અંજીર અને ઔષધિય ગુણ … (ફાયદા) … આરોગ્ય અને ઔષધ -… (દાદીમાનું વૈદુ) …

અંજીર અને ઔષધિય ગુણ … (ફાયદા) …

આરોગ્ય અને ઔષધ –

 

 

આમ તો બધા જ સુકામેવાનું બહુ સ્વાસ્થ્ય મહત્વ છે. દરરોજના એક મુઠ્ઠી સૂકા મેવા પણ તમને આખા દિવસ માટે કામ કરવાની શક્તિ આપે છે.

પરંતુ આજે આપણે જાણશું ગળ્યા અને બહુ ગુણકારી એવા અંજીરના ગુણ.
 

 
fig.1
 

 
સંસ્કૃતમાં અંજીરને ઉદુમ્બર, હિન્દીમાં ગુલોર, અરબીમાં ફયુમીઝ, પર્શિયનમાં અરમાક-અંજીર, કન્નડમાં અટ્ટી અને મરાઠીમાં ઉંબર કહે છે. કાઠિયાવાડમાં અંજીરનાં કુળના અન્ય એક વૃક્ષ પર પાકતા ફળને ઉમરા કહે છે. ‘આર્યભિષક’ ગ્રંથમાં અંજીરનો ઉલ્લેખ જ નથી. પણ મહર્ષિ ચરક વિશે મૈસૂરની ઇન્ડો-અમેરિકન હોસ્પિટલના ડૉ. અમ્માન કહે છે કે તેમણે મધુપ્રમેહ (મીઠી પેશાબ – અંગ્રેજી: ડાયાબિટીસ)ના રોગમાં અંજીરના વૃક્ષની છાલનો ઉકાળો પીવાનું કહ્યું છે.

 

બાયબલ અને આરબોના ધર્મગ્રંથમાં અંજીરનો ઉલ્લેખ છે અને આરબો કબજિયાત તેમ જ હરસમાં અંજીરને પલાળીને ખાતા. જર્મન, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા અંજીરને ફિગ કહે છે. અમેરિકનોએ પણ ફિગની ખેતી અપનાવી છે. એટલે અમેરિકામાં અંજીર થાય છે.

તુર્કીમાં આયડીન, ઇઝનીર અને મુગલા વિસ્તારના અંજીર શ્રેષ્ઠ હોય છે. કુરાન-એ-શરીફમાં અંજીરના વૃક્ષનો ઉલ્લેખ છે. મહંમદ પયગંબર સાહેબ પણ તેનો ઉપયોગ કરતા અને હરસમાં તેનો ઉપયોગ કરવાનું કહેતા.

 

‘અંજીર’થી અજાણ્યું તો કોણ હોય ?  લીલા તેમ જ સૂકામેવા તરીકે વપરાતાં આ અંજીર એ ઉંબરાની જાતિનાં ફળ છે. તેના ફળની આકૃતિ અને તેમાંનો ગર્ભ પણ ઉંબરાનાં ફળ જેવો જ હોય છે.તેનાં વૃક્ષો પણ ઉંબરાની જેમ ક્ષીરી વૃક્ષ (જેમાંથી દૂધ નીકળે તેવાં હોય) છે.આ વખતે આપણા આ પૌષ્ટિક ખાદ્ય દ્રવ્યના ઔષધીય ગુણકર્મો અને ઉપયોગો વિશે નિરૂપણ કરું છું.

 

અંજીર ઝાડની ખૂબી

 

 
fig.tree
 

 
મધ્ય પૂર્વના દેશોમાં ઉનાળા વખતે છાંયડો ઘણો જ જરૂરી હોય છે. ધગધગતા તાપમાં, કોઈ પણ ઝાડ છાંયડો આપે તો કેટલી તાજગી મળે છે ! વળી, ઘરની નજીક કોઈ એવું ઝાડ હોય તો પછી જોઈએ જ શું ! એમાંય અંજીરના ઝાડની તો વાત જ કંઈ ઓર છે. એનાં મોટા અને જાડા પાંદડાનો તો વિચાર કરો. તેમ જ, આખા ઝાડમાં ફેલાયેલી એની ડાળીઓ કેટલો ઠંડો છાંયડો આપે છે !  તેથી, અંજીરનું ઝાડ આ દેશના બીજા કોઈ પણ ઝાડ કરતાં સૌથી સરસ છાંયડો આપે છે.

બાઇબલમાં જણાવેલાં વૃક્ષો વિષે એક પુસ્તકમાં સુંદર સમજણ આપવામાં આવી છે. એ પુસ્તક કહે છે, “[અંજીરના ઝાડનો] છાંયડો, એક તંબુ કરતાં પણ વધારે ઠંડો અને તાજગી આપનારો હોય છે.” પ્રાચીન ઈસ્રાએલમાં દ્રાક્ષવાડીને કિનારે અંજીર વૃક્ષો થતા હતા. એ વૃક્ષો નીચે, કામથી થાકેલા મજૂરો બે ઘડી આરામ લેતા હતા.

ગરમીના દિવસોમાં, ઘણા લોકો પોતાના અંજીર ઝાડ નીચે, કુટુંબ સાથે બેસતા અને આનંદ કરતા. એ ઉપરાંત, અંજીર ઝાડ પોતાના માલિકને પુષ્કળ પૌષ્ટિક ફળો પણ આપતા હતા. રાજા સુલેમાનના સમયમાં, પોતાના અંજીર ઝાડ નીચે બેસવાનો અર્થ થતો કે, લોકો ખાધે-પીધે સુખી હતા અને સુખ-ચેનથી જીવતા હતા.—૧ રાજાઓ ૪:૨૪, ૨૫.

લગભગ ૪૦૦થી વધારે વર્ષ પહેલાં, પ્રબોધક મુસાએ વચનના દેશને ‘અંજીરીઓનો દેશ’ કહ્યો હતો. (પુનર્નિયમ ૮:૮) બાર જાસૂસોએ પણ ઈસ્રાએલ પાછા ફરતા, અંજીરો અને બીજા ફળ લાવીને બતાવ્યું કે એ દેશ કેટલો ફળદ્રુપ છે. (ગણના ૧૩:૨૧-૨૩) એક મુસાફરે, લગભગ ૧૦૦થી વધુ વર્ષ પહેલાં બાઇબલમાં જણાવેલા દેશોની મુલાકાત લીધી. તેણે નોંધ્યું કે ત્યાં ઠેરઠેર અંજીરના ઝાડ છે. એટલે જ તો બાઇબલ ઘણી વખતે અંજીર અને અંજીરના વૃક્ષોનું દૃષ્ટાંત વાપરે છે!

