પ્રગટ્યા પુષ્ટિ મહારસ શ્રી વલ્લભ. …

પ્રગટ્યા પુષ્ટિ મહારસ શ્રી વલ્લભ. …

 

 

 vallabha chaarya

 

સદીઓથી પ્રભુથી છૂટા પડેલા, અજ્ઞાન રૂપી અંધકારમાં ડૂબેલા, અવિદ્યાથી વ્યાપ્ત સ્થિતિમાં રહેતાં જીવોનાં કલ્યાણ અને ઉત્કર્ષનો માર્ગ જ્યારે ન રહ્યો ત્યારે લોકોને સન્માર્ગથી ભ્રષ્ટ કરવા માટે પાખંડીઓનો ભાર પૃથ્વી પર વધી ગયો. મધ્યાકાલીન યુગમાં તાંત્રિકો, ભૂવા-ભારાડીઑ, માંત્રિકો વગેરે લોકોનું શોષણ કરવા લાગ્યાં. પ્રજા અને સમાજમાં કલેશ, ઝગડા તેમજ સંકુચિતતાએ સ્થાન લઈ લીધેલું હતું જેણે કારણે લોકોનો ધર્મ પરનો અંકુશ હાથમાં ન રહેતાં તેમની શ્રદ્ધા અંધશ્રધ્ધામાં પરિવર્તિત થઈ ગઈ હતી. આ ઉપરાંત રાજા-મહારાજાઓ પ્રજાની હિત ભાવનાનો વિચાર છોડીને સ્વયંનાં આનંદપ્રમોદમાં ડૂબી ગયાં હતાં.

 

વિદેશી પ્રજાઓનું આક્રમણ વધી ગયું હતું. આવી ભયંકર પરિસ્થિતીમાં પુષ્ટિ મહારસ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનું પ્રાકટ્ય વિ.સં ૧૫૩૫ માં વૈશાખ વદ ૧૧ ને દિવસે મધ્યપ્રદેશ (હાલમાં છત્તીસગઢ)નાં રાયપૂર શહેરની નજીક આવેલા ચમ્પારણ્યમાં થયું હતું. જેમણે આસુરી દુઃસંગથી ભટકી ગયેલા જીવોનો ઉધ્ધાર કર્યો હતો. તેમણે પ્રસ્થાપિત કરેલા માર્ગને શુધ્ધાદ્વૈત બ્રહ્મવાદ તરીકે ઓળખાય છે. જગતને ગુરુજ્ઞાન આપનાર જગત્ગુરૂ શ્રી વલ્લભાચાર્યજીનાં તો – કોઈ જ ગુરુ ન હોઈ શકે પરંતુ લૌકિકમાં વેદ મર્યાદા જાળવવા માટે અને પિતા લક્ષ્મણભટ્ટની ઇચ્છાને પૂર્ણ કરવા માટે શ્રી વલ્લભે વિવિધ ગુરુઓ પાસેથી શિક્ષા રૂપી દાન લીધું છે.

 

આમ કરવા પાછળ શ્રી વલ્લભનો હેતુ એ પણ હતો કે જો તેઓ તેમ ન કરત તો વિવિધ શાસ્ત્રર્થો દરમ્યાન તેઓ ભિન્ન ભિન્ન ધર્મનાં આચાર્યો સાથે આચાર્ય તરીકે વાદવિવાદ શી રીતે કરી શકત? અને ગુરૂજનો પાસેથી શિક્ષારૂપી જ્ઞાન લઈને તેમણે ગુરુધર્મનો મહિમા પ્રકટ કર્યો છે. આમ જગતમાં ગુરૂજનોનો મહિમા વધારવા માટે શ્રી વલ્લભનાં પણ લૌકિક/અલૌકિક ગુરુઓ હતાં જેમણે શ્રી વલ્લભને વિવિધ વિષયો ઉપર વિદ્યા શીખવાડી હતી.

 

 

શ્રી વલ્લભાચાર્યજીનાં મુખ્યતઃ ૯ લૌકિક અલૌકિક શિક્ષાગુરુ અને દીક્ષાગુરુ હતાં. કાશી, અડેલ અને ચરણાટનાં નિવાસ દરમ્યાન ઈલ્લામાગારુ અને યલ્લમાગારુ બંને માતા પાસેથી બાલ વલ્લભને વાત્સલ્ય, સ્નેહ, કારુણ્ય, ઔદાર્ય, આનંદ, શૃંગાર શાસ્ત્ર, પાકશાસ્ત્ર, ગૃહસ્થધર્મની વ્યવહારિકતા અને આતિથ્યધર્મનું પાલનની વિદ્યા મળી. કાશી, અડેલમાં નિવાસ દરમ્યાન પિતા લક્ષ્મણ ભટ્ટ પાસેથી શ્રી વલ્લભને ગોપાલમંત્રની દીક્ષા અને વેદ ગાયત્રીનો ઉપદેશ મળ્યો. ઉપરાંત મોટા થયાં બાદ શતાવધાની વિદ્યા, આરોગ્ય શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર, વ્યાકરણ શાસ્ત્ર, કાવ્ય શાસ્ત્ર, ઈતર ધર્મ અને કલા શાસ્ત્રો વગેરેનો પણ પૂર્ણ અભ્યાસ કર્યો.

