મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત … શ્રી વલ્લભ સાખી … (ભાગ-૧૪) …

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત …  શ્રી વલ્લભ સાખી … (૬૬-૭૦) …
-મહેશ શાહ, વડોદરા …

 

[ભાગ -૧૪]

 

 krishna-radha

શ્રીવલ્લભ કુલ બાલક સબેં, સબ હી એક સ્વરૂપ |
છોટો બડો ના જાનિયેં, સબ હી અગ્નિ સ્વરૂપ ||૬૬|| 

 shriji poster.1

 

 

શ્રી વલ્લભ પોતે શ્રી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ (સર્વોત્તમ સ્તો. શ્લોક ૭) દિવ્ય અવતારી સમર્થ પુરૂષ હતા. આપે આપનું પૂર્ણ (અશેષ) માહ્ત્મ્ય નિજ વંશમાં (શ્રી વલ્લભ કુળના સર્વ બાલકોમાં) સ્થાપિત(સ.સ્તો. શ્લો.૨૨) કર્યું છે. આથી એ સિદ્ધ થાય છે કે આ સર્વ બાલકો શ્રી વલ્લભના જ પ્રતિબિંબ રૂપ અને તેમની જેટલા જ પ્રતાપી છે. આ સર્વ બાલકોની કૃતિ અને આકૃતિ જુદી જુદી ભાસે છે પણ સૌ એક જ સ્વરૂપ (શ્રી વલ્લભ સ્વરૂપ) છે. કોઈ એક બીજાથી જુદા નથી અને નરસી મહેતાએ કહયું છે કે ‘નામ રૂપ જૂજવાં અંતે તો હેમનું હેમ હોયે’ તેમ સૌ શ્રી વલ્લભ સમાન છે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે વૈષ્ણવે તેઓમાં નાન-મોટાઈના ભેદ રાખવા ન જોઈએ. આ બધા સ્વરૂપ શ્રી વલ્લભના જ ગુણો ધરાવે છે એટલે સ.સ્તો.ના ૧૧મા શ્લોકમાં દર્શાવ્યું છે તેમ આસુરી જીવોને મોહ પમાડવા પ્રાકૃત માણસો જેવું વર્તન કરતા હોય છે પણ શ્રી વલ્લભ અલૌકિક અગ્નિ સ્વરૂપ, વૈશ્વાનર છે (સ. સ્તો.શ્લો.૧૨) તેથી આપના સૌ વંશજો પણ અલૌકિક અગ્નિ સ્વરૂપ છે. તેમનામાં કોઈ ભેદ ન કરીએ.

 
આ મહત્વની વાત છે. આ સત્ય સમજી લઈને આપણે સૌ ગૌસ્વામી બાલકોમાં શ્રી વલ્લભના દર્શન કરવા જોઈએ. કોઈને ઉમર, અભ્યાસ કે અન્ય કારણે કોઈને નાના કે મોટા ગણવાની ભૂલ ન કરવી જોઈએ. તેવી જ રીતે તેઓના ઘરની વાત બાબતે પણ વિવાદમાં ન પડીએ. સૌ શ્રી વલ્લભના મૂર્તિમંત સ્વરૂપ છે તો પછી પ્રથમ ઘર શું અને સપ્તમ ઘર શું? એક માત્ર શ્રી વલ્લભ આપણા ગુરૂ છે અને એક જ ગુરૂઘરના આપણે સૌ સેવકો છીએ. જે તે ઘરની પ્રણાલિકા જરૂર પાળીએ પણ અંતે તો સૌ સમાન છે તે વાત ક્યારેય વિસરીએ નહીં.

 

મન નગ તાકો દીજીયે, જો પ્રેમ પારખી હોય |
નાતર રહીયે મૌન ગહિ, વૃથા ન જીવન ખોય ||૬૭|| 

 

