ડાયાબિટીસ શું છે ? આખરે કઈ રીતે થાય છે ડાયાબિટીસ ? કંટ્રોલ માટે શું કરવું ? … (આરોગ્ય અને ઔષધ) …. (ભાગ-૧)

ડાયાબિટીસ શું છે ?   આખરે કઈ રીતે થાય છે ડાયાબિટીસ ?   કંટ્રોલ માટે શું કરવું ?  …

(આરોગ્ય અને ઔષધ)  ….  (ભાગ-૧) ….

 

 
DAIABETIC.1

(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)

 

(ડાયાબિટીસ અંગેની આ શ્રેણી અંદાજીત  ચાર  (૪) ભાગમાં સમાવવાની અહીં કોશિશ કરીશું, જે માણવાનું ન ચૂકતા, અનેક નવી જાણકારી આપવા અમારી નમ્ર કોશિશ આ શ્રેણીમાં રહેશે……. પૂરો લેખ મુખ્યત્વે દિવ્યભાસ્કર દૈનિક તેમજ અન્ય સોર્સમાંથી સંકલિત કરી તૈયાર કરવામાં આવેલ છે. જે બદલ અમો સર્વેના અહીં અંતરપૂર્વકથી આભારી છીએ.)

 

કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે –ગમે તેના શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.

 

14 નવેમ્બર એટલે કે શુક્રવારે વર્લ્ડ ડાયાબિટીસ ડે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવેલ હતો. ભારતને વિશ્વનું ડાયાબિટીસનું પાટનગર ગણવામાં આવે છે. એવું અનુમાન છે કે સન્ ૨૦૨૫ સુધીમાં કદાચ દર દસમાંથી છ વ્યક્તિને ડાયાબિટીસ હશે. ડાયાબિટીસને ફેલાતો અટકાવવાનું કામ પડકારજનક છે. ડાયાબિટીસ આજકાલ એક સામાન્ય સામસ્યા બની રહી છે. આ બિમારી શરીરમાં સંતુલિત હોર્મોન્સની ઉણપના કારણે થાય છે. અયોગ્ય ખાનપાન, માનસિક તણાવ, સ્થૂળતા, કસરત અથવા અન્ય અનુવાંશિક કારણો હોવાથી વર્તમાન સમયમાં ડાયાબિટિસના રોગીઓની સંખ્યા સતત વધતી જઈ રહી છે.

 

શું તમે ડાયાબિટીસ સાથે જોડાયેલી હકીકતો અને માન્યતાઓની વચ્ચેના અંતરને જાણો છો ? જો નહી, તો તમે પણ આ ડાયાબિટીસના રોગીઓમાંથી એક છો જેઓ આવી માન્યતાઓની વિશાળ લિસ્ટમાં ખોવાઈ ગયા છે. ડાયાબિટીસનું નિદાન થાય એટલે તુરંત દર્દીના સગાવ્હાલા, મિત્રો, પાડોશીઓ સલાહ આપવા આવી જાય છે. આ સલાહ ઘણી વખત ખોટી માન્યતાઓને પણ જન્મ આપે છે. જેથી આ ખોટી માન્યતાઓ ડાયાબિટીસના દર્દીઓના મગજમાં ઘર કરી ગઇ છે. અમે આ ખોટી માન્યતાઓ વિશે પણ તમને જણાવીશું.  જેના કારણે તમે સ્વાસ્થ્ય સંબંધી વિષયોમાં સાચા નિર્ણયો લઇ શકો.  ડાયાબિટીસ અને તેની વિષમતાઓ અંગે દરેક વ્યક્તિને જાગૃત થવાની જરૂર છે. જેથી  ડાયાબિટીસની વિવિધ વિષમતાઓ વિશેની જાણકારી પણ આગળ ઉપર અમે તમને આપીશું.

 

ડાયાબિટીસ એક એવો છૂપો ખૂની છે જે ધીરે-ધીરે વ્યક્તિને આંતરિક રીતે નબળો અને નિઃસહાય બનાવે છે. ડાયાબિટીસનો રોગ વ્યક્તિની મૃત્યુ સાથે જ દૂર થાય છે. એકવાર જો વ્યક્તિને ડાયાબિટીસ થાય ત્યારબાદ વ્યક્તિએ માત્ર તેની કાળજી રાખવાની હોય છે બાકી એ હમેશ માટે મટી જાય તેવી હાલ કોઈ જ દવા છે નહીં. પરંતુ આખરે આ ડાયાબિટીસ છે શું ? કઈ રીતે થાય છે ડાયાબિટીસ ? ડાયાબિટીસ મટી શકે ખરા ? ડાયાબિટીસમાં ખાસ ધ્યાન રાખવા યોગ્ય બાબતો કઈ છે ? ડાયાબિટીસ ન થાય તેના માટે શું કરવું ?

 

આ તમામ પ્રશ્નોના જવાબ  અમે તમને આજે જણાવીશું.  જેથી જો તમને કે તમારા પરિવારમાં કોઈને ડાયાબિટીસ હોય તો તમે તેની સંપૂર્ણપણે તકેદારી રાખી શકો.

