લઘુકથાઓ … (પ્રેરક પ્રસંગો) સંકલિત…

લઘુકથાઓ  … (પ્રેરક પ્રસંગો)  સંકલિત…

 

[‘શાંત તોમાર છંદ’ પુસ્તકમાંથી સાભાર.]

 

[૧]

 

ફિલસુફ બર્ટ્રાન્ડ રસેલ એકવાર ઊંડા ચિંતનમાં ડૂબેલા બેઠા હતા, ત્યાં એક મિત્રે આવીને પૂછ્યું : ‘આટલા બધા તલ્લીન શાના વિચારમાં થઈ ગયા છો આજે ?’
‘મેં એક વિચિત્ર શોધ કરી છે? રસેલે જવાબ વાળ્યો, ‘જ્યારે જ્યારે હું કોઈ જ્ઞાનીની સાથે વાત કરું છું ત્યારે મને પ્રતીતિ થાય છે કે સુખની હવે ક્યાંય શક્યતા રહી નથી, અને મારા માળી સાથે વાત કરતી વેળા એથી ઊલટી જ વાતની ખાતરી મને થાય છે.’

 

[૨]
હજરત મહંમદ પેગંબર સાહેબ પોતાની સાથે અબુબકરને લઈને મક્કા છોડીને ચાલ્યા ગયા, ત્યારે કુરેશો તેમને પકડવા તેમની પાછળ પડ્યા. એટલે હજરત મહંમદ સાહેબ અને અબુબકર રસ્તામાં આવેલી એક ગુફામાં સંતાઈ ગયા. કુરેશોને પાછળ પડેલા અને નજીક આવતા જોઈને અબુબકર બોલ્યા : ‘હજરત સાહેબ, આપણે ફક્ત બે જ જણા અહીં છીએ અને દુશ્મનો તો ઘણા છે. શું થશે ?’
હજરત મહંમદ સાહેબ બોલ્યા : ‘શું?’ આપણે ફક્ત બે જ જણા છીએ ? યાની અલ્લાહ નથી ? આપણે બે નથી, ત્રણ છીએ.’

 

 

[૩]
એકવાર મહાન સાધ્વી રાબિયા પાસે સત્સંગ કરવા કેટલાક ભક્તો આવ્યા, અને ખુદાની બંદગી તેમજ પવિત્ર કુરાનના પાઠની વાત કરી. રાબિયાએ પૂછ્યું :
‘ભાઈ, ખુદાની બંદગી તમે શા માટે કરો છો ?’
એક કહે : ‘ખુદાનું નામ લઈએ તો નરકમાં દુ:ખો ભોગવવાં ન પડે.’
બીજો કહે : ‘હું તો જન્નતમાં સુખ મેળવવા ખુદાનું નામ લઉં છું.’
રાબિયા કહે આ વાત બરોબર ન કહેવાય. પછી કહે, ભાઈઓ,
જ્યારે હું નાની હતી, ત્યારે એક શેઠને ત્યાં ગુલામડી તરીકે કામ કરતી હતી. ત્યાં બીજા પણ ગુલામો હતા. તેમાંના કેટલાક ગુલામો શેઠ ગુસ્સે થશે અને એ સજા કરશે એ બીકના માર્યા કામ કરતા હતા, અને કેટલાક ગુલામો માલિકને ખુશ કરવા કામ કરતા હતા. આ બન્ને પ્રકારના ગુલામો શેઠની હાજરીમાં તો બરાબર કામ કરતા પણ શેઠ હાજર ન હોય ત્યારે કામચોરી કરતા.

 

ભાઈઓ, ખુદા આપણો માલિક છે. તે આપણને નરકમાં નાખશે એવા ભયથી કે સ્વર્ગમાં સુખ આપશે તેવી લાલચથી તેની બંદગી ન કરવી જોઈએ. પરંતુ સર્વવ્યાપી પરવરદિગારને યાદ કરતાં આપણા દિલમાં પ્રેમભક્તિની ભરતી આવવી જોઈએ. ખુદાને યાદ કર્યા વિના એક ઘડી પણ ન રહેવાય એવી તાલાવેલી પેદા થવી જોઈએ.

 

 

[૪]
એક નાનકડો છોકરો નિશાળમાં કોઈ એક સહપાઠી સાથે ઝઘડ્યો હશે. ઘેર આવી મનોમન બબડવા લાગ્યો : ‘બદમાશ ! હરામખોર ! હું તને મારી નાખીશ.’ મા સાંભળી ગઈ. કશું બોલી નહિ પણ છોકરાને પાસેના પહાડોમાં લઈ ગઈ. એક ઊંચા પહાડ પર ચડી તેણે છોકરાને કહ્યું : ‘બેટા, તું ઘરમાં શું બબડતો હતો ? અહીં એ બધું છાતી ફાડીને બોલી નાખ.’ છોકરો પહેલાં તો શરમાયો પણ માએ આગ્રહ જારી રાખ્યો. સામે વિશાળ ખીણ પથરાયેલી હતી અને ત્યાર પછી ઊંચા પહાડ માથું કાઢીને ઊભા હતા. છોકરાએ બૂમ પાડી કહ્યું : ‘બદમાશ !’ સામેથી એવો જ અવાજ આવ્યો : ‘બદમાશ !’ છોકરો બોલ્યો : ‘હું તને મારી નાખીશ.’ જાણે સામેના પહાડો છોકરાને મારી નાખવા ધસમસતા હોય એવા પડછંદા પડ્યા : ‘તને મારી નાખીશ.’

