મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત શ્રી વલ્લભ સાખી … ભાગ -[૪] …

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત …. 
શ્રી વલ્લભ સાખી   …   (૨૬-૩૩) (ઉત્તરાધ) …

-મહેશ શાહ, વડોદરા …

ભાગ – [૪]

 

vallabh sakhi

 

 

પુષ્ટિ માર્ગમાં પ્રેમ લક્ષણા ભક્તિનો હરિયાળો બાગ શ્રી વલ્લભની કૃપાથી વિલસે, વિકસે, ફળે ફૂલે એ જ તો ‘સત્સંગ’નો પરમ ઉદ્દેશ છે. આવો, છવીસમી સાખીનું અવગાહન કરીએ.

 

જગમેં મિલન અનૂપ હૈ, ભગવદીયન કો સંગ |
તિનકે સંગ પ્રતાપતેં, હોત શ્યામ સોં સંગ ||૨૬||

 

જગતમાં સાચા ભગવદીયોનો સત્સંગ મળવાનું અત્યંત દુર્લભ છે. તેના ઘણાં કારણ છે. એક તો આ કઠીન કાળમાં પ્રભુના કૃપાપાત્ર સાચા તાદ્રશી વૈષ્ણવો જ જૂજ હોય છે. જેઓ છે તેઓ પોતાનું સ્વરૂપ ગુપ્ત રાખે છે તો વળી ઘણા સાચો ભાવ પ્રગટ ન થઇ જાય તે હેતુથી વિપરીત બાહ્યાચાર રાખે છે. તેથી ઉલટું ઘણા દંભી લોકો સ્વપ્રસિધ્ધી હેતુ કે અન્ય લૌકિક હેતુ સિદ્ધ કરવા ભગવદીય હોવાનો ડોળ કરતા હોય છે. ભૂલથી પણ તેવાનો સંગ થઇ જાય તો આપણું અહિત થવાનું નક્કી છે. જો આપણે જાગૃત ન રહીએ તો સત્સંગને બદલે કુસંગ મળી જાય, ‘લેને ગઈ પૂત ઔર ખો આઈ ખસમ’ વાળો ઘાટ થાય. એટલે ભગવદીયનો સંગ જોઈ પારખીને કરવો. સાચા ભગવદીયનો ઘડીકનો સંગ પણ પ્રિયનું મિલન કરાવે છે. ધ્રુવજીએ બાળ વયમાં પ્રભુ પ્રાપ્ત કર્યા તે નારદજીના સત્સંગનો જ પ્રતાપ હતો ને?

 

હરિજન આવે બારને, હંસી હંસી નાવેં શીશ |
ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ ||૨૭||

 

પ્રભુના પ્યારાનું માન-સન્માન હંમેશા જાળવવું જોઈએ. તેઓ જ્યારે આપણાં ઘરે પધારે ત્યારે પ્રસન્નતાથી સ્વાગત કરવું જોઈએ. તેમના આગમનના કારણે જ તેમના હૃદયમાં બિરાજતા પ્રભુ આપણે ત્યાં પધાર્યા હોઈ તેમને પ્રણામ કરવા જોઈએ. પ્રથમ શિક્ષાપત્રના ૧૮મા શ્લોકમાં કહ્યું છે કે તદીયમાં સ્વકીય (પોતાપણાંનો) ભાવ રાખવો, અન્યમાં ભેદબુધ્ધિ રાખવી. આવો, શ્રી હરિરાયજી સાથે આપણે પણ ગાઈએ, ‘હોં વારી ઇન વલ્લભિયન પર, મેરે તનકો કરોં બીછોના, શીશ ધરોં ઇનકે ચરનન તર.’

 

ઉપર કહ્યું તેમ ભગવદીય પોતાનું સાચું સ્વરૂપ ગુપ્ત રાખતા હોય છે, વિપરીત બાહ્યાચારથી લોકોને દુર રાખવાની કોશિશ પણ કરતા હોય છે. આથી મારે જગ કાજી (judgmental)બની તેમના આચાર વિચારનું વિશ્લેષણ કરી દોષના ભાગી બનવાની જરૂરત નથી. તેઓના ભગવદ્ પ્રેમ અને પ્રભુમાં તેમની ભાવનાને કારણે મારા માટે તો તેઓ સાક્ષાત પ્રભુનું જ સ્વરૂપ છે. હરિ-ગુરૂ-વૈષ્ણવ એક જ સ્વરૂપ છે તેમાં ભેદ દ્રષ્ટિ બાધક છે.