 

ડાયાબિટીસ એટલે શું, ડાયાબિટીસ કઈ રીતે થાય છે તેની પ્રક્રિયા. ડાયાબિટીસ ન થાય તેના માટે શું કરવું, ડાયાબિટીસમાં કઈ-કઈ તકેદારી રાખવી અનિવાર્ય છે વગેરે ડાયાબિટીસ સંબંધી તમામ જાણકારી જે આજના સમયમાં દરેકને ખબર હોવી જોઈએ……..

 

 
DAIABETIC.2
 

 ડાયાબિટીસ એટલે શું ?

 

મધુપ્રમેહ અથવા ડાયાબિટીસનો રોગ પ્રાચીન સમયથી જાણીતો છે. આયુર્વેદમાં મધુપ્રમેહ એટલે કે મીઠી પેશાબનો રોગ વર્ણવેલ છે. આયુર્વેદમાં મધુપ્રમેહના લક્ષણોમાં મીઠી પેશાબ, અશક્તિ, ગુમડા, ગેંગ્રીન (શરીરનો કોઇ ભાગ સડી જો અને મૃત થઇ જવો) અને ઘેન ગણાવવામાં આવ્યા છે.

 

લોહીમાં ગ્લુકોઝ (સુગર અથવા સાકર) નું પ્રમાણ વધી જવું અને પેશાબમાં ગ્લુકોઝ વહી જવો એ ડાયાબિટીસનું મુખ્ય લક્ષણ છે. અહીં થોડા પ્રશ્નો ઉભા થાય છે. ગ્લુકોઝ શું છે ? આપણા ખોરાકમાં તો રોટલી-દાળ-ભાત-શાક લેવામાં આવે છે તો આ ગ્લુકોઝ ક્યાંથી આવે છે ? જો ડાયાબિટીસના દર્દીમાં સુગર વધી જતી હોય તો પછી તંદુરસ્ત માણસમાં એ સુગર નિયત પ્રમાણમાં કઇ રીતે રહે છે ? આ બધા સવાલના જવાબ મેળવવા આપણે પાચનક્રિયા અને બ્લડ સુગરનું નિયમન કઇ રીતે થાય છે તે સમજીએ…. 

 

 
DAIABETIC.3
 

 

 ખોરાક આપણને શક્તિ અને જરૂરી પોષક દ્રવ્યો જેવા કે વિટામીન્સ, મીનરલ્સ, (ક્ષાર જેવા કે આર્યન (લોહ), ઝીંક વગેરે આપે છે. ખોરાકને અલગ અલગ વિભાગમાં વિભાજીત કરી શકાય (૧) કાર્બોહાઇડ્રેટસ (સ્ટાર્ચ) (ર) પ્રોટીન્સ (૩) ચરબી (ફેટ) અથવા તૈલી પદાર્થો વગેરે.

 

ખોરાકમાં રહેલા આ પદાર્થો લોહીમાં ભળી ન શકે. વળી આ પદાર્થોનું શરીરના કોષ (Cell) દ્વારા ઇંધણમાં રૂપાંતર ન થઇ શકે. આથી લોહીમાં ભળી શકે અને ઇંધણમાં રૂપાંતર થઇ શકે એ માટે આપણાંજઠ્ઠર, આંતરડા તથા સ્વાદુપિંડમાંથી ઝરતા પાચકરસો દ્વારા ખોરાકનું સાદા અને લોહીમાં ભળી શકે એવા નાના અને સરળ પદાર્થોમાં રૂપાંતર થાય છે. કાર્બોહાઇડ્રેટ અથવા સ્ટાર્ચનું રૂપાંતર ગ્લુકોઝમાં, પ્રોટીન્સનું એમીનો એસીડમાં અને ચરબીનું ફેટી એસીડ તથા ગ્લીસેરોલમાં પરિવર્તન થાય છે. આ પદાર્થો નાના આંતરડામાં સહેલાઇથી લોહીમાં ભળી જાય છે અને આખા શરીરને પહોંચતા થાય છે.

 

ગ્લુકોઝ એ કુદરતે બનાવેલ જાદુઇ પદાર્થ છે જે દરેક પ્રાણીને શક્તિ આપે છે. આપણા માટે પણ ગ્લુકોઝ એ શરીરનું ઇંધણ છે. આપણું મગજ માત્ર ગ્લુકોઝ જ શક્તિ માટે વાપરી શકે છે. થોડી જ મિનિટો ગ્લુકોઝ જો મગજને ન મળે તો તેને નુકશાન પહોંચે. આથી આપણા શરીરના દરેક કોષને શક્તિ પુરી પાડવા અને મગજને સતત ગ્લુકોઝ મળતું રહે એ માટે શરીરમાં ગ્લુકોઝનું નિયંત્રણ કરવામાં આવે છે. આપણે એ પ્રક્રિયાને સમજીએ જેથી ડાયાબિટીસ કઇ રીતે થાય છે તે સમજી શકાય. લોહીમાં ગ્લુકોઝની માત્રાનું નિયમન કરવામાં સ્વાદુપિંડ અને ઈન્યુલીનનો મહત્વનો ફાળો છે. 

