શ્રી હરિરાયજી કૃત …શ્રી વલ્લભ સાખી … [ભાગ-૧૮] …

શ્રી હરિરાયજી કૃત …શ્રી વલ્લભ સાખી  … (૮૬-૯૦) …

-મહેશ શાહ, વડોદરા

 

 [ભાગ -૧૮]

 

 

 krishna lila
 

 

માટ લિયે માખન લિયે, નૂપુર બાજે પાય |
નૃત્યન નટવર લાલ જુ, મુદિત યશોદા માય ||૮૬||

 

 
 krishna bal lila
 

 

માખણ ભરેલી માટલી સાથે સોહામણા શ્રી નટવરપ્રભુ ભક્તોનામનને મોહી રહ્યા છે. બાળ સહજ હલન ચલનથી પ્રભુએ ચરણોમાં ધારણ કરેલા નૂપુરનો ઘંટડીઓનો નિરાળો નાદ મધુર ધ્વની રેલાઇ રહ્યો છે. નુપુરનો આ કર્ણપ્રિય નાદભક્તોના મનને મોહી લે છે.  નવનીતનો સ્વાદમધુરતો નૂપુરનોનાદ મંજુલ, આપણે તો બસ શ્રીઆચાર્યજી વિરચિત મધુરાષ્ટકમ્ સ્તોત્રની ‘અખિલમ્મધુરમ્’  ઉપમાઓ જ યાદ કરવાની !

 

પ્રભુને માખણ અત્યંત પ્રિય છે.  ભક્તો પણ માખણ જેવા મુલાયમ અને દુનિયાના રંગ ચડ્યા વગરના શુભ્રહૃદય હોય છે.  તેઓ તો તદ્દન સરળ, કપટ રહિત, ભોળા અને દુન્યવી દુષણોથી જોજનો દુર હોય છે. પ્રભુને આવા માખણ જેવા મૃદુહૃદયવાળા ભક્તો જપ્રિય લાગે છે.  ભક્તો પ્રત્યે આપ તેવા જ મધુર, તેવા જ મુલાયમ, સદા દયાળુ અને કૃપાવંત છે.

 

પ્રભુને નટવર કહ્યા છે.  નટ શબ્દના અનેક અર્થ છે. ઉંચે બાંધેલા દોરડા ઉપર સંતુલન જાળવી ખેલ કરનાર, નાટકનો સુત્રધાર, અભિનેતા અને નૃત્યકાર તે સૌ નટ કહેવાય છે.  પ્રભુ નટવર નાગર છે. સંતુલનની વાત કરીએ તો સુર-અસુર, શ્રેય-પ્રેય, પાપ-પુણ્ય, સજ્જન-દુર્જન જેવા અનેક સંતુલનો પ્રભુ જાળવે છે.  ભૌતિક વિશ્વનું અદ્ભુત સંતુલન અને સચોટ સંચાલન પ્રભુની માયાથી જ છે ને ?  સુત્રધાર તરીકે આ વિશ્વ રંગમંચનું સંચાલન પણ આપ જ કરી રહ્યા છે.  આપ તો અભિનય સમ્રાટ છે.   નૃત્ય નૃપ છે. આપનું નૃત્ય ભુવન મોહક છે.

 

પોતાના લાલના મનોહારી નૃત્યથી માતા યશોદા અત્યંત આનંદિત થાય છે.  માતાને મન તો પોતાના બાળકની દરેક મુદ્રા મોહક હોય છે જ્યારે આ તો નટવર વપુનું નૃત્ય !  તેનાથી માતા યશોદાનું રોમ રોમ પુલકિત થાય છે, આનંદથી ઝૂમી ઊઠે છે.  અંતરમાં આનંદના લોઢ ઉછળે છે.

 

આ સ્વરૂપ હાલ દોશીવાડાની પોળ, અમદાવાદમાં બિરાજે છે.

 

 

શ્રીગિરિધર ગોવિંદ જૂ, બાલકૃષ્ણ ગોકુલેશ |
રઘુપતિ યદુપતિ ઘનશ્યામજૂ, પ્રકટે બ્રહ્મ વિશેષ ||૮૭||

 

 

શ્રી ગુસાંઈજીના સાતે લાલજી માનવ દેહધારી છેઅને આપણાં ચર્મ ચક્ષુઓની મર્યાદા છે તેથી તેમના બાહ્ય દર્શનથી તેમના સાચા સ્વરૂપો સમજાતા નથી તેથી આ સાખી દ્વારા તેમના સાચા સ્વરૂપોનો અહીં ખ્યાલ અપાયો છે.

