વ્રજતત્વનું ખોવાઈ રહેલું અસ્તિત્વ …

 

વ્રજતત્વનું ખોવાઈ રહેલું અસ્તિત્વ …

 

 

      હાલમાં શ્રાવણમાસ ચાલી રહ્યો છે. ભક્તજનો અને વૈષ્ણવો ધામધૂમથી કૃષ્ણ જન્મની ઉજવણી કરશે. પરંતુ જેની ઉજવણી કરવામાં આવે છે તે કૃષ્ણની ખરી વ્રજભૂમિ આજે શું ક્યાંય છે કે ? ભગવાન કૃષ્ણને અને સ્વામિની શક્તિ શ્રી રાધેરાણીને માનનારા અનેક ભક્તો છે, પણ આ ભક્તોને ખબર છે કે આજે તેમનાં આરાધ્યની ભૂમિનું અસ્તિત્વ ખોવાયેલું છે. હા…એક સમય હતો કે જ્યારે આ વ્રજભૂમિનાં તત્વો ખોવાયેલાં હતાં ત્યારે મધ્યકાલીન યુગમાં પુષ્ટિ પ્રણેતા શ્રી વલ્લભે વ્રજભૂમિમાં પધારીને  અતીતનાં ઈતિહાસમાં ખોવાઈ ગયેલા સમયને ફરી પ્રગટ કર્યા. પરંતુ આજની પરિસ્થિતી  કંઈક અલગ છે.

શાસ્ત્રોમાં કહે છે કે સારસ્વત યુગમાં જે દિવસે શ્રી કૃષ્ણ પૃથ્વી પર પધાર્યા તે દિવસથી પુષ્ટિ ધર્મ શરૂ થયો હતો પરંતુ શ્રી કૃષ્ણ જ્યારે ગોલોક-ધામ પાછા પધાર્યા તે જ દિવસથી કલિયુગે પોતાનાં અસ્તિત્વનો પ્રભાવ વધારી દીધો અને જેમ જેમ કલિ પોતાનો પ્રભાવ વધારતો ગયો તેમ તેમ પૃથ્વી પર રહેલ ભક્તજનોનું અને પૃથ્વીનું સ્વરૂપ બદલાતું ગયું. તેમાં એક સમય એ પણ આવ્યો કે જેમાં ભગવાન બુધ્ધનાં બૌધ્ધિક ધર્મ અને આદિ શંકરાચાર્યજીનાં વૈદિક ધર્મનો પ્રભાવ વધી ગયો હતો.  ભારત પર પાશ્ચર્ય સંસ્કૃતિએ આક્રમણ કર્યું અને વિદેશીઓનાં ધાડાં ઉતરી આવ્યાં  હતાં, તે સમયે કૃષ્ણને માનનારા ભક્તજીવો અને ધર્મનું અસ્તિત્વ લગભગ નહીવત્ થઈ ગયું, તે સમયે તે સમયે ભગવાન શ્રી કૃષ્ણએ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી રૂપે અને ચૈતન્ય મહાપ્રભુજી રૂપે પૃથ્વી પર અવતાર ધારણ કર્યો. તેમાં શુધ્ધાદ્વૈત બ્રહ્મવાદનાં સ્થાપક શ્રી વલ્લભાચાર્યજીએ ખોવાઈ ગયેલાં ધર્મને અને વ્રજભૂમિનાં તત્વોને પુષ્ટિજીવો માટે ફરી પ્રગટ કર્યા.

