શ્રદ્ધા અને અંધશ્રદ્ધા નો ભેદ…

શ્રદ્ધા અને અંધશ્રદ્ધા નો ભેદ …

 

 

શ્રદ્ધા અને અંધશ્રદ્ધાના મહાસાગરમાં આજે પ્રત્યેક માનવ ભવસાગર પાર ઉતરવાની મહેચ્છા કે ઝંખના ઘરાવે છે.

 

વઘારે પડતી શ્રદ્ધા બાજુની દોટમાં માનવ કોમ્પુટર કે અન્ય જીવન જરૂરીયાતની વસ્તુ અતિ ઉત્સાહ અને ઉમંગથી વસાવે છે. અને એજ ચીજવસ્તુ આગળ શ્રીફળ વધેરી ચાંદલા કરતા જોવા મળે છે. આ પ્રક્રિયા આપણને શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બંન્ને ના દર્શન કરાવે છે. જે નવી વસ્તુ છે, તેનું પૂજન અર્ચન જરૂરી છે. જેને આપણે શ્રદ્ધા કહેશું અને જો તેનું પૂજન અર્ચન નહી કરવામાં આવે તો વસાવેલી સવલત યોગ્ય વળતર નહી આપે. એવા વિચાર ને આપણે અંધશ્રદ્ધા કહીશું, અને આમા વર્તનારા મહામાનવોને આપણે ક્રમશ: બે વર્ગમાં વિભાજીત કરીશું ? શ્રદ્ધાળુ અને અંધશ્રદ્ધાળુ.

 

આજે આપણે મહામાનવોની અંઘશ્રદ્ધા વિષે શક્ય તેટલું સંક્ષીપ્તમાં વિવરણ કરીશું, પહેલાંના યુગમાં લોકો વઘુ અંધશ્રદ્ધાળુ હતા તથા અત્યારે ભણતરનું વઘતું જતુ પ્રમાણ માણસને તેમાંથી મુક્ત કરી રહ્યું હોય તેવું પ્રથમ દ્રષ્ટીએ જોવા જાણવા અને માણવા મળે છે, પરંતુ આ શું? જેમા ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે તેમ અંધશ્રદ્ધાના પ્રવર્તકો તેનો દૂરૂપયોગ કરીને આપણને અંધશ્રદ્ધાની ઊંડી ખાણ કે જેમાંથી બહાર નીકળવું મૂશ્કેલ જ નહી પરંતુ અશક્ય છે, તે તેરફ ખેચાણ ઉત્પન્ન કરી રહ્યાં છે. અને આપણે તેની પોચી ચીકણી માટીમાં ઘસડાતા જઈએ છીએ. જેના થોડા ઉદાહરણ નીચે આપેલા છે.

 

તમે ઘણી વખત મદારીનો ખેલ જોયો હશે. જેમાં નાગદાદાના કંડીયા પર રૂ મૂકી કહે છે. ‘દાદા આના પર ફૂંકા મારો’ અને જોત જોતામાં તે ‘રૂ’ સળગી ઉઠે છે, અને આપણને નમસ્કાર કરી રૂપિયા ફેંકીએ છીએ, પરંતું ‘રૂ’ એટલા માટે સળગે છે કારણ કે, તેમાં ફોસ્ફેટ હોય છે. અને ઓક્સિજનના સંપર્કમાં આવતાંની સાથે સળગે છે. તેમજ મદારી આપણા હાથમાં મંત્રેલી ઘૂળ આપે છે અને મુઠ્ઠી વાળવા કહે છે. થોડા સમય બાદ આપણા હાથની આજુબાજુ સુગંઘ આવે છે. અને તે કહે છે દાદાને આપે આપેલા રૂપિયાનો ઘૂપ પહોંચી ગયો છે. પરંતુ, જ્યારે તે આપણને ઘૂળ આપે છે ત્યારે તેનો બીજો હાથ ની આંગળીઓ અત્તરવાળી હોય છે. જે આપણી હથેળીની આજુબાજુ અડકે છે, જેથી ત્યાં સુગંઘ આવે છે.