 

ભગવાને ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ છ ભગધારણ કરેલા છે.  આ બધા જ ગુણધર્મો શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીમાં પણ વિદ્યમાન છે.  શ્રી સર્વોત્તમ સ્તોત્રના ૨૨ મા શ્લોકમાં આપનું ‘સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમાહ્ત્મ્ય:’  નામ બિરાજે છે.  તે પ્રમાણે આચાર્યજીના સર્વ ગુણધર્મો, સર્વ ઐશ્વર્યો, સર્વ ભગ, વલ્લભ કુળમાં આજે પણ સ્થાપિત છે.  શ્રી ગુસાંઈજીના સાતે લાલજીમાં પણ આ સર્વ ગુણો હતા જ.   તેમ છતાં અમુક ભગ વિશેષ(પ્રસ્ફૂટ) રૂપે રહેલા છે તેનું વર્ણન અહીં કરાયું છે.

 

પ્રભુના છ ધર્મો તેને ધારણ કરનાર ધર્મી સહીત વલ્લભ કુળમાં જ બિરાજમાન છે.  દરેક લાલજી બધા જ ધર્મો ધરાવે છે પણ એક એક જરા વિશેષરૂપે prominently જોવા મળે છે. તે પ્રમાણે પ્રથમ લાલજી શ્રી ગિરિધરજી વિશેષત: ધર્મી સ્વરૂપ છે.  બીજા લાલજી શ્રી ગોવિંદરાયજી માં મુખ્યત્વે પ્રભુના‘ઐશ્વર્ય’ સ્વરૂપનું દર્શન થાય છે. ત્રીજા લાલજી શ્રી બાલકૃષ્ણજી માં ‘વીર્ય’ગુણ સવિશેષ રહેલો દેખાય છે. ચોથા લાલજી, માલા તિલકના રક્ષણહાર શ્રી ગોકુલનાથજી માં ‘યશ’ સ્વરૂપ ઉડીને આંખે વળગે છે. આપનો યશ આજે પણ એવો જ છે. પંચમ લાલજી શ્રી રઘુનાથજી માં પ્રભુના છ ભગમાંથી ‘શ્રી’નું પ્રાધાન્ય છે. છઠ્ઠા લાલજી શ્રી યદુનાથજી માં ‘જ્ઞાન’ ગુણધર્મ વિશેષપણે છે. સાતમા લાલજી શ્રી ઘનશ્યામજી  ‘વૈરાગ્ય’ને ધારણ કરે છે.  અંતે શ્રી હરિરાયજી રહસ્યની વાત કહે છે.  ‘આ સર્વ પ્રકટ બ્રહ્મ સ્વરૂપ છે.’ તેમને લૌકિક નજરે નીરખવા નહીં.  આ સર્વ સ્વરૂપોદૈવી જીવોના ઉધ્ધારાર્થે ભૂતલ પર પધાર્યા છે.  આજે પણ તેમ જ છે.

 

 

પરમ સુખદ અભિરામ હૈ,  શ્રીગોકુલ સુખધામ |
ઘુટરુવન ખેલત ફિરત, શ્રીકમલ નયન  ઘનશ્યામ ||૮૮||

 

 

શ્રી ગોકુલ પ્રભુનું ક્રીડાધામ છે. ૭૭ મી સાખીમાં પણ શ્રી હરિરાયજીએ ગોકુળના ગુણ ગાયા છે. અહીં ફરી બીજા સંદર્ભથી ગોકુલના મહિમાનું મંડન કરે છે. અભિરામ એક સંસ્કૃત શબ્દ છે.  અભિરામ એટલે ઉલ્લાસ, ઉમંગ, ઉત્સાહ, આનંદ, પ્રમોદ, હર્ષ જેવી મનની અનેક ભાવ-સ્થિતિઓ. આવા આ સુંદર શબ્દને પણ શ્રી હરિરાયજી ‘પરમસુખદ’થી શણગારે છે.  એટલું જ નહીં, વિશેષમાંશ્રી ગોકુલને સુખધામ પણ કહે છે.

 

ગો એટલે ગાયો અને અને તેનું ધામ એટલે ગોકુલ.  વિદ્વાનો તો ‘ગો’ નો અર્થ આપણી ઇન્દ્રિયો એવો પણ કરે છે.  એ અર્થમાં જોઈએ તો પ્રભુનું દર્શન આપણી સર્વ ઇન્દ્રીયો માટે ‘અભિરામ’ છે. પ્રત્યેકઇ ન્દ્રિય પ્રભુના દર્શનથી પુલકિત થાય છે, સંતુષ્ટ અને પુષ્ટથાય છે.  શા માટે ન થાય ?  પ્રભુના સ્વરૂપમાં દરેક ઇન્દ્રિયને પોતાના ધર્મ પ્રમાણેની, પોતાના રસ પ્રમાણેની, પોતાના સ્વભાવ પ્રમાણેની મનભાવન પ્રાપ્તિ થઇ જાય છે તેથી પ્રભુનું દર્શન અભિરામ છે.  આવા અભિરામ દર્શન જ્યાં થાય છે તે શ્રીમદ ગોકુલ સુખનું ધામ એટલે કે કાયમી નિવાસસ્થાન (હેડ ક્વાર્ટર) છે.