વ્રજ સાહિત્યમાં કહ્યું છે કે શ્રી વલ્લભે પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે, પરંતુ માર્ગનાં મૂળભૂત તત્વો એ શ્રી ઠાકુરજીનાં હૃદયમાંથી પ્રકાશિત થયેલા છે. જેમાં વૃંદાવનનાં વૃક્ષો, શ્રી ગિરિરાજજી, ગૌધન અને શ્રી યમુનાજી, વ્રજરજ વગેરે સમસ્ત વ્રજ પરિકર વસેલો છે. પુરાણોમાં કહ્યું છે કે જે વ્રજ પરિકર ભૂતલ ઉપર શ્રી કૃષ્ણની કાનીથી પ્રગટ થયેલો છે તે પરિકરનાં એક પછી એક તત્વ ધીરે ધીરે ભૂતલ પરથી અદ્રશ્ય થઈ ફરી પોતાનાં મૂળ સ્થાનમાં બિરાજી જશે. પુરાણોમાં ઉલ્લેખાયેલા આ જ વાક્યાર્થને સમજીએ તો આજે વ્રજ પરિકર ખરેખર ધીરે ધીરે વ્રજભૂમિ પરથી અદ્રશ્ય થઈ રહેલો છે. આપણી આજની વ્રજભૂમિ કમર્શિયલ થઈ ગયેલી છે, જેને કારણે જે શ્રી ગિરિરાજજી ઉપર વૈષ્ણવો પગ નથી મૂકતાં તે ગિરિરાજજીનાં શ્રી અંગ પરથી અનેક ગાડીઓ પૂરપાટ દોડી રહી છે, શ્રી યમુનાજીનાં જલ હથની ડેમ પર બંધાયેલી સ્થિતિમાં છે, વૃક્ષો કપાઈ ગયાં છે, ગૌધન દેખાતું નથી; આ બધું જ જોઈને લાગી રહ્યું છે કે આપણાં વ્રજતત્વનું અસ્તિત્વ ખરેખર ખોવાઈ રહ્યું છે અને વેદોની વાણી સત્ય થઈ રહી છે કે કાલાંતરે વ્રજનાં સમસ્ત તત્વો ધીરે ધીરે કરીને ભૂતલ પરથી તિરોહિત થઈ જશે.  

વેદો અને પુરાણોમાં કહ્યું છે કે એક સમયે વ્રજભૂમિમાં ભૂદેવીનાં ત્રણ મહત્તમ તત્વોશ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી અને લતા-પતા-ગુલ્મ-વૃક્ષ અને વેલીઓથી છવાયેલ વૃંદાવનનાં જંગલ બિરાજમાન હતાં અને તે સમય એવો હતો કે જેમાં વ્રજભૂમિનાં આ બધાં જ સૂચકો ભર્યાભર્યા હતાં. 

VRAJ PARIKRAMA

 * મોટરમાર્ગ (પણ તિરોહિત થયેલ ગિરિરાજજીનો ભાગ)  

   

વૃંદાવન, કૃષ્ણનું વૃંદાવન, જે સ્થળમાં કૃષ્ણા રાધાની અનેક નિશાનીઓ રહેલી છે તે વૃંદાવન, જ્યાં અનેક ભક્તોની આસ્થા અને શ્રધ્ધા રહેલ છે તે વૃંદાવનનો ઉલ્લેખ કરતાં પુરાણોમાં કહ્યું છે કે…….

