અજ્ઞાન અને દુ:ખની સમસ્યા …

અજ્ઞાન અને દુ:ખની સમસ્યા …

 

પ્રસ્તાવ:

 

અજ્ઞાન જીવનની મૂળભૂત સમસ્યા છે. સર્વ સમસ્યાઓનું મૂળ કારણ છે. દુ:ખ જીવનની મુખ્ય વિટંબણા છે. જીવમાત્ર આંતરિક રીતે અજ્ઞાનથી અને બાહ્ય રીતે દુ:ખથી મુક્ત થવા પ્રયત્ન કરે છે. અજ્ઞાન અને તેની દુ:ખસેનાથી મુક્ત થવા જીવ માત્ર આતુર છે.

 

વિચારશીલ માનવના મનમાં એવો સવાલ જરૂર ઉભો થાય છે કે આ અજ્ઞાન અને દુ:ખ જીવનમાં શા માટે? સર્વત્ર જાણે અજ્ઞાન અને દુ:ખનું આધિપત્ય છે. આમ શા માટે ? આ જીવનનું સ્વરૂપ આવું શા માટે કે જેમાં અજ્ઞાન અને દુ:ખ છે ? શું સમગ્ર અસ્તિત્વ, સમગ્ર જીવન અજ્ઞાન અને દુ:ખ વિના હોઈ ન શકે ? અજ્ઞાન અને દુ:ખની એવી કઈ આવશ્યક્તા છે કે તેઓ જીવનનો ભાગ બની ગયા ?

 

આ અસ્તિત્વ, આ જીવન ભગવાનનું સર્જન છે; કોઈ શેતાનનું નહિ. ભગવાન આનંદપૂર્ણ છે અને જ્ઞાનસ્વરૂપ છે એટલું જ નહિ પરંતુ કૃપાળુ પણ છે. સમગ્ર અસ્તિત્વ ભગવાનમાંથી આવ્યું છે, તેમણે પોતાનામાંથી આ સધળાનું સર્જન કર્યું છે. છતાં અહિં અજ્ઞાન અને દુ:ખ શા માટે ? આ સર્જનહારના સર્જનમાં આટલી વિસંવાદિતા કેમ નજરે પડે છે ? આ અજ્ઞાનનો અંધાર–પછેડો શા માટે ? કહેવાય છે કે ભગવાને આ સમગ્ર અસ્તિત્વનું સર્જન આનંદલીલા માટે કર્યું છે. પરંતુ આ આનંદલીલામાં આટલું અજ્ઞાન અને આટલાં દુ:ખ કેમ ? શા માટે ? શા હેતુથી ?

 

સર્જનમાં કશુંયે અહૈતુક નથી. જીવનમાં કશુંયે અનાવશ્યક નથી અને વ્યર્થ પણ નથી. આ અજ્ઞાનનું, આ દુ:ખનું પણ જીવનમાં સ્થાન છે.

 

અજ્ઞાનનું સ્થાન:

 

સર્જનનો પ્રારંભ લીલાના આનંદ માટે થયો છે. લીલા માટે દ્વૈતની આવશ્યક્તા છે. દ્વૈત માટે કોઈક સ્વરૂપનું અજ્ઞાન હોવું આવશ્યક છે. માયાના તરંગથી સર્જનનો પ્રારંભ થાય છે. જે પૂર્ણ છે તે માયાનો આશ્રય કરી, સ્વસંકોચની પ્રક્રિયા દ્વારા આ જીવ–જગત રૂપે પરિણમે છે. માયા અજ્ઞાનરૂપિણી છે તેથી સર્જનના પ્રારંભ માટે અજ્ઞાન તત્વ આવશ્યક થયું. પૂર્ણ અજ્ઞાન ઓઢીને અપૂર્ણનો સ્વાંગ ધારણ કરે છે. આનંદ, અજ્ઞાનના મિશ્રણથી સુખ–દુ:ખનું રૂપ ધારણ કરે છે, આમ સર્જનની પ્રક્રિયા માટે અજ્ઞાન પણ એક આવશ્યક તત્વ તરીકે સ્થાન ધરાવે છે. સર્જન ઉપરાંત લીલા માટે પણ દ્વેતની સંતાકૂકડીની રમત ચાલે છે. કોઈક સ્વરૂપના અજ્ઞાન વિના સંતાકૂકડી રમાય કેવી રીતે ? જો બધાની આંખો ખુલ્લી હોય, બધાં પ્રગટ જ હોય તો સંતાકૂકડીની રમત અશક્ય બની જાય તેથી અજ્ઞાનનું મૂલ્ય છે.

