આસક્તિ ને અનાસક્તિનું પ્રતિક કમળ …

આસક્તિ ને અનાસક્તિનું પ્રતિક કમળ …

 

 lotus

 

ધર્મ અને કર્મનું પ્રતિક કમળ, સત્ય અને સનાતનનું પ્રતિક કમળ, સત્યમ્ શિવમ્ અને સુંદરમ્ ની ભાવનાને વ્યક્ત કરતું કમળ શરણાર્ગતિ,સમર્પિતતા અને સ્વીકાર્યતાનું પ્રતિક કમળ છે. ભગવાન હર-હરિનાં પૂજનમાં કમળને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. કમલનયન દેવ અને કમલાક્ષી દેવીની સ્તુતિઓ ગાવામાં આવે છે ત્યારે કમલ તેમની નિરહંકારી પૂજામાં મહત્વનો ભાવ ભજવે છે.

 

અર્વાચીન–પ્રાચીન યુગથી દેવ, દેવીઓ, અપ્સરાઓ, રાજમહેલો, મંદિરો અને મહાલયો કમળ પુષ્પથી શોભી રહ્યાં છે અથવા એમ કહો કે કમળ પુષ્પ તેમની સાથે હોવાથી તેઓ શોભી રહ્યાં છે; તે જોઈને પ્રશ્ન થાય છે કે આપણાં શાસ્ત્રો, વેદો, ઉપનિષદો અને પુરાણોએ કમલનો મહિમા શા માટે ગાયો હશે ?  ઋગ્વેદમાં કહ્યું છે કે પ્રકૃતિનાં તમામ પુષ્પો એ શૃંગારનું પ્રતિક છે પરંતુ આ પુષ્પોમાં કેવલ કમળ પુષ્પ એવું છે જે શૃંગારનું પણ પ્રતિક છે અને આત્માનું પણ પ્રતિક છે. જ્યારે તૈત્તરીય ઉપનિષદમાં કમલને જ્ઞાનનું પ્રતિક માનતાં કહ્યું છે કે સૂર્યોદય થાય તે સાથે કમળ ખીલે છે અને સૂર્યાસ્ત થયા બાદ કમળની પંખુડિયો બંધ થઈ જાય છે તેજ રીતે જ્ઞાનનું પણ છે, જેમ જ્ઞાન રૂપી પ્રકાશ આવે ત્યારે મન અને આત્મામાં રહેલો ભાવ પવિત્ર થવા લાગે છે અને આત્મામાં રહેલી હીનતા દૂર થવા લાગે છે; પરંતુ જો જ્ઞાનરૂપી પ્રકાશને જીવનમાં ન આવે તો જીવન શૂન્ય બની જાય છે.

 

નારદ પુરાણનાં એક અધ્યાયમાં કહે છે કે કમલ એ અનાસક્તિનું પ્રતિક છે. કાદવની અંદર ખીલીને મધુસૂદનને પોતાની તરફ ખેંચતાં આ પદ્મપુષ્પને ભગવાન વિષ્ણુ અને તેમના પૂર્ણાંશ શ્રીકૃષ્ણને સમર્પિત કરવામાં આવ્યું છે. શ્રી નારદજીએ શ્રીમદ્દ ભાગવતનું પારાયણ શ્રી વ્યાસજી ને કરાવ્યું ત્યારે તેમણે કહ્યું કે પદ્મની જેમ શોભતા શ્રી વિષ્ણુએ અનાસક્તિનાં પ્રતિક છે, અર્થાત નિર્મળ કે મલિન જલનો ભેદભાવ ન રાખતાં સરોવરમાં પદ્મનું પુષ્પ ખીલે છે તેમ અનેક વિધ દેવ, દાનવ અને મનુષ્યોની પ્રકૃતિની વચ્ચે ભગવાન વિષ્ણુનો આ પૂર્ણ અવતાર શોભી રહ્યો છે, જેમને સાંસારિક દોષનો એક પણ અંશનો સ્પર્શ થતો નથી. જ્યારે શ્રી વલ્લભનંદન વિઠ્ઠલનાથજી કહે છે કે કાદવમાં ખીલવા છતાં કમલ જેમ પોતાની પવિત્રતા જાળવી રાખી પોતાની સુવાસ સતત ફેલાવતું રહે છે. તે જ રીતે માનવે પણ સંસારમાં રહેલા રાગ, દ્રેષ, અભિમાન, ઈર્ષ્‍યા વગેરે તત્‍વોથી પોતાની જાતને નિરપેક્ષ રાખીને કમળની જેમ સુવાસ ફેલાવવી જોઈએ અને સુકર્મો કરતા રહેવું જોઈએ જેથી જીવનરૂપી પદ્મ હંમેશા ખીલતું રહે.

