મેથી … ( એક ઉત્તમ ઔષધ) …

મેથી …

 

 

METHI

 

 

મેથી એક ઉત્તમ ઔષધ છે. …

 

આપણાં રોજિંદા આહારમાં છએ છ રસો હોવા જરૂરી છે. કડવો રસ પણ ભોજનમાં આવવો જોઈએ. ગળ્યો, ખાટો, ખારો, કડવો, તીખો અને તુરો આ બધામાં કડવો રસ જ અરુચિકર હોવાથી તે કોઈને ગમતો નથી, પરંતુ આપણાં પૂર્વજોએ આ અપ્રિય રસયુક્ત મેથીને રોજિંદા આહારમાં સુંદર રીતે વણી લીધી છે. મેથીને વઘાર દ્રવ્યોમાં સ્થાન આપી તેની અપ્રિયતાને પલટી નાંખી એને રુચિકર બનાવી દીધી છે. આ મેથી જેમ એક ઉત્તમ આહાર દ્રવ્ય છે તેમ એક ઉત્તમ ઔષધદ્રવ્ય પણ છે. અહીં આ વખતે તેના ગુણો અને ઉપયોગો વિષે આયુર્વેદની દૃષ્ટિએ થોડું જાણીએ.

 

ગુણધર્મો …

 

ભારતના અનેક પ્રદેશોમાં મેથી ખેતર અને વાડીઓમાં વવાય છે. શિમ્બી કુળની આ વનસ્પતિ ૧થી૨ ફૂટ ઊંચાઈના છોડરૂપે થાય છે.
આયુર્વેદ પ્રમાણે મેથી સ્વાદમાં કડવી અને તીખી, ગરમ, પિત્તવર્ધક, ભૂખ લગાડનાર, પચવામાં હળવી, બળપ્રદ, હૃદય માટે હિતકારી અને મળને અટકાવનાર છે. મેથીના દાણા કરતાં તેની ભાજી થોડી ઓછી ગરમ, વાયુનાશક, સોજા મટાડનાર, પિત્તશામક અને પાચનકર્તા છે.
રાસાયણિક દૃષ્ટિએ તેના બીજમાં એક દુર્ગંધી અને કડવું સ્થિર તેલ ૬-૮% અને ભૂરા રંગનું એક ઉગ્રગંધી ઉડનશીલ તેલ અલ્પ પ્રમાણમાં હોય છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્ર્ટ, ચરબી, જળ, લોહ, સોડિયમ, પોટેશિયમ, વિટામિન વગેરે આવશ્યક માત્રામાં રહેલાં છે.

 

 

ઉપયોગ …

 

મેથી પેટની તકલીફોનું ઉત્તમ ઔષધ છે. વાયુ, મોળ, ઊબકા, આફરો, ખાટા ઘચરકા, વધારે પડતા ઓડકાર, પેટમાં ઝીણી ચૂંક, બંધાયા વગરનો પાતળો ઝાડો એ બધા ઉપદ્રવમાં આ સરળ ઘરગથ્થુ ઉપચાર કરવો. બે ચમચી મેથી અને બે ચમચી સુવા એ બંને અધકચરા શેકીને ચૂર્ણ કરી લેવું. સવાર-સાંજ એક-એક ચમચી જેટલું આ ચૂર્ણ ફાકી, ચાવીને પેટમાં ઉતારી જવું. ઉપર્યુક્ત બધી તકલીફોમાં ફાયદો થશે.

 

સ્ત્રીઓના શ્વેતપ્રદર (સફેદ પાણી પડતું હોય તે) માં મેથીનું સેવન લાભકારક છે. સુવાવડ પછી ઘણી સ્ત્રીઓને પ્રદરની ફરિયાદ કાયમ માટે ઘર કરી જાય છે. એમાં અડધી ચમચી જેટલું મેથીનું ચૂર્ણ થોડા ગોળ અને ઘી સાથે મેળવીને સવાર-સાંજ લેવાથી સારો લાભ થાય છે. સાથે સાથે કપડાની લંબગોળ પોટલીમાં મેથીનું ચૂર્ણ ભરીને યોનિમાર્ગમાં ધારણ કરવાથી ઝડપથી ફાયદો થાય છે. મેથીના સેવનથી ગર્ભાશય સંકોચાય છે અને શરીર ધોવાતું અટકે છે. વળી તે વાયુશામક હોવાથી કમરનો દુખાવો અને પગની કળતરને પણ દૂર કરે છે.

 

ડાયાબિટીસમાં મૂત્ર સાથે જતી સાકર (ગ્લુકોઝ)નું પ્રમાણ ઘટાડવાનો મેથીમાં (કડવી હોવાથી) ખાસ ગુણ રહેલો છે. ડાયાબિટીસના દર્દીએ બે ચમચી મેથી રોજ રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળીને, ગાળી લઈ એકાદ મહિના સુધી એ ગાળેલું પાણી રોજ સવારે પીવું. આ ઉપચારથી મૂત્રમાં જતી સાકરનું પ્રમાણ ઓછું થાય છે. ડાયાબિટીસના રોગીએ આ સરળ અને સાદો ઉપચાર ધીરજ રાખી કરવા જેવો છે.

 

મેથી વાયુને દૂર કરે છે. ભૂખ લગાડે છે, પાચનશક્તિ વધારે છે અને શરીરને પુષ્ટ કરે છે. ખીચડીમાં મેથી નાંખી શકાય, વઘારમાં એ વાપરી શકાય. મેથીનો સંભારો કરીને પણ રોજ લઈ શકાય. કોઈ પણ રીતે આહારમાં મેથીનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ.

 

સાભાર :  વૈદ્ય પ્રશાંતભાઈ ગૌદાની
shant_1980 @yahoo.com

 

 
સંદેશના સૌજન્યથી….

 
સંકલિત : પૂર્વી મોદી મલકાણ (યુએસએ)
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર ના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે..

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • hasmukhbhai j prajapati

    i am very impress for your blog,i am intrust in ayurveda