યાં હરિનામની ધૂન મચી જતી.

હરે કૃષ્ણ !હરે કૃષ્ણ ! કૃષ્ણ ! કૃષ્ણ ! હરે હરે !

હરે રામ ! હરે રામ ! રામ ! રામ ! હરે હરે !

રામ રાઘવ ! રામ રાઘવ ! રામ રાઘવ ! રક્ષમામ્ !

કૃષ્ણ કેશવ ! કૃષ્ણ કેશવ ! કૃષ્ણ કેશવ ! પહીમામ્ !

હરિ હરિ બોલ, બોલ હરિ બોલ,

મુકુન્દ માધવ ગોવિંદ બોલ !

કૃષ્ણ કૃષ્ણ બોલતાં ચૈતન્યની આંખોમાંથી અશ્રુધારા વેહવા લાગતી, અને એ મૂર્છાવશ થઇ પડી જતા. સતત હૈ કીર્તન ચાલુ રહે તો જ તેઓ ફરી ભાનમાં આવતા હતા. કૃષ્ણની ભક્તિમાં માણસને આવી રીતે પાગલ થતો કોઈએ કદી જોયો નહતો. દિન પ્રતિદિન ભક્તોની સંખ્યા વધતી જતી હતી.

એકવાર ચૈતન્ય નૌકામાં નદી ઓળંગતા હતા. ત્યાં એવાં ભાવવિભોર બની ગયા કે હોડીમાં ઊભા થઈ ગયા અને કીર્તન સાથે નૃત્ય કરવા લાગ્યા ! હોડીવાળાને બીક લાગી કે હોડી નદીમાં ઊંધી વળી જશે. તેણે બૂમો પાડી પાડી કીર્તન બંધ કરવા કહ્યું, પણ સાંભળે જ કોણ? કીર્તન ચાલુ જ રહ્યું અને હોડી કિનારે સલામત પહોંચી ગઈ !

જગન્નાથપુરીમાં વાસુદેવ સાર્વભૌમ ભટ્ટાચાર્ય નામે મહા વિદ્વાન રેહતા હતા. તેમને પોતાની વિદ્યાનો ઘણો ગર્વ હતો. તેમણે ચૈતન્યને કહ્યું :’?તમારે હજી જ્ઞાનની ઘણી જરૂર છે. તમે મારી પાસે વેદાંત-સૂત્રોની વ્યાખ્યા સાંભળો !’

સાત દિવસ સુધી સાર્વભૌમે શારીરિક ભાસ્ય પર વિવેચન કર્યું. ચૈતન્યયે તે શાંતિથી સાંભળ્યું. એક પણ અક્ષર તે બોલ્યા નહિ. ત્યારે સાર્વભૌમે કહ્યું : ‘વિષય ગહન છે ખરોને, તેથી સમજાતો નહિ હોય ! એટલે તમે બોલતા નથી ખરુને ?’

ચૈતન્યએ કહ્યું : ‘વિષય તો સમજાય છે, પણ તમારી વ્યાખ્યા સમજાતી નથી.’ આમ કહી એક શ્લોક લઇ એમણે તેની આધાર વ્યાખ્યાઓ કરી બતાવી. સાર્વભૌમ સ્તબ્ધ થઇ ગયા. તે પછી એ ચૈતન્યના પાકા ભક્ત બની ગયા.

ચૈતન્યે મદુરાઈ, રામેશ્વર, નાસિક, પંઢરપુર, સોમનાથ અને દ્વારકા સમેત આખા ભારતખંડની યાત્રા કરી હતી ને છેવટે જગન્નાથપુરીમાં સ્થિર થયા હતા. હાથમાં ઝાડુ લઈને તેઓ મંદિરનાં આંગણાં સાફ કરતાં ને તળાવમાંથી પાણી ભરી લાવી એ ધોતા. રથયાત્રા વખતે તેઓ હરિના રથની આગળ નૃત્ય કરતા ચાલતા.

એક દિવસ કેટલાક ભક્તોએ તેમને કહ્યું : ‘કટકના રાજા પ્રતાપરુદ્ર આપનાં દર્શન કરવા ચાહે છે. કૃપા કરી આપ એમણે દર્શન દેવા પધારો !’ ચૈતન્યે કહ્યું : ‘પણ સાધુ સંન્યાસી શું કરવા રાજાનાં દર્શન કરવા જાય? મારાથી એ નહિ બને !’

આમ રાજાને મળવાની એમણે ના પાડી, પણ એક દિવસ એવું બન્યું કે હરિકીર્તન કરતાં તેઓ દેહભાન ભૂલીને પડી ગયા. રાજા પ્રતાપરુદ્ર તે વખતે નદીએથી સ્નાન કરીને આવતા હતા. તેઓ પણ ભક્ત હતા. ભાગવતમાં વિરહી ગોપીઓનું ગીત છે, જેને ‘ગોપીગીત’ કહે છે. રાજા એ ગોપીગીતના શ્લોક બોલતાં બોલતાં આવતા હતા. કૃષ્ણભક્તિમાં પાગલ બની બેભાન થઈ પડેલા ચૈતન્યને જોઈ એણે કહ્યું : ‘ખરું ગોપીગીત તો આ ગઈ જાણે છે !’ એમ કહી તેમણે ચૈતન્યનાં ચરણમાં માથું મૂકાયું ! ગોપીગીત સાંભળી ચૈતન્ય ભાનમાં આવી ગયા. તેમણે એકદમ રાજાને છાતીસરસો ભીડ્યો. રાજાને રોમ રોમ આનંદ થઇ રહ્યો. પછી તો પોતાની બધી સંપત્તિ ગરીબોમાં વહેંચી દઇ, ભિખારી બની એ ચૈતન્યના શિષ્ય બની ગયા.

