શ્રી હરિરાયજી કૃત …શ્રી વલ્લભ સાખી … [૧૬] …

શ્રી હરિરાયજી કૃત …શ્રી વલ્લભ સાખી  …(૭૬-૮૦) …

-મહેશ શાહ, વડોદરા

 

 [ભાગ -૧૬]

 

 

yamunaji darshan

 

 

 

શ્રી યમુનાજી સોં નેહ કરી, યહી નેમ તૂ લેહ |

શ્રી વલ્લભ કે દાસ બિનુ, ઔરન સોં તજી સ્નેહ || ૭૬||

 

 
             શ્રી હરિરાયજી વ્રજ મંડળના ગુણગાન કરી રહ્યા છે. તેમાં આગળ શ્રી યમુનાજીનું પુનિત સ્મરણ કરે છે. યમુનાષ્ટકમાં શ્રી આચાર્યજીએ શ્રી યમુનાજીના દિવ્ય સૌન્દર્ય અને માહાત્મ્યનું દર્શન કરાવ્યું છે.  તેમાં જ સ્વયં શ્રી વલ્લભે ભારપૂર્વક કહયું છે કે ભક્તોદ્ધારક અને  કૃપા સાગર યમુના મૈયાની કૃપા થાય તો સર્વ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય, જીવના સર્વ દોષનો નાશ થઇ જાય, યમ યાતનામાંથી મુક્તિ મળે, પ્રભુમાં પ્રીતિ ઉપજે, દિવ્ય દેહ (તનુનવત્વ) મળે અને તેના થકી પ્રભુનો સાક્ષાત્કાર થાય તદઉપરાંત   સ્વભાવ ઉપર વિજય પણ પ્રાપ્ત થાય. આ બધું મળે તેથી આપોઆપ જ સ્વયં પ્રભુની પ્રસન્નતા મળે છે. શ્રી હરિરાયજી કહે છે કે આવા અષ્ટ સિદ્ધિ અને નવ નિધિના દાતા યમુનાજી સાથે નેહ કરીને તમે તેમની આડીથી એક નિયમ લો. શ્રી યમુનાજીને સાક્ષી રાખીને, તેમને યાદ કરીને આ ‘પણ’ લેવાનું આપશ્રી  કહે છે. આમ કરવાથી આપણા મનની દ્રઢતા વધે છે, આપણી પ્રતિજ્ઞા પવિત્ર બને છે અને પ્રતિજ્ઞા પાલનની દિવ્ય શક્તિ મળે છે.

 
શ્રી હરિરાયચરણ એક સુંદર નિયમ લેવાની આપણને આજ્ઞા કરે છે.  આપ કહે છે કે શ્રી વલ્લભના દાસ સિવાય બીજે બધેથી સ્નેહ અને લાગણીના બંધનો તોડી નાખો. એક માત્ર શ્રી વલ્લભના દાસ સાથે સ્નેહ કરો, તેમનો જ સત્સંગ કરો, તેમને જ પ્રસન્ન કરો. આપણા માર્ગમાં શ્રી હરિ, ગુરૂ, વૈષ્ણવને એક સમાન ગણ્યા છે. ભગવદીય પ્રસન્ન થાય તો પ્રભુ પણ કૃપા કરે છે. તેથી જ પ્રભુને પ્રાપ્ત કરવા હોય તો કાચબો જેમ તેના અંગો સંકોરી લે છે તેમ જગતના સર્વ સ્થાનોમાંના કે લોકોમાંના સ્નેહને સંકોરી લઇ વૈષ્ણવોમાં કેન્દ્રિત કરવો જોઈએ. ભગવદીયોના સત્સંગથી આપણા મનની મતિ અને ગતિ પ્રભુ પ્રત્યે થાય છે. તેમની કૃપાથી પ્રભુનો સાક્ષાત્કાર થાય  છે.
 

 

મન પંછી તન પાંખ કર, ઉડ જાવો વહ દેશ |

શ્રી ગોકુલ ગામ સુહાવનો, જહાં ગોકુલચંદ્ર નરેશ ||૭૭||

 

 
              મનને પક્ષી અને શરીરને પાંખની ઉપમા આપતાં આપ કહે છે કે મનથી જ નહીં સદેહે વ્રજ દેશમાં પહોંચી જાઓ કારણ કે ત્યાં એક અત્યંત સુંદર શોભાયમાન ગામ શ્રી ગોકુળ આવેલું છે.