 

છોકરો આ પડઘાનો નિયમ જાણતો હતો. પણ એ વખતે એ નિયમ તેના હૃદયમાં ઘર કરી ગયો. માએ કહ્યું, ‘બેટા, હવે જોરથી બોલ તો ! ભાઈ તું મને ખૂબ વહાલો છે. તારું ભલું થાય.? સામેથી એ જ શબ્દો ઉછળતા આવ્યા. માએ કહ્યું : ‘આ નિયમ કદી ન ભૂલતો.’

 

[૫]

 

એક ગામમાં લાગલગાટ ત્રણ વરસ વરસાદ ન પડ્યો. લોકો ત્રાસી ગયા. તેમણે ધર્મગુરુની સલાહ લીધી કે હવે શું કરવું?’ ધર્મગુરુએ સલાહ આપી : ‘ચાલો, આપણે સહુ પ્રાર્થના કરીએ.’ આખું ગામ પ્રાર્થના કરવા માટે એક મેદાનમાં ભેગું થયું. નાનાં-મોટાં, સ્ત્રી-પુરુષ સહુ આવ્યાં. એક નાની બાળકી પણ આવી. તે છત્રી લઈને આવી એટલે કોઈએ તેની મશ્કરી કરી, ‘વરસાદનું ઠેકાણું નથી, અને જુઓ આ છોકરી તો છત્રી લાવી છે !’ ધર્મગુરુએ પણ પૂછ્યું, ‘બેટા, છત્રી કેમ લાવી છે ?’ એટલે સાવ સરળતાથી પેલી બાળા બોલી, ‘તમે જ શીખવો છો કે શ્રદ્ધા રાખશો, પ્રાર્થના કરશો તો વરસાદ આવશે. અને આપણે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવા જ આવ્યા છીએ એટલે વરસાદ તો આવશે જ ને ? તેથી ભીંજાઈ ન જવાય એટલે હું છત્રી લાવી છું !’ પ્રાર્થના તો આપણે સહુ કરીએ છીએ, પણ આવી પ્રબળ શ્રદ્ધારૂપી છત્રી લાવનાર કેટલા ?

 

 

[૬]
એક હતું ફૂલ.
એ કહે : ‘મારી સુગંધ હું મારી પાસે જ રાખીશ, મારી તિજોરીમાં રાખીશ. હું એનો એકલો માલિક બનીને રહીશ. બીજા કોઈને તે નહીં આપું ! સુગંધને મારા ઘરમાંથી બહાર નીકળવા જ નહીં દઉં તો !’ સુગંધને બંધ રાખવા એણે પાંખડીઓની દિવાલો રચી, પણ સુગંધ તો રોકાઈ રહી નહીં. દિવાલો ભેદીને એ બહાર નીકળી અને પવન પર સવાર થઈને ચાલી.
ફૂલ માથું હલાવી, હાથ વીંઝીને કહે : ‘અરે મારી સુગંધ, મારી દીકરી, તું પાછી આવ, તારે ક્યાંય જવાનું નથી? તું મારા ઘરમાં ને ઘરમાં રહે બેટા ! હું તને ખૂબ સાચવીને રાખીશ.’ ફૂલ બૂમો પાડતું જ રહ્યું, પણ સુગંધે કંઈ સાંભળ્યું નહીં.
સુગંધની વાતોનો જવાબ આપ્યો પવને.
તેણે કહ્યું : ?અરે ભાઈ ફૂલ, જે સુગંધ તારું ઘર મેલીને બહાર નીકળે છે તેને લોકો તારી સુગંધ કહે છે; જેને તું ઘરમાં પૂરી રાખે છે તેને કોઈ સુગંધ કહેવાનું નથી.?
હવે ફૂલે સુગંધને કહ્યું : ‘જા બેટી, મા-બાપનું નામ રોશન કર !’
(રવીન્દ્રનાથ ઠાકુર (અનુ. રમણલાલ સોની)

 

 

[૭]
પોતાના નિધનની પૂર્વસંધ્યા. 1902. દરિદ્રનારાયણની પૂજાનો, વેદાંતપૂજાનો નવો વિધિ વિવેકાનંદે કર્યો. મઠમાં કામ કરતા આદિવાસી સાંતાલ શ્રમિકો સાથે એમણે પ્રેમથી વાતો કરી અને સૌને મઠનો પ્રસાદ લેવા વિનંતી કરી. રોટલી, દાળ, ભાત, મિઠાઈ, દહીં વગેરે જે સૌને પીરસાતું હતું તેનું જાતે નિરીક્ષણ કર્યું. ભરપેટ જમાડ્યા પછી સ્વામીજીએ તેમને કહ્યું : ‘તમે સૌ નારાયણ છો, પ્રગટ ઈશ્વર છો, મેં નારાયણને જમાડ્યા છે.’ પોતાના શિષ્યને કહ્યું, ‘તેમનામાં મને મૂર્તિમંત ઈશ્વર દેખાતો હતો. આટલી સરળતા, આટલો નિર્વ્યાજ પ્રેમ મેં બીજે કશે જોયેલ નથી.’ મઠના સાધુઓ તરફ મુખ ફેરવી સ્વામીજી બોલ્યા : ‘એ લોકો કેટલા સરલ છે તે જુઓ. એમનું થોડુંક પણ દુ:ખ તમે દૂર કરી શકશો ? નહીં તો ભગવા પહેરવાનો શો અર્થ છે ? ખૂબ તપ પછી હું આ સત્ય સમજ્યો છું. દરેક જીવમાં શિવ વસે છે એ સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. જીવસેવા ખરે જ શિવ સેવા છે.’

