ગઝલ – (અનિલ ચાવડા )

ગઝલ : ૧ – (અનિલ ચાવડા )

આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને,
કે થઇ ગયો છે સૂરજ છૂટ્ટો પગાર લઈને.

 

તું  નિકળે  અહીંથી રસ્તો જ  હું બની જઉં,
બેઠા ઘણા વરસથી આવો વિચાર લઈને.

 

આવી રહી છે ઈચ્છા આ કોનું ખૂન કરવા?
આંખે  અગન  ભરીને   કેડે  કતાર  લઈને.

 

જાતે પસંદ કર્યો છે આ રોગ મેં જ મારો,
હું  શું  કરું  તમારી  આ  સારવાર લઈને.

 

હું દરવખત થયો છું લોહીલુહાણ એવો,
તું દરવખત મળે છે કૈં ધારદાર લઈને.

 

ગઝલ : ૨


 

જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી  આખું જગત  વિરોધમાં  છે.

 

ચાહુ   છું  એને  વધારે  તીવ્રતાથી,
વ્યક્તિ જે જે મારી પ્રત્યે ક્રોધમાં છે.

 

માનવી ’ને પ્હાડ વચ્ચે ફેર શો છે?
એક આંસુમાં છે, બીજો ધોધમાં છે.

 

હોય છે માણસ પ્રમાણે સત્ય નોખાં,
મારું  એ મારી  કથાના બોધમાં છે.

 

કૂંપળો  તો  છેવટે ઊગી  જ  જાશે,
સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.

 

-રચિયતા અનિલ ચાવડા …

( મૂળ કારેલા (તા. લખતર, જિ. સુરેન્દ્રનગર)  ના વતની અને હાલ અમદાવાદમાં ફિલ્મ કથા-પટકથાના સ્ક્રીપ્ટ રાઈટર, ફિલ્મીગીત, નાટક, ડોક્યુમેન્ટરી, અનુવાદ, સંપાદન, રેડિયો નાટક વિ. નું લેખન કાર્યમાં  કાર્યરત  શ્રી અનિલભાઈ ચાવડા  ખૂબ સારા સાહિત્યકાર  છે. તેઓએ એમ.એ., બી.એડ, જર્નાલીઝમનો અભ્યાસ કરેલ છે.  તેમના કાવ્યો-ગઝલ તેમજ રચનાઓ ગુજરાતના તમામ સાહીત્યક સામાયિકોમાં પ્રસિઘ્ઘ થઈ  છે, તેમને સાહિત્યમા ખુબજ રસ છે. તેઓએ ગુજરાતના અનેક શહેર તેમજ દિલ્હી, મુંબઈ જેવા શહેરોમાં કાવ્યપાઠમાં હિસ્સો લીધો છે.

તેઓએ ગુજરાતી ફિલ્મ નો ટેન્શન માં ગીત લેખન, ગુજરાતી ફિલ્મ ‘લોહીની સોગંધમાં ભુલાવી મારી પ્રીત માં સ્ક્રીન પ્લે – ડાયલોગ રાઈટિંગ કરેલ છે. તેમજ ગુજરાતી હિન્દી – ફિલ્મ  ‘આને વાલા કલ (ગુજરાતી ફિલ્મ ‘જાગ્યા ત્યાંથી સવાર’ ) માં ગીત લેખન કરેલ છે. ફિલ્મ અન્ડર પ્રોડક્શન છે)

તેઓની ૩૬ એપિસોડની રેડિયો ડ્રામા –સિરિયલ વનવાસી તેમજ ૮ એપિસોડ ની એઇડ્સ જાગૃતિ અભિયાન માટે રેડિયો ડ્રામા-સિરિયલ ઉજાસ આકાશવાણી, અમદાવાદ પરથી પ્રસારિત થયેલ.

તેઓએ ‘સુખ દુઃખ મારી દ્રષ્ટિએ પુસ્તક સંપાદન કરેલ છે, તેમજ …

તેઓએ ૧૪ પુસ્તકોનું અનુવાદન કરેલ છે. (૧) ચાલો આંદામાન, (૨) શૂન્યતાનો અનુભવ (૩) પૃથ્વી લક્ષ્ય (૪) સ્વયંમનો સામનો (૫) ધમન (૬)  વિધાર્થી અને મનની શક્તિ (૭) ભણો તો એવું ભણો (૮) સાચો નિર્ણય લેવાની કળા (૯) વિધાર્થી અને ટાઈમમેનેજમેન્ટ (૧૦) કોર્પોરેટ ગુરુ ધીરુભાઈ અંબાણી (૧૧) ડેવલોપીંગ ધ લીડર વિથીન યૂ (૧૨) સિક્રેટ ઓફ સેક્સ (૧૩) ટિપ્સ ઓફ સક્સેસ અને (૧૪) સંત શિરોમણી ગુરુ રૈદાસ. જે ગુજરાતના તમામ જાણીતા બાવન લેખકોની કલમે લખાયેલ લેખોનો સંગ્રહ પુસ્તક પ્રકાશ્ય ) દાદીમા ની પોટલી ને તેમની આ સુંદર રચના પ્રકાશિત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. તેમના ઇ-મેલ એડ્રેસ [email protected].com પર તેમનો સંપર્ક કરી શકાય છે.)

 

 

 

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • અનિલ એ ગુજરાતી ગઝલનું ભવિષ્ય છે.

 • બન્ને ગઝલો નખશિખ સુંદર અને કસાયેલ કલમની નિવડેલ માવજતથી મઢેલી….
  અભિનંદન અનિલભાઇ…

 • Mrs Malkan

  ચાહુ છું એને વધારે તીવ્રતાથી,
  વ્યક્તિ જે જે મારી પ્રત્યે ક્રોધમાં છે.

  अति सुंदर अनिलजी आपकी 2nd गझल हमें बहोत अच्छी लगी

  अशोकजी अनिलजी की कृति के साथ हमारा परिचय करवाने के लिए सुक्रिया