દિવાળીનો તહેવાર ઉજવવાની સાચી રીત…

દિવાળીનો તહેવાર ઉજવવાની સાચી રીત …

 

 dipak

સમયની સાથે બધું બદલાય છે. દિવાળી બેસતું વર્ષ-ભાઈબીજ-લાભપાંચમ આ બધા દિવસોની ઉજવણી આજે પણ ઉત્સાહ અને ઉમંગપૂર્વક થાય છે. દર વર્ષે થાય છે પણ આજે ઉત્સવની પાછળ લોકો નાણાં ખૂબ ખર્ચે છે અને આનંદ-પ્રમોદનાં સાધનોનો કોઈ તૂટો નથી છતાં એટલું તો જોઈ શકાય છે કે આજથી દશ-વીસ કે ત્રીસ વર્ષ પહેલાની દિવાળીમાં જે દૈવત હતું તે આજે જ્વલ્લે જ જોવા મળે છે.

 

આજે ફટાકડાની તડાફડી ખૂબ બોલે છે. ફટાકડામાં વિવિધતા બેસુમાર જોવા મળે છે. વિજ્ઞાનના નવા યુગમાં આપણે પ્રચંડ શકિતશાળી ફટાકડા જોઈએ છીએ અને એનાથી જે અવાજ થાય છે, જે ઘોંઘાટ પેદા થાય છે તેમાં નરી કર્કશતા અને માણસની શ્રવણશકિત ઉપર એક રીતસરના અત્યાચાર જેવું લાગે છે. ફટાકડામાં-દારૂગોળામાં અવાજની બુલંદી છે તેમાં ભીષણતા છે. પણ નવા વર્ષના શુભ આરંભના આનંદનું પ્રસન્ન ગીત નથી ! માત્ર અવાજ, ઘોંઘાટ, રાહદારીને ત્રાસ જ નહીં, ફ્ટાકડા ફોડનારાને પણ કાનમાં આંગળીઓ નાખી દેવી પડે ! એવી જ રીતે ધડાકા-ભડાકાની સાથે જ ભડકા અને શ્વાસ રુંધનારા ધૂમાડા જોવા મળે છે. વાતાવરણને જાણે વધુ ગૂંગળાવનારું અને દૂષિત બનાવવા માટેનો જ આ એક હઠીલો પ્રયાસ આપણને લાગે.

 

અગાઉમાં દિવાળી-બેસતું વર્ષ-ભાઈબીજના તહેવારોમાં દારૂખાનું ફુટતું હતું, ફટાકડાની ખરીદીમાં પણ એક પસંદગીની દ્રષ્ટિ હતી. આજે તો એક જ વાત જોવા મળે છે. ઘોંઘાટની હરીફાઈ અને આંખ બાળે તેવા ભડકાની હરીફાઈ ! અગાઉ જે શાંત તેજ હતું, પ્રસન્નતા હતી, ધીમી ગતિ હતી, ઉજવણીમાં જે શોભા-સંયમ હતા તે આજે કયાં છે ?

 

વિક્રમ સંવતનું નૂતન વર્ષ શરૂ થાય, વીતેલા વર્ષની વિદાયને સલામ આપવામાં આવે ત્યારે તે એક મંગળ અવસર બની જતો. દીપોત્સવીના તહેવાર નિમિત્તે સગાસંબંધીઓ અને સ્નેહીઓનું મિલન થતું. સગા સંબંધીઓ એકબીજાને બહારગામ મળવા જતા. દીપોત્સવીના પ્રસંગે મિત્રો દીવાળી કરવા મિત્રોને બોલાવતા. બહેન-દીકરીને બોલાવતા પણ આજે તો કોઈને યજમાન થવાની જાણે ત્રેવડ નથી અને મહેમાન બનવાનું પણ ગમતું નથી. કેમકે દરેક એમ જ વિચારે છે કે આપણે આજે જેના મહેમાન બનીએ તે તરત જ વળતા દાવમાં મહેમાન બનીને આપણા ઘરે આવે ત્યારે લીધાના દીધા જેવું થઈ જાય ! એટલે દીપોત્સવી નિમિત્તે હવે કુટુંબ મિલન જોવા મળતું નથી. સગાસંબંધી-સ્નેહીઓનું મિલન પણ જોવા મળતું નથી અને હવે મિત્ર મિલન પણ જોવા મળતું નથી ! હવે તો દીવાળી નજીક આવે એટલે સાધનસંપન્ન લોકો નાસભાગ કરી મૂકે છે ! કોઈ આબુ, કોઈ ઉદયપુર-જોધપુર-જયપુર, કોઈ અહીં અને કોઈ વળી બીજે કયાંક એમ બધા જ પોતાનું ઘરબાર છોડીને દૂર ચાલ્યા જાય છે. બધા ધરથી દૂર ભાગે છે. હકીકતે દીપોત્સવી તો ગૃહસ્થીની શોભા અને ગૌરવનો તહેવાર છે. પણ આજ તો કોઈને ગૃહસ્થીનું હસતું મોં બતાવવું જ નથી ! ઘરના દ્વાર ઉપર તાળું મારીને ચાલ્યા જવાનું વલણ છે. આવા સારા દિવસે ઘર ખુલ્લું હોવું જોઈએ, આંગણું શોભતું હોવું જોઈએ, દીવાઓથી ઝગમગતું હોવું જોઈએ, ઘરની અંદર આનંદકિલ્લોલ અને ફરસાણ-મીઠાઈની સુગંધી લહેરાતી હોવી જોઈએ. ના, હવે આમાંનું કશું જોવા નહીં મળે. અત્યારે તો દીપોત્સવી નિમિત્તે કાંઈ પણ કરવાનો ઉત્સાહ ઉમંગ જ નથી. હ્રદયમાં ઉમંગ-ઉત્સાહ સિવાયની માત્ર ફઝુલખચી-દેખાદેખી અને માત્ર પ્રદર્શનની વૃત્તિ ! હમ ભી કિસી સે કમ નહી એ જ ધ્રુવપદ.