 

 

[૮]
એક વખત એક માણસ ગ્રીસ દેશના મોટા તત્વજ્ઞાની ડાયોજિનીસ પાસે આવીને પોતે પણ કેટલો મોટો જ્ઞાની છે એ બતાવવા ડંફાસ મારતો કહેવા લાગ્યો : ‘તમે તો શું, તમારા કરતાંય મોટા મોટા વિદ્વાનોને હું મળ્યો છું; તેમની સાથે તત્વજ્ઞાનની કેટલીય વાતચીત કરી છે.’
ડાયોજિનીસ ધીમે સ્વરે બોલ્યા : ‘એમ ‘! મેં પણ દુનિયાના મોટા મોટા ધનવાનો જોયા છે, તેમને મળ્યો પણ છું; તેમની સાથે ઘણી ઘણી વાતચીત પણ કરી છે. પરંતુ આમ કરવાથી હું ધનવાન નથી બન્યો !’

 

 

[૯]
હાતીમભાઈ ? બહુ પરોપકારી, વિશાળ હૃદયના. કોઈએ એમને પૂછ્યું : ‘તમારા કરતાં, વધુ યોગ્ય માણસ તમે જોયો છે ?’
‘ઘણાં હશે.? જવાબ મળ્યો, ‘પરંતુ એક અનુભવ કહું ? એક વાર મેં જબરજસ્ત મીજબાની લોકોને આપેલી. ચારેબાજુના વિસ્તારના લોકોને નોંતર્યા હતા. મારે એ જ દિવસે અચાનક જંગલમાં, કંઈ કામે જવાનું થયું. એક કઠિયારો, માથે લાકડાંનો વજનદાર ભારો. મેં પૂછ્યું, ‘તમે હાતીમની મીજબાનીમાં ન ગયા ?’ કઠિયારાએ જાણે શાસ્ત્ર કહ્યું, ‘જે પસીનો ઉતારીને પોતાનો રોટલો રળે છે એને હાતીમને ત્યાં જવાની શી જરૂર ?’

 

 

[૧૦]
નાની આવકમાં મોટા કુટુંબની જવાબદારી અને અન્ય સાંસારિક ઉપાધિઓથી વાજ આવી ગયેલા એક ભક્તે શ્રી રમણ મહર્ષિ આગળ પોતાનું દુ:ખ રડતાં અકળાઈને કહ્યું : ‘આના કરતાં તો આ જિંદગીનો અંત લાવવાનું મન થાય છે.’ મહર્ષિ તે વેળા પાંદડાની પતરાવળીઓ બનાવી રહ્યા હતા. તેમણે કહ્યું : ‘પહેલાં આ પતરાવળીઓ ઊકરડે ફેંકી આવ, પછી આપણે વાત કરીએ.’ એ સાંભળી સ્તબ્ધ થયેલા ભક્તે કહ્યું : ‘આપે આટલા શ્રમથી બનાવેલી પતરાવળીઓ વાપર્યા વિના જ ઊકરડે ફેંકી દેવાનો શો અર્થ ?’ મહર્ષિએ હસીને કહ્યું : ‘તો પછી આપણને મળેલા અલભ્ય જીવનનો યોગ્ય ઉપયોગ ન કરતાં તેનો અંત આણવાનો વિચાર મૂર્ખાઈ નથી ?’ અને પેલા નૈરાશ્યવાદી ભક્તનો જીવન પ્રત્યેનો દષ્ટિકોણ બદલાઈ ગયો.

 

 

સાભારઃhttp://AksharNaad.com

 

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

વચન પાલન …

વચન પાલન …

 

 

આપણે એ જાણીએ જ છીએ કે પાંડવોએ ૧૩ વરસ સુધી વનવાસ ભોગવ્યો. અર્જુને માત્ર વચન ખાતર જ માત્ર એકલા જ વનવાસ ભોગવ્યો હતો કે જેની કથા આ પ્રમાણે છે.

 

દ્રૌપદીના પાંડવો સાથેના લગ્ન કંઇક અનોખી રીતે થયા હતા પરંતુ ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ ન્યાયપુર્ણ પણ હતા. દ્રૌપદી એ એક મહાન પતિવ્રતા છે અને તેના વખાણ ખુદ ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી પણ સાંભળવા મળે છે. દ્રૌપદી અને પાંડવોના લગ્નની ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ ન્યાયપુર્ણતા નીચેના કારણોથી મુલવી શકાય છે.

 

૧. કુંતી માતા કે જેઓને ખોટુ શું છે એ જ ખબર નહોતી તેમણે પોતાના સંતાનોને આ લગ્ન માટે સંમતિ આપી.

 

૨. મહર્ષિ વ્યાસ કે જેઓ ભગવાન વિષ્ણુના એક અવતાર છે તેઓએ આ લગ્ન માટેનો આદેશ આપ્યો.

 

૩. ભગવાન શિવ દ્રૌપદીના તપથી પ્રસન્ન થઇને દ્રૌપદીને પાંડવો સાથે લગ્ન કરવા માટે આશિષ આપે છે.

 

૪. પાંડવો દૈહિક રીતે પાંચ હતા પરંતુ તેઓ ઇન્દ્રનો અંશ હોવાથી એક જ હતા.