 

શ્રીફળમાંથી કંકુ, ચુંદડી વગેરે નીકળતા પણ આપે જોયા હશે. જે શ્રીફળની આંખમાંથી ત્યાં ઘુસાડી ફેવીકોલથી તેના છાલાને ચીપકાવી દેવામાં આવે છે, કંકુના પગલા, લીંબુ કાપવાથી તેમાંથી નિકળતું લોહી તે પણ ક્રમશ: હળદર અને સોડાના મિશ્રણથી કંકુના પગલાં પડે છે અને લીંબુ ને કાપવામાં ઉપયોગમાં લેવામાં આવતું ચપ્પુ પર એસિડીક દ્રાવણ લગાડેલું હોય છે આ બઘું જોઈને એ ધૂતારાને આપણે નમસ્કાર કરી રૂપિયાનો વરસાદ કરીએ છીએ.

 

આજે ચાર રસ્તાની ચોકડી પર ઉતાર કરી મૂકેલ લાલ ઘાગાથી વીંટેલ નાળિયેર કે ખીલી મારેલું લીંબુ અને તેને ફરતે પાણીથી કરેલ સર્કલ જોઈ ભણેલો ગણેલો અને અંધશ્રદ્ધામાં નહી માનનારો માનવ પણ તે સર્કલ થી બહાર ચાલે છે.

 

ઘણાં તો સામાન્ય માથાના દુખાવાને પ્રથમ નજરે એવો વિચાર કરે છે કે નજર લાગી હશે કે કાઇક કસમયે અજાણ જગ્યા પર ‘પગ પડ્યો હશે. બીજી બાજુ હાથની આંગળીયોમાં ગ્રહો ના નંગા પહેરનારા અત્યારે ઠેર ઠેર જોવામળશે, કદાચ એ પણ સાચું હશે પરંતું દસ માંથી આઠ આંગળીમાં નંગા પહેરનાર ને તમે શું કહેશો,’ શ્રદ્ધાળુ કે અંધશ્રદ્ધાળુ’

 

હાથની ચાલાકી અને ટેકનોલોજીનો દૂરઉપયોગ આજે માનવોને ડરાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે. એક ગુરુ ના બે શિષ્યો અત્યારે એકા મહાન જાદુગર અને બીજો ભગવાન તરીકે પૂંજાય છે.

 

હવે વાત કરીએ કદી સપ્તાહમાં એકવાર ભૂલથી સ્નાન કરતાં, આપણા જૂના અને જાણીતા, પોતાની જાતને આદ્યશક્તિના ઉપાસક તરીકે ગણાવતા ભૂવાઓની. સંગીતની શક્તિથી જો દિપક રાગથી દિપ પ્રજ્વલીત થતો હોય અને મલ્હાર રાગથી વરસાદ વરસતો હોય તો શું ડાકલા ના તાલથી ભૂવાને ઘ્રૂજારી ના આવી શકે પરંતુ માનવીને એ નથી સમજાતું ને કે તેમાં માતાજીના પ્રવેશને પ્રાધાન્ય આપી, તે જેમ કહે તેમા કરવા તૈયાર થઈ જાય છે અને કેટલાક તો પોતાની પત્ની કે સંતાનની હત્યા કરતાં પણ ખચકાતા નથી. ઘણા તાંત્રીકને કાળા અડદના દાણા બીજા પર બીજા પર ફેંકી મારી નાંખવાની ધમકી આપ્યાના ઉદાહરણ તમે જરૂર સાંભળ્યા હશે. એ જોઈ કે સાંભળી ને આપણે તે વ્યક્તિથી ડરવા લાગીએ છીએ અને તેજ આપણો ગુરુ બની જાય છે.પરંતુ તે જે દાણા ફેંકે છે તેના પર પોઈઝન (ઝેર) લગાવેલ હોય છે.જે માણસના શરીરને અડકતા તેનું મૃત્યુ પણ થઈ શકે છે. હવે આપણને એ વિચાર ચોક્ક્સથી આવશે કે તો પછી તાંત્રીકને તે અડદના દાણાની અસર કેમ ન થઇ? પરંતુ તે પણ એકા હાથ ચાલાકી છે. તેણે પોતાના હાથ પર એલોવેરાના રસના પાંચ છ પડ ચડાવેલા હોય છે. જેથી તેના પર અમૂક સમય સુઘી તે ઝેરની અસર થતી નથી. અને આપણે એવા ગઠીયાઓને ચમત્કારી ગણી પ્રણામ કરીએ છીએ. જીભ કાપવી, ગાલમાં સળીયા આરપાર કરવાં આ પણા આપણને ડરાવવાની એક કળા છે.