જ્યાં સદૈવ ધરાદેવી નવકુસુમિત થઇ હરિયાળી ચુંદડી ધારણ કરીને બિરાજી રહી છે. જે ગિરિરાજજીનાં ઉચ્ચત્તમ શિખરને સ્પર્શ કરવાં જતાં પવનદેવ પણ થાકી જાય છે તેવી વ્રજભૂમિમાં ધુમ્મસ આચ્છાદિત અનેક વૃક્ષો-મહાવૃક્ષો જાણે બાજુ બાહુઓ ફેલાવી રહ્યા છે. હરિયાળું અરણ્ય મસ્તક ઊંચું કરીને ચૌતરફ નજર ફેરવી રહ્યું છે, જેમાં કદંબનાં વૃક્ષો પ્રકૃતિનાં સૌંદર્યે ગર્વન્વિત થઈ રહેલા છે અને તે કદંબનાં વૃક્ષોઓની આજુબાજુ પુષ્પપલ્લવમંડિત લત્તાપતાઑ ઝૂલી રહી છે.  નભમંડળમાંથી પ્રત્યેક રવિકિરણ ગાઢા વૃક્ષોની આસપાસ રહેલ ધરતી માતાનો ચરણ સ્પર્શ કરવા અને પોતાની અમી દ્રષ્ટિ પાથરવાં માટે થનગની રહ્યું છે, પરંતુ એકબીજાનો સાથ લઈને ઉભેલા વૃક્ષો એટલા ગાઢા થઈ ગયા હતા કે દિવસનો સમય હોવા છતાંયે રવિકિરણો ધરતી માતાને સ્પર્શી શકતાં નથી. આ ગાઢા અને ઘટ્ટ થઈ ગયેલા વૃક્ષોનો સાથ લઈ સુંદર વેલીઓ ઘટાદાર કુંજ નિકુંજોને સિધ્ધ કરી રહી છે. વૃક્ષો અને ગુલ્મ વેલીઓ પર ખિલેલા મલ્લિકા, સોનજૂહી, પલ્લવી, માધવી, માલતી, નિશિગંધા વગેરે સુવાસિત પુષ્પો અને પર્ણ દળીઓ રવિકરણ લઈને આવતા વાયુના વાયરે ઝૂમી રહ્યા છે. વૃન્દાના છોડ પોતાની મંજરીઓ સાથે લળી લળીને વાતો કરી રહ્યા છે. વૃક્ષો પોતાનાં ફલરૂપી ખજાનાને ખુલ્લા બાહોથી વાંટી રહ્યાં છે. સ્યેન, સારંગ, ધનછડી, ચિત્રરથ, ચંડોલ, પત્રરથ, કોકીલ, ભારદ્વાજ, મયૂર, સારસ, શુક, કપોત, ચટક વગેરે જેવા અનેક કિલબિલ કરતાં પંખીઓથી વૃક્ષોની ડાળી ડાળી ગુંજી રહી છે. રાત્રિકીટ તમરા પોતાનું નામ ખોટું સાબિત કરતાં હોય તેમ દિવસે પણ ત્રમ ત્રમ બોલી રહ્યાં છે. હરણ, નીલગાય, હાથી વગેરે પશુઓ વિવિધ પ્રકારે ધ્વનિ કરી રહ્યાં છે, દિવસની થોડી ઘણી બાકી રહેલી શાંતિને વાઘ, સિંહ જેવા હિંસક પ્રાણીઑ પોતાની ગર્જનાઓથી હંફાવી રહ્યા છે. શ્રી યમુનાજીની પુલીન લહેરીઓ સ્વચ્છ સલિલાથી છલકાઇ રહેલ છે, વ્રજભૂમિનાં પ્રત્યેક ઘાટો અને કુંડો સુંદર સમીરી સાથે પ્રભુ શ્રી કૃષ્ણને પોતાનું સ્વસમર્પણ કરવાં માટે જલથી છલકાઈ રહ્યા છે, અને એ છલકાતા જલમાં અનેક કમલો અને કુમુદિનીઓ પોતાનાં સંપૂર્ણ રૂપ સાથે ખીલીને અનેક કિટકો અને ભ્રમરોને પોતાની તરફ ખેંચી રહ્યાં હતાં.

* ૫૦૦૦ વર્ષ પહેલા (દ્વાપર યુગ_મહાભારત સમય )

943328_465888980162514_1713245984_nart0011 copy

શ્રી ગિરિવર ગિરિરાજજીનાં પ્રત્યેક શિખરો ઉપરથી અનેક નાના મોટા ઝરણાઑ નીચે છલાંગ મારી રહ્યાં છે, કૃષ્ણની કૃષ્ણા (શ્રી યમુનાજી) મહાસાગર શી દીસી રહી છે, જેનો એક છોર તો દેખાઈ રહ્યો છે પરંતુ બીજો છોર દૂર દૂર સુધી જોતાં પણ ક્યાંય નજરે આવતો નથી અર્થાત્ યમુનાજી અતિ વિશાલ છે.