 

હવે એવો પ્રશ્ન પૂછી શકાય કે શું અજ્ઞાન વિના સર્જન શક્ય જ નથી ? અજ્ઞાન સિવાય સર્જન માટે અન્ય કોઈ ઉપાય જ નથી ? અજ્ઞાન વિના લીલા થઈ શકે એવો કોઈ વિકલ્પ જ નથી ? શું અજ્ઞાન અનિવાર્ય છે ? અજ્ઞાનનો આધાર સર્વથા અનિવાર્ય છે, એમ તો ન કહી શકાય. અજ્ઞાન વિના લીલા હોય એવા પણ લોક છે. ગોલોક આદિ ભાવજગતના લોકમાં લીલા છે, આંશિક સ્વરૂપનું એક દિવ્ય દ્વૈત પણ છે અને આવા લોકમાં અજ્ઞાન વિના આ બધું શક્ય બને છે.

 

પરંતુ આપણા આ ભૂર્લોકનું સ્વરૂપ જ એવું છે કે અહીં સર્જન અને લીલા માટે અજ્ઞાન આવશ્યક તત્વ છે. આમ હોવું એ આપણા લોકની લાક્ષણીકતા છે. પરંતુ ભૂર્લોકનું સ્વરૂપ આવું કેમ ? આવો પ્રશ્ન અતિપ્રશ્ન ગણાય છે. જે છે તે આ છે અને તે એવું છે કે આ ભૂર્લોકમા સર્જન અને લીલા માટે અજ્ઞાન આવશ્યક તત્વ છે.

 

દુ:ખનું સ્થાન:

 

અજ્ઞાનનું આવરણ ઓઢીને શિવ જીવ બને છે. પરંતુ જીવને પાછું શિવત્વ સુધી પહોંચવાનું છે અને એ યાત્રા માટે દુ:ખ એક આવશ્યક તત્વ છે. જો દુ:ખ ન હોય તો આપણી વિકાસયાત્રા થાય જ નહિ. દુ:ખ જીવને ઊર્ધ્વગતિ માટે ધક્કો મારે છે. દુ:ખ એટલે વિકાસ માટેની મથામણ. દુ:ખ એમ સૂચવે છે કે તમે જ્યાં છો ત્યાં બરાબર નથી. આગળ વધો. જ્યાં સુધી જીવ પોતાની મૂળ કેન્દ્રસ્થ ચેતના પ્રાપ્ત ન કરે ત્યાં સુધી દુ:ખ તેને ઝંપીને બેસવા દેતું નથી.ત્યાં સુધી દુ:ખ આવશ્યક છે જ અને ત્યાં સુધી દુ:ખનું સંપૂર્ણ નિવારણ શક્ય પણ નથી.

 

તત્વત: જોઈએ તો સુખ અને દુ:ખ આનંદના જ છદ્મ સ્વરૂપો છે. દુ:ખ અને સુખ એ બંને મહાચૈતન્યની આનંદલીલા છે. એની લીલાનું આ વૈચિત્ર્ય છે, એની લીલાનું આ વૈવિધ્ય છે. જેને આપણે સુખદુ:ખ કહીએ છીએ તે તો આપણું અર્થધટન છે એની આનંદલીલાનો એ પણ એક ભાગ છે.