 

આ  ‘સુખધામ’ ગોકુલમાં બાળલીલાના મિષે પ્રભુ ઘૂંટણીયાભેર ચાલી ભક્તોના મન મોહી રહ્યા છે. આપની નિત્ય લીલા ભક્તોને સદા સુખ આપે છે.  પ્રભુના સુંદર સ્વરૂપના વર્ણનમાં ‘કમલ નયન’ અને ‘ઘનશ્યામ’ શબ્દો છે. પ્રભુના નયન કમળની પાંખડી જેવા મોટા અને નિર્મળ છે. હિંદુ ધર્મમાં કમળનું સ્થાન મહત્વનું છે. કમળની સાથે શાશ્વતદિવ્યતા અને પવિત્રતાના ભાવો જોડાયેલા છે.  કમળની ઉત્પત્તિ કીચડમાં થાય છે અને પ્રભુ પણ જ્યારે ધર્મ તકલીફમાં હોય, અધર્મ જોરમાં હોય (યદા યદા હી…) ત્યારે જ અવતાર લે છે. પ્રભુના નયન પણ કમળની જેમ જ નિર્લેપ રહે છે.  કૃપાથી છલોછલ ભરેલા પ્રભુનો વર્ણ પણજળથી ભરેલા વાદળ જેવો ઘનશ્યામ છે.

 

 

ગોવિંદ ઘાટ સુહાવનો, છોંકર પરમ અનૂપ |
બૈઠક વલ્લભ દેવ કી, નિજ્જનકોફલ રૂપ ||૮૯||

 

 

હવે વાત પુષ્ટિ માર્ગના ઉદગમ સ્થાન સમા સોહામણા ગોવિંદ ઘાટની. આ ઘાટ ઉપરનું છોંકર વૃક્ષ પરમ અનૂપ છે, તેને કોઈની ઉપમા આપી શકાય તેમ નથી, અનન્ય છે, બ્રહ્માંડમાં તેની સમાન કાંઈ જ નથી, કોઈ જ નથી.

 

અહીં શ્રી યમુનાજીએ શ્રાવણ સુદ ત્રીજે (ઠકુરાણી ત્રીજે) શ્રી વલ્લભને લીલા સમયના શ્રીગોવીંદ ઘાટ અને શ્રી ઠકુરાણી ઘાટ બતાવ્યાં હતાં. તે જ સમયે એવી પણ આજ્ઞા કરી હતી કે શ્રી વલ્લભ જે વૃક્ષ નીચે ઉભા છે તે છોંકરનું વૃક્ષ બ્રહ્મ સ્વરૂપ છે. એ પ્રસંગે જ શ્રી યમુનાષ્ટકની રચના થઇ હતી.

 

શ્રી વલ્લભના સર્વ બેઠકજીઓમાં સૌથી અહમ, સૌથી મહત્વના બેઠકજી એટલે શ્રીગોવીંદ ઘાટના બેઠકજી જ્યાં સાક્ષાત પરબ્રહ્મે દૈવી જીવોના ઉદ્ધારનું અવતાર કાર્ય પૂર્ણ કરવા વ્યાકુળ મહાપ્રભુજીને ગદ્યમંત્રનું દાન કરી વચન આપ્યું કે તમે શરણે લીધેલા જીવોને હું છોડીશ નહીં.  અહીં જ પુષ્ટિ માર્ગનો પ્રાદુર્ભાવ થયો ગણાય.  તે વખતે પ્રગટ થયેલ સ્વરૂપ શ્રી ગોકુલ ચન્દ્રમાજીનું સ્વરૂપ છે.  તે સ્વરૂપના દર્શનથી અભિભૂત થઇ આ ચાર્યશ્રીએ મધુરાષ્ટકમ સ્તોત્રની રચના કરી પ્રભુના મનોહારી સ્વરૂપનું કાવ્યમય વર્ણન કર્યું હતું. આ એજ પાવન સ્થાન છે જ્યાં દામોદરદાસ હરસાનીજી બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરીને પ્રથમ વૈષ્ણવ બન્યા હતા.

