શિક્ષાપત્ર ૧૨મું … અને ૧૨] સુરદાસ રાધા સૌં માખન હરિ માંગત… (પદ) ..

શિક્ષાપત્ર ૧૨મું ...

 

આજના  શિક્ષાપત્ર તરફ આગળ વધીએ તે પૂર્વે આપણે અગિયારમાં શિક્ષાપત્ર ને જોઈએ તો ….
અગિયારમાં શિક્ષાપત્રમાં છ શ્લોકથી પ્રભુનાં ગુણગાન દુઃખ ભાવન-સેવા કરતાં કાંઈ જ, કશુંજ નથી બનતું તેવી ભાવના, દીનતા અને ત્યાગ આ ચાર આપણા વૈષ્ણવોનાં ભક્તોનાં કર્તવ્યો છે. તે આચાર્યચરણ શ્રી હરિરાયજી સમજાવે છે.

 

 અગિયારમાં શિક્ષાપત્રમાં વૈષ્ણવના ચાર કર્તવ્ય  …. ગુણગાન,  દુઃખભાવન, દૈન્ય અને ત્યાગ  દર્શાવેલ છે.  આ ચતુષ્ટય પ્રકાર સિદ્ધ થયા પછી, શ્રીસ્વામિનીજીની નાં વાક્યની ભાવના રાત દિવસ –  જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે;  ભાવપૂર્વક ભાવનાના ભાર સાથે સ્નેહપૂર્વક શ્રીપ્રભુનું સમરણ કરવું જોઈએ.

 

 

બારમાં શિક્ષાપત્રમાં સોળ શ્લોક છે. બીજા શ્લોકથી પંદરમાં શ્લોક સુધીમાં પ્રભુના ચોસઠ નામ દ્વારા શ્રીસ્વામિનીજી એ જ્લ્પનકર્યું છે. જલ્પન એટલે તત્વનિર્ણયની ઈચ્છાથી નહિ પણ પરપક્ષ ખંડન અને સ્વપક્ષ – સ્થાપનની ઈચ્છા એ કરેલો – વાદ – વિચાર.

 

વ્રજભક્તોના ચાર યૂથ –નિર્ગુણ-તામસ-રાજસ અને સાત્વિક દરેક યૂથમાં સોળ શૃંગારાત્મક સોળ શ્રીસ્વામિનીજી છે તેમના ભાવથી ચોસઠ નામ શ્રીઠાકોરજીનાં આ શિક્ષાપત્રમાં પંદરમાં શ્લોક સુધીમાં આવેલા છે. એકથી ચોસઠ નામ શ્લોક ઉપર ૧ થી ૬૪ દર્શાવેલ છે. પચાસના સંયોગત્માક ભાવના છે. ચૌદ નામ વિપ્રયોગાત્મક ભાવનાં છે. આ નામોમાં પ્રભુના ગુણ, પ્રભુની લીલા અને પ્રભુનું સ્વરૂપ એ ત્રણેનું નિરૂપણ કરાયેલ છે.

 

વિરહ અને વિપ્રયોગ આ બે જે પારિભાષિક શબ્દો છે અને જરા વિચારી લઈને સમજી લઈએ.

 

વિરહ એટલે પ્રિયજનનો વિયોગ એકદમ સાદો અર્થ વિરહ એટલે વિયોગ, વિરહના ચાર પ્રકાર દેશાંતર વિરહ, વનાંતર વિરહ, પલકાંતર વિરહ અને પ્રત્યક્ષ વિરહ. પલકાંતર વિરહ એટલે પલક – પાંપણ બંધ થાય એ સમય પૂરતો પ્રભુ દર્શન ના થાય એ પલકાંતર વિરહ. પ્રત્યક્ષ વિરહ એટલે પ્રભુ સામેજ સાક્ષાત બિરાજમાન હોવા છતાં એમ થાય કે ‘હમણાં પ્રભુ અહીંથી પધારી જશે તો ?’ સંયોગમાં પણ વિરહ થાય એ પ્રત્યક્ષ વિરહનું લક્ષણ છે. વિરહનાં ત્રણ લક્ષણ આદિ ભગવદીઓએ બતાવ્યા છે. વ્યાધી, પ્રલાપ અને ઉન્માદ, પ્રભુનાં દર્શન ન થાય તો રોમ રોમમાં વિકળતા થઈ જાય અને ચેન ના પડે. સુધ-બુધ ગુમાવી બેસાય આ વિરહમાં.

