બારમાનું તેરમું !…(હાસ્ય લેખ..)

બારમાનું તેરમું !… (હાસ્ય લેખ) …

[આગામી માસમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે એને અનુલક્ષીને પ્રસ્તુત છે એક હાસ્ય લેખ, ‘હાસ્યમ શરણમ’ પુસ્તકમાંથી સાભાર. ડૉ. નલિનીબેન (અમદાવાદ) વ્યવસાયે આયુર્વેદિક ડૉક્ટર છે અને અમદાવાદની આર્યુવેદિક કૉલેજમાં લેકચરર તરીકે ફરજ બજાવી રહ્યા છે.]

 

 exam

કૉમર્સ બાપના દીકરાવ પડોશીના પાપે અને સગાવહાલાંઓના શાપે બાર સાયન્સમાં આવ્યા હોય એવું અ-સામાજિક વર્તન પડોશીઓ અને સગાસંબંધી સાથે કરે છે. ?બારૂ? (બારમાનો વિદ્યાર્થી) અને તેનું કુટુંબકબીલું સમાજથી દૂર અને સ્વભાવે ક્રૂર થઈ જાય છે. પોતે તો કોઈના ઘેર જતા નથી અને કોઈને પોતાના ઘેર આવવા માટે ધૂમ્રપાનની મનાઈ કરતાંય સખત મનાઈ ફરમાવી દે છે. રસ્તામાં સામા મળે તો સ્માઈલ પણ ન આપે. મસ્તીમજાકમાં તો રીતસરનું બ્રહ્મચર્ય પાળે ! એની મુલાકાત સમયે આપણો ચહેરોય ચીમળાઈ જવો જોઈએ એવો એમનો આગ્રહ હોય છે. જ્યારે મળે ત્યારે તમારે સહાનુભૂતિ અવશ્યમેવ બતાવવી પડે, નહીં તો એ આપણને અ-સામાજિક જાહેર કરી દે. જો કે આપણે ત્યાં ‘બારમું’ હોય ત્યારે એ લોકોય સુંદર વ્યવહારિક અભિનય કરતા હોય છે.

 

અમારા કોઈ જ વાંકગુના કે ઈરાદા વગર ગઈસાલ અમારો એક બાબો દસમામાં અને બીજો બારમામાં હતો. એમાં 67% જનમત આઘાત અને 33% જનમત સહાનુભૂતિ ધરાવતો હતો. લે, તમારે તો આ વખતે બેય બોર્ડ ! એવા લહેકાથી બોલે જાણે આપણે માથે બે સુંદર શીંગડાં ઊગી નીકળ્યાં હોય ! અને 33 ટકાવાળા લોકો એ જ વાક્ય કંઈક એવા લહેકાથી બોલે જાણે આપણને બેય શીંગડાંમાં ગ્લેમરસ ગૂમડાં ફૂટી નીકળ્યાં હોય?.! પાછું ઉમેરે, ‘સારું પ્લાનિંગ કર્યું કહેવાય !’ એલા મૂળચંદ, અમને તો અમારા છોકરાંવ દસમા-બારમામાં આવ્યાં એના આગલા દિવસ સુધી એ કયામતની જાણ નહોતી કે આ બંને બોર્ડમાં આવ્યાં, તે પંદર-સત્તર વર્ષ પહેલાં ક્યાંથી પ્લાનિંગ કર્યું હોય ? એક તો આપણા દીકરાઓ આંય સુધી પહોંચ્યા એના આશ્ચર્યમાંથી આપણે ઊંચા આવતાં ન હોઈએ ને એમાં આ લોકોનાં આઘાત અને સહાનુભૂતિઓ સહન કરવાની ! એક બહેન તો હૉસ્પિટલના આઈ.સી.સી.યુ. વોર્ડમાં ખબર કાઢવા આવતાં હોય એટલી ગંભીરતાથી ‘બ્લેક-બોર્ડ’ જેવું મોઢું કરીને કાયમ અમને યાદ કરાવે, ‘તમારે તો ભઈસાબ’, આ વખતે બબ્બે બોર્ડ નહીં ? છોકરાઓનું આ દસમું-બારમું તો’. હારું કરજો’..’ ભગવાન !’ આ બહેન જો સફેદ સાડીમાં સજ્જ થઈને બોલતાં હોય તો આપણું હૃદય બોંતેર બોંતેર ધબકાર એકસામટા ચૂકી જાય?..! મારી સ્થિતિ તો ટ્વીન્સની જચ્ચા (નવોદિત મા) જેવી થઈ જતી. નાચવું કે રડવું એ ખબર ન પડે ! ટ્વીન્સની માતા પાસે આપણે હરખ કરીએ કે ?સારું થયું, તમારે એક ખાટલે બે પારણાં !’ તો કહેશે કે ‘ ‘શું સારું ? હેરાન-હેરાન થઈ જવાય છે !’ અને કહીએ એકસાથે બે બાળકો એટલે તકલીફ પડે, નહીં ‘?તો કહેશે ‘ ‘ના’ રે, એક ઘામાં (સિઝેરીયનથી) પતી ગ્યું ને?..!’