 

વર્ષમાં બે વખતે ફળ આવવા

 
અંજીરનું ઝાડ કોઈ પણ પ્રકારની માટીમાં સહેલાઈથી ઊગે છે. વળી મધ્ય પૂર્વના દેશોમાં, ઉનાળા વખતે સખત ગરમી હોય છે અને જમીન પણ સૂકાઈ જાય છે. તેમ છતાં એનાં લાંબા મૂળ, આવી જમીનમાં પણ ટકી રહે છે. આ ઝાડ બીજા કોઈ પણ ઝાડ કરતાં અલગ છે. એનું કારણ, એને બે વખતે ફળ આવે છે. એક જૂન મહિનામાં અને બીજો ખરો પાક ઑગસ્ટમાં. (યશાયાહ ૨૮:૪) ઈસ્રાએલી લોકો જૂન મહિનામાં થતા ફળોને ખાતાં પણ ઑગસ્ટના ફળોને સૂકવી દેતા જેથી આખું વર્ષ એનો ઉપયોગ થઈ શકે. એ સૂકા અંજીરનો કેક બનાવવામાં ઉપયોગ થતો. કોઈક વખતે એની સાથે બદામ પણ નાખવામાં આવતી. આ અંજીર કેક ખાવામાં ઘણો જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે.

 
તેમ જ અબીગાઈલે, રાજા દાઊદને અંજીરનાં ૨૦૦ ચકતાં બનાવીને ભેટ તરીકે આપ્યાં. (૧ શમૂએલ ૨૫:૧૮, ૨૭) વળી, અંજીર દવા તરીકે પણ કામ આવતું હતું. જેમ કે, રાજા હિઝકીયાહ ગૂમડાંના દરદથી હેરાન પરેશાન હતા. પણ અંજીરનું ચકતું એ ગૂમડાં પર લગાવવાથી, તે તરત જ સાજા થઈ ગયા. જો કે હિઝકીયાહની બીમારી દૂર કરવામાં તો ખાસ યહોવાહનો હાથ હતો.*—૨ રાજાઓ ૨૦:૪-૭.

 
પ્રાચીન સમયમાં, ભૂમધ્ય પ્રદેશમાં સૂકા અંજીરનો ઘણો જ ઉપયોગ થતો હતો. રોમના મુખ્ય અધિકારી કેટોએ અંજીર બતાવીને, સેનેટને કાર્થેજ સામે ત્રીજું યુદ્ધ કરવા જણાવ્યું. રોમમાં સૌથી સ્વાદિષ્ટ સૂકા અંજીર એશિયા માઈનોરના કેરીયા પ્રદેશથી આવે છે. આમ, સૂકા અંજીર માટે લૅટિન નામ કેરીકા પડ્યું. આજે પણ એ પ્રદેશ તુર્કીમાં છે જ્યાં સૌથી સારા સૂકા અંજીર મળે છે.

 
ઈસ્રાએલી ખેડૂતો, દ્રાક્ષવાડીમાં ઘણી વખતે અંજીરના વૃક્ષો રોપતા હતા. પણ જે ઝાડ ફળ ન આપતું, એને તેઓ કાપી નાખતા હતા. એનું કારણ તેઓ સારી જમીન નકામા ઝાડ માટે રોકી રાખતા ન હતા. વળી, ઈસુના સમયમાં દરેક ઝાડ પર કર ભરવો પડતો. તેથી જો કોઈ ઝાડ ફળ ન આપે તો, તે ખેડૂત માટે ઘણું જ મોંઘું પડી જતું. એટલા માટે, ઈસુએ અંજીરના નકામા ઝાડનું ઉદાહરણ આપ્યું કે, એક ખેડૂતે દ્રાક્ષવાડીના માળીને કહ્યું: “આ અંજીરી કાપી નાખ, તે નકામી જગા રોકે છે. ત્રણ ત્રણ વરસ સુધી મેં ધીરજ રાખી પણ તેના પરથી મને એકે ફળ મળ્યું નથી.”—લૂક ૧૩:૬, ૭, IBSI.

 
અંજીર ઈસ્રાએલીઓના ખોરાકમાં પણ મુખ્ય હતું. વળી, જો ઝાડને અંજીર ન આવે તો, એ યહોવાહ તરફથી આવેલી આફત છે એમ તેઓ માનતા હતા. (હોશીઆ ૨:૧૨; આમોસ ૪:૯) પ્રબોધક હબાક્કૂકે કહ્યું: “જોકે અંજીરીને મોર ન આવે, ને દ્રાક્ષાવેલાઓને દ્રાક્ષા ન લાગે; જૈતુનની પેદાશ ન થાય, ખેતરોમાં કંઈ અન્ન પાકે નહિ; . . . તોપણ હું યહોવાહમાં હર્ષ પામીશ, હું મારા મોક્ષદાતા દેવમાં આનંદ કરીશ.”—હબાક્કૂક ૩:૧૭, ૧૮.

અવિશ્વાસી યહુદીઓ

ઘણી વખતે, બાઇબલ અંજીરો અને એના વૃક્ષોનો ઉપયોગ ચિહ્ન તરીકે કરે છે. દાખલા તરીકે, યિર્મેયાહે યહુદાહના વિશ્વાસુ બંદીવાનોને ટોપલીના સૌથી સારા અંજીરો સાથે સરખાવ્યા. એ જૂન મહિનાના અંજીર છે, જે તાજા જ ખાઈ શકાય છે. પરંતુ, અવિશ્વાસી બંદીવાનોને ટોપલીના બગડી ગયેલાં અંજીર સાથે સરખાવે છે, જે ખાઈ શકાતા નથી અને ફેંકી દેવામાં આવે છે.—યિર્મેયાહ ૨૪:૨, ૫, ૮, ૧૦.

 
ઈસુએ જે નકામા અંજીર ઝાડનું દૃષ્ટાંત આપ્યું એમાં, યહુદાહ લોકો માટે યહોવાહ કેટલી ધીરજ બતાવે છે એ તેમણે જણાવ્યું. આગળ જોઈ ગયા એ પ્રમાણે, ઈસુએ એક માણસની વાત કરી જેની દ્રાક્ષવાડીમાં એક અંજીરનું ઝાડ હતું. એ ઝાડ એક પણ ફળ આપતું ન હતું તેથી એનો માલિક એને કાપી નાખવા કહે છે. પરંતુ, માળી કહે છે: “આટલું એક વર્ષ તેને રહેવા દો. હું પોતે તેની ખાસ માવજત કરીશ અને પુષ્કળ ખાતર નાખીશ. આમ કરવા છતાં પણ જો તે ફળ નહિ આપે તો પછી હું તેને કાપી નાખીશ.”—લુક ૧૩:૮, ૯, IBSI.

 
ઈસુએ આ દૃષ્ટાંત આપ્યું ત્યારે, તે ત્રણ વરસથી યહુદી લોકોને પ્રચાર કરી જ રહ્યા હતા. ઈસુ ઇચ્છતા હતા કે તેઓ વિશ્વાસ કરે. તેથી તેમણે તનતોડ મહેનત કરી, તેઓને મોકો આપ્યો અથવા બીજા શબ્દોમાં કહીએ તો, અંજીર ઝાડ “ફળદ્રુપ” બની શકે માટે ઈસુએ સખત મહેનત કરી. પરંતુ, ઈસુ મરણ પામ્યા એ અઠવાડિયા પહેલાં જ આ યહુદી લોકોએ તેમનો નકાર કર્યો.—માત્થી ૨૩:૩૭, ૩૮.

