કોણ ભગવાનને સારી રીતે સમજે છે ? …

કોણ ભગવાનને સારી રીતે સમજે છે ? …

 

 

આસ્તીક લોકો મન્દીરમાં ભગવાનના દર્શને જાય છે. આમાંથી મોટા ભાગના લોકો ભગવાન પાસે સારી નોકરી, બઢતી, પોતાના કે પોતાના દીકરા–દીકરીનાં લગ્ન, ધન્ધા રોજગારમાં પ્રગતી, પરીક્ષામાં ઉંચા ટકાએ પાસ થવા અને સારી લાઈન અને સારી કૉલેજમાં પ્રવેશ વગેરેની માંગણી કરે છે. આ બધી આર્થીક સમૃદ્ધીઓની માંગણી છે. બીજી બાજુ ભગવાન તો ન્યાયકારી છે. કર્મનું ફળ યથાયોગ્ય આપે છે. સહેજ પણ વધારે કે ઓછું નહીં. અહીં પ્રશ્ન એ ઉપસ્થીત થાય છે કે, ભગવાન કર્મ કે પુરુષાર્થ કર્યા વગર ભક્તોની માંગણી પુરી કરે છે ખરા ? આનું સમાધાન મેળવવા માટે ભક્તોએ મન્દીર સાથે ધનીષ્ઠ સમ્બન્ધ ધરાવતી બે વ્યક્તી – પુજારી અને ભીખારીના વ્યવહારનું અવલોકન કરવું જોઈએ. તો જ ભક્તોને સાચી પરીસ્થીતી સમજાશે.

 

પુજારી ભગવાનની આરતી ઉતારી તેની થાળી, ભગવાન પાસે નહીં; પણ ભક્તો સામે–ભક્તો માટે મુકે છે. આવી જ રીતે ભીખારી ભગવાન પાસે નહીં; પણ ભક્તો પાસે માંગે છે. આ બન્ને સારી રીતે સમજે છે કે આપણા પુરુષાર્થનું ફળ ભગવાન પાસે નહીં; પણ ભક્તો પાસેથી પ્રાપ્ત થશે. ટુંકમાં, ભગવાન તો પ્રેરણા આપે છે, પુરુષાર્થ તો આપણે જ કરવાનો છે.

 

ધર્મ: શોષણનું એક નવું ક્ષેત્ર

 

આપણે સમાનતા અને સમાજવાદનો જયઘોષ અવારનવાર સાંભળીએ છીએ; પણ વ્યવહારમાં સમાજ બે વર્ગમાં વીભાજીત છે – એક અતીપૈસાદાર અને બીજો અતીગરીબ વર્ગ. ઝડપી ઔદ્યોગીકરણ, જમીનદારી તથા રાજકીય અને વહીવટી ભ્રષ્ટાચારને કારણે એક વર્ગ પાસે અબજોની સમ્પત્તી એકત્રીત થયેલી છે. જ્યારે બીજો વર્ગ તદ્દન ગરીબ છે, પુરતું બે સમય જમવાનું પણ મળતું નથી. ધનવાન – શોષક વર્ગ ધનમાં આળોટે છે અને ગરીબ – શોષીત વર્ગ ધુળમાં આળોટે છે. ગરીબ વર્ગ ધનીક વર્ગના દાબ–દબાણ અને પોતાની મજબુરીના કારણે શોષક વર્ગને પોતાનો સહયોગ આપે છે; પણ અંદરથી તેઓની ધનવાન પ્રત્યેની નફરત વધતી જાય છે, જે સામ્યવાદી અને નક્સલવાદી વીચારધારાને આમન્ત્રણ આપે છે.

 

આવું જ શોષણનું એક નવું ક્ષેત્ર ‘ધર્મ’ ધીમેધીમે વીકાસ પામી રહ્યું છે. પરમપુજ્યો અને ધર્મધુરન્ધરો એક બાજુ લોકોને સાદું જીવન જીવવાનો તથા જીવનામાં ત્યાગ અને અપરીગ્રહનો અમલ કરવાનો ઉપદેશ આપે છે; તો બીજી બાજુ પોતે સંસ્થા કે ટ્રસ્ટના નામે કરોડો નહીં; અબજોની સમ્પત્તી એકત્ર કરી પોતાના પરીવારના સભ્યો – પુત્ર/પુત્રી, ભત્રીજા/ભત્રીજી, જમાઈ વગેરેને પોતાના વારસદાર પ્રસ્થાપીત કરીને, ‘જાહેરટ્રસ્ટ’ને બુદ્ધીપુર્વક અને ચાલાકીથી ‘પરીવારટ્રસ્ટ’માં પરીવર્તીત કરી દે છે. આ ટ્રસ્ટનો વહીવટ પોતાના પરીવારના વારસદારો જ કરે છે અને તે દ્વારા તેઓ નીર્વીધ્ન ટ્રસ્ટની સમ્પત્તીનો ઉપભોગ પણ કરે છે.

 

ભક્તો પોતાનો ભવ અને પુનર્જન્મ સુધારવા ઈશ્વરના નામે, ધર્મના નામે, સમાજ ઉદ્ધારના નામે, ધર્માચાર્યોની વાતોથી અંજાઈ તેમને તન, મન, અને ધન અર્પણ કરે છે અને ધર્માચાર્યો આમાંથી થોડુંક જ સમાજસેવા માટે વાપરી બાકીનું બધું ટ્રસ્ટમાં જમા કરે છે. આને કારણે ભક્તો ગરીબ થતાં જાય છે અને ધર્મસ્થાનો– ધર્માચાર્યો પૈસાદાર થતાં જાય છે. જ્યારે ભક્તો જાણે છે, સમજે છે કે આ ધર્મની મીઠી–મીઠી વાતો પોતાની પુત્રેષણા, વીત્તેષણા અને લોકેષણા માટે જ કરવામાં આવતી હતી ત્યારે તેઓનો ધર્મ અને ઈશ્વર પ્રત્યેનો વીશ્વાસ ડગી જાય છે, અને તેમના હૃદયમાં નાસ્તીકતાની ધુન સવાર થાય છે જે ઉતારવી કઠીન બને છે.

 

ટુંકમાં, નાસ્તીકતાના પ્રચારમાં ધ.ધુ.ઓ અને પ.પુ.ઓની અતી પુત્રેષણા, શીષ્યોનાં ટોળેટોળાં એકઠાં કરવાની ભાવના, વીત્તેષણા, મઠ, આશ્રમ અને ટ્રસ્ટના નામે કરોડો નહીં; અબજોની સમ્પત્તી એકત્રીત કરી તેનો વહીવટ પોતાના પરીવારમાં જ રાખવો તેવી મલીન મનીષા અને લોકેષણા – ઈશ્વરના સ્થાને પોતાને પ્રસ્થાપીત કરી પોતાની ભગવાનના સ્થાને પુજા કરાવવી, આ જવાબદાર છે.

 

– નાથુભાઈ ડોડીયા

 

લેખ પ્રાપ્તિ -સૌજન્ય  : ફૂલછાબ દૈનિક -રાજકોટ

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ શ્રી વિજયભાઈના અમો અંતરપૂર્વકથી આભારી છીએ.

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવનું સ્વાગત છે., જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • Dr. Kishor M. Patel

    આપે સાચી જ વાત કરેલ છે.
    મોટાભાગના લોકો પોતાના સ્વાર્થના ખાતર જ ભગવાન
    પાસે જતા હોય છે.