 

બધું જ બહારથી ખરીદી લાવવાનું ! તૈયાર મીઠાઈની- બધું જ તૈયાર આપતી દુકાનોની ક્યાં કમી છે ! તૈયાર મીઠાઈ, તૈયાર ફરસાણ કે કોઈ પણ તૈયાર ચીજો દીપોત્સવી નિમિત્તે લઈ આવવામાં કંઈ ખોટું નથી. આજના યુગમાં તહેવારો દરમ્યાન હંમેશા રસોડામાં પૂરાઈ રહેતી સ્ત્રીઓ પર રસોડાનો-રાંધણનો ભાર ઓછો પડે તે આવકારદાયક ગણાય પણ ચિંતાજનક બાબત તો બીજી જ છે. આપણે ઘરમાં, ઘરકામમાં, આપણા પ્રિયજનો-સ્વજનોને આપણા હાથની કોઈ વાનગી ભાવપૂર્વક જમાડવાની ઈચ્છા જ જાણે રહી નથી ! કુટુંબના સભ્યોને અરસપરસ જોડાતી જે કેટલીક મજબૂત કડીઓ છે તેનું જ આપણે તો લગભગ નિકંદન કાઢી નાખ્યું છે. કારણ જે હોય તે પણ જાણે રસોડું સ્ત્રી અને પુરુષ બંનેને એક નકામી ઉપાધિ જેવું લાગે છે. બહારથી ખરીદેલું ભોજન આપણને આકર્ષે છે. પૈસા આપી છૂટીએ ! ખોટી મહેનતમાંથી તો બચી ગયા ! આજના યુગમાં અવારનવાર બહારથી કોઈને કોઈ વાનગીઓ ઘરે લઈ આવીને સહકુટુંબ માણવામાં કાંઈ વાંધો નથી પણ તેની મર્યાદાનો પણ વિચાર કરવાનું જરૂરી છે. ઘરમાંથી રસોડું જાણે નાબૂદ કરી નાખવાની ધૂન આપણા પર સવાર થઈ ગઈ હોય એવું લાગે છે. આજે તો આપણને તેના દુષ્પરિણામો કદાચ દેખાતા નથી, પણ અન્ન માત્ર બળતણ નથી. તે માત્ર વિટામિન અને એનર્જી નથી. તે સ્નેહની એક કડી પણ છે. જે પતિને પત્નીના હાથની કોઈને કોઈ વાનગીનો સ્વાદ યાદ રહે તેવું નહીં હોય. જે બાળકને માતાના હાથના સ્નેહ ભોજનનો એકપણ કોળિયો યાદ રહે તેવું નહીં હોય તે પતિ અને બાળક પોતાના ઘરથી એકદમ દૂર ચાલ્યું જાય, વહેલું મોડું ઘણું દૂર ચાલ્યું જાય અગર તો સ્થૂળ રીતે નજીક હોવા છતાં વચ્ચે વિશાળ અંતર ઊભું થઈ જાય ત્યારે અચૂક આ વાતનું મહત્વ સમજાયા વગર નહીં રહે.

 

સૌથી મહત્વની બાબત તો દીપોત્સવી પર્વ જેને માટે છે તે પ્રકાશ અને પ્રસન્નતા કેટલા અંશે આપણા મનમાં આપણી જીવન દ્રષ્ટિમાં આપણે પ્રસરાવીએ છીએ તે જ છે. આપણે જોઈએ છીએ કે એક સામાન્ય સ્થિતિનું કુટુંબ પોતાના મર્યાદિત સાધનો સાથે દીપોત્સવીના દિવસો રંગેચંગે ઉજવે છે. મનમાં આનંદનો સંચય કરે છે. જાણે આખા વર્ષનો થાક ઉતારી નાખે છે અને નવા વર્ષ માટે કાર્યરત થવાનો ઉત્સાહ-ઉમંગ પણ મેળવી લે છે.

