મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત શ્રી વલ્લભ સાખી … (ભાગ-૧૫) ….

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત …  શ્રી વલ્લભ સાખી … (૭૧-૭૫) …
-મહેશ શાહ, વડોદરા …

 

[ભાગ -૧૫]

 

 
<strongshri vallabh
 

 

શ્રી વૃંદાવન કે દરસ તેં, ભયે જીવ અનુકૂલ |

ભવસાગર અથાહ જલ, ઉત્તરન કો યહ તૂલ |૭૧||

 

 
ગોકુળ-વૃંદાવનના, કહો કે શ્રી વ્રજ મંડળના મહિમા મંડનના પ્રારંભે  શ્રી હરિરાયજી વૃંદાવન વિષે કહે છે કે આ ધામના દર્શન માત્રથી જીવને અનેક અનુકૂળતાઓ થઇ જાય છે અથવા કહો કે જીવ પોતે અનુકૂલન સાધી શકે છે.

 
અનુકૂળતા કે અનુકૂલનની વાત કરીએ તો પ્રભુ પ્રાપ્તિ માટે અનેક અનુકૂલતાઓ જરૂરી છે. જેમાં કાલ, દેશ, દ્રવ્ય, તીર્થ, મંત્ર જેવા સાધનોની અનુકૂળતા પણ આવી જાય. આચાર્યશ્રીએ શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથમાં આજ્ઞા કરી છે તે મુજબ અત્યારે આ બધા દુષિત છે, નિરર્થક છે. તેથી તેઓ પ્રભુ પ્રાપ્તિમાં અનુકૂલન કરાવવા સમર્થ નથી. અહીં જ પ્રભુને પ્રિય એવા વૃંદાવનની સહાય મળે છે કારણ કે આ ભૂમિ વ્રજ ચોરાસી કોષની ભૂમિ છે. જે પૃથ્વી ઉપર બિરાજતું ગોલોક છે. આ ભૂમિ પ્રભુની રમણ સ્થળી છે.
 

 
shriji vallabh
 

 
વૃંદાવન, નામ પ્રમાણે પ્રભુને પ્રિય એવા તુલસીનું વન છે. આપણા સંપ્રદાયમાં પ્રભુને કોઇ પણ સામગ્રી સમર્પિત કરતા પહેલાં તેને તુલસી પત્રથી પવિત્ર કરવાની પ્રણાલી છે. તેવી જ રીતે જીવ પોતે પણ પ્રભુ પ્રાપ્તિ પહેલાં વૃંદાવનના દર્શન કરે તો સમર્પણ માટે અનેક અનુકૂળતાઓ ઉભી થઇ જાય છે.

 
પ્રભુ જ્યારે જીવ ઉપર કૃપા કરવાનું મન કરે છે ત્યારે તેને  વૃંદાવનના દર્શન થાય છે અને તે દર્શનથી જીવનું અને સંજોગોનું સર્વ અનુકૂલન આપોઆપ થઇ જાય છે. પ્રભુની પ્રાપ્તિનો માર્ગ પ્રશસ્ત થાય છે.

 
આ ભવસાગરમાં પાર ન પામી શકાય, પાર ન ઉતારી શકાય તેવું અથાગ જળ છે. તેની પાર ઉતરવા માટે પ્રભુકૃપા અત્યંત આવશ્યક છે. આચાર્યશ્રીની તો આજ્ઞા છે  જ છે કે અશક્ય કે સુશક્ય દરેક પરિસ્થિતિમાં  શ્રી હરિનું શરણ એ જ ઉત્તમ ઉપાય છે.  વૃંદાવનના દર્શનથી થતી અનુકૂળતાને કારણે જીવ કૃષ્ણાશ્રય પામીને ભવસાગરની કઠીન સફર આસાન બનાવી શકે છે.

 

   શ્રીવૃંદાવન બાનિક બન્યો, કુંજ કુંજ અલિ કેલિ |

અરુઝિ શ્યામ તમાલ સોં, માનોં કંચન વેલિ ||૭૨||

 