 

બારમાનો વિદ્યાર્થી એટલે આઈ.સી.સી.યુ. પેશન્ટ, એનો સમય ન બગાડાય. એ સામેથી આવતો હોય તો એને જ એમ્બ્યુલન્સ સમજી આપણી મોટરકાર રોન્ગ સાઈડે લઈ જઈનેય એને માર્ગ કરી આપવો પડે, કારણ કે એ દસમા ધોરણ સુધી પણ દીવાલ ચડીને પહોંચ્યો હોય. બારમામાં પહોંચતાં પહોંચતાં તો એ ખુદ ‘બારમું’ સ્વરૂપ થઈ જાય છે. આવા બાળમોવાળા જેવા સુંવાળા સંતાનોના ‘દસમા’ ‘બારમા’ માટે વહાલી મા અને ‘વાલી’ ?પિતા જવાબદાર હોય છે. સાઠ ટકાના સંતાનને દસમાં ધોરણમાં ભૂલથી સત્યોતેર ટકા આવવાથી બળાત્કાર સ્વરૂપે એને સાયન્સમાં ધકેલવામાં આવે છે અને પછી શરૂ થાય છે દે ધનાધન’..ટ્રેજેડી’..!

 

દસમું તો સગાઈ જેવું સહેલું છે. સગાઈમાં ખાસ કાંઈ કરવાનું હોતું નથી. ઝાડ ફરતે ફેર-ફુદરડી ફરીને લોકગીત ગાવાનાં હોય છે. લબૂસ અને લોથપોથ થઈ જવાનો વારો લગ્ન અને લગ્ન પછી આવે છે ! અખિલ બ્રહ્માંડમાં બે પ્રકારનું ‘બારમું’ પ્રસિદ્ધ છે. એક વિદ્યાર્થીનું અને બીજું મનુષ્યજાતિનું ! આ પ્રકાર જ સૂચવે છે કે, ‘બારૂ’ (બારમાનો વિદ્યાર્થી) મનુષ્યમાં ગણાતો નથી. કારણ કે, બારૂ ઍન્ડ પરિવારનાં વાણી, વર્તન, વ્યવહાર મનુષ્યેતર જાતિ જેવા થઈ જાય છે.

 