 

નારદજી કે જેઓ ભગવાનનું મન કહેવાય છે તેઓએ પાંડવો અને દ્રૌપદીએ સાથે રહેવા માટેના કેટલાક નિયમો ઘડી આપ્યા. કારણકે પાંડવો અને દ્રૌપદી ભલે તેઓ દૈવિક અંશ હતા પરંતુ તેઓ મનુષ્યરૂપે અવતર્યા હોવાથી મનુષ્યધર્મનું પણ પાલન કરવુ જ રહ્યુ. તેમાંનો એક નિયમ એવો હતો કે દ્રૌપદીએ એક વર્ષ એક પાંડવ સાથે રહેવાનું અને જ્યારે દ્રૌપદી એક પાંડવ સાથે હોય ત્યારે બીજા ભાઇઓએ મહેલમાં પ્રવેશ કરવો નહી. આ નિયમનો ભંગ કરવાની સજા રૂપે એક વર્ષનો વનવાસ વેઠવાની સજાનું નક્કી કર્યુ.

 

દ્રૌપદી અને પાંડવો સુખેથી દિવસો પસાર કરતા હતા. એક દિવસ એક બ્રાહ્મણ દોડતો દોડતો અર્જુન પાસે આવ્યો અને ફરિયાદ કરી કે એક ચોર તેની ગાયો ચોરીને લઇ જાય છે. અર્જુન ચોરને પકડવા માટે તત્પર થયો પરંતુ તેને યાદ આવ્યુ કે તેના ધનુષ્ય અને બાણ યુધિષ્ઠિરના મહેલમાં છે અને યુધિષ્ઠિર અત્યારે દ્રૌપદીની સાથે છે. પ્રથમ તો અર્જુનને ખચકાટ થયો પરંતુ બ્રાહ્મણની આજીજી સાંભળીને પોતે યુધિષ્ઠિરના મહેલમાં જઇને પોતાના ધનુષ્ય અને બાણ લઇને ચોરને પકડવા માટે ગયો. ચોરને પકડી યોગ્ય દંડ આપીને બ્રાહ્મણને ગાયો પાછી આપી. યુધિષ્ઠિરને નિયમભંગની સઘળી હકિકત જણાવી. ધર્મરાજ યુધિષ્ઠિર હકિકત જાણીને?અર્જુનને કહ્યુ કે તેને વનવાસની જરૂર નથી. એક ઉમદા કાર્ય માટે તેણે નિયમ તોડ્યો હોવાથી અર્જુન માફીને લાયક છે. પરંતુ અર્જુન વચન પાલનનો આગ્રહી હોવાથી તરત જ વનવાસ માટે રવાના થયો.

 

વાર્તામાંથી મળતો બોધ : 

 

  • વચન પાલન ખુબ જ મહત્વનું છે. ગમે તેવા કપરા સંજોગોમાં પણ વ્યક્તિએ ક્યારેય વચનભંગ કરવો ન જોઇએ.

 

  • અર્જુનને સજાની ખબર હોવા છતાં એક રાજા તરીકેના કર્તવ્યપાલનથી સહેજ પણ ડગ્યો નહી.

 

  • આવા લોકો માટે તત્કાલિન પરિસ્થિતિ કપરી બની જાય છે પરંતુ અંતમાં ભલુ તો તેઓનું જ થાય છે.

 

સંદેશ :

 

  • જો દરેક વ્યક્તિ વચન પાલનનો આગ્રહી હોય અને હંમેશા સત્ય બોલતો હોય તો સમાજમાંથી ભ્રષ્ટાચાર નિકળી જશે. આ કામ મુશ્કેલ જરૂર છે પરંતુ અશક્ય નથી.

 

  • જો દરેક વ્યક્તિ પોતાની ફરજ બજાવતો હોય તો કોઇ પણ સમાજ આસાનીથી?અસાધારણ પ્રગતિ કરી શકે છે.

 

  • ક્ષણિક જુઠ હંમેશા ક્ષણિક લાભ અપાવે છે?જ્યારે ક્ષણિક સત્ય પણ સનાતન હોય છે.

 


સાભારઃવિશાલ મોણપરા
http://www.gurjardesh.com

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

તને મળ્યો મનુષ્ય અવતાર…. ગંગાદાસ (રચના) …

તને મળ્યો મનુષ્ય અવતાર…. ગંગાદાસ (રચના) …

 

 

તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને
તેંતો ભજ્યા નહીં ભગવાન હેત ધરીને,
તેથી ખાશો જમનો માર પેટ ભરીને,
તેથી રામનામ સાંભળ…તને.
ગઇ પળ પાછી નહીં મળે,
મૂરખ મૂઢ ગમાર,
ભવસાગરની ભૂલવણીમાં,
વીતી ગયા જુગ ચાર
ફેરા ફરીને…તને.
જઠરાગ્નિમાં જુગતે રાખ્યો,
નવમાસ નિરધાર,
સ્તુતિ કીધી તેં અલબેલાની
બહાર ધર્યો અવતાર,
માયામાં મોહીને…તને.
કળજુગ કુડો રંગ રૂડો,
કેતા ન આવે પાર,
જપ તપ તીરથ કાંઈ ન કરિયા
એક નામ આધાર
શ્રીકૃષ્ણ કહીએ…તને.
ગુરુગમ પાયો મનમાં ધર્યો,
જુગતે કરી જદુરાય,
ગંગાદાસકુ જ્ઞાન બતાયો
રામદાસ મહારાજ
દયા કરીને…તને.