 
વૃંદાવનના આધ્યાત્મિક મહત્વનું વર્ણન કર્યા પછી આ સાખીમાં શ્રી હરિરાયજી તે દિવ્ય ભૂમિની ભૌતિક શોભા વર્ણવે છે. અનેક કુંજથી વૃંદાવન શોભે છે. આ દરેક કુંજમાં આવેલા ફળ ફૂલોથી આચ્છાદિત અનેક વૃક્ષો અને વેલીઓ છે. આ પુષ્પોનો પરાગ પામવાના લોભે ભમરાઓ આનંદથી મસ્ત બની ગુંજારવ કરે છે. ગોપીગીતના માધ્યમે આપણે મધુકર અને સ્વયં શ્રી ઠાકોરજીના વર્ણની સામ્યતાથી પરિચિત તો છીએ જ. મધુકર પણ રસનો ભોક્તા છે પ્રભુ પણ અલૌકિક શુદ્ધ રસના પ્રેમી છે. અહીં કદાચ શ્રી હરિરાયજીએ ભમરાના મિષે  કુંજ કુંજમાં પ્રભુએ કરેલી કેલીની અપરોક્ષ વાત કરી હોય તે પણ શક્ય છે.  વૃંદાવનની દરેક કુંજમાં પ્રભુની લીલાની ગુંજ છે. અહીં પ્રભુ સખાઓ સાથે રમ્યા છે, ગોપીઓ સાથે રાસ પણ કર્યો છે. અહીં નંદનંદને અનેક લીલાઓ કરી છે. વૃંદાવનની આ દરેક કુંજ શ્રી ઠાકોરજીની આવી પાવક, પુનિત પ્રવૃત્તિઓથી ધન્ય બની છે.

 
આ વનમાં અને આ કુંજમાં આવેલા તમાલ વૃક્ષો પણ શ્યામ રંગના જ છે જેનાથી વૃંદાવન શોભે છે. આ વૃક્ષો શ્રી ઠાકોરજીને પણ પ્રિય છે. તેની ઉપર વીંટળાઈને સુંદર વેલીઓ પ્રભુની લીલાઓના દર્શન કાજે ઉપર ને ઉપર ચડી રહી છે.  ભક્ત જ્યારે આ દર્શન કરે ત્યારે તેના મનોચક્ષુ સામે દિવ્ય દ્રશ્યો ખડા થાય  છે. તેને શબ્દ દેહ આપતાં શ્રી હરિરાયજી કહે છે કે આ વેલીઓ શુદ્ધ સોનાની છે. આમ તો સમગ્ર વ્રજ મંડળ સુવર્ણ અને રત્ન જડિત છે પણ તે સ્વરૂપે  માત્ર દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરનારા બડભાગી વિરલાઓને  જ દેખાય છે. વ્રજના સાચા સ્વરૂપને ઓળખીને જ રસખાનજીએ માનવ દેહે કે વનસ્પતિ રૂપે પણ  તેમાં જન્મ લેવાની મહેચ્છા વ્યક્ત કરી હતી. એટલે જ ભક્તો ગાય છે કે ‘વ્રજ વહાલું રે વૈકુંઠ નહીં આવું.’

 

શ્રી વૃન્દાવન કે વૃક્ષ કો, મરમ ન જાને કોય |

એક પાત કે સુમરિકે, આપ ચતુર્ભુજ હોય ||૭૩||

 

 
વ્રજ અને શ્રી વૃંદાવન ધામનું યશોગાન આગળ વધારતા શ્રી હરિરાયજી મહાપ્રભુ કહે છે કે આ ભૂમિનો તો શું અહીંના વૃક્ષોનો પ્રતાપ પણ અનેરો છે. શ્રીમદ્ ભાગવતજીમાં કહયું છે કે વ્રજના વૃક્ષો તેની લતાઓ અને અન્ય જડ તેમજ ચેતન પદાર્થો અને પ્રાણીઓ સર્વ દિવ્ય છે. કોઈ શાપિત દેવ કે ગંધર્વ છે, કોઈ અધુરૂં તપ પૂર્ણ કરવા આવેલા ઋષિ મુનીઓ છે તો કોઈ તપના ફળ સ્વરૂપે વ્રજમાં પધાર્યા છે, વેદની ઋચાઓ પણ કોઈને કોઈ રૂપે બિરાજે છે, રામાવતારમાં મર્યાદા પુરુષોત્તમ પ્રભુને પ્રાપ્ત ન કરી શકનાર આત્માઓ પણ કૃષ્ણાવતારમાં અધુરી એષણાઓની સંતૃપ્તિની આશાએ વ્રજમાં વસ્યા  છે.

 
નારદ મુનિના કહેવાથી તીર્થ રાજ પ્રયાગે ગોલોકમાં જઈ ફરિયાદ કરી કે બધા તીર્થો મને ભજે છે પણ વ્રજના તીર્થો મારી ઉપેક્ષા કરે છે ત્યારે પ્રભુએ તેમને જ્ઞાન આપ્યું હતું કે વ્રજ તો મારી પોતાની ભૂમિ ગોલોક ધામ સમકક્ષ છે, મારૂં પોતાનું ધામ છે તેથી તમારે તેની પૂજા કરવાની હોય.

