સેવાળ (સ્પિરૂલિના) ખાઓ અને તંદુરસ્તી જાળવો …

સેવાળ ખાઓ  અને તંદુરસ્તી જાળવો …  રંગી
– રશ્મિન શાહ
 

 
sevad
 

 
શેવાળ ખાવાને લગતું હેડિંગ વાંચીને જો ઊબકા આવી ગયા હોય તો મહેરબાની કરીને એ ઊબકા દબાવી દેજો, કારણ કે આગળ જે કંઈ વાંચવા મળવાનું છે એ તમારા સ્વાસ્થ્ય માટે સંપૂર્ણ ખોરાકની ગરજ સારી શકે છે.
 

 
શેવાળ એટલે કે ફંગસ. સામાન્ય રીતે પાણી જ્યાં સૌથી વધુ ભરાયેલું રહેતું હોય એ જગ્યાએ ફંગસ થતી હોય છે. ફંગસ એ ખરેખર તો બેક્ટેરિયા છે. બેક્ટેરિયા એ કંઈ ખાવાલાયક ફૂડ નથી અને મેડિકલ ફીલ્ડ તો બેક્ટેરિયાને બીમારી ફેલાવતા એક પ્રકારના સૂક્ષ્મ જંતુ જ ગણે છે. સારૂ ફૂડ જો પડતર થઈ જાય તો એમાં બેક્ટેરિયા થઈ જાય છે. બેક્ટેરિયા લાગેલું ફૂડ ખાવાથી જો બીમારી લાગુ પડે તો સામાન્ય રીતે વ્યક્તિને ઝાડા-ઊલટી અને પેટમાં ગરબડ જેવી સામાન્ય બીમારી થતી હોય છે અને એ બીમારી આગળ વધે તો બેક્ટેરિયાને કારણે લિવર પર સોજો ચડવાથી માંડીને અલ્સર જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે. ચારેક વર્ષ પહેલાં અમિતાબ બચ્ચનને છાતીમાં અને પેટમાં જે અલ્સરની બીમારી થઈ હતી એ હકીકત તો બેક્ટેરિયાએ શરૂ કરેલો આતંક હતો, જેમાં બીજાં બધાં ફેક્ટર ઉમેરાયાં અને બિગ બીએ સર્જરી કરાવવી પડી.

 
બેક્ટેરિયાને કારણે જન્મતી અથવા તો ઊગતી શેવાળના સાતસોથી વધુ પ્રકાર છે અને હજુ નવા-નવા પ્રકારની શેવાળ મળી રહી છે. આ સાતસોમાંથી જૂજ શેવાળ એવી છે કે જે ખાવામાં વાપરી શકાય છે. આ જૂજમાંથી સ્પિરૂલિના નામની શેવાળ અત્યાર સુધીમાં શોધવામાં આવેલી તમામ ખાવાની શેવાળમાંથી સર્વશ્રેષ્ઠ શેવાળ છે. મજાની વાત એ છે કે બેક્ટેરિયાથી બચવાની સલાહ આપતાં ડોક્ટર્સ જ આજકાલ આ સ્પિરૂલિના નામની શેવાળ ખાવાની સલાહ આપે છે.
 

 
શું છે આ સ્પિરૂલિના ?

