|| શિક્ષાપત્ર ૩૯ મું || … અને (૪૦) માઈ મંગલ આરતી … (પદ) …

|| શિક્ષાપત્ર ૩૯ મું || …

 

20

 

 

વિવિધ સ્વરૂપોમાં શ્રીપ્રભુ અત્યંત રસાત્મક અને ફક્ત પૂર્ણ પુરુષોત્તમ હોવાથી તેઓ ક્ષર અને અક્ષરથી પર છે. જેઓ ગોલોકધામ અને વ્રજ- વૃંદાવનમાં નિત્ય નૌતમ રસમય લીલાઓ સાથે બિરાજી રહ્યાં છે. જ્યાં તેઓ પોતાનું ધર્મીસ્વરૂપ પ્રગટમાન અને પ્રકાશમાન કરી રહ્યાં છે. જ્યારે તેમનું ધર્મ સ્વરૂપ એ મથુરામંડળ અને દ્વારિકામાં બિરાજી રહ્યું છે. પ્રભુનું ધર્મી અને ધર્મ બંને સ્વરૂપ આધ્ય અવતાર બ્રહ્માંડ સમાન વિરાટ છે. પ્રભુ પોતે ભાવાત્મક હોવાથી તેમને ભાવથી જ સમજી શકાય છે. આ ઉપરાંત વૈષ્ણવોએ એ પણ યાદ રાખવું ઘટે કે પ્રભુનું અક્ષરધામ વૈંકુંઠ એજ વ્યાપિ વૈંકુંઠ છે જ્યાં પ્રભુ શ્રી લક્ષ્મીજી સંગે બિરાજે છે. શ્રી પ્રભુનાં અનિરુધ્ધ, સંકર્ષણ, વાસુદેવ અને પ્રદ્યુમન એ ચાર વ્યુહ છે. પ્રભુ શ્રી કૃષ્ણ એ પ્રાકૃત નથી તેથી તેઓ સદાયે રસરૂપ લીલાઑ દ્વારા ભક્તોનાં મનને મોહે છે અને પોતાના ધર્મ સ્વરૂપ દ્વારા વ્યુહ લીલાઑ કરી પોતાના ભક્તોની રક્ષા કરે છે.

 

જે ભક્તોને પ્રભુનાં આ પરમાનંદનાં રસની પ્રાપ્તિ કરવી હોય તેમણે સતત ભગવદીયોનો સંગ કરી પોતાના ચંચળ મનને સત્સંગમાં અને ભગવાનનાં ચરણાંર્વિન્દની શરણાર્ગતિમાં જોડવું જોઈએ, પ્રભુની તનુ વિત્તજા સેવા કરવી જોઈએ, પ્રભુ જ આ સંસારનાં અને સાર-અસારનાં કર્તા છે તેથી તેમની ઉપર દ્રઢ વિશ્વાસ અને શ્રધ્ધા રાખવી, પોતાની ચિત્ત શુધ્ધિ માટે ધર્મ માર્ગની પ્રવૃતિઓમાં રત રહેવું જોઈએ અને જે શ્રધ્ધા વિશ્વાસ પોતાના પ્રભુમાં છે તેવો જ દ્રઢ વિશ્વાસનો સમસ્ત ભાવ શ્રી ઠાકુરજી સમાન શ્રી વલ્લભમાં, શ્રી વલ્લભકુલ બાલકોમાં, શ્રી વલ્લભ વાણીમાં અને શ્રી વલ્લભની શરણાંર્ગતિમાં રાખવો.

 

 આમ શિક્ષાપત્ર આડત્રીસનાં ૧૯ શ્લોકોમાં કહેવાયું છે જ્યારે ૩૯ માં શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી ચરણ કહે છે કે વૈષ્ણવો માટે સત લોકોનો સંગ કરવો, અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવો, શ્રી વલ્લભકુલ બાલકો, માર્ગનાં ગ્રંથો, અને ભગવદ્સેવા કરવી એ પાયારૂપ સિધ્ધાંતો છે. શ્રી હરિરાયજી ચરણે આ ૩૯ માં શિક્ષાપત્રમાં ફક્ત છ શ્લોકથી પ્રવેશ કર્યો છે કારણ કે આ શિક્ષાપત્ર નાનામાં નાનું શિક્ષાપત્ર છે.