 
તેથી, ફરી એક વાર ઈસુ યહુદાહની સ્થિતિ જણાવવા અંજીર ઝાડનું દૃષ્ટાંત આપે છે. તે મરણ પામ્યા એના ચાર દિવસ પહેલા, ઈસુ બેથાનીઆથી યરૂશાલેમ મુસાફરી કરી રહ્યા હતા. તેમણે રસ્તામાં એક અંજીર ઝાડ જોયું જેને પુષ્કળ પાન હતા પણ એકેય ફળ ન હતું. જો કે જૂન મહિનામાં, પાંદડાની સાથે સાથે જ ફળ આવે છે. ઘણી વખતે તો પાંદડાં પહેલાં જ ફળ આવી જાય છે. પરંતુ ઝાડ પર એકેય ફળ ન હતું એ જ બતાવે છે કે એ નકામું બની ગયું હતું.—માર્ક ૧૧:૧૩, ૧૪.*

 
આ ઝાડ હતું તો લીલુંછમ પણ એના પર એકેય ફળ ન હતું. એ જ રીતે, યહુદીઓ પણ બહારથી તો વિશ્વાસુ લાગતા હતા પણ અંદરથી તેઓ અવિશ્વાસુ હતા. તેઓમાં યહોવાહને પસંદ પડે એવા કોઈ ગુણ ન હતા. તેથી જ તો તેઓએ ઈસુ ખ્રિસ્ત યહોવાહના પુત્ર છે એમ માનવાનો નકાર કર્યો. ઈસુએ આ નકામા ઝાડને શાપ આપ્યો એના બીજા જ દિવસે એ અંજીરી સૂકાઈ ગઈ. આ સૂકાઈ ગયેલી અંજીરી બતાવે છે કે, યહોવાહ આ યહુદીઓને પોતાની પસંદ કરેલી પ્રજા નહિ બનાવે.—માર્ક ૧૧:૨૦, ૨૧.

 

 

fig.4
 

 
ગુણકર્મોઃ આશરે પંદરથી સોળ ફૂટ ફૂટ ઊંચાં અંજીરનાં વૃક્ષોને ચૂના તથા ભેજવાળી જમીન માફક આવે છે. ભારતમાં કાશ્મીર, પૂના, નાસિક, ઉત્તરપ્રદેશ, બેંગલોર, મૈસૂરમાં તેનું વાવેતર થાય છે. ભારતમાં જે અંજીર થાય છે તે બહુ મોટા અને સ્વાદિષ્ટ હોતાં નથી. ઉત્તમ પ્રકારના અંજીર તો આપણે ત્યાં અરબસ્તાનથી જ આવે છે.

 
આયુર્વેદ પ્રમાણે અંજીર સ્વાદિષ્ટ-મધુર, શીતળ, પૌષ્ટિક, પચવામાં ભારે, વાયુ અને પિત્તનાશક, રક્ત વિકૃતિઓને મટાડનાર અને મળને સરકાવનાર છે. નાના અંજીર આનાથી થોડા જુદા ગુણવાળા હોય છે. સૂકા અંજીર સ્નેહવર્ધક, વાયુનું અનુલોમન કરનાર, દમ, ઉધરસ, કબજિયાત અને રક્તાલ્પતા મટાડનાર છે.

 
રાસાયણિક દૃષ્ટિએ અંજીરમાં પ્રોટિન ૧.૩%, ખનિજ ૦.૬%, કાર્બોહાઈડ્રેટ ૧૭%, કેલ્શિયમ ૦.૦૬%, ફોસ્ફરસ ૦.૦૩%, લોહ ૧.૨ મિ.ગ્રા. તેમ જ બીજા કેટલાક વિશિષ્ટ ઘટકો રહેલા છે.

 
અંજીરમાં કેલ્શિયમનું પ્રમાણ ભરપૂર હોવાથી સાંધાના દુખાવા, વાળ, દાંત અને હાડકાંની મજબુતી માટે બહુ મહત્વનાં છે.

 
ઉપયોગોઃ અંજીર સ્વાદિષ્ટ અને ઉત્તમ પૌષ્ટિક મેવો છે. શિયાળામાં તેનું સેવન કરવાથી શરીર પુષ્ટ થાય છે. રોજ સવારે એક સૂકા અંજીરની સાથે પાંચથી દસ બદામ દૂધમાં નાખી, બરાબર ઉકાળી, તેમાં જરૂર પૂરતી સાકર મેળવીને ધીમે ધીમે એ દૂધ પી જવું. આ રીતે અંજીરનું સેવન કરવાથી તેની પોષણ શક્તિનો શ્રેષ્ઠ લાભ મળે છે.

 
અંજીર રક્તની શુદ્ધિ કરનાર છે. એટલે રક્તના રોગોમાં તે ઉત્તમ પરિણામ આપે છે. રોજ રાત્રે ત્રણ નંગ અંજીર અને કાળી સૂકી દ્રાક્ષ (બીજ કાઢેલી) પંદર નંગ લઈ, એક ગ્લાસ દૂધમાં સારી રીતે ઉકાળીને પછી એ દૂધ ધીમે ધીમે પી જવું. અંજીર અને દ્રાક્ષ ચાવીને ખાઈ જવા. થોડા દિવસમાં આ ઉપચારથી કબજિયાત દૂર થાય છે અને મળશુદ્ધિ થવાથી રક્ત પણ શુદ્ધ થવા લાગે છે.

 
અંજીર વાયુનો નાશ કરનાર હોવાથી શ્વાસ-દમની તકલીફમાં સારું પરિણામ આપે છે. દમના દર્દીઓ માટે અહીં અંજીરનો એક સરળ ઉપચાર પ્રયોગ રજૂ કરું છું. અંજીર અને ગોરખ આમલી આશરે પાંચ-પાંચ ગ્રામ જેટલા લઈ, એક સાથે ખૂબ ચાવીને ખાઈ જવા. સવારે અને સાંજે આ રીતે થોડા દિવસ ઉપચાર કરવાથી શ્વાસ-દમ બેસી જાય છે અને હૃદય પરનું દબાણ દૂર થાય છે.

 
અંજીર રક્તસ્રાવી હરસ-મસાનું અકસીર ઔષધ છે. જેમને મળમાર્ગમાં મસામાંથી રક્તસ્રાવ થતો હોય તો તેમણે થોડા દિવસ આ પ્રમાણે ઉપચાર કરવો. બેથી ત્રણ નંગ સૂકા અંજીર રોજ રાત્રે પાણીમાં પલાળી દેવા અને સવારે ખૂબ ચાવીને ખાઈ જવા. એ જ રીતે બીજા બે-ત્રણ અંજીર સવારે પલાળી દઈ સાંજે ખાઈ જવા. દસથી બાર દિવસ આ ઉપચાર કરવો. રક્તસ્રાવી મસા શાંત થઈ જશે.