 

ટૂંકમાં કહીએ તો આમ સંસાર રૂપી કાદવમાં રહી ખીલતું કમળ સંસારથી અને સંસારનાં દોષોથી અલિપ્ત રહેવાની જીવન દૃષ્ટિ આપે છે. વેદોમાં કહ્યું છે કે જેમ કમળને સહસ્ત્ર પંખુડિયો હોય છે તેમ માનવ શરીરમાં પણ ઉર્જા રૂપે કમળ ચક્ર રહેલા છે, જે સાધના બાદ ખૂલે છે અને જીવોને પરમોચ્ચ સ્થાને પહુંચાડે છે. શ્રીમદ્દ ભગવદ્ગીતામાં ભગવાન શ્રી કૃષ્‍ણ કહે છે કે

 


ब्रहमणयाधाय कर्माणि सड्गं त्यक्ता करोति यः।
लिप्यते न स पापेन पद्म पद्मपत्रमिवाम्भसा ॥

 


પરબ્રહ્મને અર્પણ કરીને, આસક્તિ ત્યજીને જે પુરુષ સર્વ કર્મો કરે છે તે જળમાં રહેલા કમળ અને કમળપત્રની જેમ જગતમાં રહેલ પાપ વડે લેપાતો નથી. આથી જે માનવ મોહમાયામાં ફંસાયા વગર માત્ર બ્રહ્મને જ ધ્‍યાનમાં રાખીને પોતાના સતકર્મો પ્રત્‍યે જ લક્ષ રાખે છે તે જળમાં હોવા છતાં જળથી નિરપેક્ષ રહેતા કમળની જેમ પાપોથી મુક્ત રહે છે. શ્રી વલ્લભાચાર્યની પાંચમી પેઢીએ થયેલા શ્રી હરિરાયજી કહે છે કે કમળ હંમેશા સુર્ય તરફ પોતાની દ્રષ્ટિ રાખે છે. તે જ રીતે આપણે પણ આપણી દૃષ્ટિ કેવળ આપણા સૂર્યોશ્વર તત્વ શ્રી પ્રભુ તરફ રાખવી જોઈએ, અર્થાત્ જેમ કાદવમાં રહેવા છતાં કમળ પોતાના લક્ષ પ્રત્‍યે કટિબધ્‍ધ છે તે જ રીતે જીવોએ પણ કોઈપણ પ્રકારની મુશ્‍કેલીઓ, દુઃખોની પરવા કર્યા વગર માત્ર પોતાના વિકાસ પ્રત્‍યે જ પોતાનું ધ્‍યાન કેન્‍દ્રીત કરવું જોઈએ. ઇશાનુંપનિષદમાં કમલપત્રને જ્ઞાનીનું પ્રતિક માનતાં કહ્યું છે કે જેમ હંમેશાં પાણીમાં રહેવા છતાં પદ્મપાન કદી ભીજાતું નથી. તેમ જ્ઞાની પણ દુઃખ અને અસ્થિરતાથી સભર દુનિયામાં બદલાતી પરિસ્થિતિઓની સામે અવિચલિત બની રહે છે.

  

લલિત શાસ્ત્રમાં અને લલિત કલામાં કમળને આસક્તિ, અનુરાગ, સૌંદર્ય અને શૃંગારનું પ્રતિક માનવામાં આવ્યું હોવાથી રસિક વ્યક્તિઓએ પ્રભુની સ્તુતિ કરતાં કહે છે કે હે પ્રભુ

 

पयसा कमलं कमलेन पयः ।
पयसा कमलेन विभाति सरः ।।

  

અર્થાત્ જેમ પાણીથી કમળ શોભે છે, કમળથી પાણી શોભે છે, અને પાણી તથા કમળ એ બન્નેથી સરોવર શોભે છે એજ રીતે પ્રભુ આપ પણ એક મુખકમળ,એક હૃદયકમળ અને એક નાભીકમળ, બે હસ્તકમળ, બે ચરણકમળ, બે નેત્રકમળથી શોભી રહ્યાં છો વળી આપના હસ્તમાં રહેલ કમળ પણ આપની આ સુંદરતામાં વધારો કરે છે. 