 
યમુનાજીના પવિત્ર તટે આવેલું ગોકુળ શ્રી ઠાકોરજીની પ્રિય લીલાસ્થલી છે. પ્રભુએ ત્યાં અનેક લીલાઓ કરી છે. વ્રજ ભક્તોને અનેક દાન આપ્યાં છે. પૂતનાથી શરૂ કરી અનેક અસુરોનો વધ કર્યો છે. ચીર હરણ લીલા પણ અહીં જ થઇ હતી. ગોપીજનોએ કાત્યાયની વ્રત પણ ગોકુલની પાવન ભૂમિ ઉપર કર્યું હતું. પ્રભુએ વિષધર કાલીય નાગને નાથી યમુનાના નીરને નિર્મળ પણ અહીં જ કર્યાં હતા. આ ભૂમિના કણ કણમાં કૃષ્ણ વસે છે, વૃક્ષે વૃક્ષે વેણુધર વિલસે છે.

 
પુષ્ટિ માર્ગિય વૈષ્ણવો માટે તો ગોકુલનું અદકેરૂં મહત્વ છે. આ પવિત્ર ભૂમિ ઉપર જ યમુનાજીના કિનારે પ્રભુએ સાક્ષાત પ્રકટ થઇ દૈવી જીવોના ઉદ્ધારની શ્રી મહાપ્રભુજીની ચિંતા દુર કરી હતી. અહીં જ પ્રભુએ શ્રાવણ માસની અગ્યારસે બ્રહ્મ સંબંધ મંત્રનું દાન કરીને વચન આપ્યું હતું કે આપના થકી આ મંત્ર દ્વારા સમર્પણ કરનાર જીવના બધા દોષ નિવૃત્ત થશે અને તેને હું ક્યારે ય છોડીશ નહીં. અહીં જ શ્રી દામોરદાસ હરસાની પ્રથમ વૈષ્ણવ બન્યા હતા. આમ ગોકુલ પુષ્ટિ માર્ગનું જન્મ સ્થાન છે. સમ્પ્રદાયનું પરમ પવિત્ર સર્વોચ્ચ તીર્થસ્થાન છે.

 
ગોકુલ તો સુંદર છે જ પણ ત્યાં જવાનું  તેથી પણ અગત્યનું કારણ શ્રી હરિરાયજી આપે છે. તેઓ કહે છે કે ત્યાં નંદનંદન શ્રી ગોકુલેશ રાજ કરે છે, અહર્નિશ નિત્ય લીલા કરે છે. ત્યાં જવાથી પ્રભુના સાનિધ્યનો લાભ મળી શકશે. પ્રભુના ચરણ કમળોથી ઉડતી ધૂલી તમારા તન મનને પાવન કરશે. પ્રભુ કૃપા કરે તો લીલાનો સ્વાનુભવ થશે. તેથી વિશેષ જોઈએ પણ શું?

મનિન ખચિત દોઉ કૂલ હૈ, સીઢી સુભગ નગ હીર |

શ્રીયમુનાજી હરિ ભામતી, ધરે સુભગ વપુ નીર ||૭૮||

 

 
વ્રજભુમિની શોભાનું વર્ણન સકલ સિદ્ધિના દાતા એવા જગત જનની શ્રી યમુનાજીની વાત વગર અધુરું જ ગણાય. શ્રી યમુનાજીની અલૌકિક અને અવર્ણનીય શોભાની વાત કરતાં શ્રી હરિરાયજી કહે છે કે બન્ને કિનારા સુંદર મણિઓથી જડેલા છે. શ્રી નંદદાસજીએ  તેમના પદમાં ગાયું છે તેમ શ્રીયમુનાજી ભક્તો ઉપર કૃપા  કરવા માટે પોતાનું નિજ ધામ છોડીને ભૂતલ ઉપર પધાર્યા છે. આપના પ્રિય ભક્તોને ગોલોક જેવા દિવ્ય સ્વરૂપનું દર્શન  અહીં પણ થાય છે. હરિરાયજીને યમુનાજીની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઇ છે એટલે જ મણિ જડિત કિનારાના દર્શન થાય છે અને તેથી આપ વર્ણન કરે છે કે શ્રીયમુનાજીના કિનારા મણિઓથી  જડિત છે વળી આપના ઘાટના  પગથિયાં સુભગ એટલે કે સોહામણા હીરાઓથી શોભે છે. આપણા ચર્મ ચક્ષુઓના નસીબમાં એ દિવ્ય દર્શનનો આલ્હાદ નથી.  આપણે તો આ શબ્દોના સહારે જ એ અવર્ણનીય શોભાની કલ્પના કરવાની. ભાવના કરીએ કે આપણને પણ ક્યારેક તેવા દિવ્ય દર્શન થશે.