૨૯મી સાખીમાં કહેલી વાત શ્રી હરિરાયજીએ અહીં અલ્પ ફેરફાર સાથે ફરી કહી છે. તેથી આપણે સમજી શકીએ કે આ મુદ્દો કેટલો અગત્યનો હશે. આપણે જાણીએ છીએ કે મન જ આપણા બંધન અને મુક્તિનું કારણ છે. તેથી મન પવિત્ર રાખીએ, તેને પ્રભુમય રાખીએ, દોષમુક્ત રાખવા પૂરી કાળજી રાખીએ તો જ આપણા માનવ જન્મ અને વૈષ્ણવતા સાર્થક થાય. શ્રી હરિરાયજી મનને મણી કહી એવી આજ્ઞા કરે છે કે આ અણમોલ મણીનું જતન કરવું જરૂરી છે. હીરાનું મોલ કરવા ઝવેરીને જ કહેવાય. કહે છે ને કે ‘ગધેડાની ડોકે હીરો ન બંધાય’. તેવી જ રીતે આપણા મનનો મરકત મણી માત્ર એવી વ્યક્તિને જ સોંપીએ જે પોતે પ્રભુ પ્રેમી હોય, આપણા મનની પવિત્ર ભાવનાઓને, આપણા પ્રભુ પ્રેમને સમજી શકે, પારખી શકે, આપણા શ્રેયનો વિચાર કરી શકે. તાદ્રશીજનોનો સંગ કરીને આપણી ભક્તિને, આપણા સમર્પણને, આપણી શરણાગતિની ભાવનાને સુદ્રઢ કરીએ અને પ્રભુ પ્રાપ્તિના માર્ગે આગળ વધીએ. જેની તેની પાસે એટલે કે અનધિકારીની પાસે મનની કિતાબ ન ખોલીએ.

 
મેનેજમેન્ટમાં પણ કહેવાય છે કે ‘When in doubt, don’t’ અર્થાત જ્યાં ખાતરી ન હોય ત્યાં મનના પડળ ખોલવાની ચેષ્ટા ન કરીએ. અધૂરા પાત્ર પાસે થતી મનની વાત આપણી આધ્યાત્મિક પ્રગતિમાં બાધારૂપ થઇ શકે છે. જો કોઈ યોગ્ય પાત્ર ન મળે તો મનની વાત મનમાં જ સંગોપિત રાખવી સૌથી હિતકર છે, સર્વશ્રેષ્ઠ ઉપાય છે. ‘ન બોલ્યામાં નવ ગુણ’નો સિધ્ધાંત સ્વીકારી મૌન રહીએ. આ જ કારણસર કદાચ મૌનને પરમ ભૂષણરૂપ ગણ્યું હશે. મનની વાત ખોટી જગ્યાએ કહી દેવાથી આપણા શ્રેયની હાનિ થઇ શકે છે, પ્રભુએ આપણને મનુષ્ય યોનીમાં મોકલ્યા, વૈષ્ણવ બનાવ્યા તે શુભ હેતુ નિરર્થક થઇ જાય અને આપણું જીવન વેડફાઈ જાય.

 

 મન પંછી તન ઉડી લગો, વસો વાસના માંહિ |

પ્રેમ બાજકી ઝપટીમેં, જબ લગ આયો નાહીં ||૬૮||

 

આપણા મનને પક્ષી સાથે સરખાવીને એક સરસ વાત કહી છે. જેમ કોઈ નાનું પક્ષી બંધન કે નિયમનના અભાવે મુક્ત પણે મન ફાવે ત્યાં ગગનમાં વિહાર કરતું હોય છે, તેમ જ આપણું મન વિવિધ લૌકિક એષણાઓ અને વિષયોમાં યથેચ્છ રીતે ભટકતું રહે છે. એક મળે તો બીજાની ઈચ્છા કરે, બીજું પણ મળી જાય તો વળી ત્રીજાની કામના કરે. જેમ જેમ અગ્નિમાં ઘી નાખતા જઈએ તેમ તેમ આગ વધુ મોટી થતી જાય તેવી જ રીતે મનની લાલસા પણ દરેક પ્રાપ્તિ પછી વધતી જ રહે છે. ગમે તેટલી ઈચ્છાઓ પૂર્ણ થાય તો પણ મન સદા તરસ્યું જ રહે છે. શ્રી હરિરાયજી કહે છે કે હાલત એવી થઇ જાય છે કે જાણે મન આપણું શરીર(તન) છોડી વાસનામાં જ વસી જાય છે. સામાન્ય રીતે મનમાં વાસનાનો વાસ હોય પણ અહીં તો વાસનાનો અતિરેક હોઈ પાત્રમાં ઘીને બદલે ઘીમાં પાત્રની જેમ મન જ વાસનામાં વસી જાય છે એવું કહી દર્શાવ્યું છે કે તન મનમાં વાસના પૂર્ણતયા વ્યાપી જાય છે અને જીવમાં આસુરાવેશ થઇ જાય છે, પ્રભુ પ્રાપ્તિમાં અંતરાય આવે છે.