  

વિષ્ણુ પુરાણમાં દેવરાજ ઇન્દ્ર સ્તુતિ કરતાં કહે છે કે ભગવાન વિષ્ણુનાં હસ્તમાં કમલ પુષ્પ એ નિરપેક્ષ પ્રતિક રૂપે સોહે છે, અને લક્ષ્મીજીની સ્તુતિ કરતાં દેવરાજ ઇન્દ્ર કહે છે હે વિષ્ણુપ્રિયા આપનું મુખારવિંદ કમલ સમાન સુકોમળ અને સુંદર છે, આપ પદ્માસન પર બિરાજી રહેલા છો, આપના કોમળ કરમાં પદ્મપુષ્પ સોહે છે હે માત લક્ષ્મી આપના સર્વાંગે અસ્તિત્વમાં પદ્મ છવાયેલા છે તેવા આપ પદ્મજા છો. વ્રજ ઈતિહાસમાં શ્રી યમુનાજીને પદ્મબંધોસૂતા કહેવામાં આવ્યાં છે. ( જે દિશામાં સૂર્ય ફરે છે તે દિશામાં પદ્મનું મુખ પણ ફરે છે અને સૂર્યાસ્ત સાથે કમળનું મુખ બંધ થઈ જાય છે તેથી શાસ્ત્રોમાં પદ્મને સૂર્યના સખા તરીકે ઓળખવામાં આવ્યું છે માટે કહ્યું છે કે  “मुकुन्द रति वर्धिनी जयति पद्मबंधो सुता “ અર્થાત્ જે પદ્મનાં સખા સૂર્ય છે તેની પુત્રી તે યમુનાજી) બ્રહ્મપુરાણમાં કહ્યું છે કે ભગવાન સૂર્યદેવનાં હસ્તમાં પણ એક રક્તકમળ છે જે તેમનાં સ્વભાવનું પ્રતિક છે, પિતામહ બ્રહ્માજી ભગવાન વિષ્ણુની નાભિમાંથી પ્રગટ થયેલ પદ્મ પર બિરાજેલા છે અને આ જ આસનમાં જ બિરાજીને તેમણે સૃષ્ટિ રચના સંબંધિત જ્ઞાનનો વિસ્તાર કરતાં પુરાણની રચના કરી જેને પદ્મપુરાણ તરીકે ઓળખવામાં આવે છે.

 

કમળ વિવિધ રંગોમાં જોવા મળે છે જે જીવનનાં વિવિધ રંગ દર્શાવે છે. પુરાતન યુગમાં શ્રી યમુનાજીમાં અસંખ્ય લાલ કમલીની જોવા મળતાં. આચાર્યચરણ વિઠ્ઠલેશજી કહે છે કે યમુનાજીમાં ખીલતા આ કમલિની એ ફક્ત પુષ્પ નથી એ તો શ્રી યમુનાજીનાં નયન છે. શ્રી યમુનાજી પાસે પોતાના પ્રભુને મન ભરીને નિહાળવા માટે પોતાની બે અક્ષુઑ ઓછી પડે છે માટે તેઓએ પોતાનાં રોમરોમમાં કમલિનીરૂપી અસંખ્ય નયનોની ઉત્પત્તિ કરી છે જેથી તેઓ યુગલસ્વરૂપને પોતાની અસંખ્ય આંખોએ નિહાળી શકે. જ્યારે શુભ્ર કમળનાં બે ભાવો વિષે વ્રજઇતિહાસમાં જણાવેલ છે. પ્રથમ ભાવમાં કહે છે કે રાત્રિભર શ્રી યમુનાજીને પોતાના પ્રભુનો વિરહ રહે છે. આ વિરહ દરમ્યાન તેમનાં જલમાં શુભ્ર પોયણીઑ ખીલે છે કારણ કે શુભ્ર રંગ વિરહનો વર્ણ છે, અને રાત્રિભર વિરહથી પ્રભુ માટે રાહ જોતી તેમની આંખોમાં રાત્રિજાગરણ ને કારણે લાલાશ આવી જાય છે, જે લાલ કમલિનીરૂપે ભક્તોને દેખાય છે. આથી જ શ્રી હરિરાયજી ભાવપ્રકાશમાં જણાવે છે કે શ્રી યમુનાજી અને શ્રી યુગલસ્વરૂપના પરસ્પરના વિરહના અનુરાગ વડે ઘૂંટાયેલો રંગ છે જેણે તેમના નયનોમાં ઉતરી આવી લાલ કમલિનીનું રૂપ ધારણ કર્યું છે.

