આયુર્વેદનું એક બળપ્રદ ઔષધ : સાલમ …

આયુર્વેદનું એક બળપ્રદ ઔષધ : સાલમ  …

આયુર્વેદ – વૈદ્ય મનુભાઈ ગૌદાની

 

 

આ વખતે આયુર્વેદના એક વિશેષ ઔષધનો પરિચય કરાવવાનો ઉપક્રમ છે. આ ઔષધને આયુર્વેદમાં ‘બલ્ય’ કહ્યું છે. બલ્યનો અર્થ થાય બળ આપનાર. આ ઔષધનું નામ છે ‘સાલમ’. પંજા આકારનું હોવાથી તેને ‘પંજાસાલમ’ પણ કહેવાય છે, જે ઔષધીય ગુણોમાં ઉત્તમ ગણાય છે. બીજું, ‘લસણિયો સાલમ’, જેનો આકાર લસણની કળી જેવો હોય છે.

 salam

સંસ્કૃતમાં સાલમનું ‘પીયૂષોત્થ’ નામ છે, જેનો અર્થ થાય અમૃતમાંથી ઉત્પન્ન થયેલું. કદાચ તેના ઉત્તમ ગુણોને ધ્યાનમાં રાખીને જ આવું નામ અપાયું હશે. આ વનસ્પતિ હિમાલયની ભીલંગના ઘાટી અને કેદારનાથની ઘાટીઓમાં થાય છે. ગૌરીકુંડથી કેદારનાથના માર્ગમાં આવતાં ખુલ્લાં મેદાનોમાં તેના છોડ થાય છે. આ સાલમના છોડનાં મૂળ એ જ ઔષધરૂપે પ્રયોજાય છે.

 
સાલમ સ્વાદમાં મધુર, એની તાસીર શીતળ, પચ્ચા પછી મધુર ભાવમાં પરિણમે છે. આ સિવાય તે જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર, શુક્લ બલ્ય, બૃંહણ એટલે શરીરને પુષ્ટ કરનાર, પિત્તના રોગોમાં દાહ મટાડનાર, દૌર્બલ્યહર, કામવર્ધક, રસ, રક્ત, માંસ, મેદાદિ ધાતુઓની વૃદ્ધિ કરનાર, ક્ષય, હૃદયરોગ, મેહ, પિત્તના રોગો અને રક્તવિકારોને તથા આમદોષને મટાડે છે.

 
આધુનિક ડોક્ટરોના મતે સાલમ એ મગજની સુક્ષ્મ નાડીઓને માટે ઉત્તેજક અને પૌષ્ટિક છે. તે સંગ્રાહક, સ્થંભક અને વયસ્થાપક છે. વયઃ સ્થાપનનો અર્થ થાય છે, વયને સ્થિર રાખનાર. પાચનતંત્રના પ્રદાહયુક્ત રોગમાં (એસિડિટી જેવા) હિતાવહ છે. તેના સેવનથી કફ અને આમની ઉત્પત્તિ ઓછી થાય છે. તે અંદરના વ્રણોને મટાડનાર અને દુર્બળતા દૂર કરનાર છે. આમ છતાં સાલમ પચવામાં હલકું છે.

 
સાલમના આવા ઉત્તમ અને વિશેષ ગુણોને લીધે જ આપણે ત્યાં અતિ પ્રાચીન કાળથી ‘સાલમ પાક’ ખાવાનો રિવાજ ચાલ્યો આવે છે.

વધારે પડતું માનસિક કામ કરતી વ્યક્તિઓને મગજ અને તેના મજ્જાતંતુઓ થાકી જતાં હોય છે અને તેથી તેના કાર્યમાં અવ્યવસ્થા ઉત્પન્ન થાય છે. મગજના કોષોની આ અવ્યવસ્થાને ‘સાલમ’ સુવ્યવસ્થામાં પરિવર્તિત કરે છે.

 
સાલમના આવા ઉત્તમ ગુણોને લીધે તે ભારત સિવાય રશિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, આરબ દેશો, ઈજિપ્ત અને હવે તો યુરોપવાસીઓ પણ તેનો ઉપયોગ કરે છે.

 
કેટલાક પ્રયોગ …

 
* બંને પ્રકારના સાલમ અને બંને પ્રકારની મૂસળી સરખા વજને લઈ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી લેવું. એક ગ્લાસ દૂધમાં એક ચમચી જેટલું આ ચૂર્ણ અને આવશ્યક્તાનુસાર સાકર નાખી પ્રાતઃ સાયં એમ બે વખત લેવાથી સ્ત્રીઓમાં થતો શ્વેત સ્રાવ અને પુરુષોને થતો શુક્રમેહ મટે છે અને ધીમે ધીમે શારીરિક ક્ષીણતા-કૃશતા દૂર થાય છે.