 

9144_12

  

   શ્રી વૃંદાવનનું આવું વર્ણન વેદ અને પુરાણમાં જોવા મળે છે ત્યારે તે વાંચીને આશ્ચર્ય થાય છે. ઇતિહાસ સાક્ષી છે કે આપણા ધર્મ સ્વરૂપ અને ધર્મી સ્વરૂપ શ્રી કૃષ્ણના સમયથી લઈ મહાભારત કથાનો અંત આવ્યો ત્યાં સુધી મથુરા પ્રદેશ અને વ્રજના વિસ્તારોમાં ગાઢ જંગલો હતા. પરંતુ જ્યારે શ્રી વલ્લભ ગોકુલ પધાર્યા તે સમયનું વર્ણન કરતાં ઇતિહાસમાં કહ્યું છે કે વૃંદાવન એટલું ગાઢું તો ન હતું. પરંતુ વૃંદાવનમાં એટલા વૃક્ષો હતાં કે તે વૃક્ષોની ઘટાઓની અંદર છુપાયેલા બંદરો, ખગ (પક્ષીઓ) વગેરે દેખાતાં ન હતાં, વૃક્ષોએ હજુ પણ પોતાનો ગુણ છોડયો ન હતો તેથી પ્રત્યેક વૃક્ષ પર મીઠા મધુરા ફલો લાગેલા હતાં અને પુષ્પો પલ્લવિત થઈ રહ્યાં હતાં, અમુક સ્થળો હજુ પણ વૃક્ષોથી એ રીતે ઢંકાયેલા હતાં કે ત્યાં સૂર્યદેવને પણ પોતાનો પ્રભાવ પાથરવાની રજા મળી ન હતી (દા.ત.  ટોંડનો ઘનો, શ્યામ ઢાંક વગેરે એવી જગ્યાઑ હતી જ્યાં ઘનઘોર અરણ્ય કહી શકાય તેવા વૃક્ષો હતાં) અને અમુક સ્થળોમાં ઘટાદાર વૃક્ષોની આસપાસ ઘણા પરિવારો પોતાનાં ગૃહો સાથે વસેલા છે, ધૂળનો પ્રભાવ તો ઘણો જ છે પરંતુ એ ધૂળનાં પ્રત્યેક કણ ખૂબ સુંવાળા હોવાથી તેમાં ચાલનારનાં કદમોનાં પ્રતિક તેમાં પડી જાય છે અને એકવાર એ પ્રતીકો પડ્યા પછી ઝડપથી ભૂંસાઈ જતાં નથી અર્થાત્ માનવવસ્તી તો છે પરંતુ એટલી નથી કે ભીડની અંદર તે કદમોની પરછાઇ ખોવાઈ જાય, જળ-સ્થળની દિશા બદલાઈ ગઈ છે અર્થાત્ જ્યાં એક સમયે જળ હતું તેવા કુંડો અને ઘાટો  લગભગ અદ્રશ્ય થઈ ગયાં છે (દટાઈ ગયા છે) અને જ્યાં સ્થળ એટ્લે કે જમીનનો ભાગ હતો ત્યાં કાં તો માનવવસ્તી છે અથવા તે જગ્યા પર તળાવ અને સરોવરોનો આકાર બંધાઈ ગયો છે, એક સમયે જેનું શિખર આસમાં સાથે વાત કરી રહ્યું  હતું  અને જેનો પડછાયો મથુરામાંથી વહેતી યમુનાજીની અંદર પડતો હતો તેવા ગિરિરાજજીનું કદ નાનું થઈ ગયું છે અને યમુનાજીથી તેઓ દૂર ચાલ્યાં ગયાં છે. જે શિખરનું પૂજન કરતી વખતે ગોપ-ગ્વાલો નભ તરફ જોઈ માથું નમાવતાં હતાં તે જ શિખરોનું આજે રાજવીઓ હસ્તિ ઉપર બેસીને દર્શન કરી રહ્યાં છે અર્થાત્ અંબાડી પર બેસી તેનું પૂજન, દર્શન વગેરે કરી રહ્યાં છે, જે યમુનાજી મહાસાગર સમાન અતિ વિશાલ હતાં તે યમુનાજીમાં જલ પ્રવાહ ઘટી ગયો છે પરંતુ તે ઘટેલા જલે હજુયે પોતાની ગહેરાઈતા છોડી નથી તેથી તેમાં નવમાનવો વહાણવટું કરી રહ્યાં છે, આ સિવાય યમુનાજીમાં બીજી અન્ય એક વિશેષતા પણ જોવા મળે છે કે જે કમલ પુષ્પો સરોવર કે તળાવમાં દીસે છે તે કમલ પુષ્પો શ્રી યમુનાજીનાં જલમાં ખીલી રહ્યાં છે, આ ચૌદિવસ (આખો દિવસ અને રાત્રે) ખીલી રહેલા સુવાસિત કમલ પુષ્પોને કારણે અનેક મધુસુદનો તેનાં પર ગુંજારવ કરી રહ્યાં છે. વ્રજભૂમિમાં અનેક સશસ્ત્રધારી લોકો ગજ (હાથી)પર બેસીને આમતેમ ફરી રહ્યાં છે તદ્પરાંત એક સમયે જે ભૂમિ પર અરણ્યો લહેરાઈ રહ્યાં હતાં તે ભૂમિ પર અનેક મંદિરો અને સ્થાપત્યો જોવા મળી રહ્યાં છે. 