 
અંજીર પચવામાં ભારે છે તેથી તેનો ઉપયોગ પાચનશક્તિને અનુસરીને કરવા જેવો છે. વધારે ખાવાથી તે પેટમાં શૂળ પેદા કરે છે. ઘણાને એનાથી ચૂંક પણ આવે છે. અંજીરને ખૂબ ચાવીને ખાવા જોઈએ. બરાબર ચાવીને ખાવાથી તે પચવામાં સરળ પડે છે.

 

[email protected]

 

 
કુદરતે મનુષ્ય રૂપી જન્મ આપી આપણી ઉપર મોટો ઉપકાર કર્યો છે. આપણી શારીરિક અને માનસિક તંદુરસ્તી જળવાય તે માટે અગણિત નેઅમતો પણ પેદા કરી. આ તમામ વસ્તુઓ વિષે જાણી તેનો સમુચિત ઉપયોગ કરી આપણે વધુ તંદુરસ્તી જાળવી શકીએ છીએ. એક બહુ જાણીતી કહેવત છે કે  “એક તન્દુરસ્તી હજાર નેઅમત”અથવા એમ કહો કે  “પહેલું સુખ તે જાતે નર્યા”  જો શરીર તંદુરસ્ત હશે તો મન પણ મજબૂત અને મક્કમ હશે. 

 
કુદરતે દરેક વસ્તુમાં મનુષ્ય માટે કોઈ ને કોઈ ઉપયોગી બાબત મૂકેલી છે. આજે અનેક એવી બીમારીઓ ને આપણે પોતે જાણ્યે-અજાણ્યે આમંત્રણ આપીએ છીએ અને પછી બીમારી ઝડપથી મટી જાય તેવું ઇચ્છી મોંઘી એલોપથી દવાઓનું સેવન કરીએ છિયે. કેટલીક બીમારીઓ એવી પણ હોય છે કે જેમાં કુદરતી ઉપચાર વધુ કારગત નીવડે છે. એલોપથી દવાઓથી થોડા સમય માટે બીમારીને દૂર ભગાડવામાં આપણે કદાચ સફળ થતા હોઈશું પરંતુ એ નથી જાણતા કે આ દવાઓનું સેવન અમુક કિસ્સામાં કેટલું નુકસાનકારક છે. કેટલીક એવી બીમારીઓ પણ હોય છે કે જેમાં એલોપેથીક દવાઓ સિવાય છૂટકો નથી હોતો પરંતુ ઘણીખરી બીમારીઓમાં કુદરતી ઇલાજ ખૂબ કારગત નીવડે છે. ઉપરાંત આ ઇલાજ બિનહાનીકારક અને નિર્દોષ હોય છે જેમકે …

 

અંજીર :-

 

 
અંજીર એક એવો ઉમદા કુદરતી મેવો છે જે અનેકવિધ ફાયદા ધરાવે છે. અંજીર મધુર અને જલદી પચી જનારું છે. અંજીર જઠરના અનેક રોગોમાં બહુ ગુણકારી છે. અંજીરમાં ૫૦% ટકાથી વધુ બિન હાનિકારક એવી કુદરતી ખાંડ છે. અંજીર મૂત્રપિંડ અને કીડનીને સ્વચ્છ રાખે છે. શરીરમાં થતી ફોલ્લીઓ કે ચાંદા જેવી ઉપાધિમાં અંજીરનું શરબત ખૂબ ફાયદો કરે છે.

 
અંજીર બવાસીર, પગના અંગૂઠા, આંગળાં અને ઘૂંટીમાં થતા દર્દમાં લાભકારક છે.જન્નતનું કોઈ ફળ જો આ ધરતી પર હોય શકતું હોય તો એ ફળ અંજીર છે. એ જાણેકે જન્નતનો મેવો છે.

 
અંજીરથી બવાસીરની બીમારી મટે છે. સાંધાના દુખાવામાં પણ ફાયદાકારક છે. કાયમી કબજિયાતવાળા દર્દીઓ નરણે કોઠે અંજીર ખાવું, અથવા રાતે પા લીટર જેટલા દુધમાં એકાદ અંજીર બોળી સવારે નરમ થયેલું અંજીર દૂધ સહીત ખાઈ જવું એનાથી જૂની કબજિયાતની બીમારી મટે છે.

 
બ્લડપ્રેસરના દર્દીઓ માટે અંજીર બહુ ગુણકારી છે. શરીરની વધારાની ચરબી ધીરે ધીરે દૂર કરીને શરીરનું જાડાપણું ઘટાડે છે. લોહીની ઓછપના લીધે જેમના હાથ -પગ સુન મારી જતા હોય તેઓને અંજીર ખાવાથી ફાયદો થશે. ઘડપણમાં શારીરિક નબળાઈના કારણે વારંવાર થાક લાગે, બેચેની થાય, આવી પરિસ્થિતિવાળા દર્દીઓને અંજીર ખાવાથી ફાયદો થશે. શરીર સ્વસ્થ રહેશે. ગુરદાના દર્દમાં અંજીરનું સેવન કરવાથી ગુરદામાં રહેલ ખરાબી દૂર થશે. પેશાબ અટકી-અટકીને આવતો હોય કે પેશાબ કરતી વખતે તકલીફ થતી હોય તો અંજીર જરૂર ફાયદો કરશે.

 
વાઈના દર્દીઓ માટે અંજીર ઘણું લાભકારક છે. તે તરસ છિપાવે છે. આંતરડા નરમ બનાવે છે, પેશાબ લાવે છે, પાચન ક્રિયાને નિયમિત બનાવે છે અને ખોરાક હજમ થવામાં મદદ કરે છે. અંજીર પિત્તાશયની બળતરા અને દર્દ દૂર કરે છે. ગુરદાની પથરીમાં થોડા મહિના અંજીરનું સેવન કરવાથી પથરી નીકળી જાય છે.

 
અંજીરનું સેવન કરતા રહેવાથી ભૂખ લાગે છે, સ્ત્રીઓને માસિક નિયમિત થાય છે, નાના બાળકની માતાનું દૂધ સુકાય ગયું હોય તો અંજીરનું સેવન ખૂબ ફાયદો કરે છે. તેનાથી ધાવણ વધે છે. કમરના દુખાવામાં અંજીર ગુણકારી છે. નિયમિત રીતે અંજીરનું સેવન કરવાથી મોઢા ઉપર તરવરાટ આવે છે. ચહેરો નિરખે છે, શરીરમાંથી ખરાબ અને નકામાં તત્વો પરસેવા વાટે બહાર નીકળી જાય છે.

 
અંજીર હદયને પુલકિત કરી ફેફસાંને બળ પૂરું પાડે છે. અંજીરના ઝાડની છાલ પણ દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. અંજીર શરીરમાં રહેલા ઝેરી તત્વોની અસર દૂર કરે છે. ગળાની બળતરા તથા ફેફસાંના સોજામાં અંજીર રાહત આપે છે. તાવ વાળા દર્દીના મોઢામાં અંજીરનો ગર આપવાથી તેનું મોઢું સુકાતું નથી. નરણે કોઠે અંજીર ખાવું ખૂબ ફાયદાકારક છે. પેટમાં ઘર કરી ગયેલી હવા (ગેસ) ને અંજીર દૂર કરે છે.

