ધર્મ અને ધર્મનીતિ …(૧)

ધર્મ અને ધર્મનીતિ …

તારીખ. ૨૮.૮.૨૦૧૦ ના એક પોસ્ટમાં આપણે ધર્મ એટલે શું?… એ વિશે સ્વામી વિવીકાનંદજી ના વિચારો ને જાણ્યા….આજે આપણે ધર્મ અને ધર્મનીતિ વિશે બે અલગ અલગ પોસ્ટમાં જાણવા કોશિશ કરીશું. આજે જોઈએ ધર્મ એટલે શું….?

ધૃ + મ=ધર્મ. ધૃ એટલે ધારણ કરવું. જે રીતે માનવ પોતાને ધારણ કરી રાખે તે ધર્મ. ક્યા પરિબળોથી માનવ પોતાને પકડી ભોગલાલસાની પરિતૃપ્તિ માણસને પકડી રાખે છે. સમગ્ર સૃષ્ટિમાં ‘હું-હું’ અને ‘મારું-મારું’ ની પાછળ સૌ કોઈ દોટ મૂકી રહ્યું છે. જાણે કે ભોગલાલસાની તૃપ્તિ એ જ એમનો મૂળ સ્ત્રોત છે. આવી ખોટી ધૂન લાગી છે નાના જંતુથી માંડીને માનવ સુધી બધાને. આવી ભોગલાલસા માટેની અસંતોષ વૃતિ પાછળ જેટલું દોડીએ એટલી જ એ અધૂરી રહે છે. માનવીની દોડ સાથે એ વધતી જ જાય છે. અંતે જીવ તો એ જ ભોગલાલસાના અસંતોષની પાછળ મૂકેલી દોટના પ્રવાહમાં ડૂબી જાય છે. પણ એને પોતાના જીવનના મૂળ હેતુનું અનુસંધાન ક્યાંય સાંપડતું નથી. આ જ છે સૃષ્ટિનું રહસ્ય. એ છે જન્મમૃત્યુનો વ્યાપાર.

માણસ આ સૃષ્ટિમાં શ્રેષ્ટ જીવ છે. જ્ઞાનના પ્રથમ પ્રભાતે તે આ રહસ્યને જાણી ગયો. તે એ પણ સમજે છે કે આ સતત વહેતા ભોગલાલસાના પ્રવાહથી પોતાની જાતને સંભાળી ન શકે તો એને એનો મૂળ સાચો આનંદ અને શાંતિ પણ મળવાનાં નથી; પછી ઉદ્ધાર ક્યાંથી થાય?

પણ જેનું અવલંબન લેવાથી માનવ પોતાને આ ભોગલાલસાના પ્રવાહમાંથી બચાવી શકે એને સુસ્થિર રીતે ધારણ કરી શકે એવો કોઈ ઉપાય ખરો? એટલે કે એનો ધર્મ શું છે? આ પ્રશ્ન જ્યારે માનવના મનમાં ઊભો થયો ત્યારે એના હૃદયનું મંથન પણ શરૂ થયું. એ ઘણી જૂની વાત છે, માનવીના જ્ઞાનોન્મેષે આ પ્રથમ અન્વેષણ જે યુગમાં વિશિષ્ટ રૂપે અને વિચિત્રભાવે પોતાના આત્મામાં પ્રકાશિત થયું એ યુગ હતો વૈદિક યુગનો આદિકાળ.

વૈદિકકાળના ઋષિઓએ પોતાની અંતદ્રષ્ટિની સહાયથી અનુભવ્યું કે ભોગલાલસાની વૃતિ માનવીના પોતાના મનનું જ સર્જન છે. એ ઋષિઓએ માનવના મનનું વિશ્લેષણ કરીને જોયું કે માણસને ભોગલાલસા તરફ ખેંચીને લઇ જનારી મુખ્યત્વે ત્રણ વૃતિઓ છે – જ્ઞાન, ભાવ અને ઈચ્છા. પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનીકે આ ત્રણેયનાં નામ આ ક્રમમાં આપ્યા છે: નોઈંગ, ફિલિંગ, વિલિંગ. પહેલાં ભોગવસ્તુનું જ્ઞાન, ત્યાર પછી તેના અભાવને લીધે દુઃખનો અનુભવ થવો અને એ ભોગવસ્તુઓને પ્રાપ્ત કરવા માટે ઈચ્છા અને એણે અનુરૂપ બાહ્ય કર્મ. આ ત્રણેય વૃતીઓના મુખ જો વિષયભોગમાંથી બીજી તરફ વાળી દેવામાં આવે તો મનની ગતિ પણ ફરી જાય અને ભોગલાલસાનો સતત વહેતો પ્રવાહ પણ અટકી જાય.

