આનંદ …

આનંદ …

ઘણા સમય બાદ આજે ફરી એક વખત અમારા શુભચિંતક – વડીલ મિત્ર શ્રી કેદારસિંહ મે. જાડેજા, ગાંધીધામ -કચ્છ થી મોકલેલ તેમની એક સુંદર રચના અમો તમારી સમક્ષ મૂકવા નમ્ર કોશિશ કરીએ છીએ. આ અગાઉ તેમની અનેક સુંદર રચનાઓ – ભજન – ભાવ ગીત -કાવ્ય આપણે બ્લોગ પર માણેલ છે. આશા રાખીએ છીએ કે ફરી આપના તરફથી તેમની આ સુંદર રચના માટે યોગ્ય પ્રતિસાદ – પ્રતિભાવ સ્વરૂપે મળશે જે તેમની કલમને બળ પૂરશે. ‘દાદીમા ની પોટલી’ પર તેમની રચના મોકલવા બદલ અમો શ્રી કેદારસિંહજી ના આભારી છીએ.

 

મને અનહદ આનંદ આવે, હરિને હૈયે હેત કેવું આવે..

૧ સેવક કાજે સરવે સરવા, વિધ વિધ રૂપ ધરાવે
પણ પોતાનું જાય ભલે પણ, ભક્તની લાજ બચાવે…

૨ પિતા પ્રભુના પાવળું પાણી, પુત્રના હાથે ન પામે
પણ- અધમ કુળનો જોયો જટાયુ, જેની ચિત્તા રામજી ચેતાવે…

૩ ભીષ્મ પિતામહ ભક્ત ભૂધરના, પ્રણ પ્રીતમ એનું પાળે
કરમાં રથનું ચક્ર ગ્રહતાં, લેશ ન લાજ લગાવે…

૪ સખુ કાજે સખુ બાઈ બનીને, માર ખાધો બહુ માવે
ભક્ત વિદુરની ઝૂંપડીએ જઈ, છબીલો છોતરાં ચાવે…

૫ નરસિંહ કાજે નટખટ નંદન, વણિકનો વેશ બનાવે
હૂંડી હરજી હાથ ધરીને, લાલો લાજ બચાવે…

૬ ગજને માટે ગરુડ ચડે ને, બચ્ચા બિલાડીના બચાવે
ટિટોડીના ઈંડા ઊગારી, “કેદાર” ભરોંસો કરાવે…

 

સાર:-

૧] મને એક આનંદ થાય છે, કે ઈશ્વર ને પોતાના ભક્તો પર કેટલો પ્રેમ હોય છે?  જેના માટે પ્રભુ કંઈ પણ કરવા તત્પર રહેછે. ભલે પોતાનું વચન-ટેક જાય પણ ભક્તની લાજ જવા ન દે.

૨] રામના પિતા દશરથનું જ્યારે મૃત્યુ થયું ત્યારે રામ પિતાજીના મુખમાં પાણી મૂકી શક્યા ન હતા, પણ એજ રામ જ્યારે સીતાજીના રક્ષણ ખાતર ઘાયલ થયેલા જટાયુને જોયો ત્યારે તેને પોતાના ખોળામાં લઈને પોતાની જટાથી તેની ધૂળ સાફ કરી, અને અંતે તેની ચિતા પણ રામેજ ચેતાવી.

૩] મહાભારતના યુદ્ધ વખતે જ્યારે અર્જુન અને દુર્યોધન બન્ને કૃષ્ણ પાસે તેમને યુદ્ધમાં સહભાગી બનાવવા આવ્યા, ત્યારે ભગવાને કહ્યું કે મારે બન્ને ની માગણી સ્વીકારવી જોઇંએ, પણ આ યુદ્ધમાં હું હથિયાર હાથમાં લેવાનો નથી, તો તમે માંગો, એક બાજુ હું રહીશ અને બીજી બાજુ મારી અક્ષૌહિણી સેના રહેશે. ત્યારે દુર્યોધને હથિયાર વિનાના ભગવાનને બદલે સૈન્ય ની માગણી કરી. મહા ભયંકર યુદ્ધ થયું, ભગવાનના માર્ગદર્શન થકી અર્જુનનું સૈન્ય બળવત્તર બનતું જોઇ, એક દિવસ ભીષ્મ પિતા પણ લેછે કે આજે હું કૃષ્ણને હથિયાર ઊપાડવા મજબૂર કરીને તેની ટેક ભંગાવીશ જેથી તેમનું બળ ક્ષીણ થાય. ભીષ્મ પિતા ખૂબ લડ્યા, જ્યારે ભગવાનને લાગ્યું કે હવે ભીષ્મ પિતાજી થાકી જશે, અને પોતે લીધેલી ટેક પાળી નહીં શકે, ત્યારે ભગવાન એક તૂટેલા રથનું પૈડું લઈને દોડ્યા, એ જોતાંજ ભીષ્મ પિતાએ હથિયાર મૂકી દીધાં, કે મેં મારું પણ પુરૂં કર્યુંછે. ભગવાને રથનું ચક્ર હથિયાર ન ગણાય એવી એવી દલીલો કરી, પણ ભીષ્મ પિતામહ સમજી ગયા, કે હે કેશવ, મારા પણ ખાતર તેં તારા વચનને આ રીતે તોડ્યુંછે. આમ ભગવાન પોતાનાં ભક્તોનાં પણને પાળવા માટે ક્યારેક પોતાના વચનને કોઈ અન્ય સ્વરૂપ આપીને છોડી દે છે.

સખુબાઇ માટે પ્રભુએ સખુનું રૂપ ધર્યું, વિદુરની ભાજી ખાધી, નરસિંહ મહેતા ના અનેક કાર્યો કર્યા. હાથીને મગર થી બચાવ્યો, નીંભાડા માંથી બિલાડીનાં બચ્ચાંને બચાવ્યા, યુદ્ધ ભૂમીમાં પડેલાં ટિટોડીનાં ઈંડાને ઊગાર્યાં. આમ કેટલાં કેટલાં કર્યો બતાવું? બસ એના પર ભરોંસો રાખી એનું ભજન કરો, જરૂર સાંભળશે, અને આપણને પણ સંભાળશે.

રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ
www.kedarsinhjim.blogspot.com
[email protected]
મોબાઈલ: +૯૧ – ૯૪૨૬૧૪૦૩૬૫

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • MANISH KUMAR

    very nice, interesting and also informative