ચેતન્યે પોતાના શિષ્યોને દેશમાં બધે ભગવાનના નામનો પ્રચાર કરવાની આજ્ઞા કરી હતી. તેમણે કહ્યું હતું : ‘બ્રાહ્મણથી માંડીને ચંડાળ સુધી સૌને હરિનામનો ઉપદેશ કરજો !’

શ્રીશંકરાચાર્યની પેઠે શ્રીચૈતન્યની માતૃભક્તિ અદ્ ભુત છે. તેમને તો વૃંદાવન જઈ રેહવું હતું, પણ માતાની આજ્ઞાથી જ તેઓ પુરીમાં વસ્યા હતા ! પુરી નજીક હોઈ વખતોવખત માતાને તેમના સમાચાર મળી શકે એટલા માટે એવી આજ્ઞા કરી હતી. પુરીથી ઘણીવાર ચૈતન્ય ભક્તો દ્વારા ‘માતાનાં શ્રીચરણોમાં પ્રણામ’ કહેવડાવતાં. છેલ્લા તેઓ તેમને મળવા ગયા ત્યારે માતા એમણે જોઈ ઘરમાંથી બહાર દોડીએ આવ્યાં હતાં, અને માતાને જોતાં જ ચૈતન્યે, સંન્યાસી-ધર્મમાં એવું ન થાય છતાં, રસ્તા વચ્ચે જ માતાને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યાં હતા.

તે વખતે ચૈતન્યના પત્ની વિષ્ણુપ્રિયા કંઈ પણ બોલ્યા વિના પતિનાં ચરણમાં પડ્યાં. પછી કહે : ‘પ્રભુ, તમે આખી દુનિયાનો ઉદ્ધાર કર્યો, આ દાસીનો નહિ કરો?’ ચૈતન્યે કહ્યું: ‘કૃષ્ણ કૃષ્ણ જપો !’

‘કંઈ આધાર આપો !’

‘શું આપું? મારી પાસે કશું નથી !’

‘આ તમારી ચાખડીઓ આપો !’

ચૈતન્યે તે જ વખતે ચાખડીઓ ઉતારી આપી. એમનાં પત્નીએ તે માથે ચડાવી. આજે પણ એ ચાખડીઓ ત્યાં છે. એકવાર એક ભક્તે ચૈતન્યને પૂછ્યું: ‘પ્રભુ, વૈષ્ણવને ઓળખવો કઈ રીતે?’

ચૈતન્યે કહ્યું: ‘એકવાર પણ જેના મુખમાંથી ભગવન્નામનો ઉચ્ચાર થઇ જાય એ વૈષ્ણવ છે.’

બીજીવાર બીજી જગ્યાએ આવો જ પ્રશ્ન પૂછાયો : ‘પ્રભુ, વૈષ્ણવ કેવો હોય?’ ચૈતન્યે કહ્યું : ‘જે હંમેશાં ભગવન્નામનો ઉચ્ચાર કરે છે તે વૈષ્ણવ છે.’

ત્રીજીવાર આ જ પ્રશ્ન પુછાતાં તેમણે કહ્યું: ‘જેને જોતાં જ જોનારના મુખમાંથી આપોઆપ ભગવન્નામનો ઉચ્ચાર થવાં માંડે તે વૈષ્ણવ છે.’

વિચાર કરતાં જણાશે કે આ ત્રણે વ્યાખ્યા બરાબર છે. જગન્નાથપુરીમાં ચૈતન્ય કાયમ ભાવમત્ત દશામાં રેહતા હતા. શરીરનું તેમને ભાન સુધ્ધાં નહોતું.

એક મધરાતે તેઓ ઊઠયા ને ‘કૃષ્ણ ! કૃષ્ણ !’ કરતાં પાગલની પેઠે સમુદ્ર તરફ દોડયા. તે વખતે સાગરમાં ભરતી આવેલી હતી. આકાશમાંથી ચાંદની સાગરનાં મોજાં પર પડતી હતી. ચૈતન્યને ચારે કોર, જળમાં, સ્થળમાં, આકાશમાં કૃષ્ણની જ છબી દેખાતી હતી. કૃષ્ણ સિવાય ક્યાંય બીજું કશું નહોતું. કૃષ્ણ ! કૃષ્ણ ! કરી બે હાથ પોહળા કરી તેમણે કૃષ્ણને ભેટવા સાગર ભણી દોટ મૂકી અને ઘડીકમાં તેઓ સમુદ્રની અંદર અદશ્ય થઇ ગયા ! બીજે દિવસે દૂરના દરિયાકિનારેથી તેમનો મૃતદેહ હાથમાં આવ્યો.


તે વખતે તેમની ઉંમર માત્ર ૪૮ વર્ષની હતી.

આજે આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘના સંસ્થાપક અને આચાર્યશ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે જગતભરમાં ચૈતન્ય મહાપ્રભુનો ઉપદેશ ફેલાવી દીધો છે ને અસંખ્ય મંદિરો તથા આશ્રમોની સ્થાપના કરી છે.