બાબો બારમામાં આવે એટલે 144ને બદલે 288ની કલમ લાગુ પાડી દે છે. બારૂની આજુબાજુ બેથી વધુ માણસ ભેગાં થઈને વાત તો શું ગુપસુપ પણ ન કરી શકે ! વાત કરનારને પાસ-હત્યાનું પાપ લાગે ! ‘બારૂ’ને સાવ ‘બારમા’ જેવો કરી નાંખવામાં વાલીઓ (લૂંટારો) જવાબદાર છે. ગરોળી જીવડાંને જોઈ તરાપ મારે એમ બારૂને દીઠો નથી કે ઘૂરકે ? ‘વાંચવા બેસ, વાંચવા બેસ, નહીં તો અમારું બારમું થઈ જશે?..’ આપણે ત્યાં સ્વર્ગસ્થ સ્વજનનો શોક બાર દિવસ ચાલે, આને ત્યાં બારમાનો શોક બાર મહિના ચાલે ! અને લાડુ ફેઈસ ધરાવતા ફેમિલીનું મોં ઘી વગરની લોચા લાપસી જેવું થઈ જાય છે. ટી.વી. તો છાપામાં વીંટીને માળિયે ચડાવી દે. મોળાકત (ગોર્યો) હોય એમ વાલી કહે એટલું અને એવું જ ખાવાનું. સૂચના પ્રમાણે જ જાગરણ કરવાનું અને તેઓ કહે એટલું જ ઊઠવાનું. એ ઊઠે એટલે પીઠ પાછળ ઓશીકું મૂકી દે, પછી ટેડીબેર ગોઠવતા હોય એમ બારૂને ઓશીકાના ટેકે બેસાડે. એ જ પોઝિશનમાં વાંચવાનું. જોક તો કહેવાનીયે નહીં અને સાંભળવાનીયે નહીં. કહેશે …ડફોળ, બારમામાં છે ને હસે છે?.?’ બારમું મજ્જાનું નહીં સજ્જાનું વરસ છે. ‘વૅકેશનમાં હસજો’.. બિચારાને નજરકેદમાં રાખી સંન્યાસી જેવો કરી નાંખે ! સ્પેશ્યલ કેરના નામે કાળો કેર વર્તાવે ! આ દીકરો સમય જતાં પોતાના પગભેર થાય એટલે પહેલું કામ એના બાપને ખાટલા સોતો ઘરડાંઘરમાં મૂકી આવવાનું કરે ! આવા વાલી એક વર્ષ પૂરતાં જો ‘વિદેશગમન’ થઈ જાય તો એંસી ટકાવાળાને નેવું ટકા આવે અને નપાસિયું પાસ થઈ જાય એની હું ભૂતપૂર્વ બારૂવાલી તરીકે ખાતરી આપું છું. પણ વિદેશગમન તો બાજુ પર રહ્યું, આ તો ગાંઠની રજા લઈને ઑફિસગમન પણ રદ કરી દે છે.

 

આમ બિચારાની વરસી જેવું વરસ પૂરું થાય પછી યોદ્ધાને ટીંગાટોળી કરીને પરીક્ષા આપવા સેન્ટર પર લઈ જાય. પેલો છેક અંદર પહોંચી જાય ત્યાં સુધી સલાહ આપ-આપ કરે. અને બીકનો માર્યો બારૂ બાપની સલાહ યાદ રાખવામાં બે સવાલ આખ્ખા ભૂલી જાય. પેપર છ વાગ્યે પૂરું થતું હોય તોય સ્કૂલના જાળીવાળા બંધ દરવાજાની બહાર સાડાપાંચ વાગ્યાથી બગલાની જેમ ઊંચી ડોક અને ઊંચી પાની કરીને ટીંગાઈ જાય અને પ્રથમ કિરણ જેવા પાટવી કુંવર દેખાય એટલે જાણે કે અવકાશયાનમાંથી એનો કલ્પન કે કલ્પના ચાવલા ઊતરતાં હોય એમ દૂરથી દેખાય કે તુરત જ સોનિયા ગાંધીની જેમ હાથ ઊંચો કરે. પેલો બહાર આવે એટલે તરત જ પૂછે ‘ ‘સિંહ કે સસલું ‘.. વર્ષ દરમિયાન ટીચી-ટીચીને પોતે જ એને સસલું બનાવી દીધો હોય અને રિઝલ્ટ સિંહ જેવું જોઈએ ! બારૂ જો, ‘પેપર સરસ ગયું’ એમ કહે તો શંકા કરે ! ખરાબ ગયું એમ કહે તો બઠ્ઠો તરત સાચું માની લે’.!