 
અહીં શ્રી મહાપ્રભુજીના સેવક શ્રી પ્રભુદાસ જલોટા કે જેમણે દહીંના બદલે એક ગોવાલણને મુક્તિ લખી આપી હતી તેમનો પ્રસંગ યાદ કરવા જેવો છે. એક વાર આચાર્યશ્રીએ પ્રભુદાસજીને રાજભોગનો પ્રસાદ લેવા કહયું તો તેઓએ કહયું કે મારે તો હજી સ્નાનાદિ બાકી છે. ત્યારે શ્રી મહાપ્રભુજીએ સ્વમુખે પોતાના આ પરમ સેવકને કહયું કે  ‘વ્રજમાં વૃક્ષે વૃક્ષે વેણુધારી વસે છે અને પત્રે પત્રે ચતુર્ભુજ સ્વરૂપે સાક્ષાત શ્રી ઠાકોરજી બિરાજે છે. અહીં અહર્નિશ પુષ્ટિ લીલાના દર્શન થાય છે. આ દિવ્ય ભૂમિ છે. અહીં સામાન્ય આચારનું બંધન નથી. તમે સુખેથી પ્રસાદ ગ્રહણ કરો.’

 
આવી આ દિવ્ય ભૂમિનો કે તેનાં વૃક્ષોનો મર્મ એટલે કે ભેદ કે રહસ્ય કોઈ જાણી ન શકે તે નિશંક છે.

 

કોટિ પાપ છિનમેં ટરે, લેહી વૃંદાવન નામ |

તીન લોક પર ગાજિયે, સુખનિધિ ગોકુલ ગામ ||૭૪||

 

 
તુલસીના લૌકીકમાં પણ અનેક ગુણ ગવાય છે. કેન્સર જેવી અસાધ્ય બીમારીમાં પણ તેની અસરકારકતા વિષે સંશોધન થઇ રહ્યા છે. આવા વૃંદાના વનનો અલૌકિક પ્રભાવ ગાતા અહીં કહેવાયું છે કે તેના નામમાં એવી શક્તિ છે કે તેના નામ સ્મરણથી જ કરોડો પાપ ક્ષણ માત્રમાં ટળી જાય છે. આપણે ઉપર જોયું કે પ્રભુને પ્યારા વૃંદાવનનું કેવું અને કેટલું મહત્વ છે. તે ભૂમિ જ પવિત્ર છે, તે સ્થાન જ પાવક છે એટલું જ નહીં આ વિશિષ્ટ વૃંદાવનનું નામ પણ પાપને ટાળનારૂં છે, પાપ મોચક છે.

 
જીવ તો સ્વભાવથી જ દૃષ્ટ છે તેથી તેના કર્મો  થકી અનેક પાપ એકઠા થતા રહે છે. વળી ગત અનેક જન્મોના સંચિત કર્મો અને પાપની ગઠરી તો સાથે છે જ. આ જન્મ જન્માંતરના પાપનો બોજ પ્રભુ પ્રાપ્તિમાં બાધક બની શકે છે. જીવ પણ મનોમન એવું ઈચ્છતો રહે છે કે પ્રભુ સમક્ષ પાપ રહિત થઈને, નિર્મલ થઈને જવું. પ્રભુ તો ઉત્તમોત્તમના ભોગી છે, પાપથી મલિન જીવ તેમની પાસે કેવી રીતે જવાનું મન કરે? પાપ જનિત મલિનતાનો નાશ થઇ જાય તો  હળવા ફૂલ થઇ પ્રભુ સમક્ષ ઉપસ્થિત થવાની દરેક જીવની મહેચ્છા રહે છે. આમ વૃંદાવનનું નામ સ્મરણ જીવને નિર્મલતા આપી તેને પ્રભુને લાયક બનાવે છે.

 
વૃંદાવન તો વિશિષ્ટ છે જ ગોકુલ પણ ગરવું છે. આમ જુઓ તો ‘ગોલોક’ અને ‘ગોકુલ’માં અક્ષરો સમાન જ છે માત્ર નજીવો ક્રમ ફેર છે. પવિત્ર ગૌ માતાના સમુહોથી તેનું આવું નામ પ્રસિદ્ધ છે. આ ગોકુલ સુખનો ભંડાર છે. સર્વ સુખ અહીં નિહિત છે. કેમ ન હોય? ગોકુલ તો પ્રભુની બાળ લીલાનું ધામ છે!

 
આથી જ વરદાયી વૃંદાવનનું અને પ્રભુને પ્યારા ગોકુલનું નામ ત્રણે લોકમાં ગાજે છે.