એટલે જ વૈદિક ઋષિઓએ આવો ઉપદેશ આપ્યો છે, હે માનવ ! તમારા મનની આ ત્રણેય વૃતિઓને ભોગલાલસામાંથી ફેરવીને સૃષ્ટિનું જે આદિકારણ છે તે પરબ્રહ્મ તરફ વાળો; આ છે તમારો સાચો ધર્મ.

માનવધર્મનું મૂળ રૂપ અહીં જ પ્રગટે છે. એ માનવધર્મની ગતિ ભોગથી ઊલટી? છે, ત્યાગ અને સંયમના પથે. વૈદિક ઋષિઓએ નિરૂપેલો ધર્મ માનવીની ત્રણ પ્રકારની મનોવૃત્તિ પર પ્રતિષ્ઠિત થયેલો છે – જ્ઞાન, ઉપાસના અને કર્મ. જ્ઞાન એટલે પરબ્રહ્મનું જ્ઞાન. ઉપાસના એટલે એ ન મળવાથી અંતરમાં દુઃખની અનુભૂતિ થવી અને ભક્તિ સાથે પરબ્રહ્મની ઉપાસના. કર્મ એટલે એમને મેળવવાની ઇચ્છાથી પરબ્રહ્મની યજન, પૂજન રૂપી બાહ્ય કર્મ.

પછીથી જે જે ધર્મ-દર્શન આવ્યાં તે બધાં આ વેદોક્ત ધર્મ પર આધારિત રહ્યા છે. -‘વેદ: અખિલં ધર્મ મૂલમ્’. પરંતુ કયો ધર્મમત જ્ઞાનવૃતિ, કયો ધર્મમત ભાવવૃતિ અને કયો ધર્મમત ઈચ્છાવૃતિ (કર્મવૃતિ) પર વધારે ભાર મૂકે છે કેટલાક વિષયની યુક્તિતર્કને લીધે, આ બધા ધર્મમતોમાં ભેદાભેદ જોવા મળે છે. જેમ કે જગતનું મૂળ કારણ એક છે, બે છે કે અનેક છે; તે નિર્ગુણ કે સગુણ, નિરાકાર છે કે સાકાર, વગેરે. આ યુક્તિતર્ક એટલે જ દર્શનશાસ્ત્ર. આ બધું જ્ઞાનવૃતિના ચક્રમાં સમાયેલું છે. એકેએક ધર્મના માટે કોઈને કોઈ વિશિષ્ટ તર્કયુક્ત કરીને આ બધા જટિલ પ્રશ્નોની મીમાંસા કરી છે. એની પણ કાળક્રમે કેટકેટલી શાખા-પ્રશાખા ઉદભવી. પણ કંઈ ફેર પડી જતો નથી. બધા ધર્મમતોનું લક્ષ્ય તો એક જ છે ભોગથી વિપરીત દિશા તરફ જવું. જે ત્યાગ-સંયમ તરફ ન દોરી જાય તે ધર્મ ખરેખર ધર્મ નથી.

પ્રમાણ માટે સંક્ષેપમાં એવો ઉલ્લેખ કરી શકું છું કે ચાર મુખ્ય ધર્મમત છે – પારસી, બૌદ્ધ, ખ્રિસ્તી અને ઇસ્લામ. પહેલાં જરથ્રુષ્ટનો પારસી ધર્મ. તેઓ અર્થવેદના એક ઋષિ હતા. સાકાર વૈદિક દેવતાનો સ્વીકાર ન કરવાને લીધે એમનો પ્રચારિત ધર્મ વૈદિક ધર્મની શાખા હોવા છતાં પણ કાળક્રમે એક સ્વતંત્ર ધર્મ બની ગયો. જગતનાં આદિકારણનું તેઓ નામ આપે છે-મઝદા. મઝદા એટલે નિરાકાર. આ બધું હોવા છતાં પણ મઝાદાનાં યજ્ઞ અને ઉપાસના વૈદિકકાળના યજ્ઞ અને ઉપાસના જેવાં જ છે. આ ધર્મ પણ જ્ઞાન, ઉપાસના, કર્મમૂલક એવં ત્યાગ અને સંયમ પર પ્રતિષ્ઠિત થયો છે. એમનો ઝોક તો વધારે ભાવવૃતિ પર છે.