 

 

૫૦૦ વર્ષ પહેલા (મુઘલ સામ્રાજ્ય)

Photo 9Photo 5

                       ગજધારી                                           શ્રી યમુનાજી _મથુરા_કંસનું કારાગૃહ_

   

Photo 6

                                                                                                                                                                                                                    ગોકુલમાં રહેલા ઘાટ અને મંદિરો

 

     હવે શ્રી વલ્લભનાં સમયથી આજના સમય સુધી પ્રવાસ કરીને આજનાં વૃંદાવનમાં ફરીએ. ઉપરનું વર્ણન શ્રી વલ્લભ જ્યારે વ્રજભૂમિમાં પધાર્યા હતાં તે સમયનું હતું હાલમાં શ્રી વૃંદાવન જોઈએ તો જ્યાં ફક્ત સૂર્યદેવનો જ પ્રભાવ પથરાયેલો છે ત્યાં વૃક્ષો એટલા નથી કે બંદરો તેમાં છુપાઈ શકે, એક સમયે જે અરણ્ય સ્યેન, સારંગ, ધનછડી, ચિત્રરથ, ચંડોલ, પત્રરથ, કોકીલ, ભારદ્વાજ અનેક પક્ષીઓથી કલબલાટ કરતું હતું તે અરણ્ય હવે ગામો અને શહેરોમાં વિકાસ પામ્યાં છે, જે યમુનાજીનાં વિશાલ જલમાં એક સમયે વહાણવટું થતું હતું તે યમુનાજીનો એક સાચો પ્રવાહ પણ દેખાતો નથી, જે શિખરની છાયાનું પ્રતિબિંબ એક સમયે શ્રી યમુનાજીમાં દેખાતું હતું તે ગિરિરાજજીનું કદ નાનું થઈ ગયું છે અને ક્યાંક તો ગિરિરાજજી તો સાવ જ તિરોહિત થઈ જતાં તેમનાં શ્રી અંગ પર ડામરનો રસ્તો આવી ગયો છે. (પાંચકોશી યાત્રા દરમ્યાન આ રસ્તો આવે છે જેને મોટર માર્ગ કહે છે) અને જે શ્રી ગિરિરાજજીનું પૂજન શ્રી વલ્લભનાં સમયમાં ગજ પર બેસીને થતું હતું  તે શિખરનું કદ આજે માણસથી પણ નાનું રહી ગયું છે. વૃંદાવનમાં ધુમ્મસ આચ્છાદિત જે વૃક્ષો-મહાવૃક્ષોનું અરણ્ય હતું તે અરણ્યો હવે રહ્યાં નથી, જે યમુનાજીનાં કલકલ કરતાં જળ વહી રહ્યાં હતાં તે જળનો પ્રવાહ બદલાઈ ગયો છે (તે શુધ્ધ જળ દિલ્હી વગેરે સ્થળોએ જાય છે તે સંદર્ભમાં) જે કુંડો અને ઘાટો શ્રી વલ્લભે પ્રગટ કર્યા હતાં તે કુંડો અને ઘાટો હવે દૂષિત થયાં છે, ગિરિરાજજી લગભગ તિરોહિત થયાં છે. શાસ્ત્રોમાં કહ્યું છે એક સમય એવો આવશે કે શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી વગેરે પાછા સ્વધામ એટ્લે કે ગોલોક ધામમાં પાછા પધારશે. 