 

હરિ બડે, હરિજન બડે, બડે હૈં હરિ કે દાસ |
હરિજન સોં હરિ પાવહીં, જો હૈ ઇનકેં પાસ ||૨૮||

 

પ્રથમ શિક્ષાપત્રના ૧૯મા શ્લોકમાં આજ્ઞા છે કે તદિયમાં (પ્રભુ/આચાર્યજીમાં છે) એવો જ ભાવ રાખવો. હરિ, ગુરુ, વૈષ્ણવમાં ભેદદ્રષ્ટિ ઘાતક છે. એવી માનસિકતા આપણી પુષ્ટિ પંથે પ્રગતિમાં પ્રચંડ પ્રતિબંધ કરે છે. અહીં કહેવાયું છે કે પ્રભુ તો મહાન છે જ પણ હરિજન અને હરિના દાસ પણ મહાન છે. ખરેખર તો જો આ સાખીની રચનાનો ઝીણવટથી અભ્યાસ કરીએ તો એવું લાગે છે કે જાણે શ્રી હરિરાયજી એવું કહેવા માગે છે કે હરિ તો મોટા છે જ પણ હરિજન અને હરિના દાસ તેમનાથી પણ મોટા છે. આમ જોઈએ તો વાત સાચી પણ છે કારણ કે સમગ્ર બ્રહ્માંડ જે પ્રભુના ઇશારે નાચે છે તેમને છાલિયા જેટલી છાસ માટે પણ ગોપી પોતાના નેહના બળે નચાવી શકે છે.

 

દૈવી જીવને પ્રભુને પામવાની લાલસા હોય છે. ભગવદીયના માધ્યમથી સરળતાથી આપણને શ્રી હરિની પ્રાપ્તિ થઇ શકે છે કારણકે તેઓ આપણાં સારથી બની આપણને પ્રભુ પ્રાપ્તિ કરાવી દે છે. ત્રીજા શીક્ષાપત્રના ૯ મા શ્લોકમાં કહ્યું છે કે ભગવદીય શ્રી કૃષ્ણના ચરણોમાં અકારણ પ્રીતિનો બોધ કરાવે છે. તેવી જ રીતે ચોથા શીક્ષાપત્રના ૧૯ મા શ્લોકમાં કહ્યું છે કે આજના(અનવતાર) યુગમાં તાદ્રશીયનો સંગ જ ખરો ઉધ્ધારક ઉપાય છે. આમ હરિને પામવા ભગવદીયનું શરણ લેવું જોઈએ કારણ કે ભગવદીયનો સંગ પ્રભુ પ્રાપ્તિનો રાજમાર્ગ છે.

 

મન નગ તાકોં દીજિયે, જો પ્રેમ પારખી હોય |
નાતર રહિયે મૌન વ્હૈ, કાહે જીવન ખોય ||૨૯||

 

અજાણ્યાને આંખ પણ ન અપાય તો મન આપતાં પહેલાં બહુ જ વિચાર કરી લેવો જોઈએ. આપણે ભલે ભૂતલ ઉપર આવ્યા છીએ પણ પુષ્ટિ-પારસના સ્પર્શે અને મૂળ દૈવી જીવ હોઈને આપણું મન એક અણમોલ મણી સમાન છે. તે સમજ્યા વગર કોઈના હવાલે ન કરાય. અયોગ્ય વ્યક્તિને આપણા મનનો કબજો લેવા દઈએ તો મન પ્રદુષિત થઇ જાય અને અંતે તો આ દુર્લભ માનવ જન્મ વ્યર્થ જાય. આમ પણ વેદ વાક્ય છે કે મન જ સર્વ બંધન અને મુક્તિનું કારક છે. હીરાનું મૂલ્ય ઝવેરી જ સમજે તેવી રીતે જ આપણું મન માત્ર તેમાં રહેલા પ્રભુ-પ્રેમને પારખી શકે તેવાને જ સોંપાય. વાંદરાની ડોકે હીરો ન બંધાય!