 

નંદનંદન શિર રાજહીં, બરસાનોં વૃષભાન |

દોઉ મિલ ક્રીડા કરત હૈ,  ઇત ગોપી ઉત કાન્હ ||૭૫||

 

 
ગોકુલ વૃન્દાવનમાં નંદના દુલારા શ્રી કૃષ્ણચંદ્રનું રાજ છે તો બરસાનામાં વૃષભાન નંદીની શ્રી સ્વામિનીજી બિરાજમાન છે. બરસાનામાં આજે પણ રાધે રાધેનો નાદ ગુંજે છે. પૃથ્વી ઉપરના ગોલોક સ્વરૂપ વ્રજમાં પ્રિયા પ્રીતમના ધામ ભલે અલગ છે પણ આપ બંને તો એક છે. દો તન એક પ્રાણ. બંને સ્વરૂપ એક બીજાના પૂરક છે એકના અભાવે બીજું અધૂરૂં  છે, અપૂર્ણ છે.

 
આ યુગલ સ્વરૂપ ગોકુલ, વૃંદાવન, બરસાના સહીત સમગ્ર વ્રજમાં નિરંતર ક્રીડા કરે છે.આ નિત્ય લીલા આજે પણ થઇ રહી છે. બંને સ્વરૂપ મળીને અનેક અલૌકિક ક્રીડાઓ કરે છે. પરસ્પર અનેક ખેલ, અનેક લીલાઓ કરે છે. આ લીલાઓ અને અટખેલીઓમાં અનેક ગોપીજનો સાથ આપી યુગલ સ્વરૂપના આનંદમાં ઉમેરો  તો કરે જ છે પોતે પણ આ અલૌકિક આનંદ પામી ધન્ય બને છે. યુગ પ્રભાવે અને આપણી યોગ્યતાને અભાવે આપણા ચર્મ ચક્ષુઓને આ દિવ્ય દ્રશ્યો જોવા મળે નહીં તે સાવ જુદી જ વાત છે.

 
મહારાસના  વર્ણનમાં છે તેમ પ્રભુ એકમાંથી અનેક થઇ (એકોહં બહુસ્યામ્) દરેક ગોપીની સાથે સ્વતંત્ર ક્રીડા કરે છે. દરેકને લાગે છે કે શ્રી ઠાકોરજી માત્ર તેની સાથે જ ખેલે છે. એટલે જ્યાં જુઓ ત્યાં (ઈત-ઉત) કાન્હ ગોપીના દર્શન થઇ રહ્યા છે.  પ્રભુકૃપાએ શ્રી હરિરાયજીને આવા દિવ્ય દર્શન થાય છે તેથી તેઓ ગાય છે કે અહીં ગોપી છે તો ત્યાં કાન કુંવર છે.  સ્વામિ અને સ્વામીનીના સથવારાની આ દિવ્ય લીલા છે અને બડભાગીઓને જ તેના દર્શન થાય છે. એવા મહાનુભાવોને પ્રાપ્ત થયેલા અમૃત પાનમાંથી પ્રસાદી રૂપે કે જુઠણ રૂપે રંચક પણ એમની અનુભવ વાણીથી આપણને મળી જાય તો તે જ આપણો જમણવાર! આપણો છપ્પન ભોગ! તેનાથી જ આપણે ધન્યતાનો આનંદ ઉત્સવ મનાવવાનો રહે.

 
આવા દિવ્ય દ્રશ્યોની મંગલમય આશા સાથે  જ આપણે સ્વલ્પ સત્સંગનું સમાપન કરીએ.   

 

                                                                                                                                                                                                                

નોંધ: આ કોલમના લેખક શ્રી મહેશભાઈ શાહ (બરોડા) બીમાર થઇ ગયા હતા.  તેઓશ્રી ને   ૩ દિવસ ICU અને ત્રણ દિવસ હોસ્પીટલમાં રહેવું પડ્યું.  તેઓશ્રીના શબ્દોમાં કહીએ તો, હરિ ગુરૂ વૈષ્ણવની કૃપાના બળે પાછો આવ્યો છું. ત્યાર બાદ પણ નબળાઈ  વિ. કારણે લેખ મોકલવામાં મોડું થયું છે ; વિલંબ માટે તેઓશ્રી તરફથી ક્ષમાપ્રાર્થી છે.

 

‘દાદીમા ની પોટલી’ નાં પાઠક વર્ગ તેમજ બ્લોગ પરિવાર તરફથી અમો લેખક શ્રી મહેશભાઈ ને શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ.   તેઓની તંદુરસ્તી જળવાઈ રહે અને તેઓશ્રી સ્વસ્થતા પૂર્વવત પ્રાપ્ત કરે તેવી શુભકામના સાથે પ્રમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના..

 
(ક્રમશ:) 

 

© Mahesh Shah 2013

 

 
mahesh shah.1

મહેશ શાહ
જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો,
વડોદરા

મો.૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....