 
વાંચીને એવું ધારી લેવાની જરૂર નથી કે એ માત્ર દરિયામાં જ ઊગે છે. જે જમીનમાં ક્ષારનું પ્રમાણ વધુ હોય એવી જમીનવાળા પાણીમાં પણ સ્પિરૂલિના ઊગે છે. સ્વિટ્ઝર્લેન્ડનું યુરોપિયન સાયન્ટિફિક મિશન નામનું ઓર્ગેનાઇઝેશન સ્પિરૂલિના પર એક દશકાથી રિસર્ચ કરતું હતું, જે રિસર્ચના અંતે આપવામાં આવેલો રિપોર્ટ અદ્ભુત, અકલ્પનીય અને અવર્ણનીય છે. અલબત્ત,સ્પિરૂલિના સૌથી પહેલાં ૧૯૫૦માં મેક્સિકોમાંથી મળી હતી પણ એ સમયે મેડિકલ સાયન્સ આજ જેટલું વિકસિત નહોતું એટલે સ્વાભાવિકપણે એનો ઉપયોગ થયો નહોતો. ૧૯૬૫માં આ શેવાળને આદિવાસીઓને ખાતાં જોવામાં આવ્યા. એ આદિવાસીઓ હટ્ટાકટ્ટા અને પૂરા છ ફૂટ ઊંચા હતા. તેમની તાકાત અદ્ભુત હતી અને બીમારીનો નામમાત્ર અંશ તેમનામાં જોવા નહોતો મળ્યો. કોઈ કારણસર આ આદિવાસીઓ પર રિસર્ચ થયું, જેમાં તેની રહેણીકરણી અને ખોરાક વિશે પણ જાણકારી મેળવવામાં આવી અને જાણવા મળ્યું કે તેમના રૂટિન ફૂડમાં એક શેવાળ છે. બસ, એ શેવાળ શોધવાનું, શોધાયેલી એ શેવાળમાં રહેલાં સત્ત્વો વિશે જાણવાનું અને એ સત્ત્વને અન્ય કોઈ રીતે સીધાં લઈ શકાય કે નહીં એ માટેનું સંશોધન શરૂ થયું. સંશોધનના અંતે ખબર પડી કે સ્પિરૂલિના એ ખરેખર શક્તિનો ધોધ છે, જો એને સાફ કરીને ખાવામાં આવે તો !

 
સ્પિરૂલિનાને સાફ કરવાની અને એને સૂકવીને પ્રોસેસ કરવાની સિસ્ટમ ડેવલપ કરતાં લગભગ છ વર્ષ લાગ્યાં હતાં. જોકે એ પછી એને ઓફિશિયલ મેડિસિન તરીકે રેકમેન્ડ કરવાનું શરૂ કરવામાં આવ્યું, એટલે હવે તો ચોક્કસ રીતે સાફ થયેલા અને મેડિકલ એક્સપર્ટના ગાઇડન્સની સાથે જ ઉગાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. સ્પિરૂલિનાની ખાસ જો કોઈ વાત હોય તો એ કે સ્પિરૂલિનામાં બેક્ટેરિયા છે પણ એ ઊગે છે એટલે તેની ગણના વેજિટેરિયનમાં થાય છે. મજાની વાત એ પણ છે કે આ ઊગતી વનસ્પતિમાં એવાં સત્ત્વો છુપાયેલાં છે જે નોનવેજ ખાનારાઓને તેમનાં નોનવેજ ફૂડમાંથી ઇઝીલી મળી રહેતાં હોય છે. જો વિગતવાર સમજાવીને કહેવાનું હોય તો કહી શકાય કે પ્રોસેસ કર્યા પછી સ્પિરૂલિનામાં ૬૫ ટકા જેટલું પ્રોટીન હોય છે. સામાન્ય તબીબી જ્ઞાન ધરાવતા લોકોને પણ ખબર હશે કે પ્રોટીનનો મહત્તમ ભાગ નોનવેજમાં હોય છે. વેજિટેરિયનની હાલત એવી ખરાબ હોય છે કે તેમણે પ્રોટીન માટે રીતસર ફાંફાં મારવાં પડે છે. ડ્રાયફ્રૂટમાં પ્રોટીન છે પણ ડ્રાયફ્રૂટના પ્રોટીનને ખોરાકમાં લેવાનું શરૂ કરીએ તો દરરોજ કાજુ અને બદામનું શાક ખાવું પડે અને જો એવું કરીએ તો બોડીને પ્રોપર સ્પ્લિમેન્ટ્સ આપવાના મોહમાં ઘરબાર વેચવાં પડે! હા, એ સાચું છે કે સોયાબીનમાં પણ પ્રોટીનનું પ્રમાણ પુષ્કળ છે, પણ સોયાબીન ખાવાનું દરરોજ કેમ ભાવે ?   સ્પિરૂલિના પ્રોટીન પૂરૂ પાડવાનું કામ આસાન રીતે કરે છે. આ ઉપરાંત એમાં ફોલિક એસિડ, અલગ-અલગ વિટામિન પણ થોકબંધ ભર્યાં છે એટલે એ દૃષ્ટિએ પણ સ્પિરૂલિના લેવી બહુ ફાયદાકારક છે.
 

