ગુરુની વિભાવના …

ગુરુની વિભાવના …

 

 

આજના આ સમયમાં સાચા સાધુ કે સંત મળવા અતિ દુષ્કર છે તેવું આપણે માનીએ છીએ.. એનો અર્થ એ નથી કે આવા સાધુ કે સંત સમાજમાં નથી. જો તેમ હોત તો વાત અલગ જ હોત. પરંતુ હકીકત એ છે કે જેવો આપણો સ્વભાવ, વિચાર, મન તેવાં આપણે લોકોને પામીએ છીએ.
આપણે સદા ગુરુની વાતો કરીએ છીએ. પરંતુ હકીકતમાં આપણને તે પણ ખબર છે  કે ગુરુ કોણ ?… ઘણી વખત એકબીજાની ચડસા ચડસી – વાદ-વિવાદમાં આપણે પણ કોઈ પણ સાધુ, ફકીર કે બાવાને ને ગુરુ ધારવા/બનાવવા છે તે મનમાં નક્કી કરીને તેની પાછળ પડી જતા હોય છે.., અને પછી તે માટે આપણી અનૂકુળતા મુજબ વાત કરે અને ચાલે તેમજ આપણા દુઃખ દર્દમાં કે વિપત્તિમાં ચમત્કાર કરી દે…અને તે દૂર કરી આપે તેવા પાત્રની શોધ કરીએ છીએ. કે  પછી લોકોની વાત સાંભળીને કે સમાજમાં કોઈ સાધુના દેખાતા બાહ્ય આકર્ષણને ધ્યાનમાં રાખી અને તેને ગુરુ તરીકે સ્થાપવાનું નક્કી કરીએ છીએ. અને જ્યારે પોતાને અનુકુળ ના આવે કે અનુકુળ ન લાગે, ત્યારે તે જ ગુરુ પાખંડી છે તેમ કહી, તેનો તિરસ્કાર કરતાં હોઈએ છીએ અને તેની ટીકા કરતા પણ હિચકિચાટ અનુભવતા નથી.. આવું છે આપણું માનસ… તો ગુરુ કોણ ? અને તે કેવા હોવા જોઈએ ..? અને શું ગુરુ આપણે શોધવા જોઈએ કે તે જાતે જ મળે ? ગુરુની જરૂરિયાત જીવનમાં કેટલી ? વગરે  જાણવા  આગળ વાંચો….
ઉપનીષદો સ્પષ્ટ કહે છે :  ‘आचार्यादेव विधा विदिता साधिष्टं प्रापतीति |’ (છંદોગ્યોપનીષદ ૪.૯.૩) – ‘ગુરુ પાસેથી જાણેલી વિદ્યા જ ફક્ત સફળ બની શકે છે.’ જો આપણા જીવનમાં સ્વલ્પાતિસ્વલ્પ જ્ઞાન પણ જો ગુરુ દ્વારા આપણને સાંપડ્યું હશે, તો તે ઘણું જ પ્રભાવક નીવડી શકે છે. આની પાછળનો વિચાર એવો છે કે ગુરુ કેવળ મંત્ર જ આપતા નથી; પણ એ મંત્રની સાથો સાથ તેઓ પોતાની પાસે રહેલી કેટલીક આધ્યાત્મિક શક્તિઓનું પણ એના શિષ્યમાં સંક્રમણ કરે છે. જ્યારે કોઈ માણસ યાદીઓમાં છપાયેલા મંત્રો વાંચે છે, ત્યારે આવું શક્તિનું સંક્રમણ થતું નથી.
કોણ કોનો ગુરુ ? આખા વિશ્વનો માર્ગદર્શક અને ગુરુ કેવળ ઈશ્વર છે.
પોતાના ગુરુને માત્ર માનવ માનનારા પોતાનાં પ્રાર્થનાભક્તિથી શું મેળવી શકે ? આપણા ગુરુને આપણે માત્ર માનવ જ નહીં માનવા જોઈએ. શિષ્ય ઈશ્વરનું દર્શન કરે એ પહેલાં, દિવ્ય પ્રકાશમાં એ પોતાના ગુરુને જુએ છે. ને પછી, ગુરુ તેને ગોવિંદનું દર્શન કરાવે છે, એ પોતે જ ગૂઢ રીતે ગોવિંદમાં ફેરવાઈ જાય છે. પછી શિષ્ય માંગે તે વરદાન ગોવિંદમય થયેલા ગુરુ આપે છે અને, શિષ્યને એ નિર્વાણના ઉચ્ચતમ આનંદશિખરે પણ લઇ જાય છે. અથવા શિષ્ય દ્વૈતની ભૂમિકાએ રહેવા ચાહે છે અને પૂજક તથા પૂજ્ય કાચ્ચેનો ભેદ જાળવવા માગે છે. એ જે માગે છે તે ગુરુ એને આપે છે.