 

વિપ્રયોગને વિશેષ સ્વરૂપે –વિલક્ષણ સ્વરૂપે ખૂબજ ઉત્કટતા પૂર્વક, આતૂરતાપૂર્વક મનથી જ્યારે કોઈકને મળીએ ને મનની એકાગ્રતા થઈ જાય ત્યારે એ ભાવ સ્થિતિને વિપ્રયોગ કહેવાય. હૃદયની અંદર આપણા પ્રેમાસ્પંદનને આપણે સંપૂર્ણતાથી અનુભવીએ અને એવા જ વિચારમાં ભાવમાં –ભાવનામાં તલ્લીન થી જવાય એવીજ એક અવસ્થાનું નામ વિપ્રયોગ છે.

 

નમામી હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ !
લક્ષ્મીસહસ્ત્રલીલાભિ: સેવ્યમાન કલાનિધિમ ||

 

હૃદય રૂપી શ્રીસાગરમાં પોઠેલા અને સર્વલીલા પરિકર સહિત રમણ કરતાં પ્રભુનો અનુભવ શ્રીઆચાર્યચરણ શ્રીમહાપ્રભુજીએ ‘આ’ અને ‘આવો’ વિપ્રયોગનો અનુભવ છે. વિપ્રયોગ હૃદયમાં સતત નિરંતર ભગવતલીલા નો સાક્ષાત અનુભવ કરાતો હોય તો આવોજ ફ્લાત્મ્ક અનુભવ એ વિપ્રયોગ છે.

 

વિરહ એ સોપાન છે. પગથિયું છે. વિપ્રયોગ નિકુંજ છે. વિરહરૂપી પગથિયા દ્વારા વિપ્રયોગ રૂપી નિકુંજ નાં જઇને એ ફ્લાત્મ્ક પ્રભુના સર્વલીલા પરિકર સહિતની એક કાલમાં અનેક લીલાઓનો અનુભવ શ્રીમહાપ્રભુજીની કૃપાથી થાય તે માટે વિરહ દ્વારા વિપ્રયોગ નો અનુભવ કરવાનો રાહ શ્રીહરિરાયચરણે અગિયારમાં શિક્ષાપત્રનાં અંતમાં દર્શાવ્યો ને વિચાર્યો. ને હવે બારમાં શિક્ષાપત્રમાં શ્રીપ્રભુજીનાં ચોસઠ નામ …. !!!!!

 

ભાવનીયં સદા ચિત્તને સ્વામિનીજલિપ્તં મુહુ: |
તાપક્લેશૈરયં માર્ગ: શ્રીમદાચાર્યરૂપિત: ||૧||

 

શ્રીસ્વામિનીજીએ જે – જે વચનો કહેલાં તેને વારંવાર ચિત્તમાં ધારણ કરવાં અને તેની ભાવના કરવી, શ્રીમહાપ્રભુજીએ સ્થાપિત કરેલો આ માર્ગ તાપકલેશયુક્ત છે. વિરહ તાપ કલેશ સહિત નિરૂપિત કરેલ છે.

 

દર્શનં દેહિ ગોપીશ ગોકુલાનંદદાયક |
ગોવિંદ ગોપવનિતાપ્રાણાધિપ કૃપાનિધે ||૨||

 

હે ગોપીજનનાં ઈશ ! હે ગોકુળના આનંદદાતા ! હે ગોવિંદ ! હે વ્રજભક્તોના પ્રાણપતી ! હે કૃપાનિધિ ! મને દર્શન આપો. આ શ્લોકમાં શ્રીપ્રભુના શૃંગારાત્મક પાંચ નામ છે.