 
અંજીર સાથે બદામનું સેવન કરવાથી પેટની ઘણી બીમારી દૂર થાય છે. શરીરનું મેદ ઘટાડવા ભારતીય તબીબો દરરોજ ત્રણ અંજીર ખાવાની ભલામણ કરે છે. શીતળાની બીમારીમાં અંજીર શરીરને જરૂરી પ્રતિકારક શક્તિ પૂરી પડે છે. યુનાની તબીબો કોઢ અને રક્તપિત્તની દવામાં મુખ્યત્વે અંજીરનો ઉપયોગ કરે છે. તબીબો કોઢ-રક્તપિત્ત ની બીમારીવાળા દર્દીને અંજીરના છોતરાં ગુલાબના પાણીમાં વાટીને ડાઘ પર લગાડવાની અને સાથે અડધો છટાંક અંજીર ખાવાની ભલામણ કરે છે. સ્ત્રીઓ માટે પણ અંજીર ગુણકારી છે, માતાનું ધાવણ વધારે છે, માસિક નિયમિત કરે છે.

 
અંજીરનો ગર ખંડ સુર્કામાં વાટી બાળકોને ચટાડવાથી ગળાનો સોજો ઉતારે છે. અને બાળકને ઘણી રાહત મળે છે. અંજીરમાં કેલશ્યમ, તંબુ, લોહ તેમજ વિટામિન “સી” હોવાથી નાના બાળકોને તે ખાવા આપવા. અંજીરના ઝાડના દુધમાં રૂ પલાડી દાઢના પોલાણમાં મૂકવાથી દર્દ મટે છે.

 
અંજીરને પાણીમાં ઉકાળી એ પાણી ઠંડું કરીને કોગળા કરવાથી પેઢા અને ગાળાની બળતરા કે મોઢામાં પડેલા છાલમાં ફાયદો થાય છે. અંજીરના ઝાડનું દૂધ જવના લોટમાં ભેળવી કોઢ ઉપર લગાડવાથી કોઢ આગળ વધતું નથી. સુકા અંજીર પાણીમાં લસોટી સાંધાના દુખાવા પર લેપ કરવાથી રાહત થાય છે. 

 
અંજીર ખોરાક પચાવવાનું ગુણ ધરાવે છે. પેટનો ઘેરાવ ઓછો કરે છે. અંજીર પથરી ઓગાળી શકે છે. અંજીરના ચાર-પાંચ માસના નિયમિત સેવનથી દૂઝતા બવાસીરના મસા ખરી જાય છે. બવાસીરની બીમારીમાં મસાના દર્દીને અપચો રહેતો હોય તો જમ્યા પહેલા અડધા કલાકે અંજીર ખાવું. પેટમાં ભાર જેવું લાગતું હોય તો જમ્યા પછી અંજીર ખાવું. સુકા અંજીરને તવા પર બાળીને તેની રાખનું મંજન દાંત ઉપર કરવાથી દાંતનો મેલ અને તેના પર જામી ગયેલી પીળાશ દૂર થાય છે.

 
અંજીર

 
અંજીર એક મોસમી ફળ છે. જોકે તે સૂકાયેલા સ્વરૂપમાં આખું વર્ષ મળી રહે છે. અંજીરમાં પૌષ્ટિક તત્વો પુષ્કળ પ્રમાણમાં છે. વિટામિન એ, બી, ઉપરાંત ફૉસ્ફરસ, કૅલ્શિયમ, આયર્ન તેમજ મૅંગેનીઝ જેવાં ખનિજોનો સમાવેશ થાય છે.

 

અંજીરના ફાયદા

 

* પૅક્ટિન એક સોલ્યુબલ ફાઈબર છે જે પાચનતંત્ર માટે ઉપકારક છે અને શરીરમાં જમા થયેલા કૉલેસ્ટ્રોલને બહાર કાઢે છે.

 

* શરીરમાં સોડિયમનું પ્રમાણ વધવાથી તેમજ પૉટેશિયમનું પ્રમાણ વધવાથી ‘હાઈપર ટેંશન’ની પરિસ્થિતી સર્જાય છે. અંજીરમાં સોડિયમનું પ્રમાણ ઓછું અને પૉટેશિયમનું પ્રમાણ વધુ હોવાથી તે આ સમસ્યા દૂર કરે છે.

 

* સૂકા અંજીરમા ઑમેગા-3, ફિનોલ, ઑમેગા-6 અને ફેટી ઍસિડ હોવાને કારણે હાર્ટની બિમારીઓ રોકે છે.

 

* અંજીરમાં રહેલા કૅલ્શિયમથી હાડકાં મજબૂત રહે છે.

* અંજીરમાં રહેલું પૉટેશિયમ ‘બ્લડ સુગર’નું નિયંત્રણ કરે છે તેથી ડાયાબિટીસનાં દર્દી માટે ફાયદાકારક છે.

 

* અંજીરમાં હાજર રહેલું આયર્ન ઍનેમિક પરિસ્થિતી દૂર કરવામાં મદદગાર થઈ રહે છે.

 

* તાજા અંજીરને પીસીને તેની પેસ્ટ ચહેરા પર લગાડવાથી ચહેરો ખીલી ઊઠે છે. આ પેસ્ટ ‘સ્ક્રબ’નું કાર્ય કરે છે. ચહેરા પરની મૃત પેશીઓને દૂર કરે છે.

 

* અંજીરનું સેવન થાક દૂર કરે છે તેમજ મગજને સતર્ક રાખે છે.

 

* વધતી ઉંમરમાં આવતી નજરની કમજોરી અંજીરના સેવનથી ઓછી વર્તાય છે.

 

સૌજન્ય: મેઘધનુષ

 

– અંજીરમાં કેલ્શિયમ અને લોહતત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે.તે મગજને શાંત રાખે છે અને શરીરને આરામ આપે છે. ડાયાબિટીઝમાં અંજીર બહુ ઉપયોગી છે.

જો તમારી કન્ઝ્‌યુમ સિસ્ટમ મજબૂત છે તો તમારે ક્યારેય તંદુરસ્તીને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. રોગો સામે લડવાની ક્ષમતા એના પર નિર્ભર છે કે તમે કેટલી પૌષ્ટિક અને સંતુલિત ચીજોનું સેવન કરો છો. ફળોમાં એન્ટીઓક્સીડન્ટ તત્વ પ્રચુર માત્રામાં હોય છે જે ઈન્ફેક્શન અને રોગ સામે લડવાની ક્ષમતા વધારે છે. એવું જ એક ફળ છે અંજીર. તેમાં કેલ્શિયમ અને લોહતત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે. તે મગજને શાંત રાખે છે અને શરીરને આરામ આપે છે. ડાયાબિટીઝમાં અંજીર બહુ ઉપયોગી છે. અંજીરમાં આર્યન અને કેલ્શિયમનું પ્રમાણ પુષ્કળ હોય છે, જેના કારણે એનિમિયામાં ફાયદો થાય છે. જો કોઈ એનીમિક વ્યક્તિ આ ફળનો પ્રયોગ કરે તો તે ઝડપથી રીકવરી કરી શકે છે.