 

– ગંગાદાસ
‘ડાયરો’-પુસ્તકના ભજન વૈવિધ્ય વિભાગમાંથી

 

 

સાભારઃ http://AksharNaad.com
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

સુવિચારોનું વૃંદાવન …

સુવિચારોનું વૃંદાવન …
બિલિપત્ર…

 

આપણા માટે સૌથી મોટું ભયસ્થાન એ નથી કે આપણું લક્ષ્ય ખૂબ ઉંચુ છે અને આપણે ચૂકી જઇએ છીએ, પણ એ છે કે આપણું લક્ષ્ય ખૂબ નીચું છે અને આપણે તેને મેળવી સંતોષ માનીએ છીએ.
– માઇકલ એન્જેલો

 

 

-તમારા હાથ ની રેખાઓ શું કહે છે તેના પર ભરોસો ના કરશો કારણ કે નસીબ તો તેને પણ હોય છે જેને હાથ નથી હોતા.

 

-We can do no great things,
Only small things with great love
-Mother Teresa

 

– The mind has a thousand eyes
And the heart but one;
yet the light of a whole life dies
when love is done.’

 

-મહાનતા ક્યારેય નિષ્ફળ ન જવાથી મળતી નથી,
તે મળે છે જ્યારે નિષ્ફળ જઇએ તે દરેક વખતે ઉભા થવાથી
-રાલ્ફ એમર્સન

 

 

suvichar

 

“મનુષ્યનું જીવન શ્રદ્ધા અને વિવેકથી ચાલે છે. વિવેક ન હોય, પરંતુ શ્રદ્ધા હોય તો બીજાના વિવેકથી લાભ ઉઠાવી શકાય છે. બીજાના વિવેકથી લાભ ઉઠાવવાની યોગ્યતાનું નામ ‘શ્રદ્ધા’ છે.
“સ્વામી અખંડઆનંદ સરસ્વતી

 

 

[૦૧] લગ્નજીવનની સફળતાનું રહસ્ય એ વાત પર નિર્ભર છે કે તમે એક સારા સાથી પર પસંદગી ઉતારી છે અને પોતે પણ સારા બન્યા છો.

 

[૦૨] પતંગિયું હંમેશા ભૂલી જાય છે કે પોતે પણ એક સમયે એક કીડો હતું.

 

[૦૩] કોઈ પણ અંકુરિત થયેલું બીજ તરત જ ઝાડ નથી બની જતું.

 

[૦૪] તમારા દીકરાને એક ફુલ આપશો તો એ ફક્ત એ દિવસે જ એને સુંઘી શકશે. એને છોડ ઉગાડવાનું શીખવી દો ? એ રોજ સુવાસ માણી શકશે.

 

[૦૫] લક્ષ્ય ત્યારે જ સાધી શકાય જ્યારે આપણાં પ્રયત્નોને બીજા સાથે સરખાવીએ.

 

[૦૬] સમુદ્રનાં મોજાંના માર્ગમાં પથ્થરોની પથારી ન હોય તો લહેરો ગૂંજતી નથી.

 

[૦૭] તમે તમારા વડીલો પર ગર્વ કરી શકો છો કે નહીં એ વાતથી કોઈ ફરક નથી પડતો, ફરક તો એ વાતથી પડે છે કે તેઓ તમારા પર ગર્વ કરી શકે છે કે નહીં.

 

[૦૮] દરેક વ્યક્તિ એ જ કરે છે જે એને ગમતું હોય છે, નહીં કે જે એણે વાસ્તવમાં કરવું જોઈએ.

 

[૦૯] તમે એક વર્ષીય યોજના બનાવવા ઈચ્છતા હો તો મકાઈ વાવો. તમે ત્રણ વર્ષીય યોજના બનાવવા ઈચ્છતા હો તો વૃક્ષ રોપો. તમે દસ વર્ષીય યોજના બનાવવા ઈચ્છતા હો તો લોકોને કેળવણી આપો.

 

[૧૦] કોઈ પણ સંઘર્ષ કરવો પડે, તમે આગળ વધતા રહો, સફળતા દસ પગલાં જ દૂર છે.

 

[૧૧] કોઈ પણ સ્ત્રીનો ઉછેર કેવો છે એ ઝઘડામાં એના આચરણ દ્વારા વ્યક્ત થાય છે.

 

[૧૨] ખોટું કરવા માટેની કોઈ સાચી રીત નથી.

 

[૧૩] ઈમાનદાર હોવું એ ગર્ભધારણ કરવા સમાન છે.

 

[૧૪] વાયદા આપીને ન પૂરાં કરવા કરતાં વિવેકથી ના પાડવી વધુ સારું છે.

 

[૧૫] ક્યારેય ટૂંકો માર્ગ ન અપનાવો. તમારા અંત:કરણ સાથે ક્યારેય સમાધાન ન કરો.

 

[૧૬] બાળકોને ગણિત શીખવતી વખતે શું ગણવાનું છે એ શીખવવું વધુ જરૂરી છે.

 

[૧૭] સંસાર જેને અસાધારણ બુદ્ધિપ્રતિભા કહે છે એ વાસ્તવમાં ‘કોમન સેન્સ’નો ભંડાર હોય છે.

 

[૧૮] કલ્પના કરવી હંમેશાં સુરક્ષિત હોય છે, આ જૂનો રસ્તો ખોટો નથી, પણ કોઈ બીજો સારો વિકલ્પ પણ હોઈ શકે છે.

