ગઝલ –(ભાવેશ ભટ્ટ)

ગઝલ –
મૂળ બોડકદેવ, અમદાવાદના રહેવાસી શ્રી ભાવેશ ભટ્ટ., અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. તેઓ ઉર્દૂ અને ગુજરાતીમાં  કાવ્ય અને ગઝલ લખે છે. આજે તેમની બે ગઝલ પ્રસ્તુત છે.  આ પહેલા છેલ્લા બે વર્ષમાં તેમનો ગઝલ સંગ્ર્રહ (૧) ‘છે તો છે’ અને (૨) ‘વીસ પંચા’ પુસ્તક રૂપે પ્રકાશિત થઇ ગયેલ છે. પ્રથમ ગઝલમાં જ્યાં તેઓ કલમની ધારેથી શબ્દને રસ્તો કરી આપે છે તો, જ્યારે બીજી ગઝલ આંતરખોજનો વિષય છે – પથદર્શક છે,  બંને ગઝલ ખૂબ સુંદર અને મનનીય થઈ છે. દાદીમા ની પોટલીને પ્રસ્તુત ગઝલ પાઠવવા બદલ શ્રી ભાવેશભાઈનો ખૂબ આભાર.
અશોકકુમાર -‘દાસ’
(૧)

ચીંતા કરવાની મેં  છોડી,
જેવું પાણી એવી હોડી !

 

ટુકડા શોધું અજવાળાના,
કોણે મારી સવાર તોડી ?

 

ચોક્કસ  ઘટના જેવો છું હું,
તું આવે છે વ્હેલી-મોડી.

 

બારી એવા દૃશ્ય બતાવે,
ભીંતો  કરતી દોડા-દોડી.

 

એક જનમની વાત નથી આ,
કાયમની છે માથાફોડી.

 

(૨)

એવા થાકીને ઘર આવ્યા,
પડછાયાને ચક્કર આવ્યા.

 

કેમ સમયજી  ખુશ લાગો છો ?
કોને મારી ટક્કર આવ્યા?

 

કૈંક લખ્યું જ્યાં તારા માટે,
આંસુ જેવા અક્ષર આવ્યા.

 

છેક નદીની વચ્ચે પહોંચ્યા,
આજ કીનારા વટ પર આવ્યા.

 

બસ દુનીયાનાં દ્વારે બેઠા,
બહાર ગયા ના અંદર આવ્યા.

 

* ભાવશે ભટ્ટ  *
♦ કવીસંપર્ક: બી-6, ચીત્રકુટ એપાટર્મેન્ટસ-2, દેવાશીષ સ્કૂલની સામે, બોડકદેવ
અમદાવાદ-380 054 ઈ-મેઈલઃ [email protected]
મોબાઈલ – 92274 50244

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • વાહ ભરતભાઈ….
    બન્ને ગઝલો બહુજ ગમી-અભિનંદન.
    મારી વેબસાઈટ http://www.drmahesh.rawal.us પર પધારવા નિમંત્રણ….