 

ઘણી વખત સળગતા દેવતા પર ચાલતા લોકો પણ જોયા હશે, તેનું પણ એક કારણ છે, અગ્નિ ત્રણ સેંકડ સુઘી આપણને દઝાડતી નથી, અને આપણે સામાન્ય માણસ પણ તેના પર ચાલી શકીએ છીએ, અને જો આ સાચુ હોય તો તે માણસ આરામથી તેના પર કેમ ન ચાલી શકે? તથા ઉકળતા તેલમાંથી પુરી કાઢી પોતે સાચા છે એવું સાબીત કરે છે. તે તેલ ઉકળતુ એટલા માટે દેખાય છે કારણા કે તેમાં લીંબુનો રસ નાંખ્યો હોય છે.

 

આવા કેટલાય બનાવટી ચમત્કારીને આપણે તેના ચમત્કારોમાં ગૂંચવી રાખ્યાં છે. ભગવાન સાથેની આપણી અનન્ય શ્રદ્ધા અનંત કાળોથી ચાલી આવી છે. જો આપણને તેનામાં શ્રદ્ધા હોય તો પછી આ બઘા ધૂતારા પાછળ દોટ લગાડવાથી શું ફાયદો? ઘણાં એવું માને છે કે ભગવાન નથી પણ તે વિજ્ઞાન છે. મતલબ તો એક જ છે, કે આ ગ્રહોની ગતિ સજીવા સૃષ્ટિ વગેરે ને ચલાવતી કોઈક શક્તિ તો જરૂર છે અને જેણે ઘણા ભગવાન માને છે અને ઘણા વિજ્ઞાન. અંતમાં માત્ર આટલું જ કહીશ:

 

‘શ્રદ્ધાનો દિપક સદા પ્રજ્વલિત રહે આપણા અંતરમાં,
અંધશ્રદ્ધાનો ક્ષણીક વિચાર કદી ના આવે જીવનમાં.’

 

 

સાભારઃhttp://AksharNaad.com

 

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

બાળક મૂળશંકર…(શિવરાત્રી..)

બાળક મૂળશંકર …

 

navratri

 

સૌરાષ્ટ્રમાં મોરબી નામે દેશી રાજ્ય હતું. તેમાં ટંકારા નામે એક ગામ છે. આ ગામમાં એકસો ને સત્તર વર્ષ પહેલાં કરશનજીભાઈ નામના એક ઔદીચ્ય બ્રાહ્મણ રહેતા હતા. પોતે જમીનદાર હતા, લેણદેણનો ધંધો પણ કરતા . ભિક્ષાવૃત્તિ નહોતા કરતા. ચુસ્ત શિવભક્ત હતા.

 

તેમને ઘરે મૂળશંકર નામે દીકરો હતો. દીકરાને માતા પિતા કુળની રીતિ મુજબ શિક્ષણ દેતા હતાં. પાંચ વર્ષની વયે તો મૂળશંકરે દેવનાગરી કક્કો ભણવા માંડ્યો. મા-બાપ એને ધર્મશાસ્ત્રોના શ્ર્લોકો અને સુત્રો પણ મોઢે કરાવતાં હતાં.

 

મૂળશંકર આઠ વર્ષનો થયો, એને જનોઈ દીઘી. ગાયત્રી મંત્ર, સંધ્યા અને તેની ક્રિયા પણ શીખવવામાં આવ્યાં. યજુર્વેદની સંહિતાઓ પણ એને ભણાવવા લાગ્યા. ઉપરાંત પિતા એને માટીનું શિવલિંગ બનાવીને પૂજા કરવાનું પણ કહ્યા કરતાં.

 