 

બારમાની પરીક્ષા શરૂ થાય એ પહેલાં બાપ ભગવાનને પ્રાર્થના કરતો હોય કે બોર્ડમાં નંબર આવે એવું કરજો ! પરીક્ષા ચાલુ થાય અને એકાદ પેપર બગડે એટલે 90 ટકા અને મેડિકલમાં એડમિશન મળી જાય એવી ભગવાન પાસે ડિમાન્ડ મૂકે. પરીક્ષા પતી જાય પછી અફવા સાંભળે કે બોર્ડનું રિઝલ્ટ આ વખતે બહુ નીચું છે (36 ટકા જ છે) એટલે ભગવાનને કહેશે કે આપણા 85 ટકા રાખજો. રિઝલ્ટના આગલા દિવસે તો ભિખારી જેવો થઈ જાય. એકાદમાં ઊડી ન જાય એ જોજો ભગવાન ! ભગવાન જાણે એનો ફેમિલી દરજી હોય એમ પહેલાં આખી બાંય, પછી પોણિયા બાંય, પછી અડધી બાંય અને પછી સ્લીવલેસનો ઑર્ડર આપે !

 

બારમામાં હવે તો ઈમ્પોર્ટેડ ‘બેસ્ટ લક’ મળે છે તોપણ ધારી સફળતા નથી મળતી. ક્યારેક તો આ બુકીઓ (બેસ્ટ લકીયાઓ)ને કારણે સમય બગડવાથી જ બે ટકા ઓછા થાય છે. આ રિવાજની ટીકા કરનારાઓ જ કર્ટસી કરવા પહેલાં દોડી જાય છે. સારું છે કે બધા પેપરનાં બેસ્ટ લક સામટાં કહી દે છે. રોજ રોજના બેસ્ટ લક કહેવા જતા હોત તો બિચારા બારૂઓના સ્કોર સાડત્રીસ ટકાથી આગળ વધત નહીં. અને અત્યારે તો મુનીમના દીકરાનેય મેડિકલ સિવાય મોક્ષ ન દેખાતો હોય એટલે 90 ટકાથી ઓછું ચાલે નહીં અને 80 ટકાથી વધુ આવે નહીં. આવા 80 ટકાવાળાઓને મેડિકલમાં ચાન્સ મળે નહીં ને ડિપ્લોમા કરવામાં ડીગ્નીટી હર્ટ થાય ! અને બારમાના બેય બગડ્યા જેવી સ્થિતિ થાય એના કરતાં દસમા પછી ડાહ્યો થઈને ડિપ્લોમામાં ગયેલો સંસારી સારો.

 

બેય પ્રકારના બારમા વચ્ચે બે આંખ જેટલું સામ્ય છે. નાકની લીટી જેવો એક તફાવત એ છે કે માણસમાં કાણમોંકાણ પછી બારમું હોય અને વિદ્યાર્થીના બારમા પછી કાણમોંકાણ ચાલુ થાય. બાકી માણસના બારમા પછી જીવની દિશા અનિશ્ચિત એમ વિદ્યાર્થીની બારમા પછી જીવનની દિશા અનિશ્ચિત ! માણસ જીવતેજીવ ધારે એ કરી શકે, મર્યા પછી ઈશ્વરાધીન ! એકથી બાર ધોરણમાં જીવ સ્કૂલમાં જ ફરતો હોય અને બારમા પછી જીવ એડમિશન પ્રક્રિયામાં ભટકતો ભટકતો મેડિકલ, એન્જિનિયરિંગ કે પોલિટેકનિકમાં સ્થાયી થાય?!

 

બારૂઓ, તલવાર હોય તો જરૂર મહાભારતના યુદ્ધમાં જાવ, પણ ટાંકણી લઈને યુદ્ધ કરવા ન દોડો. ‘મેડિકલ સબ કુછ નહીં જિંદગી કે લિયે.’ આમેય મેડિકલમાં દસ વરસ સુધી સમય, બુદ્ધિ, હળવાશ અને પૈસાની ફિક્સ ડિપોઝિટ કરવા કરતાં અહમ, શરમ અને સંકોચ છોડીને પાણીપૂરી કે ચાની લારી ચાલુ કરી દો તો દસ વર્ષની કમાણીથી ડૉ. માઈકલની જેમ સપરિવાર એ.સી. છકડામાં વિશ્વપ્રવાસે નીકળી શકો. ઈતિ સિદ્ધમ’..

 

 

http://www.gurjardesh.com

 

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Alpesh

  ok

 • aryan

  super lekh,,,,,,,

 • nirav

  jordar collection છે ASHOKBHAI tamaru…!!!
  Kharekhar superb.