 

બીજી બાજુ એક કુટુંબ શ્રીમંત છે. તેને કશી ખોટ નથી. પણ તેના મનહ્રદયમાં કોઈ ઉમંગ કે ઉમળકો નથી. દિવાળીના તહેવારો પૂરી ધામધૂમ સાથે ઊજવે છે પણ તેમાંથી તેને કોઈ સુખ પ્રાપ્ત થતું નથી. આખા બંગલાને રોશનીથી ઝગમગાવે છે પણ તેના અજવાળામાંથી એક પણ ટીપું એમના અંતરને અજવાળતું નથી. તમે એમના પ્રકાશના દીવાઓથી શોભી રહેલા બંગલા કે બગીચાની પ્રશંસા કરો તો તેઓ કહેશે કે એ તો તમને એવું લાગે, બાકી વીજળી કેટલી મોંઘી થઈ ગઈ છે. વીજળીનું બીલ કેવું મોટું આવશે તેનો વિચાર કરું છું ત્યારે છાતી બેસી જાય છે. દીપોત્સવીના તહેવારોમાં પોતાની શ્રીમંતાઈના પ્રદર્શનરૂપે તેમને ત્યાં મીઠાઈના થાળ અને સૂકા લીલા મેવા-કાજુ-કિસમીસ, બદામ બધું જ જોવા મળશે પણ એટલે એમની ફરિયાદ ચાલુ થઈ જશે. અરે મેવા અને મીઠાઈ કેટલા મોંઘા થઈ ગયા છે. બદામના ભાવ, કાજુના ભાવ, અંજીરના ભાવ, અખરોટના ભાવ ?  તમને એમ જ થાય કે બદામનું મીંજ નહીં, તમે ભૂલથી એમની નવી કડકડતી ચલણી નોટ જ ચાવી ગયા છો !

 

દરેક કુટુંબની દરેક દીવાળી કંઈ એક્સરખી જતી નથી. સુખદુ:ખનું ચક્ર ચાલ્યા કરે છે. લાભ થાય છે, નુક્શાન થાય છે. કોઈક સારો પ્રસંગ બને છે. કોઈક માઠો પ્રસંગ બને છે. એક બાળકની તબિયત સુધરે છે, બીજા એકની તબિયત બગડી હોય તેવું પણ બને છે. જીવનની આ ચડઉતરથી કોઈ બાકાત રહેતું નથી પણ આ બધા છતાં જીવનમાં શુભ મંગલમાંથી શ્રધ્ધા ના ગુમાવવી, જીવનના ઉમંગ અને ઉત્સાહનો ઝરો સૂકાવા ના દેવો, હાડમારી મુશ્કેલી અને દુ:ખથી હતાશ થઈને નાસીપાસ થઈ ના જવું એવી મનની સ્વસ્થતા અને પ્રસન્નતાના ઉત્સવનો આ તહેવાર છે.

 

જીવનના જે કોઈ ખૂણામાં અંધકાર હોય ત્યાંથી તેને દૂર કરીને પ્રકાશનું બિંદુ ત્યાં પ્રગટ કરવાનો આ તહેવાર છે. તેને બરાબર ઉજવવા માટે માત્ર ભૌતિક-સ્થૂળ સાધનો જ ભરપૂર જોઈએ તે વાત સાચી નથી. ઉજવણી માટે થોડાં પણ સાધન-સામગ્રી તો જોઈએ જ છે તેની ના નથી પણ તેમાં સાધનસામગ્રી કરતાં વધુ મહત્વ આપણા મન અને જીવનદ્રષ્ટિની આંતરિક સજ્જતાનું છે. સાધન ઓછા હશે પણ મનમાં ભરપૂર ઉમંગ હશે તો દીપોત્સવીના તહેવાર ઝગમગી ઊઠશે. બીજી બાજુ સાધન-સામગ્રી-સંપત્તિ વિપુલ હશે પણ મનમાં માત્ર ગુંચવાડો અને નર્યો અંધકાર-માત્ર સ્વાર્થવૃતિ હશે તો દીપોત્સવીના લાખ લાખ દીવા છતાં કશું જ ઊજળું નજરે નહીં પડે અને મનમાં કયાંય તેજનું કિરણ જોવા નહીં મળે !

 

દીપોત્સવી ઘોંઘાટ-બુલંદ ધડાકા કે આંખો બાળી નાખે તેવા ભડાકાના પ્રદર્શનનો તહેવાર નથી. તે તો રંગોળી, શાંત તેજ ના દીવડા, અતિથિપ્રેમ, સ્નેહમિલન અને ઉમંગભરી ઉજવણીનો ઉત્સવ છે.

 

દીપોત્સવી એટલે ‘આપણે સૌ સુખી થઈએ. આપણે સૌ સાથે સુખી થઈએ’ એવી ભાવનાનો ઉત્સવ.

 

 

સાભારઃભૂપત વડોદરિયા..

http://www.readgujarati.com

 

આ પ્રસંગે ,એક કવિની ચાર પંક્તિ યાદ આવે છે. જેમાં કવિ આપણને ઘણું કહિ જાય છે…..

 

“નવા વર્ષમાં નથી નવું કાંઇ, બધુ પુરાણું ભાસે છે…

એજ સ્વાર્થ ને એ જ જીવન માં, નવું – નવું સે લાગે છે ?”

 

 


બ્લોગ લીંક:http://das.desais.net
email: [email protected]
 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.