ગઝલ – ગીત …(ભાવેશ ભટ્ટ)

વૃક્ષના ફતવા … (ભાવેશ ભટ્ટ)

ગઝલ : ૧
વૃક્ષના ફતવા બધા માની  લીધા,
મેં બધાં પંખીને સમજાવી લીધાં.

 

રહી ગયું હોવાપણું બસ નામનું,
તેં સૂરજમાંથી કિરણ કાઢી લીધા.

 

બસ હવે પાછાં જવું છે ઘર તરફ,
હું પડીકા દ્રશ્યનાં વાળી લીધાં.

 

એ ઉઝરડાઓથી  કંટાળી  ગયો,
તો હવાના નાખ બધા કાપી લીધા.

 

છાંયડા – તડકાને જ્યાં ભેગા કર્યાં,
સૌ રહસ્યો શ્વાસનાં  જાણી લીધાં.

 

ગીત : ૧

 

અમે તો સુખ-દુઃખના બંધાણી,
દરિયો ઉલેચવાને અમને મળી હથેળી કાણી.

 

સ્મિત અજાણ્યા, પારકાં આંસુ, વેશ બદલતા શ્વાસ,
રોજ ઠારતા, રોજ સળગતો, જન્મારાનો ભાસ;
રોજ રોજ કરવાની જ્યાં ત્યાં ‘હોવા’ ની ઊઘરાણી,
અમે તો સુખ-દુઃખના બંધાણી.

 

માથા ઉપર ‘ઢગલાબાજી’ કાયમ રમતું કોક,
તડકા ઊતરે છાંયા ઊતરે, હાથમાં મોટી થોક;
સમજી લો કે ગયા જીવથી રમત ગયા જો જાણી.
અમે તો સુખ-દુઃખના બંધાણી.

 

* ભાવેશ ભટ્ટ *
કવીસંપર્ક: બી-6, ચીત્રકુટ એપાટર્મેન્ટસ-2, દેવાશીષ સ્કૂલની સામે, બોડકદેવ
અમદાવાદ-380 054 ઈ-મેઈલઃ [email protected]
મોબાઈલ 92274 50244

 

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • ખુબ સરસ રચનાઓ છે.અભિનંદન ભાવેશ