માનવગુરુ શિષ્યના કાનમાં મંત્ર બોલે છે; ગોવિંદગુરુ એના આત્મામાં પ્રાણ પૂરે છે.
ગુરુ મધ્યસ્થ છે. એ ઈશ્વરને અને મનુષ્યને સાથે આણે છે; પ્રેમી અને પ્રેમિકાને ભેગાં કરનારા મધ્યસ્થી જેવા ગુરુ છે.
ગુરુ મહાન ગંગા સમાન છે. લોકો બધો માલ અને કચરો ગંગામાં નાખે છે પણ તેથી, ગંગાનું પાવિત્ર્ય ઘટતું નથી. એ જ રીતે, ગુરુ બધાં અપમાન – નિંદાથી પર છે.
વૈદ્યોની માફક ગુરુ પણ ત્રણ પ્રકાના હોય છે.
એક પ્રકારના વૈદ્યો દર્દીઓને જોવા જાય ત્યારે, દર્દીને તપાસી, નાદ જોઈ, જરૂરી ઔષધ બતાવી, દર્દીને તે લેવાનું કહે. એ ઔષધ લેવાની દર્દી ના પાડે તો, એ બાબતની કશી ચિંતા કર્યાં વગર એ વૈદ્ય જતા રહે. આ અધમ કક્ષાનો વૈદ્ય. એ રીતે એવા ગુરુઓ છે જે પોતાના બોધને શિષ્ય કેટલું મૂલ્ય આપે છે તેની દરકાર કરતા નથી.
બીજા પ્રકારના વૈદ્યો દર્દીને દવા લેવાનું કહીને અટકી નથી જતા. એ એઠી આગળ વધે છે. ડવા લેવાની ના પાડનાર દર્દીને એ અનુરોધ કરે છે. એ જ રીતે, જે ગુરુઓ સત્યને પંથે ચાલવામાં અને ભક્તિ કરવામાં શિષ્યની પાછળ ખૂબ જહેમત ઉઠાવે તેનો વર્ગ મધ્યમ.
અને ત્રીજા અને ઉત્તમ વર્ગના વૈદ્યો, પોતાનો અનુરોધ દર્દી ન માને તો, બળ વાપરતાં પણ ન અચકાય. દર્દીની છાતી પર ગોઠણ મૂકી એના ગળામાં આ વૈદ્ય દવા રેડે. એ જ રીતે, ઈશ્વરને પંથે જવામાં શિષ્યને સહાયરૂપ થવામાં, જરૂર પડે તો, કેટલાક ગુરુઓ બળપ્રયોગ પણ કરે. એ ઉત્તમ વર્ગના.
ઈશ્વરનું રહસ્ય સમજવાને તમે ખરા આતુર હો તો, એ પોતે જ તમારી પાસે સદગુરુ મોકલશે. ગુરુ શોધવાની કડાકૂટમાં તમારે પડવાની જરૂર નથી.
ઈશ્વર પાસે જે નિષ્ઠાથી, આતુર પ્રાર્થનાથી, અને ઊંડી વ્યાકુળતાથી જાય એને ગુરુની જરૂર નથી. પણ અંતરની આવી વ્યાકુળતા જવલ્લે જ જોવા મળે છે, માટે ગુરુની આવશ્યકતા. ગુરુ એક જ છે પણ, ઉપગુરુઓ ઘણા હોઈ શકે. જેની પાસેથી કંઈ પણ શીખવા મળે તે ઉપગુરુ. મહાન અવધૂત દત્તાત્રેયને ચોવીસ ગુરુ હતા.
(-‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’ માંથી સાભાર)
(૦૭/૦૧/૧૨૪)

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Dr.Kishorbhai Mohanbhai Patel

  શ્રીમાન. અશોકભાઈ

  ખરેખર આજના જમાનામાં સાચા ગુરૂ મળવા મુશ્કેલ છે,

  આપે ગુરૂઓના આદર્શ એવા વંદનીય શ્રી. રામકૃષ્ણ પરમહંસજીનુ

  ચિત્ર મારે મન બસ છે.
  આ સમાજ્ને આની તાતી જરૂર છે.

  સરસ લેખ છે. સાહેબ

 • અશોકભાઇ,
  માણવાની મઝા આવે એવી સરસ મઝાની જાત-જતની વાતો અને વાનગીઓ લઈ આવો છો.

  Rajul Shah
  http://www.rajul54.wordpress.com