 
અંજીરમાં વિટામિન એ, બી૨, કેલ્શિયમ, આર્યન, ફોસ્ફરસ, મેંગેનીઝ, સોડિયમ, પોટેશિયમ અને ક્લોરિન હોય છે. તેનું સેવન કરવાથી ડાયાબિટીસ, શરદી- તાવ, અસ્થમા અને અપચા જેવી તમામ ઉપાધિઓ દૂર થઈ જાય છે. આ સિવાય પણ અંજીર અનેક રીતે ફાયદો કરે છે.

 
અંજીર એ પોટેશિયમનો સારો સ્ત્રોત છે. તે બ્લડપ્રેશર અને બ્લડશુગરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તેમાંનું ફાઈબર તત્વ વજનને ઓછું રાખીને ઓબેસીટીને નિયંત્રિત કરે છે. સૂકાયેલા અંજીરનો ફેટી એસિડ કોરોનરી હાર્ટ ડિસીઝના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે. તેમાંનો ફાઈબર પોસ્ટ મેનોપોઝલ બ્રેસ્ટ કેન્સરને થવાનું જોખમ ટાળે છે.

 
અંજીરનું વધારે પડતું કેલ્શિયમ માનવીના હાડકાંને મજબૂત કરે છે. અંજીરથી તમારા શરીરને યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે. બે અંજીરને વચ્ચેથી કાપીને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખીને સવારે તેનું પાણી પીવાથી અને તે અંજીર ખાઈ જવાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધારી શકાય છે. જેના શરીરમાં પોટેશિયમનું પ્રમાણ ઓછું હોય અને સોડિયમનું પ્રમાણ વધારે હોય તેને હાઈપર ટેન્શનની સમસ્યાનો ભોગ બનવું પડે છે. અંજીરમાં રહેલું વધારે પોટેશિયમ અને ઓછું સોડિયમ તે સમસ્યાને સર્જાતી રોકવામાં પણ મદદ કરે છે. માટે એક જ વાત સાચી ઠરે છે કે અંજીર ખાઓ, મસ્ત રહો. કેટલીય એવી વનસ્પતિ છે જેના આઘારે માનવી પોતાના શરીરને તદુરસ્ત જાળવી રાખી શકે છે. આ તો માત્ર અંજીરની જ વાત છે, આપણે ત્યાં તો ૨૩૩ જેટલી ઓષઘિઓ છે જે માનવીના શરીરની દરેક બિમારીનો ઉપચાર કરી શકે છે. પરંતુ સમયાંતરે મેડિકલ સંશોઘનના કારણે આ વૈદ ઉપચાર પણ નાશપ્રાય થતો ગયો હજીય કેટલીક એવી બિમારી છે જેને વૈદ ઉપચારથી જ નિવારી શકાય છે.

 
એક સૂકાયેલા અંજીરમાં

 
કેલરી – ૪૯

પ્રોટીન – ૦.૫૭૯

કાર્બ – ૧૨.૪૨ ગ્રામ

ફાઈબર – ૨.૩૨ ગ્રામ

ચરબી – ૦.૨૨૨ ગ્રામ

સેચુરેટેડ ફેટ – ૦.૦૪૪૫ ગ્રામ

પોલીઅનસેચુરેડ ફેટ – ૦.૦૪૯ ગ્રામ

સોડિયમ – ૨ મિ.ગ્રામ

 

અંજીર ગુણે ઉષ્ણ છે પણ તેનામાં સ્નિગ્ધતા છે. કબજિયાત તેમ જ અનિદ્રા માટે સવારે પલાળેલાં અંજીર રાત્રે ખાવાથી ઊંઘ આવે છે. અંજીર થકી આપણું મગજ ગ્લુકોઝનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે છે. અંજીરમાં ૬૦ ટકા કુદરતી સાકર હોય છે અને તેથી મગજનું કામ કરનારા માટે અંજીર સારાં છે.

 
“અંજીરી પરથી બોધપાઠ શીખો”

 
તે ઉપરાંત, ઈસુએ અંજીરીના ઝાડના દૃષ્ટાંતનો પોતાના આગમન માટે પણ ઉપયોગ કર્યો. તેમણે કહ્યું: “અંજીરી પરથી બોધપાઠ લો. જ્યારે તેની ડાળી કુમળી હોય છે અને પાંદડાં ફૂટવા લાગે છે ત્યારે તમે સમજી શકો છો કે ઉનાળો પાસે આવ્યો છે. તે જ પ્રમાણે, જ્યારે તમે આ બધા બનાવો બનતા જુઓ ત્યારે તમારે જાણી લેવું કે મારું આગમન તદ્દન નજીક છે; અરે, છેક બારણા પાસે જ છે.” (માત્થી ૨૪:૩૨, ૩૩, IBSI) અંજીરના પાંદડાં એકદમ ચકચકતાં, લીલાછમ અને આકર્ષિત હોય છે. એનાથી આપણને તરત જ ખબર પડી જાય છે કે ઉનાળો નજીક છે. એ જ રીતે, માત્થી ૨૪, માર્ક ૧૩ અને લુકના ૨૧માં અધ્યાયમાં જોવા મળતી ઈસુની ભવિષ્યવાણી સ્પષ્ટ બતાવે છે કે, તે અત્યારે સ્વર્ગમાં રાજ કરી રહ્યા છે.—લુક ૨૧:૨૯-૩૧.

 
ખરેખર, આજે આપણે ઇતિહાસના સૌથી ખરાબ દિવસોમાં જીવી રહ્યા છે. એવા સમયે, અંજીર ઝાડના દૃષ્ટાંત પરથી આપણે ઘણું શીખી શકીએ છીએ. જો આપણે એ દૃષ્ટાંત ધ્યાનમાં રાખીશું અને યહોવાહની સેવાને જ પ્રથમ રાખીશું તો, ચોક્કસ યહોવાહે આપેલું વચન આપણે જોઈ શકીશું: “પણ તેઓ સર્વ પોતપોતાના દ્રાક્ષાવેલા તળે તથા પોતપોતાની અંજીરી તળે બેસશે; અને કોઈ તેમને બીવડાવશે નહિ; કેમકે સૈન્યોના યહોવાહના મુખમાંથી એ વચન નીકળ્યું છે.”—મીખાહ ૪:૪.

 

 

[ફુટનોટ્સ]

કુદરતનો અભ્યાસ કરનાર એચ. બી. ટ્રીસ્ટ્રામે ૧૯મી સદીની મધ્યમાં, બાઇબલમાં બતાવેલા દેશોની મુલાકાત લીધી હતી. એ સમયમાં તેમણે જોયું કે, લોકો હજુ પણ ગૂમડાં પર અંજીરના ચકતાં લગાવતા હતા.

 
આ બનાવ બેથફાગે ગામની નજીક બન્યો હતો. બેથફાગેનો અર્થ થાય છે  કે,“જૂન મહિનાના અંજીરનું કોઠાર.” એ જ બતાવે છે કે અહીંયાં જૂન મહિનાના અંજીર ખૂબ જ થતા હતા. તેથી, આ જગ્યા બહુ જાણીતી હતી.