 
આ ઉપમા આગળ વધારતા આપ આજ્ઞા કરે છે કે જ્યારે નાના પક્ષી ઉપર બાજ પક્ષીનું નિયમન આવે ત્યારે તેનું અનિયંત્રિત ઉડ્યન બંધ થઇ જાય છે. તેવી જ રીતે જ્યારે દૈવી જીવને બાજ રૂપી પ્રેમનો પરિચય થાય છે, પ્રેમ લહરીનો સ્પર્શ થાય છે ત્યારે તેની વાસનાઓ વિસરાઈ જાય છે, કામનાઓ કરમાઇ જાય છે. જ્યારે તેનું મન આ પ્રેમરોગની ઝપટમાં આવે છે ત્યારે તેની દશા અને દિશા જ ફરી જાય છે. પ્રેમ સુધાનું પાન કર્યા પછી સંસાર અસાર લાગે છે. તે પ્રભુના પ્રેમ પંથે પ્રગતી કરવા લાગે છે.

શ્રી વલ્લભ મનકો ભામતો, મો મન રહ્યો સમાય |
જ્યોં મેંહદી કે પાતમેં, લાલી લખી ન જાય ||૬૯||

વલ્લભ શબ્દનો એક અર્થ પ્રિય અથવા વહાલા થાય છે. શ્રી હરિરાયજી કહે છે કે શ્રી વલ્લભ મારા મનને પ્રિય (ભાવે) છે. મારા મન વિશ્વમાં પ્રિયંકર અને પ્રિયતમ એક માત્ર શ્રી વલ્લભ જ છે. તેઓ મારા સમગ્ર મનમાં વ્યાપ્ત છે. મનનો કોઈ પણ ખુણો શ્રી વલ્લભ વગરનો નથી. મારા મન મંદિરમાં એક જ મૂરત બિરાજે છે અને તે મારા પ્રિય શ્રી વલ્લભની છે. અહીં શ્રી હરિરાયજીએ સમાય શબ્દનો પ્રયોગ કર્યો છે. સમાયનો અર્થ એવો પણ થાય કે મનમાં રહેલા છે, સમાયેલા છે, નિહિત એટલે ગુપ્ત રીતે રહેલા છે. લાગણીઓ ઉભરાઈને બહાર દેખાતી નથી. સૌ કોઈને ખ્યાલ આવતો નથી. આપણા માર્ગમાં આપણે ગોપીજનોના ભાવથી પ્રભુને સેવીએ છીએ અને તેથી આપણા પ્રેમનું સંગોપન કરતા હોઈએ છીએ. જેમ ગોપીજનો પોતાના કૃષ્ણ પ્રેમને દુનિયાની નજરથી છુપાવતા તેવી રીતે જ આપણે પણ આપણો શ્રી વલ્લભ પ્રત્યેનો પ્રેમ છુપાવીને રહીએ.

 
મનમાં શ્રી વલ્લભ રહેલા છે છતાં દેખાતા નથી તે વાત સમજાવવા શ્રી હરિરાયજી મેંદીનું ઉદાહરણ આપે છે. આપણે જાણીએ છીએ તેમ મેંદીના લીલા પાનને વાટીને હાથમાં લગાવીએ ત્યારે સુંદર લાલ રંગ ખીલી ઉઠે છે. આનો અર્થ એ કે મેંદીના લીલા પાનમાં લાલાશ વ્યાપ્ત છે, સમાયેલી છે પણ તેમાં આ લાલાશ ક્યારેય દેખાતી નથી. વાટીએ ત્યારે પણ લીલાશ ભર્યો જ રંગ હોય છે પણ તેનો રંગ ચડે ત્યારે તે લાલ હોય છે. જેમ મેંદીના પાનના કણ કણમાં અંતર્નિહિત રહેલો લાલ રંગ નજરે ચડતો નથી તેવી જ રીતે ભક્તના હૃદયમાં રહેલો શ્રી વલ્લભનો પ્રેમ સૌ કોઈની નજરે ચડતો નથી. મર્યાદામાં હનુમાનજીએ પોતાની છાતી ચીરીને પોતાના ઇષ્ટ સ્વરૂપના દર્શન કરાવ્યા હતા તેમ જ સાચા ભક્તના હૃદયમાં શ્રી વલ્લભ વસેલા છે.