 

કાશીમાં કુલ પરંપરા અનુસાર તેમને ગુરુવર્ય કુલ પુરોહિત શ્રી વિષ્ણુચિત્તજી પાસે યજુર્વેદની તૈત્તરિય શાખાનું અધ્યયન કરાવવામાં આવ્યું ત્યાર બાદ સંપૂર્ણ યજુર્વેદનો પૂર્ણ અભ્યાસ કરાવવામાં આવ્યો, શ્રી વલ્લભે કાશીમાં પોતાના ચતુર્થ ગુરુ શ્રી તિરુમલ્લજી પાસે ઋગ્વેદ અને સામવેદનો પૂર્ણ અભ્યાસ કર્યો, ગુરુ માધવાનંદજી પાસેથી શ્રી વલ્લભે ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભગવત્, શાંડિલ્ય સૂત્ર, નારદ પંચરાત્ર, અને સમસ્ત પુરાણો ભણ્યા, આંધ્ર નારાયણ દિક્ષિતજી પાસેથી ઉપનિષદો અને સર્વ વાદો વિષે ભણ્યા. પ્રયાગમાં શ્રી નારાયણેન્દ્રતીર્થ પાસેથી અને અડેલમાં શ્રી માધવેન્દ્ર યતિજી પાસેથી તેઓ સન્યાસ આશ્રમ વિષે ભણ્યા.

 

 

shrjibawa & vallbhacharya

 

 

આપશ્રી વલ્લભે ૧૧ વર્ષની ઉમરથી ત્રણ વાર ભારત પરિક્રમા કરી અનેક જીવોને શરણે લીધા અને માયાવાદનું ખંડન કરી બ્રહ્મ અને જગત બંને સત્ય છે એ બ્રહ્મવાદને સ્થાપિત કર્યો. આપે આજ્ઞા કરતાં કહ્યું કે ભક્તિને પ્રાપ્ત કરવા માટે કર્મ,જ્ઞાન અને ભક્તિ એમ ત્રણ માર્ગો છે. જેમાં જેની નિષ્ઠા અને અધિકાર રહેલો છે તે માર્ગ તેમને માટે શ્રેયકર છે, પણ સાથે સાથે એ પણ જણાવ્યું છે કે કર્મ અને જ્ઞાનમાર્ગમાં જીવે ઘણું જ કઠોર પરિશ્રમ કરવો કરવું પડે છે જ્યારે ભક્તિમાર્ગ જીવોને માટે સરળ અને સુલભ છે. જેમાં જીવ આનંદ સાથે કૃતાર્થ થાય છે. આમ શ્રી વલ્લભે ભક્તિને સર્વશ્રેષ્ઠ સાધન બતાવ્યું છે.

 

શ્રી વલ્લભે શ્રીમદ્ ભાગવત્જી ઉપરનો ગૂઢાર્થ પ્રગટ કરી શ્રી સુબોધિનીજી નામની ટીકા લખી અને શ્રી કૃષ્ણ જ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ છે તેથી તેમની સેવા કરવી એજ વૈષ્ણવજનોનો ધર્મ છે તે કથનને સિધ્ધ કર્યું છે. વેદોએ શુદ્ર સ્ત્રીઓને જે અધિકાર નથી આપ્યો તે અધિકાર શ્રી વલ્લભે શુદ્ર સ્ત્રીઓને આપીને તેમનો ઉધ્ધાર કર્યો છે. આ ઉપરાંત પુષ્ટિમાર્ગમાં સ્ત્રીભાવ જ મુખ્ય છે તેમ પણ પ્રતિપાદન કરી કૃષ્ણપ્રેમ ભક્તિનું દાન કર્યું છે. આચાર્યચરણ શ્રી વલ્લભે ૮૪ ગ્રંથની રચના કરી છે અને આપશ્રીનાં સેવકોની સંખ્યા પણ ૮૪ છે. તેમણે ભારત વર્ષમાં જ્યાં જ્યાં બેસીને શ્રી ભાગવતજીનું પારાયણ કરું છે તે જગ્યાઓ આજે ૮૪ બેઠકો તરીકે પ્રચલિત છે. પુષ્ટિ મહારસ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીને પુષ્ટિ અને ભક્તિ ધર્મના પ્રણેતા માનવામાં આવ્યાં છે. જેમણે કેવળ દીનતા અને શ્રધ્ધાપૂર્વક કરેલ કૃષ્ણભક્તિ દ્વારાસચ્ચિદાનંદ સ્વરૂપ પરમતત્ત્વને પામવાનો સરળ માર્ગ ચીંધાડયો છે.

 

 

 

સંકલન: પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
[email protected]

વૈષ્ણવ પરિવારને આધારે

 

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

નોંધ :  આજ રોજ શ્રીમદ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ૫૩૬ માં પાર્દુભાવ મહોત્સવ નિમિત્તે    – આજની પોસ્ટ મૂકવા નમ્ર કોશિશ  કરેલ છે.  આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો પૂર્વીબેન મોદી – મલકાણ (યુએસએ)નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 ‘પુષ્ટિ પ્રસાદ’ કેટેગરી હેઠળ  દર રવિવારે પ્રકાશિત કરવમાં આવતી — ‘શિક્ષાપત્ર ૩૧મુ’ ની આજની પોસ્ટ શ્રીમદ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ૫૩૬ માં પાર્દુભાવ મહોત્સવ નિમિત્તે    – બ્લોગ પર મૂકી શકેલ નથી -જે હવે પછી આવતા વીકમાં મૂકવા નમ્ર કોશિશ કરીશું, આપ સર્વેને આ કારણ સર જો કોઈ મુશ્કેલી પડેલ હોય તો તે બદલ અમો દિલગીર છીએ. … આભાર !

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....