 

Apsara_Kund_Govardhan_MathuraUddhav-Kund-1

                                                  * દૂષિત થયેલા વ્રજભૂમિનાં કુંડો

   આજનો સમય જોતાં શું એવું નથી લાગતું કે વ્રજભૂમિનાં આ તત્વો પાછા પધારી રહ્યાં છે. યમુનાજી આજે વ્રજ છોડીને ગયાં તેને માટે આપણે સરકારને દોષ દઈએ છીએ પરંતુ આ કાર્ય માટે આપણે જ જવાબદાર હોઈએ તેવું નથી લાગતું? કારણ કે આપણે નદીને આધાર તત્વરૂપ એવા વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું, જંગલો સાફ કરી નાખ્યાં, જંગલો અને વન સૃષ્ટિ દૂર થતાં વરસાદ ઓછો થઈ ગયો અને વરસાદ ઓછો થઈ જતાં ચોક્કખા પાણીની કમી ઊભી થઈ ગઈ જેથી કરીને જે નદી હજુ પાંચશો વર્ષ પહેલા પાણીથી બારેમાસ છલકાતી હતી તે જ નદીઓ ઉનાળો આવતાં સુધીમાં જ સુકાઈ જાય છે. આટલું ઓછું હોય તેમ આપણે ઔદ્યોગિક ઝેરી કચરો પણ યમુનાજીમાં વહાવ્યો જેથી તે પાણીમાં પાણી ન રહેતાં ફક્ત વિષ રહી ગયું છે અને આ વિષયુક્ત જલ અનેક કાલિયનાગનાં ઝેર સમાન છે જેની અસર માનવજીવનની સાથે સાથે નદીમાં રહેતી જીવ સૃષ્ટિ અને નૈસર્ગ પર પણ પડી જ છે. વળી આ વિષયુક્ત થયેલી યમુનાજીને બચાવીશું કેવી રીતે કારણ કે જે ભૂમિ પર આપણાં યમુનાજી વહી રહ્યાં હતાં તે યમુનાજીનાં ભાગનો ભૂતલનો પ્રદેશ પણ આપણાં દેશની વધતી જતી વસ્તી છીનવી લીધો છે તેથી નથી આપણી પાસે આપણી યમુનાજીનાં ભાગની જમીન નથી તેનાં પ્રવાહનો કોઈ ભાગ …..વૈષ્ણવો આપણે જેને માતા, મહારાણીમા, દેવી સ્વરૂપા કહી જેનું પૂજન કરીએ છીએ તે શ્રી યમુનાજી માટે કંઇ રાખ્યું જ નથી પછી આ તેમનું અસ્તિત્વ પણ ક્યાંથી હોય? અને જો શ્રી યમુનાજીનું જ અસ્તિત્વ નહિ હોય તો વ્રજરજ પણ ક્યાંથી રહેવાની?

dry_river__central_india_by_coshipi-d3953a9800px-Aji_River_Basin

* આજની નદીઓ_ક્યાંક સુકાઈ ગઈ છે તો ક્યાંક નદીનો ભાગ આપણે જ છીનવી લીધો છે.

 