 

કોઈ કહેશે કે એવા પારખી મનુષ્ય આજના યુગમાં ન મળે તો શું કરવું? આવા સંજોગોમાં મૌન એ જ પરમ ભૂષણ માની પોતાની ભાવનાઓનું મનમાં જ સંગોપન કરી સંરક્ષણ કરવું જોઈએ. વ્યર્થ વાતોમાં અણમોલ જીવન ગુમાવી ન દેવાય. આવી પરિસ્થિતિમાં માર્ગના ગ્રંથોનો સત્સંગ ઉત્તમ છે.

 

પ્રેમ પારખી જો મિલેં, તાકી કરી મનુહાર |
તીનસોં પ્રિયા પ્રીતમ મિલે, સબ સુખ દીજે વાર ||૩૦||

 

આવા પ્રેમ પારખી મળવા દુર્લભ છે પણ જો પ્રભુ કૃપાથી મળી જાય તો તેમને અત્યંત દીનતાથી વિનંતીઓ કરી ખુબ જ મનુહાર કરી જે ઉપાયે પ્રસન્ન થાય તે કરીને તેમને પ્રસન્ન કરવા. ૨૮ મી સાખીની વાતમાં આપણે જોયું તેમ પ્રેમના પારખી મરમી ભગવદીય આપણને પ્રભુ પ્રાપ્તિ કરાવી દે છે. તેમની મારફત આપણા પ્રભુ અને તેમના પ્રિયા એવા શ્રી સ્વામિનીજી મળશે. જો તે પ્રાપ્તિ થતી હોય તો અન્ય સૌ સુખ તેના પર વારી દેવા જોઈએ. અન્ય શબ્દોમાં પ્રિયા પ્રિતમની પ્રાપ્તિ એ જ આપણું સર્વોચ્ચ સુખ છે અને તે જ આપણું પરમ ધ્યેય હોવું જોઈએ.

 

રંચક દોષ ન દેખિયે, વે ગુણ પ્રેમ અમોલ |
પ્રેમ સુહાગી જો મિલે, તાસોં અંતર ખોલ ||૩૧||

 

ભગવદીયમાં ક્યારેય દોષ દ્રષ્ટિ ન રાખવી. તે પ્રભુ પ્રેમમાં તરબત્તર રહેતા હોઈ કદાચ ક્યારેક બાહ્યાચારમાં ત્રુટી જોવા મળતી હોય છે. ગુજરાતના પેલા વૈષ્ણવ વાઘાજી રાજપૂત અપરસ વગર તો ઠીક પણ મોજડી પહેરીને ઠાકોરજી સમક્ષ ઘી ધરાવવા પહોંચી ગયા હતા તે યાદ છે ને? પ્રભુમાં અનહદ પ્રેમ એ જ ભગવદીયનો સૌથી મોટો અને અમૂલ્ય ગુણ છે. જેમ સૂર્યના પ્રકાશમાં તારાઓ લૂપ્ત થઇ જાય છે તેમ આ એક ગુણ-માર્તંડ પાસે અન્ય નાના નાના દોષનું કોઈ જ મહત્વ નથી. જો, જ્યારે અને જ્યાં પણ આવા પ્રેમ સૌભાગ્યના અધિકારી મળી જાય તો ત્યાં તેમની પાસે આપણું અંતર ખુલ્લું મૂકી દેવું જોઈએ. આવા ભગવદીયો પાસે ભાવનાના પ્રવાહને મુક્તપણે વહેવા દેવો જોઈએ. બંને બાજુની ભાવના સરિતાના સુભગ સંગમથી આપણું જીવન ધન્ય બની જશે.

 

સાધના કરો દ્રઢ આશરો, કુલ ભજવો ફલ એક |
પલક પલક કેં ઉપરેં, વારો કલ્પ અનેક ||૩૨||

 