 
હેલ્થ માટે બેસ્ટ શક્તિવર્ધક ગણાતાં અંજીરના સ્કિન માટેના ફાયદા વિશે હજી કેટલીયે વાતો બહાર નથી પડી. તાજાં અંજીર ત્વચાને બ્યુટિફુલ અને યંગ રાખવામાં મદદરૂપ થઈ શકે છે અને સ્કિન કેરમાં એક નૅચરલ ઇન્ગ્રીડિયન્ટ તરીકે કામ કરી શકે છે. અંજીર મૂળ એશિયામાં શોધાયાં હતાં, પણ હવે એ આખા વિશ્વમાં મળે છે. અંજીરને ફ્રૂટ તરીકે તેમ જ સૂકાયેલાં અંજીરને સૂકા મેવા તરીકે એમ બન્ને રૂપમાં ઉપયોગમાં લેવાય છે. જોઈએ આ ટેસ્ટી બીવાળું ટેસ્ટી ફ્રૂટ સ્કિન માટે કઈ રીતે ફાયદાકારક છે.

 

 
fig2
 

 

હેલ્ધી સ્કિન માટે

 

તાજા અંજીરનો અર્ક કાઢી એને ત્વચા પર લગાવવાના ઉપયોગમાં લઈ શકાય. સ્કિન કેર માટે આ એક નવી પણ અસરદાર રેમિડી સાબિત થઈ શકે છે. અંજીરમાં રહેલી હાઇડ્રેટિંગ પ્રૉપર્ટીઓ ત્વચા પર ફાયદો કરે છે. ઉપરાંત અંજીરના આ જ હાઇડ્રેટ કરવાના ગુણોથી ત્વચાનાં રોમછિદ્રો ટાઇટ થાય છે અને સ્કિન લચી નથી પડતી. અંજીર વિટામિન A અને બિટા કૅરોટિનથી ભરપૂર છે. વધુમાં અંજીર સ્કિન પરથી મૃત ત્વચા દૂર કરવાનું કામ કરે છે અને એ પણ પપૈયા કરતાં દસગણું વધારે.

 

એક્સફોલિએટર તરીકે

 

તાજા અંજીરની છાલ સ્કિન માટેનું બેસ્ટ એક્સફોલિએટર બની શકે છે. અંજીરમાં રહેલું એન્ઝાઇમ નામનું તત્વ ત્વચાના પહેલા લેયર પરથી કચરો, ડાઘ અને ડેડ સ્કિન દૂર કરી એને વધુ ક્લિયર બનાવવાનું કામ કરે છે. આ માટે અંજીરની છાલ કાઢી એને ધોઈ સ્કિન પર ઘસવાના ઉપયોગમાં લઈ શકાય. રિઝલ્ટમાં મળશે સ્મૂધ અને ચમકતી સ્કિન.

 

ફિગ ફેશ્યલ માસ્ક

 

અંજીરનો ફેસમાસ્ક પણ બનાવીને લગાવી શકાય. એ માટે તાજા અંજીરને વચ્ચેથી બે ભાગમાં કાપી એમાંથી ગર કાઢવો અને ત્યાર બાદ એને છૂંદી ચહેરા પર લગાવવો અને થોડી વાર બાદ ધોઈ નાખવું. અંજીરમાં રહેલી એન્ઝાઇમ પ્રૉપર્ટીઓને લીધે એને ચહેરા પર પાંચ મિનિટથી વધુ સમય માટે રાખવું હિતાવહ નથી. એટલે પાંચ જ મિનિટ રાખીને ચહેરો ધોઈ લેવો.

 

ફિગ મૉઇસ્ચરાઇઝર

 

આજે કેટલાય સાબુ, સ્ક્રબ તેમ જ મૉઇસ્ચરાઇઝરમાં અંજીર ઉપયોગમાં લેવાય છે. ત્વચાને વધુ નરમ અને મુલાયમ બનાવવા માટે અંજીર ઉપયોગી છે તેમ જ એ સૂકાયેલા હોઠ અને ડ્રાય સ્કિનને લીધે થતી કરચલી પણ રોકે છે. અંજીરના એક ફળમાં પોણો ભાગ પાણી હોય છે જે એને નૅચરલ મૉઇસ્ચરાઇઝર બનાવે છે.

 

ખોડાના ઘરગથ્થુ ઇલાજ

 

સ્કિન માટે

 

સૂકું અંજીર હેલ્થ માટે ખૂબ સારું ગણાય છે અને એની જ સાથે એ ખાવાથી ત્વચાને પણ ફાયદો થાય છે. અંજીર ત્વચાના રોગો સામે લડે છે. ત્વચા પર થતા પ્રૉબ્લેમ્સ જેમ કે બ્લૅક અને વાઇટ હેડ્સ, ફોડલીઓ, લાલ ચાઠાં, પિમ્પલ્સ વગેરેમાં સૂકાં અંજીર ખાવાથી ફાયદો થાય છે.

 

લાંબા અને ઘેરા વાળ માટે

 

માથામાં ખંજવાળ, ડૅન્ડ્રફ, વાળ ખરવા જેવી તકલીફ થાય ત્યારે પ્રૉપર ડાયટની ખાસ જરૂર હોય છે. સૂકાં અંજીર મિનરલ્સ અને ન્યુટ્રિઅન્ટ્સથી ભરપૂર હોવાને લીધે એ વાળની હેલ્થમાં જાદુઈ સુધારો કરે છે. રોજના ખોરાકમાં અંજીરનો ઉમેરો કરવાથી વાળની ઑલઓવર હેલ્થ સારી રહે છે.

 
નબળું અને સોટી જેવું પાતળું શરીર ધરાવતાં બાળકોને તાકાતવાળાં અને હૃષ્ટપુષ્ટ બનાવવા માટે આ સૂકો મેવો ખૂબ ફાયદાકારક છે. અનેક પ્રકારની સમસ્યામાં અકસીર મનાતાં અંજીર ફળ અને ડ્રાયફ્રૂટ બન્ને સ્વરૂપે ગુણકારી છે

 
મોટા ભાગે ડ્રાયફ્રૂટ્સની વાત આવે એટલે કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ જ યાદ આવે. જોકે અંજીર જેવો સૂકો મેવો બહુ ઓછા લોકો ખાય છે. શિયાળામાં બાળકોને અંજીર ખવડાવવાથી તેમનો વિકાસ ખૂબ જ સારી રીતે થાય છે. એના ફાયદા જાણીશું તો કદાચ ભલે ગમેએટલાં મોંઘાં અંજીર હોય, ખાવાનું મન જરૂર થશે.

