‘કેવી રીતે ઇશ્વરને મેળવાય ….?’

‘કેવી રીતે ઇશ્વરને મેળવાય ….?’

આ સુંદર વાત શ્રીરામકૃષ્ણ મિશન આશ્રમ, કરિમગંજ, ખાતે ૧૯૫૭ અપ્રિલ., ‘સત્પ્રસંગ’ માં- સ્વામી વિશુદ્ધાનંદજીએ -રજુ કરેલ જે તેમના જ શબ્દોમાં, લેખને સંકલન કરી અત્રે રજુ કરવાની નમ્ર કોશિશ કરેલ છે, જે માટે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો આભારી છું. પૂજ્યપાદ સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ શ્રી શ્રીમા શારદાદેવીના મંત્રશિષ્ય હતા.

ઠાકુર – શ્રીરામકૃષ્ણદેવને એક ભક્ત શ્રી અશ્વિનબાબુએ આ પ્રશ્ન કર્યો કે- ‘કેવી રીતે ઇશ્વરને મેળવાય ….?’ તેનો જવાબ આપતા ઠાકુરે કહ્યું હતું કે -‘લોઢા પર કાદવ ચડી ગયો તો લોહચુંબક તેને ખેંચી શકે નહિ.’ વ્યાકુળ ભાવે આંખમાં પાણી સહિત તેમને પોકારવા જોઈએ; સુખદુ:ખમાં સદા સ્મરવા જોઈએ. તેમનામાં મન રાખીએ તો તેઓ જ સહન કરવાની શક્તિ આપે. મનની મલિનતા દૂર થાય એટલે તેઓ જ ખેંચી લે. આપણેને મુમુક્ષતા જોઈતી નથી. મુમુક્ષતાની ઈચ્છા હોઈ તો ભગવાને બતાવેલા રસ્તે ચાલવું પડે,.. હો ! …’મુક્ષતા એટલે શું?’ આ પ્રશ્ન આપણને થાય ને?… સંસાર એક મોટું બંધન છે, તેનાથી મુક્ત થવાની ઈચ્છા. વિવેક ન આવે ત્યાં સુધી મુક્તિ માટે ઈચ્છા પણ જાગે નહીં

આ માટે, પ્રથમ તો ‘એક’ ને લેવો પડશે, તે પછી ‘શૂન્ય’ માં સ્થિતિ થાય. પણ આપણે તો ‘એક’ ને જ બાદ રાખીએ છીએ. આપણી સ્થિતિ તો છાણના કીડા જેવી છે. ટેવ પાડવાથી ભગવાનમાં મન અપર્ણ કરી કામ કરી શકીશું. ભગવાનને મન અપર્ણ કરવાનો અર્થ એ છે કે સર્વભાવે તેમના શરણાગત થવું. જે કર્મબંધને આપણને સંસારમાં જકડી રાખ્યા છે, તેમાંથી આપણને આ શરણાગતિરૂપ સંન્યાસ દ્વારા જ મુક્તિ મળશે- ‘શુભાશુભાફ્લૈરેવં મોક્ષ્યસે કર્મબંધનૈ : |’

ઠાકુરે સકળ ભાવે ઈશ્વરની ઉપલબ્ધિ કરી હતી, તેથી તેમની પાસે જે કોઈ આવતાં, તેઓ બધાં મનપ્રાણથી વિશ્વાસ કરતા કે ભગવાનનું અસ્તિત્વ છે. આમ ભગવાનની સાથે ઠાકુરનો -શ્રીરામકૃષ્ણદેવનો વિવિધ ભાવે સંબંધ, એવું ઈતિહાસમાં બીજે ક્યાંય જોવામાં આવતું નથી.

મનની કેવી અવસ્થા થાય તો ઈશ્વરદર્શન થાય? ઠાકુર આનું જ્વલંત દ્રષ્ટાંત છે. મા અને છોકરા, છોકરાઓનું મન માને છોડીને બીજે ક્યાંય જાય નહીં.. ‘મા ! દેખા દે’ – અદર્શનથી ઉત્પન થયેલ વિરહદુ:ખ, આવો અભાવ બોધ જ ઠાકુરના સાધક્જીવનનો પ્રધાન વિષય હતો. ભગવાન પ્રત્યે કયે ભાવે મન રાખવું જોઈએ, એ બાબતમાં આપણને તેમના જીવનમાંથી ઉપદેશ મળે છે. ઠાકુરનો.. ‘મા ! દેખા દે’,- એ આર્તનાદ સાંભળી લોકો સ્થિર થઈ જતા. લોકો સમજી ન શકતા કે તેમને શું થયું છે. તેઓ એથી પણ વધારે ઊંચે સ્તરે ચડ્યા. માતા વિનાનું બાળક જીવવાને પણ ઇચ્છતું નથી. તેથી તેઓ અદર્શનજનિત દુ:ખથી જ્યારે પ્રાણત્યાગ કરવા જતા હતા ત્યારે જ તેમને દર્શન થયાં. આવા ખેંચાણ કે ભક્તિ વિના ભગવાનનો સાક્ષાત્કાર થતો નથી. ત્રણ જાતનાં ખેંચાણ ?-વિષયીનું વિષય પ્રત્યેનું, માનું સંતાન પ્રત્યેનું અને સતિનું પતિ પ્રત્યેનું આકર્ષણ. -આ ત્રણે એકસાથે મળે તો ભગવાનનાં દર્શન થાય. રડતાં રડતાં તેમને પોકારો. ‘મા વિનાનુ છોકરું જેમ માને પોકારે તેમ. દુ:ખપૂર્ણ સંસારમાં આ જ એકલો શાંતિનો માર્ગ છે. આઘાત જોઈએ -આપણને ચાબુક મારીને તેઓ શીખવે છે. તેમના શરણાગત થાઓ. ઠાકુરના ઉપદેશ સદા યાદ રાખો. ભગવાનને બાકાત રાખ્યા તો પછી આપણી શિક્ષાદીક્ષા બધું વ્યર્થ જશે. ‘નાહમ્ નાહમ્, તું હી તું હી’ -આ ભાવ રાખીને સંસારમાં ચાલવું પડશે. ઈશ્વર જેવું બીજું કોઈ પ્રિય નથી- તેઓ જ સૌથી વધારે પ્રિય. ભગવાન પ્રત્યે આવું ખેંચાણ રાખી સંસારમાં આગળ ચાલો.

સૌજન્ય : શ્રીરામકૃષ્ણ આશ્રમ,રાજકોટ. – ‘સત્ પ્રસંગ’ -સ્વામી વિશુદ્ધાનંદ