ભક્ત ધ્રુવને છ માસની કઠણ સાધના પછી પ્રભુ કૃપાની પ્રાપ્તિ થઇ હતી. સાધના વગર સિદ્ધિ ક્યારેય કે કોઈને ય મળતી નથી. ફળની પ્રાપ્તિ માટે સાધના જરૂરી છે. જીવ દુર્બળ છે. તેના પ્રયત્નોનું જોર આવા ફળ માટે અપૂરતું જ રહેવાનું. કોઈ કહેશે, જો એમ જ હોય તો પ્રયત્નો કરવા જ શા માટે ?   ના, એ યોગ્ય વિચાર નથી. પ્રયત્નો આપણી આતુરતાના, આપણી તાલાવેલીના સંદેશવાહક છે. એનાથી પ્રભુ સુધી આપણી ઈચ્છા પહોંચે છે અને તેથી જ પ્રભુને કૃપા કરવાનું મન થાય છે. અહીં શ્રી હરિરાયજી કહે છે કે દ્રઢ આશ્રય એ જ સૌથી મોટી સાધના છે. દ્રઢ આશ્રય સાથે એક કુળને ભજતા રહીએ. કુળને શા માટે ભજવાનું?   આના માટે ભગવદીયો બે કારણ આપે છે. પ્રથમ તો સર્વોત્તમ સ્તોત્રના ૨૨મા શ્લોકમાં દર્શાવ્યું છે તેમ શ્રી આચાર્યજીએ દૈવી જીવોના હિતાર્થે પોતાનું સંપૂર્ણ (અશેષ) માહાત્મ્ય સ્વવંશમાં સ્થાપિત કર્યું છે. તેથી વલ્લભ કુળને ભજવામાં શ્રી વલ્લભની જ ભક્તિ છે. બીજું કારણ એ છે કે વલ્લભ સ્વયમ્ પોતાના વંશજોના હૃદયમાં બિરાજી વૈષ્ણવોની સેવા સ્વીકારે છે.

 

આ કુળ(અને તેના માધ્યમે શ્રી વલ્લભ)નું સ્થાન મારી પલકો પર છે. તેમના એક નિમેશના દર્શન-સુખ ઉપર તો અનેકાનેક કલ્પ ઓવારી દેવાય.

 

શ્રી વલ્લભ જીવન પ્રાણ હું, નયનન રાખો ઘેર |
પલકન કે પરદા કરોં, જાન ન દેહો ફેર ||૩૩||

 

શ્રી વલ્લભ વૈષ્ણવોના જીવન આધાર છે. શરીરમાં પ્રાણનું જે મહત્વ છે તેથી પણ અદકેરું મહત્વ આપણાં જીવનમાં શ્રી વલ્લભનું છે. આપની સન્મુખ થવાથી જ શ્રી કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ થઈ જાય છે. (સાનિધ્યમાત્રદત્ત શ્રીકૃષ્ણ પ્રેમ: સ.સ્તો. શ્લો. ૧૭) તેમને નયન માર્ગેથી હૃદયમાં સ્થાપિત કરવાનો અને કાયમ માટે ત્યાં જ સ્થાપિત કરી દેવાનો એક સરસ ઉપાય શ્રી હરિરાયજી બતાવે છે. આપ આજ્ઞા કરે છે કે શ્રી વલ્લભને દ્રષ્ટિના ઘેરામાં જ રાખો અર્થાત તેમના ઉપરથી નજર અન્યત્ર જવા ન દો. આપણાં દ્રઢ આશ્રયમાં અને આપણી અનન્યતામાં લેશ માત્ર શિથીલતા ન આવવી જોઈએ. એક વાર હૃદયમાં પ્રભુ બિરાજે પછી પાંપણનો પડદો પાડી આપના બહાર જવાની શક્યતા જ મિટાવી દો. પલક મુંદવાથી એક બીજો પણ ફાયદો થશે. આપણી નજર આમતેમ ભટકતી બંધ થશે અને ચિત્ત પ્રભુમાં જ રમમાણ રહેશે.

 

 

 

© Mahesh Shah 2013
 

 
સૌજન્ય – સાભાર : મહેશ શાહ, જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા  ૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
eamil : [email protected]

 

 

શ્રી મહાપ્રભુજી હરિરાયજી કૃત ‘શ્રી વલ્લભ સાખી’ ની ઝાંખી, મહેશ ભાઈ શાહ, વડોદરા ની કલમ દ્વારા ‘દાદીમા ની પોટલી’ પર આપ સમયાંતરે નિયમિત માણીશકો તે માટે અમારો નમ્ર પ્રયાસ છે..

 

‘દાદીમા ની પોટલી’ પર શ્રી વલ્લભ સાખીની પોસ્ટ મોકલવા બદલ અમો શ્રી મહેશભાઈ શાહ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.  

 

આપના બ્લોગ પોસ્ટ પરનાં પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.
 

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • Purvi

    Bahu j sundar maheshji Ghana Samaythi nava part ni raah joti hati.