 
* જેમને મળમાં આમ-ચીકાશ, જૂનો મરડો, સંગ્રહણી વગેરે હોય તેમણે અડધી ચમચી, જેટલું સાલમનું ચૂર્ણ તાજા-મોળા દહીં સાથે દિવસમાં બેથી ત્રણ વખત લેવું જોઇએ. એકાદ બે મહિનામાં આ વિકૃતિઓ મટે છે.

 
* પંજાસાલમનું ચૂર્ણ એક ચમચી, કૌચા ચૂર્ણ અડધી ચમચી, સફેદ મુસળી ચૂર્ણ અડધી ચમચી, સફેદ મૂસળી ચૂર્ણ, બદામ કાતરી બેથી ત્રણ ચમચી ઘીમાં પકવી સવારે અને રાત્રે દૂૂધ સાથે લેવામાં આવે તો તે શુક્રને સ્પર્શતી ઘણી વિકૃતિઓને દૂર કરે છે.

 
* જેમનું વજન વધતું ન હોય એવી વ્યક્તિઓએ શિયાળામાં ‘અભ્યંગ -માલિશ, વ્યાયામ અને સાલમ પાકનો વિધિવત્ ઉપયોગ કરવો જોઇએ.

સાલમના આવા વિશેષ ગુણો જાણ્યા પછી સાલમ પાક ખાવાનું કોને મન ન થાય! જો જો તૈયાર સાલમ પાક ન લાવતાં. ઘરે જ બનાવીને તેનો ઉપયોગ કરજો.

 સાભાર : સંદેશ દૈનિક 

 

 

ચોમાસે અજમો, લસણ ભલા!  …

 

 

Simple Health Wisdom of our great, great grand parents.

Follow it religiously and be healthy!

 

 

ચોમાસે અજમો, લસણ ભલા!

ચોમાસે અજમો, લસણ ભલા,
પણ બારે માસ ત્રિફલા ભલા.

ખાય જે બાજરીના રોટલા અને મૂળાના પાન,
શાકાઆહારને લીધે,
તે ઘરડા પણ થાય જવાન.

રોટલા, કઠોળ અને ભાજી,
તે ખાનારની તબીઅત તાજી,

મૂળો, મોગરી, ગાજર ને બોર,
જે ખાય રાતે તે રહે ન રાજી.

હિંગ, મરચું અને આમલી,
સોપારી અને તેલ,
શોખ હોય તો પણ,
સ્વાસ્થ્ય માટે પાંચે વસ્તુ મેલ.

આદુરસ ને મધ મેળવી,
ચાટે જો પરમ ચતુર,
શ્વાસ, શરદી અને વેદના,
ભાગે તેના જરૂર.

ખાંડ, મીઠું અને સોડા,
એ ત્રણ સફેદ ઝેર કહેવાય,
નિત ખાવા-પીવામાં
એ વિવેકબુદ્ધિથી જ વપરાય.

ફણગાવેલા કઠોળ જે ખાય,
તે લાંબો, પોહળો અને તગડો થાય
દૂધ-સાકર, એલચી, વરીયાળી અને દ્રાક્ષ,
એ ગાનારા સૌ ખાય!

લીંબુ કહે: હું ગોળ ગોળ,
ભલે રસ છે મારો ખાટો,
સેવન કરો જો મારું,
તો પિત્તને મારું હું લાતો.

ચણો કહે: હું ખરબચડો,
પીળો પીળો રંગ જણાય,
ચણા, દાળ ને ગોળ જે ખાય,
તે ઘોડા જેવો થાય.

મગ કહે: હું લીલો દાણો
અને મારે માથે ચાંદુ,
જો બે ચાર મહીના ખાય,
તો માણસ ઉઠાડું માંદુ!

કારેલું કહે: કડવો, કડવો હું
અને મારે માથે ચોટલી,
રસ જો પીએ મારો,
ડાયાબીટીસની બાંધુ ચોટલી!

આમલી કહે: મારામાં ગુણ એક જ,
પણ અવગુણ છે પુરા ત્રીસ.
લીંબુ કહે: મારામાં અવગુણ એક નહીં,
પણ ગુણ છે પુરા વીસ!

ઉનાળો જોગીનો,
શિયાળો ભોગીનો,
ને ચોમાસુ રોગીનું,
શાકાઆહારી જે જન રહે,
દર્દ નામ કદી ન લે એ જોગીનું!


———————————————-
– : posted as Received : –
———————————————-

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો પૂર્વી મોદી મલકાણ (યુએસએ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ. સૌ પાઠક મિત્રોને ગણતંત્ર દિવસની શુભકામના સાથે શુભેચ્છાઓ…

‘વંદે માતરમ !… જય હિન્દ ! … જય જવાન ! … જય કિશાન ! …ભારત દેશ અમર રહો ! …’
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • Dhiren Joshi

    સામાજિક સ્વાસ્થ્ય ઠીક રાખવા માટે આવું જ્ઞાન ઘેર ઘેર પ્રસારિત થાય એ જરૂરી છે..લેખ માટે અભિનંદન..!