 

આ ઘાટ ઉપર બિરાજમાન શ્રી બેઠકજી આપણા સંપ્રદાયનું પરમ પવિત્ર ધામ છે.  પ્રભુની લીલાના અંતરંગ જીવો જે લીલાના ભાગ રૂપે કે અન્ય કારણવશાત પૃથ્વી ઉપર આવ્યા છે તેવા નિજ જન માટે પરમ ફળ સમાન છે.  આપણેશ્રી ઠાકોરજીના નિજ અર્થાત પોતાના છીએ એ સૌભાગ્ય મદ આપતી વાત છે.  આપણા માર્ગમાં સેવા જ સાધન અને ફળરૂપ મનાય છે.  તે સેવા પ્રાપ્ત કરવાના પહેલાં પગથીયા જેવા બ્રહ્મસંબંધનું આ જન્મસ્થાન હોઈ તેને અહીં ‘ફલરૂપ’ ગણાવ્યું છે.

 

 

બેલિ લતા બહુભાંત કી  દ્રુમન રહી લપટાય |
માનોં નાયક નાયકા મિલી, માન તજિ આય||૯૦||

 

 

ગોવિંદ ઘાટ ઉપર અને વ્રજમાં સર્વત્ર પથરાયેલી વિવિધ વનસ્પતિઓ પણ દિવ્ય છે. તેમાં પણ શ્રી હરિરાયજીને યુગલ સ્વરૂપના  દર્શન થાય છે.  આપ વર્ણન કરે છે કે વ્રજમાં અનેક જાતના વેલા અને વનસ્પતિ આવેલા છે.  રસખાને તો પોતાના પદમાં એવી ઈચ્છા જ જાહેર કરી છે કે વ્રજમાં વનસ્પતિ રૂપે પણ અવતાર મળે પણ અનેક દેવી દેવતાઓ, વેદનીઅનેક ઋચાઓ, ઋષિ મુનીઓ તો વ્રજમાં વનસ્પતિ રૂપે પહોંચી જ ગયા છે. તેઓને ભય હશે કે અન્ય સ્વરૂપે પ્રભુની લીલાનાં દર્શન નહીં થાય  તેથી વનસ્પતિ રૂપે આવ્યા છે.  અમુક જીવો રામાવતાર વખતે મોહિત થયા હતા અને પ્રભુનો મર્યાદા પુરુષોત્તમ અવતાર હતો તેથી પ્રભુએ કૃષ્ણાવતારમાં મનોકામના પૂર્ણ કરવાની આશા આપેલી તેથી વ્રજમાં આવી પહોંચ્યા હતા.  આ સૌને પ્રભુની લીલાના દર્શનનો લહાવો લેવો હતો.  આવી આ દિવ્ય સ્વરૂપાવેલીઓ વૃક્ષોના થડને વીંટળાઈને તેની ટોચે પહોંચવા કોશિશ કરી રહી છે જેથી ઊંચાઈને કારણે દૂર સુધી લીલાના દર્શનનો લાભ મળે, લીલાના અમૃતનું આકંઠ પાન કરાય.

 

હરિરાયજી મહાપ્રભુ તો પ્રભુને વ્યાપક વિશ્વમાં જોઈ શકતા હતા. તેને દિવ્ય દ્રષ્ટિ કહીએ કે ભક્ત હૃદયની ભાવના કહીએ તેઓને અત્ર તત્ર સર્વત્ર પ્રભુ જ દેખાતા હતા.  તેથી આપને એવું લાગે છે કે જાણે કે (વ્રજના) નાયક પાસે નાયિકા માન તજીને આવી પહોંચ્યા છે અને બંને પરસ્પર આલિંગનમાં શોભી રહ્યા છે, યુગલ સ્વરૂપ બિરાજી રહ્યું છે.  જેમ વેલી વીંટળાયા પછી વૃક્ષ સાથે એકાકાર થઇ જાય છે અને બંનેને અલગ કરવા મુશ્કેલ કાર્ય છે તેમ જખાસ તો નાયિકામાન તજીને આવ્યા પછીનું મિલન હોઈ લાગણીની તીવ્રતા અધિક હોય તે સમજી શકાય છે.  એકમેકમાં ઓતપ્રોત થયેલા  પ્રિયા પ્રિતમના પાવનદર્શનથી મન હર્યુંભર્યું થઇ જાય છે.

 

આ યુગલ સ્વરૂપને સ્મરી, ભાવ પૂર્વક વંદી  આપણે આજના આ  સ્વલ્પ સત્સંગનું સમાપન કરીએ.
 

 

(ક્રમશ:) \

 

 

© Mahesh Shah 2013

 

 
mahesh shah.1

મહેશ શાહ
જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો,
વડોદરા

મો.૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

                                                                          .

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....