બીજો ધર્મ છે બૌદ્ધ ધર્મ. શાક્ય વંશના બુદ્ધદેવ પોતે ક્યાંય જગતનાં આદિકારણના કોઈ ચિન્મય પ્ય્રુષની વાત કરી છે કે કેમ એ ખ્યાલમાં નથી; એમનાં પ્રચારિત ધર્મમાં ત્રિ-શરણ-બુદ્ધં શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ, ધમ્મં શરણં ગચ્છામિ – માં બુદ્ધદેવતાની શરણાગતિની વાત પહેલી આવે છે. ઉપાસકો એમણે જ પોતાના આરાધ્યદેવ ગણીને ભગવાનજ્ઞાને ઉપાસના કરે છે. એમણે પર્વતાવેલ ધ્યાન-ધારણા ઉપનિષદની પરબ્રહ્મની ધ્યાન-ધારણાનું જ રૂપાંતર છે. બૌદ્ધધર્મનો નિર્વાણલાભ અને ઉપનિષદનો બ્રહ્મ સાક્ષાત્કાર એક સિક્કાની બે બાજુ જેવા છે. જેવી રીતે ભગવાન બુદ્ધની વાણીને વણીને ધમ્મપદ બન્યું છે. આ ધમ્મપદમાં બુદ્ધદેવે સાધકોને સંસારની ભોગલાલસા છોડીને ત્યાગ-સંયમના રસ્તે ચાલવા વારંવાર વિવિધ રીતે ઉપદેશ આપ્યો છે. બૌદ્ધધર્મ પણ જ્ઞાન, ઉપાસના, કર્મ અને ત્યાગ-સયંમ પર પ્રતિષ્ઠિત થયો છે. તેમ છતાં પણ એમનો ઝોક તો ઈચ્છાવૃતિ કે કર્મવૃતિ પર છે.

ત્રીજો છે ઈશુખ્રિસ્તે પ્રબોધેલો ખ્રિસ્તીધર્મ. આ ધર્મમાં જગતનાં આદિકારણ એવા ચિન્મય પુરુષની ત્રણ અવસ્થામાં કલ્પના કરવામાં આવી છે – ‘ગોડ ધ સન’, ‘ગોડ ધ ફાધર’, અને ‘ગોડ ધ એબ્સોલ્યુટ’. આ બધું તો વેદોકત પરબ્રહ્મના વિવિધ ભાવાનુયાય સગુણ – નિર્ગુણ ઇત્યાદિ ભિન્ન ભિન્ન અવસ્થાની કલ્પના છે. પરંતુ મૂળત: આ સચ્ચિદાનંદ પુરુષ એક જ છે. ખ્રિસ્તીઓ ઈશુમાં શ્રીકૃષ્ણની જેમ ભગવાનના અવતાર અને તારણહાર રૂપે શ્રધ્ધા રાખે છે. ખ્રિસ્તીમતમાં આ સચ્ચિદાનંદ પુરુષ નિરાકાર હોવા છતાં પણ એમનાં પ્રિય સંતાન અને અવતાર ભગવાન ઈશુની પ્રાર્થના અને ઉપાસનાનું પ્રયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મમાં પણ જ્ઞાન, ઉપાસના અને કર્મનું સ્થાન છે; પણ એમનો ઝોક તો ભાવવૃતિ પર છે. એ ધર્મના શાસ્ત્રગ્રંથ ‘બાઈબલ’ માં બે શબ્દ આવે છે. ‘સ્પિરિટ-આત્મા’ અને ‘ફ્લેશ-દેહ’. સ્પિરિટ એટલે વેદાંતના પરમાત્મા અને ફ્લેશ એટલે ઇંદ્રિયો સાથેનો ભૌતિક દેહ. આ ભુતિક દેહની લાલસાઓની પરિતૃપ્તિ કરવી એ પાપનો રસ્તો છે, આ વાત તો બાઈબલમાં અનેકવાર કરી છે. પરમાત્મામાં આપણી જાતને પ્રતિષ્ઠિત કરવાં માટે ખૂબ ઉપદેશ આપ્યો છે. અહીં પણ ભોગલાલસાના ત્યાગ અને સંયમની વાત આવે છે. ભગવાન બુદ્ધની જેમ ભગવાન ઈશુ પણ ત્યાગની પ્રતિમૂર્તિ હતા. ત્યાગ – સાધનાના હોમાનલમાં ભગવાન બુદ્ધે સ્ત્રી-પુત્ર અને રાજસંપત્તિની આહુતિ આપી હતી. ભગવાન ઈશુએ પોતાના બહુમૂલ્ય જીવનની હોમાનલમાં આહુતિ આપી હતી.