 

અંજીરના ગુણધર્મો

 

મધુર, સ્નિગ્ધ અને શીતળ એવાં અંજીર વાયુ અને પિત્તનું શમન કરે છે. એમાં ટાયરોસિન, અમીનો ઍસિડ, લાયસિન જેવાં જુદી-જુદી જાતનાં એન્ઝાઇમ્સ (પાચક રસો) સમાયેલાં છે. અંજીર પ્રોટીન, લોહ, કૅલ્શિયમ, તાંબું વગેરે અનેક જાતનાં ખનિજો અને તત્વોથી ભરપૂર છે. વિટામિન એ, બી અને સી પણ એમાં સારીએવી માત્રામાં છે. ૧૦૦ ગ્રામ અંજીરમાં આશરે ૩૦૦ કૅલરી હોય છે.
 

 

fig.3
 

 

અંજીર પાકની રીત

 

એક કિલો અંજીરને ગરમ પાણીએ બે-ચાર વખત ધોઈને બરાબર ડૂબે એ રીતે પાણીમાં પલાળવાં. બીજે દિવસે પાણીમાંથી કાઢી એના બારીક કટકા કરી બે લિટર દૂધમાં નાખીને ઉકાળવાં. આ મિશ્રણને સતત હલાવતા રહેવું જેથી ચોંટી ન જાય. દૂધનો ભાગ સાવ બળી જાય એટલે નીચે ઉતારી લેવું. અંજીરના આ માવાને ચોખ્ખા ઘીમાં આ શેકવો. સરખું શેકાઈ જાય અને દૂધ તથા પાણીની ભીનાશ બળી જાય ત્યાં સુધી શેકવું. પછી નીચે ઉતારી સાકરની ચાસણીમાં એનું મિશ્રણ કરી એમાં બદામ, ચારોળી, પિસ્તા, એલચી વગેરે માપસર નાખીને થાળીમાં ઢાળી દેવું.

 
કેટલું ખાવું ? : મોટેરાંઓએ વીસ-વીસ ગ્રામ સવાર-સાંજ અને નાનાં બાળકોએ દસ-દસ ગ્રામ સવાર-સાંજ ખાઈને ઉપર દૂધ પીવું. આ પાક એકાદ વર્ષ સુધી ખાવો.

 
જે બાળકો અને સ્ત્રીઓનો શારીરિક વિકાસ ન થતો હોય તેમના માટે આ પ્રયોગ ઉત્તમ છે. જે બાળકોનો વિકાસ થતો ન હોય, ઊંચાઈ વધતી ન હોય, ગમે એટલી પૌષ્ટિકતા માટેની દવા કરવા છતાં અતિદૂબળાપણું મટતું ન હોય, શરીર નિર્માલ્ય અને માયકાંગલું હોય તેમણે અંજીરનો પાક બનાવીને ખાવો જોઈએ.

 

અંજીરવાળું દૂધ

 

ત્રણ-ચાર અંજીર શરીરમાં ઘણાં તત્વો પૂરાં પાડીને અજબ સ્ફૂર્તિ આપે છે. ચાની જગ્યાએ અંજીરવાળું દૂધ ઉકાળીને પીવામાં આવે તો એ ચા કરતાં ચારગણી ચેતના અને સ્ફૂર્તિ પૂરાં પાડે છે. વળી ચા તો ક્ષણિક ટેકો આપે છે, જ્યારે અંજીરથી એક જ વખતમાં આખા દિવસમાં જરૂરી શક્તિ અને ચેતન મળે છે. તમે થાકીને લોથપોથ થઈ ગયા હો તો અંજીરવાળું દૂધ પીવાથી નવી તાજગી તરત જ શરૂ થઈ જાય છે.

 anjeer

શામાં ફાયદો થાય ?

 

સ્કિન : શરીરમાં કાળાશ હોય કે વર્ણ વધુપડતો કાળો થતો હોય, ચહેરા-હાથ-પગ પર કે આંખ પાસે કાળાં કૂંડાળાં કે કાળાં દાઝોડાં દેખાતાં હોય, ચહેરા પર ખીલ થયા કરતા હોય.

 
પાચન : ભૂખ કાયમ ઓછી લાગતી હોય, પાચન વિના અર્જીણ રહેતું હોય અથવા ખોરાકનો ગૅસ થતો હોય, મોટી ઉંમરની વ્યક્તિઓને કાયમ કબજિયાત રહેતી હોય, પેટમાં ઝીણી જાતના સૂતરિયા કૃમિ હોય.

 
નબળાઈ : ધાતુની નબળાઈ અથવા ર્વીયની અલ્પતા કે ર્વીયદોષ હોય, જૂનો પ્રમેહ કે સ્ત્રીઓને પ્રદરરોગ હોય, વારંવાર કસુવાવડ થતી હોય, ઍસિડિટી હોય, શરીર ફિક્કું અને પાંડુરોગ જેવું રહેતું હોય.

 
ગ્રંથિઓની તકલીફ : લિવર અને બરોળની તકલીફ હોય કે એના સોજા રહેતા હોય, પ્રોસ્ટેટની શરૂઆત હોય, કિડનીમાં કે મૂત્રાશયમાં ઝીણી પથરી હોય.

 
ક્ષય : કાયમ ઝીણો શ્વાસ કે ઉધરસ રહેતી હોય, ક્ષયવાળાને કફ સાથે લોહી પડતું હોય, બુદ્ધિ મંદ હોય, યાદશક્તિ ઓછી હોય.

 

કેવાં અંજીર ખાવાં ?

 

અત્યારે મોટા ભાગનાં દરેક ડ્રાયફ્રૂટ્સને લાંબો સમય સુધી સાચવી રાખવા માટે એમાં વિવિધ કેમિકલયુક્ત દવા છાંટવામાં આવે છે. માટે જ કોઈ પણ ડ્રાયફ્રૂટને રાત્રે નવશેકા પાણીમાં પલાળી રાખીને એને બીજા દિવસે સવારે ખાવાં જોઈએ. અંજીરને પણ રાત્રે પલાળ્યાં પછી બીજા દિવસે સવારે ચાવી-ચાવીને ખાવાથી એનો વધુ લાભ મેળવી શકાય છે તેમ જ દ્રાક્ષ અને ખજૂરની જેમ એમાં વધુ વરાઇટી જોવા મળતી નથી. દરેક પ્રકારનાં અંજીરના ગુણો તો સરખા જ હોય છે. એનું વર્ગીકરણ ક્વૉલિટી કરતાં પણ એની સાઇઝ અનુસાર કરવામાં આવે છે.

 

 

સંકલિત :

 

 
(સાભાર સૌજન્ય : વૈદ્ય પ્રશાંતભાઈ ગૌદાની, સંદેશ દૈનિક, ગુજરાત સમાચાર, વોચ ટાવર, મિડ ડે, ગુજરાતી વેબ દુનિયા, રશીદ મુન્શી વર્ડ પ્રેસ.કોમ)
 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પર આપના પ્રતિભાવ મૂકી આભારી કરશો. આપના અમૂલ્ય પ્રતિભાવ અમોને સદા પ્રેરણાદાયી બની રહે છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • Laynal Parmar

    બહુ જ સરસ અને વિસ્તૃત માહિતી આપે આપી છે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

  • Dhiren Joshi

    જાણકારી આપવા બદલ આભાર..!