 

[૧૯] તમે એક આદત કેળવી લો ? પ્રત્યેક વ્યક્તિ માટે કંઈ ભલું કરવાની.

 

[૨૦] શિક્ષણ એટલે જીવનની જુદી જુદી વિષમ પરિસ્થિતિઓ સામે ઝઝૂમવાની યોગ્યતા.

 

[૨૧] કાંટાથી ભરેલું સિંહાસન બનાવી તો શકાય પણ એના પર વધુ વાર બેસી નહીં શકાય.

 

[૨૨] મોટા ભાગની દુનિયા એ સિદ્ધાંત પર ચાલે છે કે તમે પાંચ ટનની ટ્રક જેવા હો તો તમને સડક વિષયક જ્ઞાનની કોઈ જરૂરત નથી.

 

[૨૩] તમને રેલવે સ્ટેશને પહોંચવામાં મોડું થઈ ગયું અને ટ્રેન તમારા માટે ઊભી ન રહી તો એ માટે તમે રેલવે ખાતાને દોષિત ન ઠેરવી શકો.

 

[૨૪] તમારી પીડાને રેતી પર લખો. તમારી સિદ્ધિઓને આરસ પર લખો.

 

[૨૫] સન્માન વગરની સફળતા તમારી ભૂખ તો શમાવી દે છે પણ એ મીઠા વગરના ભોજન જેવી સ્વાદવિહીન છે.

 

[૨૬] તમે એ વાતથી બિલકુલ ચિંતિત ન થતા કે બીજા લોકો તમારા વિશે શું વિચારે છે. એ લોકો તો એ વાતથી ચિંતિત છે કે તમે એના વિશે શું વિચારો છો.

 

[૨૭] ઊંદરદોડમાં મુશ્કેલ એ છે કે જીતી ગયા પછી પણ તમે ઊંદર જ રહો છો.

 

[૨૮] જે વ્યક્તિ પોતાના મનોરંજન માટે સમય ફાળવી નથી શકતી એ હંમેશાં માંદલી જ દેખાશે.

 

[૨૯] સમજદાર વ્યક્તિ એ જ કહેવાય જે બીજાની ભૂલો ભૂલી પોતાની ભૂલો યાદ રાખે.

 

[૩૦] બીજાં કરતાં વધારે મહેનત કરવાથી જ શ્રેષ્ઠતા મેળવી શકાય છે.

 

[૩૧] તમારા મગજમાં ઘણી વણખેડાયેલી જમીન છે, એના વિશે વિચાર કરો. કઠોર પરિશ્રમ કરવો એ હળ ચલાવવા સમાન છે, સારાં પુસ્તકો વાંચવાં એ એમાં ખાતર નાખવા જેવું છે અને શિસ્તપાલન એમાં જંતુનાશકનું કાર્ય કરે છે.

 

[૩૨] વેપાર ટેનિસ રમવા જેવો છે. જેઓ સર્વિસ કરે છે તેઓ કોઈક જ વાર હારે છે.

 

[૩૩] હંમેશાં બતક જેવું વર્તન કરો?- સપાટી પર બિલકુલ શાંત અને નિશ્ચિંત દેખાવ પણ અંદરથી સતત હાથપગ ચલાવતા રહો.

 

[૩૪] માછલી ક્યારેય મુશ્કેલીમાં ન આવવા છતાં પોતાનું મોં બંધ રાખે છે.

 

[૩૫] આપણામાંથી કોઈપણ પરિપૂર્ણતા પ્રાપ્ત નથી કરી શકતું. પણ આપણે તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી શકીએ છીએ.

 

[૩૬] મુશ્કેલ સમય વધુ વાર સુધી નથી ટકતો પણ વ્યક્તિની પ્રકૃતિ કદી બદલાતી નથી. વ્યક્તિ રહે છે.

 

[૩૭] બે વ્યક્તિએ જેલના સળિયા વચ્ચેથી બહાર જોયું. એકે માટી જોઈ, બીજાએ તારા.

 

[૩૮] તમે પહેલીવાર સફળ ન થાવ અને ફરી પાછો પ્રયત્ન કરો, ત્યારે બીજી કોઈ રીત અપનાવો.

 

[૩૯] ક્યારેય ન પડવું એ સિદ્ધિ નથી, પણ પડ્યા પછી ફરીવાર ઊઠો એ જ સાચા અર્થમાં સિદ્ધિ છે.

 

[૪૦] તમે આકાશને આંબવાની કોશિશ કરો છો તો શક્ય છે કે તમને એક પણ તારો ન મળે, પણ કમસેકમ હાથમાં ધૂળ તો નહીં આવે.

 

[૪૧] સતત સાંભળવાની કોશિશ કરો. ક્યારેક સારી તક ખૂબ ધીમેથી તમારાં દ્વાર ખટખટાવે છે.

 

[૪૨] હસવું એક ઉત્તમ ઔષધિ છે, જાત પર હસતાં શીખો તથા બીજામાં પણ રમૂજવૃત્તિ કેળવો.

 

[૪૩] એક સફળ સંવાદનું રહસ્ય એ છે કે તમે વગર અસંમત થયે અસંમત છો.

 

[૪૪] વ્યક્તિને ત્રણ ભાગમાં વહેંચી શકાય (1) જે કાર્ય કરે છે (2) જે કાર્ય કરતાં જુએ છે અને (3) જે એ વાતનું આશ્ચર્ય કરે છે કે આ કાર્ય કેવી રીતે થયું.