 
બનાવો સ્પિરૂલિના ફૂડ 

 
સ્પિરૂલિના ખાઈ શકાય છે એ જાહેર થયા પછી એ કયા રૂપમાં ખાવી એ માટે સંશોધન થયાં અને હજુ પણ ચાલું જ છે. સ્પિરૂલિના માર્કેટમાં પાઉડર, કેપ્સ્યૂલ અને ટેબ્લેટના ફોર્મેટમાં મળે છે. જોકે આ મેડિસિન ફોર્મેટ થઈ અને મેડિસિન ફોર્મેટ સ્વાભાવિક રીતે લોકોમાં પોપ્યુલર નથી થતી એટલે જ અમેરિકન લાઇફ-સાયન્સ ઇન્કોર્પોરેશને સ્પિરૂલિનાને લોકભોગ્ય રૂપ અને સ્વરૂપ આપવા માટેના પ્રયાસો આદર્યા છે, જેને કારણે સ્પિરૂલિનાના પાઉડર સાથે શું-શું બની શકે એ વિશેનાં સંશોધન શરૂ થયાં છે, જેના માટે સોથી વધુ શેફ, કૂકિંગ એક્સપર્ટ્સ અને ડાયટિશિયનને પણ રાખવામાં આવ્યા છે. આ બધા ખાણી-પીણી એક્સપર્ટ્સ સ્પિરૂલિનામાંથી શું-શું બની શકે એનાં સંશોધન કરી રહ્યા છે. તો એ પ્રકારનાં સંશોધન પણ ચાલી રહ્યાં છે કે, સ્પિરૂલિનાને કયાં કયાં જોઇન્ટ ફૂડ તરીકે વાપરી શકાય છે. આ રેસિપી રિસર્ચમાં અત્યાર સુધીમાં લગભગ ચાલીસેક વેરાઇટી બની છે, જે સ્પિરૂલિનામાંથી તૈયાર કરવામાં આવી છે. આ ચાલીસ વેરાઇટીમાં સ્પિરૂલિના કેચ-અપ, સોલ્ટ, બિસ્કિટથી લઈને સ્પિરૂલિના-જીંજર પિપરમીટ અને સ્પિરૂલિના બ્રેડનો સમાવેશ થાય છે. જોકે, આટલી વેરાઇટીથી પેલા રાંધણકળાના મહારથીઓને શાંતિ નથી. એ તો ઇચ્છે છે કે આનો ઉપયોગ પિઝા, બર્ગર અને વેજિટેબલ-બકેટમાં પણ થવો જ જોઈએ એટલે અત્યારે તેમણે એ દિશામાં કામ આદરી દીધું છે. ઊંધેકાંધ કામે લાગી ગયેલું અમેરિકન લાઇફ-સાયન્સ ઇન્કોર્પોરેશન આ લીલ એટલે કે શેવાળ એટલે કે ફંગસને ગોડ’સ ગિફ્ટ ગણાવે છે. એનું કહેવું છે કે ખાલી સ્પિરૂલિના ખાવાથી પાંચ વર્ષમાં બોડી આખું અંદરથી રિફ્રેશ થઈ જાય છે. વાતમાં તથ્ય છે કે પછી અમેરિકનની માર્કેટિંગ સ્ટ્રેટેજી એ તો રામ અને પેલા મેક્સિકોના આદિવાસીઓ જાણે.
 

 
સૌજન્ય : સંદેશ દૈનિક

 
– રશ્મિન શાહ – [email protected]
 

 
સાભાર : પૂર્વી મોદી મલકાણ (યુએસએ)
 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • શ્રીમાન. અશોકભાઈ સાહેબ

    આપે ખુબ જ સુંદર માહિતી આરોગ્ય માટે મુકીને

    અમોને લાભાન્વિત કર્યા તે બદલ આભાર