દીકરાનો આવો કઠોર ઉછેર મૂળશંકરની બાને ગમતો નહિ. છોકરો માંદો પડશે, છોકરાને સવારે વહેલા જમવાની ટેવ છે, એ મોડે સુઘી ભુખ્યો ન રહી શકે, અને પૂજાપાઠ કરે તો તો વહેલાં જમાય નહિ, એવું કહીને બા વિરોધ કરતાં. બાપુ હઠ કરતા કે પૂજા તો કરવી જા જોઈએ, કારણ કે એ તો કુટુંબની રીતિ છે. એમ કરતાં કરતાં આ વિરોધ એટલો બધો વધ્યો કે બા અને બાપુ વચ્ચે કંકાસ પણ મચવા લાગ્યો. આ અરસામાં મૂળશંકરે તો કંઈક વ્યાકરણ, વેદ વગેરેનો અભ્યાસ કરી કાઢ્યો. બાપુ એને પોતાની સાથે મંદિરોમાં ને સંમેલનોમાં લઈ જતા તથા કહેતા કે શિવ ઉપાસના જ સર્વથી શ્રેષ્ઠ છે. ચૌદ વર્ષનો થતા સુઘીમાં તો મૂળશંકરે યજુર્વેદની સંહિતા પૂરી શીખી લીઘી, બીજા વેદોના પાઠ પણ ખતમ કર્યા, નાના નાના વ્યાકરણ ગ્રંથો પણ ભણી કાઢ્યા. પછી તો જ્યાં જ્યાં શિવપુરાણ વગેરેની કથા થતી હોય ત્યાં બાપુ એને બેસારતા હતા અને બાની ના છતાં માટીના શિવલિંગનું પૂજન પણ એની પાસે કરાવતા હતા.

 

એમા કરતાં શિવરાત્રી આવી. તેરશને દિવસે બાપુએ એને શિવરાત્રીની કથાનો મહિમા સંભળાવીને વ્રત કરવાનો પણ નિશ્ર્વય પણ લેવરાવ્યો. બા કહે કે એનાથી બાપાડા વ્રત નહિ રહેવાય, પણ વ્રત તો લેવાઈ ચૂક્યું હતું.

 

ચૌદશની રાત પડી. વસ્તીના મોટા મોટા શિવભક્તો પોતપોતાના પુત્રોને લઈ મંદિરમાં જાગરણ કરવા ગયા. મૂળશંકર પણ બાપુ સાથે ત્યાં ગયો. શિવરાત્રીના પહેલા પહોરની પૂજા કરીને બધા પૂજારીઓ તો બહાર નીકળી ઊંઘી ગયાં, પણ ન સૂતો એક મૂળશંકર. એણે સાંભળી રાખ્યું હતું કે સૂવાથી તો શિવરાત્રી નું ફળ ન મળે. આંખે પાણી છંટકોરી છંટકોરીને એ જાગતો રહ્યો. પછી તો બાપુ પણ સૂઈ ગયા.

 

‘બાપુ, બાપુ ! જાગો ને !’

 

‘કેમ મૂળશંકર’ ‘શું છે?’

 

‘બાપુ, આ મંદિરના જે મહાદેવ છે, તે પેલા શિવરાત્રીની કથાવાળા મહાદેવ, કે કોઈ બીજા ?’

 

‘એમ કેમ પૂછે છે?’

 

‘કથાના મહાદેવ તો પોઠિયાના વાહનવાળા, ફરતાહરતા, ખાતાપીતા, હાથમાં ત્રિશૂળ રાખતા, ડમરું બજાવતા, વર દેતા ને શાપ આપતા કૈલાસપતિ છે; તો આ મહાદેવ કેમ નિર્જીવ છે?’

 

‘નિર્જીવ કેમ ?’

 

‘આ મહાદેવના લિંગ પર તો ઊંદરડા ફરે એ ને ગંદકી કરે છે; મહાદેવજી એમ કેમ કરવા દે છે?’

 

‘તેં ક્યારે જોયું?’

 

‘અત્યારે જોયું. તમે બધા સૂઈ ગયા હતા. હું જાગતો હતો.’

 

‘છોકરા, આ તો કળિયુગ છે. કૈલાસ મહાદેવ સાક્ષાત દર્શન દેતા બંધ પડ્યા છે, એટલે જ એમની મૂર્તિનું આવાહન કરવાનું છે, અહીં એમની મૂર્તિ પૂજીએ એટલે ત્યાં કૈલાશમાં તે પ્રસન્ન થાય.’

 

મૂળશંકર ચૂપ બની ગયો. મનમાં ને મનમાં એને થયું, નક્કી આ બાબતમાં કાંઈક ગોટાળો છે. રાત હજુ ઘણી બાકી હતી, પણ મૂળશંકરને કકડીને ભૂખ લાગી હતી. એણે બાપુને પૂછ્યું, ‘ઘેર જાઊં?’

 

‘હા, પણ ખબરદાર, સવાર પહેલા ખાઈ ન લેતો.’

 

ઘેર પહોંચીને મૂળશંકરે બાને કહ્યું, ‘બા, બહુ ભૂખ લાગી છે, રહેવાતું નથી.’ બાએ મીઠાઈ આપી એ ખાઈને રાતના એકાદ વાગ્યે મુળશંકર સૂઈ ગયો.