 

[૪૫] સહાનુભૂતિ કોઈ દિવસ વ્યર્થ નથી જતી, જાતને આપવા સિવાયની.

 

[૪૬] તમે જે ઈચ્છો છો એ મેળવવામાં આનંદ નથી, આનંદ તો જે છે એ માણવામાં-સ્વીકારવામાં છે.

 

[૪૭] મારી પાસે ચંપલ નથી એ વાતનો રંજ મને ત્યાં સુધી જ હતો જ્યાં સુધી મેં રસ્તા પર પગ વગરની વ્યક્તિને જોઈ નહોતી.

 

[૪૮] હસવામાં ઉડાડી દો- એક પ્રેશર કુકર ત્યાં સુધી સુરક્ષિત નથી જ્યાં સુધી એમાં સુરક્ષા વાલ્વ નથી લાગેલો.

 

[૪૯] તમે દુ:ખમાં પક્ષીઓને તમારા માથા પર ચકરાવો લેતાં નથી રોકી શકતા. પણ તમે એમને તમારા માથે માળો બનાવતા રોકી શકો છો.

 

[૫૦] મિત્ર બનાવવાનો ફક્ત એક જ માર્ગ છે કે તમે ખુદના મિત્ર બનો.
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

લઘુકથાઓ … (પ્રેરક પ્રસંગો) …

લઘુકથાઓ …  (પ્રેરક પ્રસંગો) …

 

 

{૧}

 

 

મને બરાબર યાદ છે કે હું નાનો હતો ત્યારે એક વાર હું આખી રાત કુરાન પઢતો બેઠો હતો. તે વખતે મારી બાજુમાં કેટલાક માણસો પડ્યા પડ્યા મોટેથી ઘોરતા હતા.

 

મેં મારા અબ્બાજાનને જોઈને કહ્યું, ‘બાબા, જુઓને આ લોકો કેવા છે? ખુદાને નમાજ અદા કરવી તો બાજુ પર રહી પણ કોઈ માથું યે ઊંચુ કરતું નથી !’

 

આ સાંભળી પિતાજી બોલ્યા, ‘બેટા, તું પણ આ લોકોની માફક ઊંઘી ગયો હોત તો ઘણું સારું થાત, જેથી તું પારકાની નિંદા તો ન કરત !’

 

– શેખ સાદી

 

 

{૨}

 

ફિલસૂફ બર્ટ્રાન્ડ રસેલ એક વાર ઊંડા ચિંતનમાં ડૂબેલા બેઠા હતાં. ત્યાં એક મિત્રે આવીને પૂછ્યું, ‘આટલા બધા તલ્લીન શેના વિચારમાં થઈ ગયા છો?’

 

‘મેં એક વિચિત્ર શોધ કરી છે.’ રસેલે જવાબ આપ્યો, ‘જ્યારે જ્યારે હું કોઈ જ્ઞાનીની સાથે વાત કરું છું ત્યારે મને પ્રતીતિ થાય છે કે સુખની હવે ક્યાંય કોઈ શક્યતા રહી નથી, અને મારા માળી સાથે વાત કરતા મને તદ્દન ઉલટી જ વાતની પ્રતીતિ થાય છે.’

 

 

{૩}

 

 

ઉપનિષદમાં એક કથા છે, ભગવાન કોઈ એક ભક્ત પર પ્રસન્ન થયા અને કહ્યું, ‘વરદાન માંગ’.

 

ભક્તે કહ્યું, ‘પ્રભુ, હું શું માંગું? હું શું જાણું? તમે તો બધુંય જાણો છો. તેથી મારે માટે જે ઉચિત હોય તે તમે જ આપોને!’

 

અને તે ભક્ત પરીક્ષામાં પાસ થઈ ગયો. આપણે માટે શું ઊચિત છે તે ઈશ્વર જાણે જ છે. માટે સકામ પ્રાર્થના ન કરીએ.

 

– વિનોબા ભાવે

 

 

{૪}

 

એક વખત એક માણસ ગ્રીસ દેશના મોટા તત્વજ્ઞાની ડાયોજિનીસની પાસે આવીને પોતે પણ કેટલો મોટો જ્ઞાની છે એ બતાવવા ડંફાસ મારતો કહેવા લાગ્યો, ‘તમે તો શું, તમારા કરતાંય મોટા મોટા વિદ્વાનોને હું મળ્યો છું, તેમની સાથે તત્વજ્ઞાનની કેટલીય વાતચીત કરી છે.’

 

ડાયોજિનીસ ધીમા સ્વરે બોલ્યા, ‘એમ’ મેં પણ દુનિયાના મોટા મોટા ધનવાનો જોયા છે, તેમને મળ્યો પણ છું, તેમની સાથે ઘણી વાતચીત પણ કરી છે, પરંતુ આમ કરવાથી હું ધનવાન નથી બન્યો !’

 

 

{૫}

 

ડુંગરનું ચઢાણ આકરું હતું, બધા યાત્રાળુઓના મોં પર થાકના ચિહ્નો જણાતા હતાં. બધાની સાથે બારેક વરસની એક છોકરી પણ પર્વત ચઢી રહી હતી. કેડે ચારેક વરસનો છોકરો તેડ્યો હતો. કોઈકે દયાથી પૂછ્યું, ‘અલી છોકરી, આ છોકરાને ઉંચકીને ચડે છે તો તને ભાર નથી લાગતો?’