 

શ્રી વલ્લભ વિઠ્ઠલ રૂપકો, કો કરી શકે વિચાર |
ગૂઢ ભાવ યહ સ્વામિની, પ્રકટ કૃષ્ણ અવતાર ||૭૦||

 

વેદ પણ પરબ્રહ્મનો વિચાર કરવામાં સમર્થ નથી તેથી ‘નેતિ નેતિ’ પુકારે છે. એવી જ રીતે શ્રી વલ્લભ અને તેમના આત્મજ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાંઈજીના સ્વરૂપ એક જ છે તેને સમજવાનું કે જાણવાનું તો શું તેના વિષે વિચારવાનું પણ કોઈના વશમાં નથી.

 
શ્રી વલ્લભનું રૂપ અને તેમનું સાચું અલૌકિક સ્વરૂપ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં સુપેરે દર્શાવાયું છે. તેમાંથી થોડા નામ યાદ કરીએ (તે નામ જે શ્લોકમાં છે તેનો નંબર કૌંસમાં છે.) શ્રી કૃષ્ણાસ્યમ (૭) એટલે કે શ્રી કૃષ્ણના શ્રી મુખારવિંદ રૂપ, વાકપતિ(૧૯) એટલે કે વાણીના અથવા દેવી સરસ્વતીના પતિ. આપ શ્રી કૃષ્ણના મુખારવિંદ રૂપ હોવાના કારણે પણ વાણીના પતિ છે. વિબુધેશ્વર (૧૯) વિબુધના બે અર્થ થાય છે. એક તો સાક્ષર અને બીજો દેવતાઓ. શ્રી વલ્લભ આ બંનેના ઈશ્વર છે. સ.સ્તો.ના ૩૨મા શ્લોકના પાંચેય નામ આપશ્રીના સ્વરૂપનું વર્ણન કરે છે. અપ્રાકૃતાખિલાકલ્પભૂષિત: એટલે કે આપ અલૌકિક આભુષણોથી શોભે છે એટલું જ નહીં ત્રિલોક્ના પણ ભૂષણરૂપ છે. આ ભૂમિના ભાગ્યરૂપ છે. વળી આપમાં સહજ સુંદરતા રહેલી છે અને આપનું સ્મિત પણ સહજ છે. આપમાં સત્વ, રજસ કે તમસ એ ત્રણમાંથી કોઈ ગુણ રહેલા નથી આપ ગુણોથી પર છે તેથી ત્રિગુણાતીત(૩૦) નામ બિરાજે છે. આપ ભક્તિમાર્ગરૂપી કમળ માટે સૂર્ય સમાન છે.

 
એક ભાવ એવો પણ છે આપ શ્રી સ્વામિનીજી સ્વરૂપ છે. આ ગૂઢ ભાવ છે અને તેનો વિશેષ વિસ્તાર કરાયો નથી. તે સમજવાની વાત છે. આપનું પ્રાગટ્ય સ્વામીની ઈચ્છાથી અને સ્વામીના કાર્યાર્થે થયેલું છે. એવી જ રીતે જેમ ત્રેતાયુગમાં પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી યશોદોત્સંગલાલિત પૃથ્વી ઉપર પધાર્યા હતા તેવી જ રીતે કળીયુગમાં શ્રી વલ્લભરૂપે પ્રગટ થયા છે. તેથી પ્રગટ કૃષ્ણ અવતાર કહીને શ્રી હરિરાયજી બિરદાવે છે.

 
આવા શ્રી વલ્લભ આપણા ગુરૂ છે તે સૌભાગ્યમદ સાથે સ્વલ્પ સત્સંગનું સમાપન કરીએ.

 
(ક્રમશ:) 

 

© Mahesh Shah 2013

 

 
mahesh shah.1

મહેશ શાહ
જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો,
વડોદરા

મો.૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • Maya rameshchandra Mehta

    વલ્લ્ભ્સાખિ વિશે મને ખુબ્ જ ગમ્યું
    માયા ના જય શ્રીકૃષ્ણ

  • Dhiren Joshi

    Excellent article to elevate the soul.