 

બીજા ભાવમાં કહે છે કે વિયોગમાં રડીને લાલ થયેલા નયનોને જ્યારે શ્રી ઠાકુરજી અને શ્રી સ્વામીનિજીનો સંયોગ થાય છે ત્યારે તે નયનો નિર્મળ થઈ પ્રસન્નિત થઈ ઊઠે છે અને શ્રી ઠાકુરજી અને શ્રી સ્વામીનિજી મળી ગયા છે તેની પૂર્તિ આપતા ચંદ્રના ચંદ્રકિરણોમાં શ્રી ઠાકુરજી અને શ્રી સ્વામીનિજીનું ખીલેલું હાસ્ય તે કુમુદિની બનીને વ્રજને મહેંકાવી દે છે. નીલ કમળ શ્રી ઠાકુરજીના શ્રી અંગનો વર્ણ છે. આ નીલ કમળરૂપી શ્રી ઠાકુરજી દરેક સરોવરમાં રહીને પનઘટમાં પાણી ભરવા આવતી પ્રત્યેક સખીને પોતાની યાદ અપાવતાં. જ્યારે પીળા કમળને ખીલેલા જોઈને વ્રજમાં સખાઓ સાથે આમતેમ ફરતા શ્રી ઠાકુરજીને વ્રજ સ્વામીનિ શ્રી રાધાજીની યાદ આવતી.

 

કમળ વિષે પ્રાચીન અને અર્વાચીન કાળમાં અનેક કથાઓ આલેખવામાં આવી છે. લંકાધિરાજ રાવણને ભગવાન શંકરની પૂજા દરમ્યાન એક કમળ ઓછું પડતાં પોતાનું શીશ કમળ અર્થાત મસ્તકને જ પૂજામાં સમર્પિત કરી દીધેલું હતું, તે જ રીતે ભગવાન વિષ્ણુએ પણ કમળ વડે ભગવાન શંકરની પૂજા કરી હતી તેવું વિધાન પુરાણોમાં જોવા મળે છે. ગજેન્દ્ર મોક્ષની વાર્તામાં પણ હાથીએ કમળ પુષ્પ શ્રી હરિને સમર્પિત કરીને તેમની શરણાર્ગતિ સ્વીકારી હતી. ૧૭ મી ૧૮ મી સદી દરમ્યાન ચારણોમાં કમળ પૂજા થતી હતી અને તેમાંયે પતિ-પત્ની દ્વારા કરેલી કમળ પૂજાનું તો વિશેષ મહત્વ રહેતું હતું. શ્રી ઝવેરચંદ મેઘાણીની વાર્તાઓમાં ક્યાંક આ કમળપૂજાનો ઉલ્લેખ જોવા મળે છે. બ્રહ્મપુરાણમાં કહ્યું છે કે આસક્તિ રૂપી અનુરાગનું નામ કમળ છે, અનાસક્તિનો આદર્શ અને માંગલ્યનો મહિમા કમળ છે, પ્રકાશનું પૂજન, સૌંદર્ય શૃંગાર માટેનું સર્જન કમળ છે, જીવન તથા જીવનતત્વનું દર્શન કરાવનાર પણ કમળ છે.

 

 

લેખક: પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
[email protected]

 

 

ફૂલછાબમાં પ્રકાશિત ૩૧ ડીસેમ્બર,૨૦૧૨ 

વૈષ્ણવ પરિવારમાં પ્રકાશિત જૂન, ૨૦૧૩

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....