 
શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટકમાં યમુનાજીના તરંગોને આપની ભુજાઓની ઉપમા આપી છે એટલું જ નહીં વાલુકા (રેતી)ના કણોને મોતી સમાન ગણાવ્યા છે. ટૂંકમાં યમુનાજી અલૌકિક હીરા, મોતી અને મણિઓથી સુશોભિત છે. શા માટે ન હોય? આપ તો  હરિના  મનભાવન ચતુર્થ પ્રિયા છે. પ્રભુને અત્યંત વહાલાં છે. સુર-અસુર આપને પૂજે છે, શિવ અને બ્રહ્મા  સહીત સૌ દેવો આપની સ્તુતિ કરે છે. આવા શ્રી યમુનાજીનું જલ સ્વરૂપ આપનું આધિભૌક્તિક સ્વરૂપ છે જે  પણ અત્યત શોભામણું છે. તેના પય પાનથી પણ અઘ એટલે કે પાપ દુર થાય છે અને યમ યાતનાથી મુક્તિ મળે છે. ફળની આશાએ સેવતા ભક્તોને આ સ્વરૂપ પ્રિય લાગે છે.  પુષ્ટિ ભક્તોને તો મુકુન્દ પ્રભુમાં પ્રીતિ વધારનારૂં આધિદૈવિક સ્વરૂપ જ વધુ પ્યારૂં લાગે છે.

 

 

ઉભય કૂલ નિજ ખંભ હી, તરંગ જુ સીઢી માન |

શ્રી યમુના જગત વૈકુંઠ કી, પ્રકટ નીસેની જાન ||૭૯||

 

 
                મણિથી  મઢેલા  કાંઠાઓ અને હીરા જડિત ઘાટની ઉપમા આપી પછી શ્રી હરિરાયજી શ્રી યમુનાજીને ભૂતલ ઉપર વૈકુંઠની પ્રત્યક્ષ નિસરણી સમાન ગણાવતા કહે છે કે આપના બે કાંઠા આ દિવ્ય નિસરણીના બે સ્તંભ છે અને આપના પ્રવાહમાં ઉઠતા તરંગો તે સીડીના પગથીયાં છે. જેના સહારે વૈકુંઠની પ્રાપ્તિ થઇ શકે છે. આ જ વાત શ્રી છીતસ્વામી એમના એક પદમાં ગાય છે, “દોઉં કૂલ ખંભ, તરંગ સીઢી; શ્રી યમુના જગત બૈકુંઠ  નિશ્રેની”

 
શ્રી યમુનાજીનું આ વૈકુંઠની નિસરણીનું સ્વરૂપ જગતના લોકોને વિશેષ લોભાવે છે. શ્રી યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ મુક્તિ દાયક છે. યમરાજાના  બહેન શ્રી યમુનાજીના ભક્તોને યમ યાતના સહન કરવાની રહેતી નથી. આપ મુક્તિ દાતા મુકુન્દ પ્રભુની પ્રીતિ પ્રાપ્ત કરાવે છે. મર્યાદા ભક્તોને શ્રી યમુનાજીની કૃપાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. મર્યાદા ભક્ત હંમેશા પાપ-પુણ્યના વિચારમાં રહે છે. તેની ચિંતા પોતાની ‘ગતિ’ વિષે હોય છે. તે સદા પ્રયત્નશીલ હોય છે કે પાપ કપાય અને પુણ્ય વધે. તેને માટે અનેક ઉપાયો પણ કરતો હોય છે તેથી   શ્રી યમુના સ્નાન અને પાનથી અઘ દુર ભાગે છે તે વાત તેને મનભાવન બની રહે છે. તેને તો સ્વર્ગમાં જઈ પુણ્યના વળતર રૂપે  વિવિધ સુખો ભોગવવા છે અથવા  મુક્તિ પ્રાપ્ત કરી પ્રભુ જેવું સ્વરૂપ પ્રાપ્ત કરવું છે કે પછી પ્રભુના શ્રી અંગમાં સમાઈ જવું છે.

 
સાયુજ્ય હોય કે સ્વારૂપ્ય પુષ્ટિ ભક્તોને મુક્તિની લગાર પણ પરવા નથી. તેઓ તો ‘વ્રજ વહાલું રે, વૈકુંઠ નહીં આવું’ના મતવાલા છે. આપણી મહેચ્છા તો તનુનવત્વ પ્રાપ્ત કરી પ્રભુની સેવા કરવાની રહે છે. લીલામાં સ્થાન પ્રાપ્ત થાય, ત્યાં પ્રભુની સુખાકારી માટે, પ્રભુની પ્રસન્નતા માટે  યત્કીન્ચિત પણ મનભરીને સેવા કરી શકીએ તેથી ન્યૂન કોઈ મનોરથ મનભાવન નથી.