      ભક્તજનો આપણે જેને માતા, મહારાણીમા, દેવી સ્વરૂપા કહી જેનું પૂજન કરીએ છીએ તે લોકમાતાઓ માટે આપણે કંઇ રાખ્યું જ નથી પછી આ તેમનું અસ્તિત્વ પણ ક્યાંથી હોય? અને જો શ્રી યમુનાજીનું જ અસ્તિત્વ નહિ હોય તો વ્રજરજ પણ ક્યાંથી રહેવાની? વળી વૃંદાવનનાં વૃક્ષો, જંગલો ઓછા થતાં તેની અસર પશુપક્ષીઓઑ રૂપી વ્રજભકતો પર પણ થઈ છે આજે ચારો ન મળી શકવાને કારણે વ્રજભૂમિ પરથી ગૌધન ઓછું થયું છે એક સમયે જે ગૌધનની ઘંટડીઓનાં નાદથી વ્રજભૂમિની ગલીઑ ગુંજતી હતી અને વ્રજરજનો સ્વાદ તન-મનને પવિત્ર કરી રહ્યાં હતાં તેજ વ્રજરજ હવે વાહનોનાં ધુમાડાથી ઊડતી દેખાય છે અને તે પ્રદુષિત થયેલી રજથી તન-મન પવિત્ર થતાં હશે કે કેમ તે એક સવાલ છે. આસ્થા અને સત્ય બંને અલગ અલગ છે તેથી આસ્થા વડે આપણે એમ તો કહીએ છીએ કે ગમે તે સ્વરૂપમાં વ્રજરજ તે વ્રજરજ છે અને જો એમ જ હોય તો જે યમુનાજી છે તે યમુનાજી છે શ્રી યમુનાજીનાં શુધ્ધ જલને સરકાર પાસેથી છોડાવવા માટે આપણે આટલી મહેનત શા માટે કરીએ છીએ? હા શ્રી ગિરિરાજજીનું તિરોહિત થતું સ્વરૂપને આપણે બચાવી ન શક્યાં પરંતુ શ્રી યમુનાજી, વ્રજભૂમિનાં વૃક્ષો, વ્રજ રજ અને ગૌધનને બચાવવા માટે આપણે સંકલ્પ લઈએ. વ્રજભૂમિની યાત્રાએ જતો પ્રત્યેક વૈષ્ણવ પોતાનાં રૂમની સાથે પોતે જ્યાં જાય છે તે સ્થળને ચોખ્ખું રાખે અને વ્રજભૂમિમાં જ વસતાં વૈષ્ણવો પોતાનાં ગૃહની પાસે ફક્ત એક વૃક્ષ વાવે અને તેનું પોતે જ ખ્યાલ રાખે. બસ એક નાનકડાં પ્રયત્નથી જ આપણે શું નવી શરૂઆત કરી શકીએ કે? સાથે સાથે બીજું સત્ય એ પણ છે કે આપણી વ્રજભૂમિને સ્વસ્થ અને પવિત્ર રાખવા માટેનું પ્રથમ પગલું આપણે જ લેવું પડશે કોઈપણ આશા વગર અને કોઇની મદદ લીધા વગર, કારણ કે આપણી મદદ આપણે જ પોતે કરી શકીએ છીએ. માટે આજથી જ આપણાં ખોવાયેલા વ્રજભૂમિનાં તત્વોને શોધવા માટે ફરી પ્રયત્નબધ્ધ થઈશું તો જ કદાચ આપણને આપણાં વ્રજ તત્વનું ખોવાઈ રહેલું અસ્તિત્વ મળી શકશે.આ ફક્ત યમુનાજીની જ વાત નથી પરંતુ, આ વાત આપણાં દેશની બધી જ લોકમાતાઓ માટે લાગુ પડે છે. તેમાં ગંગાજી હોય કે કોશી, આજી, સાબરમતી, કાવેરી, કૃષ્ણા હોય. આ બધી જ લોકમાતાઓનું અસ્તિત્વ આજે જોખમમાં ગણાય છે, ત્યારે શું આપણે કોઈ આંખ, મસ્તક અને બુધ્ધિને ખોલીશુ ખરા કે?

 

* નિશાનીવાળા ફોટાઓ નેટજગતને આભારી છે. બાકીનાં ફોટાઓ બ્રિટિશ લાઈબ્રેરીનાં છે જે કોલમ્બિયા યુનિવર્સિટી પાસેથી પ્રાપ્ત થયેલ છે. 

 

 

પૂર્વી મોદી મલકાણ –(યુએસએ)
[email protected]

[email protected] -2013 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન: પ્રસિદ્ધિ માટે અનુમતિ આપવા બદલ અમો ‘પારિજાત.વર્ડપ્રેસ.કોમ’  તેમજ શ્રીમતી પૂર્વીબેન નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • M.D.Gandhi, U.S.A.

    બહું જ સુંદર માહિતી સભર છે.

  • Bharat Shantilal Mehta

    બહું જ સુંદર માહિતી સભર પોસ્ટ છે..આભાર શ્રીમતી પૂર્વીબેન…