 

બાપુએ સવારે ઘેર આવીને જાણ્યું કે મૂળશંકરે શિવરાત્રી ભાંગી તો તે બહુ ગુસ્સે થયા, કહે કે તે મહાપાપ કર્યું.?

 

મૂળશંકરે જવાબ આપ્યો, ‘આ કથાવાળા મહાદેવ નથી, તો પછી હું એની પૂજા શીદને કરું’ તમે કહો છો કે ભણ પણ મને આ પૂજાપાઠમાંથી વખત જ ક્યાં મળે છે?’ એવું મનમાં તો નહોતું છતાં ઉપરથી કહીને પિતાને શાંત પાડ્યા. બાએ ને કાકાએ પણ બાપુનો રોષ ઓછો કરાવ્યો, બાપુ કહે, ભલે ભણે. નાનકડા મૂળશંકરે ભણવા માંડ્યું ! નિઘંટુ, નિરુક્ત અને પૂર્વમિમાંસા જેવા અઘરાં શાસ્ત્રો શીખવા- ગોખવા લાગ્યો અને કર્મકાંડ પણ શીખવા લાગ્યો.

 

દયાનંદ સરસ્વતિ કહેતા, ‘પ્રભુને શોધવા જ હોય તો તમારી અંદર શોધો, ગરીબોમાં, અશક્તોમાં, વૃધ્ધોમાં, જરૂરતમંદોમાં શોધો, પણ તમને તેમાં રસ નથી, તમને રસ છે કર્મકાંડોમાં.’ ફક્ત કોરી પૂજામાં વિધિઓમાં પ્રભુને શોધવાની આપણી વૃત્તિ સ્વાર્થી છે. પથ્થરમાં પ્રભુની પ્રતિષ્ઠા કરવા જીવતા જાગતા આસપાસના ગરીબો, અશક્તો, વૃધ્ધોને આપણે કોઈ મદદ કરતા નથી, પરંતુ મૂર્તિની પૂજા આપણે કલાકો કરી શકીએ છીએ, હજારો ખર્ચી શકીએ છીએ. પ્રભુની મૂર્તિની પૂજા થવી જોઈએ, આરાધના થવી જોઈએ, પરંતુ એ આરાધના જ્યાં સુધી તેના સાચા અર્થને, આપણામાંના સ્વને અને તેની મહત્તાને નહીં પામે ત્યાં સુધી બધી પૂજા, આરાધના વ્યર્થ છે. શિવરાત્રીનું પર્વ શિવ આરાધનાનું પર્વ છે, શિવ એટલે સદભાવ, શિવ એટલે સર્વનું કલ્યાણ, શિવરાત્રીના દિવસે પેલા પારધીને સાચાબોલા હરણાંએ આપેલું વચન અને એ વચન પાલન માટે આખી રાત જાગતા રહી બિલીના વૃક્ષ પર બેસી રહેલા પારધીની વાત કોને ખબર નહીં હોય? મૃત્યુના ભય વગર પણ વચનપાલન ખાતર પાછા આવેલા એ હરણાં અને તેમને છોડી મૂકનાર એ પારધી આમ શિવને પામે છે.

 

જો કે આપણામાં હવે ઉપવાસનો મતલબ પૂજા અને આરાધના થતો નથી. મનની એકાગ્રતા અને પૂજામાં ધ્યાન લાગી રહે તે માટે કરવામાં આવતા ઉપવાસ હવે દિવસમાં બે વખત, થાળીમાં સાત આઠ ફરાળી વાનગીઓના આહાર સાથે કરવામાં આવે છે. દિવસો બદલાય છે, વૃત્તિ નહીં, દિવસની પવિત્રતા વૃત્તિમાં, આચરણમાં ન આવે ત્યાં સુધી શિવ તત્વ કેમ મળે? પ્રયત્ન કરવો જોઈએ કે આ શિવરાત્રી ફક્ત એક કર્મકાંડ કે ઉપવાસનો વધુ એક દિવસ ન બની રહેતા શિવ તત્વની આરાધનાનો મહાઉત્સવ બની રહે.

 

આપ સૌ ને મહા શિવરાત્રીની શુભકામનાઓ.

 

સાભારઃ ઝવેરચંદ મેઘાણી..

 

સાભારઃ http://AksharNaad.com

 

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.