ચોથો છે મહંમદ પયગંબરે ઉપદેશેલ ઇસ્લામધર્મ. હજરત મહંમદના માટે જગતનું આદિકારણ એક અને નિરાકાર છે. એમનો ધર્મ જ્ઞાન, ઉપાસના અને કર્મમૂલક છે. ભોગલાલસામા વહેતાં રહેવું એ માનવજીવનનો પરમ ઉદ્દેશ છે એવું એમણે ક્યાંય કહ્યું નથી. એમનું જીવન પણ ત્યાગનું જવલંત ઉદાહરણ છે. સાથે ને સાથે એમના ભક્તોને એમણે એ જ પથે ચાલવાનું સ્પષ્ટ આહવાન કર્યું છે.

આમ આપણને જોવા મળે છે કે આ બધા ધર્મમત કે સંપ્રદાયો બાહ્ય રૂપે જુદા જુદા દેખાય છે છતાં મૂળ સ્વરૂપે તો એક છે અને એનો મૂળભાવ કે ધાતુગત અર્થ એક જ છે. આચાર-અનુષ્ઠાન ધર્મ નથી, ધર્મની એક સીમા છે. જેમ માણસો પોતપોતાની જમીનની આડે વાડ કરીને સીમા નિશ્ચિત કરે છે તેવી જ રીતે એકેએક ધર્મની ચોક્કસપણે રક્ષા કરવા માટે કેટલાંક બાહ્ય આચાર-અનુષ્ઠાન દ્વારા એની સીમા બાંધવાનો પ્રયત્ન થયો છે. ?પરંતુ આ વાડને ધર્મ માનીને જે આપણી ભૂલ થાય છે એવી જ રીતે કોઈ ધર્મનાં બાહ્ય આચાર-અનુષ્ઠાનને ધર્મ સમજી લેવાથી એવી જ ભૂલ થાય છે.

(ક્રમશ:)

(શ્રીગદાધરસિંહ રાયનો બંગાળીભાષામાં પ્રસિદ્ધ થયેલ મૂળ લેખ ‘ધર્મ ઓ ધર્મનીતિ’ નો કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે….)

.

આવતીકાલે અહીં જ આપણે ધર્મનીતિ…. વિશે જાણીશું …. ધર્મનીતિ એટલે શું ?….

ધર્મ પછી ધર્મનીતિ – નૈતિકતા. ‘ની’ + ‘કિત’ = નીતિ. ‘ની’ એટલે લઇ જવું. જેને આગળ લઇ જવો એને નીતિ કહેવાય. ક્યા પથે લઇ જાય છે ?…..

.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • bhadra a n

    દાસ ભૈ –

    તમારા બ્લોગ ઉપરના આ લેખ વન્ચ્યો. આમા જે મહમ્મદ ભૈ વિશે લૈખુ છે તેનુ વધારે detail આપો. અને ત્યાગ ક્યા દીધો ઈ પણ કેહ્શો. જ્ઞાન કેવી રીતે આની સાથે તમે બેસાડો છો? 

    અને ખ્રિસ્ત વીશે પણ તદન ખોટી માહીતી છે. આ યોગ્ય ન