 

 

રતન ખચિત કંચન મહા, શ્રી વૃન્દાવનકી ભૂમિ |

કલ્પવૃક્ષ સે દ્રુમ રહે, ફળ ફૂલન કરિ ઝૂમી ||૮૦|| 

 

 
વ્રજ ભૂમિના એક એક અંગની શોભા વખાણતા હવે શ્રી હરિરાયજી વૃન્દાવનના મહિમાનું ગાન કરે છે. ગોકુળમાં એક પછી એક ઉપદ્રવ થતા ગયા તેથી પ્રભુની પ્રેરણાથી જ ગોકુળવાસીઓએ વૃન્દાવન સ્થળાંતર કર્યું હતું. પોતાના લાડલા કાનુડાને આપત્તિઓથી બચાવવા વ્રજવાસીઓએ ગોકુળ ત્યાગી આખેઆખું નવું ગામ વૃંદાવન વસાવ્યું. પ્રભુ માટે ગમે તે કરવાની, ગમે તે હદ સુધી જવાની આ પુષ્ટિ પરંપરા છે. આ કાર્ય માત્ર પ્રભુની ઈચ્છાથી જ બન્યું હોય તે આપણે સમજી શકીએ છીએ. આમ આ પ્રભુની ઈચ્છાથી વસેલું સ્થાન છે એટલે આપને પ્રિય પણ હોવાનું જ. વળી અહીં પ્રભુને પ્રિય એવા તુલસીનું વન છે.

 
આ વૃંદાવનની ભૂમિ સુવર્ણમય છે, સોને મઢેલી છે.  તેમાં વિવિધ રત્નો જડેલા છે. આ અમુલ્ય દૈવી આભાવાળા દિવ્ય રત્નો પવિત્ર વૃંદાવનની કંચનવર્ણી ધરતીની શોભા અનેક ગણી વધારી રહ્યા છે. સમગ્ર દ્રશ્ય ઇન્દ્રાપુરી જેવું દેખાય છે. પ્રભુની લીલાઓની સાનુકુળતા માટે પૃથ્વી ઉપર ઉતરી આવેલ પવિત્ર ગોલોક સમાન સમગ્ર વ્રજભૂમિ ભવ્ય, પવિત્ર અને પાવક છે તેમાં પણ  વૃંદાવનનું સ્થાન વિશિષ્ટ છે કારણ કે તેની શોભા અનુપમ, અનેરી અને અનુઠી છે. તે પ્રભુની પ્રિય રમણસ્થલી છે.

 
આ હિરણ્યમય ભૂમિ ઉપરના વૃક્ષો પણ સામાન્ય ન જ હોય. અહીંનું દરેક વૃક્ષ કલ્પવૃક્ષથી પણ અધિક છે.  આપણે જાણીએ છીએ કે દૈવી કલ્પવૃક્ષ મનોવાંચ્છીત પદાર્થો ઉપલબ્ધ કરાવે છે. તે તો ભૌતિક મનોરથો પૂર્ણ કરે છે જ્યારે આ વૃક્ષોના પાંદડે પાંદડે વેણુધારી શ્રી કૃષ્ણ બિરાજતા હોઈ અલૌકિક મનોકામનાઓ પણ પૂર્ણ કરી શકવાને સમર્થ છે. વ્રજના વૃક્ષો તો તપ કરતા મુનિવરો છે કલ્પવૃક્ષની તેની પાસે શી વિસાત?

 
આ વૃક્ષોને પ્રભુની લીલાના દર્શન થતા રહે છે, તે સૌભાગ્યના આનંદથી તરબત્તર થઇ  સુંદર ફૂલ અને ફળોથી ઝૂમી રહ્યા છે.

 
આ કલ્પવૃક્ષોના માધ્યમે ઠાકોરજી આપણા દિવ્ય મનોરથો સિદ્ધ કરે તેવી  આશા સાથે  જ આપણે આ સ્વલ્પ સત્સંગનું સમાપન કરીએ.

  


 
(ક્રમશ:) 

 

© Mahesh Shah 2013

 

 
mahesh shah.1

મહેશ શાહ
જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો,
વડોદરા

મો.૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....