 

છોકરીએ જવાબ આપ્યો, ‘ભાર ! ના?’ રે, એ તો મારો ભાઈ છે !’

 

 

{૬}

 

એકાંત સેવી અવધૂત એવા મસ્તરામ પાસે જઈને રાજાએ સવાલ પૂછ્યો, ‘મને સ્વર્ગ અને નર્કના દ્વાર બતાવશો?’ અવધૂતે કોઈ જવાબ આપ્યો નહીં, રાજાએ ફરીથી એક વખત તેમને કહ્યું, ‘મને સ્વર્ગ અને નર્કના દ્વાર બતાવશો?’ અવધૂતે તેમની સામે તુચ્છકારભર્યું હાસ્ય કર્યું, રાજા હવે ઉભો થઈ જોરથી બરાડવા જતો હતો એટલામાં અવધૂતે કહ્યું ‘તું કોણ છે?’ રાજા કહે, ‘હું રાજા છું આ આખાય નગરનો.’ અવધૂત કહે, ‘તારા દીદાર તો ભિખારી જેવા છે’ તું અને રાજા?’ રાજાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો તેણે તલવારની મૂઠ પર હાથ મૂક્યો, અવધૂત કહે, ‘એ કટાયેલી તલવારને ચલાવવાનું આવડે છે?’ રાજા તેમને તલવારથી મારવા જ જતો હતો કે અવધૂત બોલ્યા, ‘રાજન જુઓ, નરકના દ્વાર ખુલી રહ્યાં છે.’ રાજાને સત્ય સમજાયું, તે અવધૂતના ચરણોમાં નમી પડ્યો, માફી માંગી પસ્તાવો વ્યક્ત કરવા લાગ્યો, અવધૂત કહે, ‘રાજન જુઓ, હવે સ્વર્ગના દ્વાર ખુલવા લાગ્યા છે.’

 

 

{૭}

 

નાના એવા શહેરના મુખ્ય રસ્તા પર બેફામ ઝડપે પસાર થતી એક અમીરની મોટરગાડીને પાછળથી આંબી ગયેલા એક મોટરસાયકલ સવાર પોલીસે ઉભી રખાવી. હાંકનાર સન્નારીના નામઠામ એણે પોતાની ડાયરીમાં નોંધવા માંડ્યા. પેલા બાનુ ગુસ્સે થઈ બોલવા લાગ્યા, ‘તમે કાંઈ લખો એ પહેલા જાણી લેજો કે આ ગામના નગરપતિ મારા મિત્ર છે.’

 

એક શબ્દ બોલ્યા વગર પોલીસે નોંધ ટપકાવવાની ચાલુ રાખી એટલે પેલા બાનુ ગુસ્સે થવા લાગ્યા,?’ અહીંના પોલીસ ઉપરી પણ મને સારી રીતે ઓળખે છે.’ એમના મિજાજનો પારો ચઢતો જતો હતો તે છતાં પોલીસે ડાયરીમાં લખવાનું ચાલુ રાખ્યું, ‘હું અહીંના મેજીસ્ટ્રેટ અને ધારાસભ્યને પણ સારી રીતે ઓળખું છું’. જાણી લેજો..’

 

નોંધ પૂરી કરી ડાયરી બંધ કરી દંડની રસીદ પકડાવતા પોલીસે એને મધુરતાથી પૂછ્યું, ‘હવે કહો જોઈએ, તમે કાનજી રવજીને ઓળખો છો?’

 

‘ના!’ બાનુએ કબૂલ કરતાં અચરજ બતાવ્યું, ‘ત્યારે ખરી જરૂર તમારે એને ઓળખવાની હતી.’ પોલીસે દંડ લઈ પોતાની મોટરસાયકલ શરૂ કરતા કહ્યું, અને ઉમેર્યું, ‘હું કાનજી રવજી છું.’

 

 

બિલિપત્ર :

 

ચાલો, ચાલો ખુદને મળીએ,
દર્પણમાંથી બહાર નીકળીએ
– અરવિંદ ભટ્ટ

 

 

પ્રેરક પ્રસંગો એ નાનકડી ખાટી મીઠી ગોળી જેવા છે, પ્રસંગની સાથે તેની પાછળનો અર્થ સમજવાનો આનંદ એ સ્વાદમાં અનેકગણો વધારો કરી જાય છે. ક્યારેક સમય મળે, મન નવરાશમાં હોય ત્યારે આવા પ્રસંગોનું વાંચન અને મનન તથા એ પ્રસંગો વડે પ્રસ્તુત થતો તેમની પાછળનો ભાવ, ભાવક માટે એક આગવો અનુભવ આપનારી સ્થિતિ બની રહે છે. આ સાતેય પ્રસંગોની પોતાની આગવી વાત છે અને સ્પષ્ટ સંદેશ પણ છે.

 

નાનકડા અને સુંદર પણ પ્રેરણાદાયી આ સાત પ્રેરક પ્રસંગો ચિંતન, પ્રાર્થના, ભજન, ધૂન અને પ્રેરક સામગ્રીનો અદભુત સંચય એવા પુસ્તક ‘શાંત તોમાર છંદ’ માંથી સાભાર લેવામાં આવ્યા છે. શ્રી રમેશ સંઘવી અને શ્રી રમણીક સોમેશ્વરનું આ સંકલન જેટલું સુંદર અને મનહર એ, એટલું જ વિચારપ્રદ અને જરૂરી પણ છે.

 

 

સાભારઃઅક્ષરનાદ.કોમ
http://AksharNaad.com

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]