 

કોઈ જીવ એવો સવાલ પૂછે કે ભગવાન પોતાની આનંદલીલા માટે જીવો અજ્ઞાની અને દુ:ખી બને તેવું શા માટે કરે છે ? તેમના આનંદ માટે જીવોને દુ:ખ શા માટે વેઠવું પડે ? આ સવાલ સમજના અભાવમાંથી આવે છે. તત્વત: તો જે છે તે તે જ છે. તે પોતે જ જીવ અને જગત રૂપે આવ્યો છે. તે પોતે જ આ બધું બનીને સુખદુ:ખની લીલા માણે છે. તેથી ભગવાન જીવના ભોગે આનંદલીલા માણે છે એ કહેવાનો અર્થ નથી. જીવ અને જગત, દુ:ખ અને સુખ, જ્ઞાન અને અજ્ઞાન બધાં એનાં જ રૂપો છે.

 

અજ્ઞાન અને દુ:ખ અનિવાર્ય છે ?

 

તૈત્તિરીયોપનિષદના ઋષિનું દર્શન છે:

 

आनन्दाद्दयैव खल्विमानि भूतानि जायन्ते |
आनन्दे जातानि जीवन्ति | आनन्दं प्यन्त्यभिसंवशन्तीति |
–तै. उ. ३-६

 

‘આનંદમાંથી આ સમસ્ત ભૂતો ઉત્પન્ થાય છે. ઉત્પન્ન થયેલાં આનંદથી જ જીવે છે અને આ લોકમાંથી પ્રયાણ કરીને આનંદમાં પ્રવેશ પામે છે.’

 

આત્મા મૂલત: જ્ઞાનસ્વરૂપ અને આનંદસ્વરૂપ છે. તેથી અજ્ઞાન અને દુ:ખ આત્માના શાશ્વત સંગાથી હોઈ શકે નહિ. અજ્ઞાન અને દુ:ખ જીવનના એક તબ્બકે આવશ્યક છે પરંતુ તેઓ સદાસર્વદા અનિવાર્ય નથી. અજ્ઞાન અને દુ:ખમાંથી મુક્તિનો માર્ગ છે જ. અજ્ઞાન અને દુ:ખને જીવનના શાશ્વત સંગાથી તરીકે સ્વીકારી લેવા એ સમજનો અભાવ અને અસ્વસ્થ મનોવલણ છે. જે કોઈ તબક્કે ત્યાજ્ય હોઈ શકે છે. નાના બાળક માટે એક તબક્કે રમકડાં આવશ્યક હોઈ શકે છે. પરંતુ તે બાળક પુખ્તવયનો થતાં તેને માટે રમકડાં ત્યાજ્ય બને છે.

 
સુર્યના પ્રકાશમાં અંધકારનું વિસર્જન થાય છે. અંધકારના વિસર્જનનો આ માર્ગ છે. દુ:ખ અને અજ્ઞાનના વિસર્જનનો પણ માર્ગ છે. એ માર્ગ છે ભાગવત ચેતનામા પાછા ફરવું, અસત્યમાંથી સત્યમાં પાછા ફરવું, અંધકારમાંથી પ્રકાશમાં પાછા ફરવું અને ત્યાં સુધી દોરી જતા પથનું નામ છે–અધ્યાત્મપથ.
અધ્યાત્મપથના અનેક સ્વરૂપોમાંનુ એક સ્વરૂપ છે ભક્તિપથ.

 

 

– ભાણદેવ 

 

 

સંકલન : વિજયભાઈ ધારીઆ (શિકાગો)
સૌજન્ય : પૂર્વીબેન મલકાણ (યુ.એસ.એ)

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો વિજયભાઈ ધારીઆ (શિકાગો) ના અંતરપૂર્વકથી આભારી છીએ …

 

બ્લોગ પોસ્ટ પરના પ્રતેભાવનું સ્વાગત છે, જે અમોને પ્રેરણાદાયી બની રહે છે… !

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....