 

ગોપાલ પાલિતવ્રજ નિજવ્રજસુખાંબુધે |
પરમાનન્દ નન્દાદિરુચિરત્સંગલાંલિત ||૩||

 

હે ગોપાલ ! હે વ્રજના પાલક ! હે વ્રજભકતોના સુખના સમુદ્ર ! હે પરમાનંદ ! હે નન્દરાયજી આદિની હુંફાળી ગોદમાં ખેલનારા ! મને દર્શન આપો.

 

આ શ્લોકમાં શ્રી પ્રભુનાં પાંચ નામ સમાવિષ્ટ છે. આમ પ્રતિ શ્લોકમાં શ્રીપ્રભુનાનામ દર્શનીય છે.

 

સદાન્ન્દ નીજાન્ન્દ સમુદાયપ્રદાયક |
દામોદર દયાદ્રાદિ દીનાનાથ દયાપર ||૪||

 

હે સદાનંદ ! હે ભક્તજનોના આનંદધન ! હે દામોદર ! હે દયાદ્ધ ! હે દીનાનાથ ! હે દયાપર મને દર્શન આપો.

 

પુરુષોત્તમ સર્વાગરુચિર પ્રેમપૂરતિ |
અનંગરૂપપરમપ્રિય ગોપવધૂતે ||૫||

 

હે પુરુષોત્તમ ! હે સર્વાંગ સુંદર ! હે પ્રેમ સભર ! હે કામદેનાવયે કામદેવ ! હે પ્રિય ! હે ગોપવધૂઓના સ્વામી, મને દર્શન આપો.

 

વધુ સ્પષ્ટતા તથા જાણકારી માટે શિક્ષાપત્ર ગ્રંથનો સંદર્ભ જરૂર કરવો., જેથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી શ્રદ્ધા ને વિશ્વાસ વધારી સેવા ફળ સાર્થક કરી શકાય.

 

 

લેખક સંકલન-વ્રજનિશ શાહ BOYDS-MD-U S A
[email protected]
[email protected]

 

ઇ મીડિયા સંલેખ પ્રાપ્તિ પૂર્વી મોદી મલકાણ – યુ એસ એ..

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમને e mail દ્વારા પૂછી શકો છો.

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે… 

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]
========

 

 

૧૨] સુરદાસ રાધા સૌં માખન હરિ માંગત… (પદ) ..

 

રાધા સૌં માખન હરિ માંગત.
ઔરનિ કી મટુકી કૌ ખાયૌ; તુમ્હારૌ કૈસૌ લાગત.
લૈ આઇં વૃષભાનુ—સુતા, હંસિ, સંદ લવની હૈ મેરૌ.
લૈ દીન્હૌં અપનૈં કર હરિ—મુખ, ખાત અલ્પ હંસિ હેરી.
સબહિનિ તૈં મીઠૌ દધિ હૈ યહ, મધુરૈં કહ્યો સુનાઇ.
“સુરદાસ”–પ્રભુ સુખ ઉપજાયૌ, વ્રજ લલના મન ભાઇ.

 

 

કૃષ્ણ રાધા પાસેથી માખણ માગીને કહે છે કે બીજી ગોપીઓની મટુકીનું માખણ ખાધું. જોઉં તારું માખણ કેવું લાગે છે. વૃષભાનુની પુત્રી રાધા માખણ લઇ આવી ને હસીને બોલી મારું માખણ તો એકદમ તાજું છે, એમ કહી કૃષ્ણના મોઢામાં પોતે જ ધર્યું. ખાતાં ખાતાં કૃષ્ણે થોડું હસીને જોયું અને કહ્યું બધાથી તારું દહીંમાખણ તો અત્યંત મીઠું છે. (અહીં દહીં –માખણ એકબીજાનાં પર્યાય છે.) આમ મીઠું મીઠું બોલીને એવી મીઠી વાત કહી કે રાધા અત્યંત પ્રસન્ન થઈ ગઈ. “સુરદાસજી” કહે છે કે કૃષ્ણએ વ્રજની નારીઑના મનને ગમતું સુખ આપ્યું છે.

 

 

પુષ્ટિમાર્ગીય કીર્તન સાહિત્યનાં આધારે…
પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ)

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ અને સૂચન નું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....