 

 
DAIABETIC.4
 

 

 

સ્વાદુપિંડનું કાર્ય : પેટમાં જઠરની પાછળ સ્વાદુપિંડ (Pancreas) નામની અંતઃસ્ત્રાવી ગ્રંથી આવેલી છે. જેનો સ્ત્રાવ સીધો લોહીમાં ભળે છે. આ સ્વાદુપિંડનો મોટો ભાગ પાચકરસ બનાવે છે. આ પાચકરસ બનાવતા કોષોની વચ્ચે આઇલેટસ ઓફ લેંગરહાનના કોષો આવેલ છે. આ કોષ બે પ્રકારના હોય છે. બીટા (Beta) કોષમાંથી ઈન્સ્યુલીન નામનો હોર્મોન બને છે. આ હોરમોન સીધો લોહીમાં ભળી જાય છે અને લોહી વાટે શરીરના દરેક કોષ સુધી પહોંચે છે.

 

ઈન્સ્યુલીનનું કાર્ય : શરીરનું કાર્ય યોગ્ય થતું રહે તે માટે ગ્લુકોઝનો એકધારો અને અવિરત પુરવઠો મળતો રહે એ અત્યંત આવશ્યક છે. શરીરના દરેક કોષ (Cell)ને ગ્લુકોઝની જરૂર હોય છે. આ કોષની દિવાલમાંથી ગ્લુકોઝને કોષમાં જવાની ચાવી તરીકે ઈન્સ્યુલીન કરે છે.

 

શરીરના દરેક કોષ ઈન્સ્યુલીન માટેના કેન્દ્રો હોય છે. જેમ તાળામાં ચાવી બંધ બેસતી હોય અને અંદર ગોઠવાઇને તાળું ખોલે છે તેમજ ઈન્સ્યુલીન શરીરના કોષના દરવાજા ખોલે છે અને આ દરવાજા ખુલ્યા પછી જ ગ્લુકોઝ કોષમાં જઇ શકે છે. એ પછી જ કોષને જોઇતું ઇંધણ મળે છે.

 

 
DAIABETIC.5
 

 

 

ડાયાબિટીસ કેવી રીતે થાય છે ?

 

ડાયાબિટીસ શું છે ?: ડાયાબિટીસના રોગમાં ઈન્સ્યુલીન શરીરમાં બનતું નથી અથવા ઓછુ બને છે અથવા જે કંઇ બને છે તે અસરકારક નથી હોતું. આથી લોહીમાં આવેલ ગ્લુકોઝનું વિતરણ થઇ શકતું નથી. આ ગ્લુકોઝને શરીરના કોષમાં જવા માટેની ચાવીરૂપ ઈન્સ્યુલીન ન હોવાથી લોહીમાં તેનું પ્રમાણ વધવા લાગે છે. વળી વધારાના ગ્લુકોઝનો સંગ્રહ નથી થઇ શકતો.

 

લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધવાથી પેશાબમાં ગ્લુકોઝ આવે છે. જ્યાં સુધી લોહીમાં ૧૮૦ મીગ્રા/ડીએલ ગ્લુકોઝનું પ્રમાણ રહે છે ત્યાં સુધી પેશાબમાં નથી આવતું પણ ૧૮૦ મીગ્રા/ડીએલથી ઉપર જાય એટલે પેશાબમાં પણ ગ્લુકોઝ દેખાવા શરૂ થાય છે. 

 

ડાયાબિટીસ મટશે ? 

 

ડાયાબિટીસને લગતા દુનિયામાં કરોડો ડોલરને ખર્ચે અનેક સંશોધન થઇ રહ્યાં છે. ભવિષ્યમાં સ્વાદુપિંડના કોષોને જીવતા કરે એવી દવા આવશે કે જેનાથી ડાયાબિટીસ સંપૂર્ણપણે મટી જશે?

 

(ક્રમશ 🙂

 

નોંધ :

હવે પછી આપણે આ શ્રેણીના ભાગ-૨ માં વધુ  આગળ જાણીશું  કે શું … મધુપ્રમેહ એટલે શું ? ડાયાબિટીસ મટશે ? કેટલાક સંશોધન-  ડાયાબિટીસ ન થાય તે માટે શું કરવું જોઇએ ? ડાયાબિટીસ ટાઇપ-૧ને અટકાવી શકાય ?  ડાયબિટીસ ટાઇપ-ર ને અટકાવી શકાય ?

 

 

સૈજ્ન્ય :  દિવ્યભાસ્કર તેમજ અન્ય …

 

  

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  Join us /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • Ramesh Patel

    શ્રી અશોકકુમારજી

    ખૂબ ખૂબ અભિનંદન..સુંદર ખૂબ જ ઉપયોગી શ્રેણીને માતૃભાષા થકી સૌને લાભદાયી શ્રેણી શરૂ કરવા માટે.

    રમેશ પટેલ(આકાશદીપ)