 

 

સત્સંગેન પ્રભૌ ચિત્તં સ્થાપનીયં નિરંતરમ્ ।
પૂર્વં શ્રુતાનામર્થાનામનુસંધાનમાદરાત્ ।।૧।।

 

 

અર્થાત્ ચિત્તને નિરંતર સત્સંગ દ્વારા સ્થિર કરવું  અને પૂર્વે સાંભળેલા નામ નિવેદન મંત્રના અર્થનુ સર્વદા અનુસંધાન કરતાં રહેવું.

 

ભગવત્સેવનં સમ્યગ્વિધેયમિતિ નિશ્ચયઃ ।
વૈષ્ણવાદિસમાધાનં કૃષ્ણસેવૈવ સર્વથા ।।૨।।

 

અર્થાત્ ભગવાનની સેવા સારી, સુંદર અને પ્રેમપૂર્વક કરવાનો નિશ્ચય રાખવો. સર્વથા વૈષ્ણવોનું સમાધાન કરવું એજ કૃષ્ણ સેવા છે.

 

યતઃ પ્રભૌ પ્રપત્તિર્હિ વર્ધતે કાર્યકારણાત્ ।
સેવયૈવ હિ સંતુષ્ટઃ સુખસેવ્યઃ પ્રભુર્ભતવેત ।।૩।।

 

એટ્લે કે કાર્ય કારણભાવથી પ્રભુમાં પ્રપત્તિ શરણભાવના વધે છે. માત્ર સેવાથી જ નહીં પરંતુ દૈન્યતા અને આનંદપૂર્વક કરેલી સેવાથી પ્રભુ પ્રસન્ન થાય છે.

 

અત્રે ૩ શ્લોક દ્વારા શ્રી હરિરાયજીચરણ ભગવદ્સેવાનો પાયારૂપ સિધ્ધાંત સમજાવતાં જણાવતા કહે  છે કે પ્રભુ શ્રી કૃષ્ણનું નામ એ પરમ રસાત્મક અને સમસ્ત વેદ પુરાણોનો સાર છે તેથી શ્રી વલ્લભનાં વૈષ્ણવોએ સદાયે ભગવદીયો અને તાદ્રશીજનો સાથે સંગ અને સત્સંગ કરતાં રહેવું, હૃદય-મન અને આત્માથી સતત અષ્ટક્ષર મંત્રનો જાપ કરતાં રહેવું જોઈએ અને ગદ્યાર્થ મંત્રને યાદ કરતાં વિચારતાં રહેવું જોઈએ કે વૈષ્ણવરૂપી આ દેહ જે શ્રી વલ્લભની ઈચ્છાથી આપણને મળ્યો છે તો એ દેહ, ઇંદ્રિય, પ્રાણ, આત્મા અને પરમાત્મા, સમસ્ત ધર્મો, કુટુંબીજનો,આલોક અને પરલોક સહિત સમસ્ત જે કઈ વૈષ્ણવ પાસે છે તે સમસ્ત શ્રી વલ્લભનું છે અને શ્રી વલ્લભ થકી શ્રી ઠાકુરજીનું છે તેથી વૈષ્ણવોએ સદાયે સર્મપણ અને અર્પણની ભાવના વિચારવી જોઈએ, અને ભગવદ્ સેવા રીતિ,પ્રીતિથી કરવી એ જ પુષ્ટિ ધર્મ છે.

 

દુરારાધ્યસ્ય સેવૈવ વશીકરણસાધનમ્ ।
કૃષ્ણસેવાં પ્રકુર્વન્તો ભાગ્યવન્તો જના મતાઃ ।।૪।।

 

અર્થાત પ્રભુ દુરારાધ્ય છે તેમને વશ કરવાનું એક માત્ર સાધન સેવા છે. તેથી જે જીવો કૃષ્ણસેવા અને ગુરુસેવા સારી રીતે કરે છે તેઓ ભાગ્યવંતા છે. “ભગવદ્ સેવનમ્ સિધ્ધયેન્ સમ્યફ્” સિધ્ધાંતયુક્ત અને સારી રીતે સેવા કરવી એ જ પરમ કર્તવ્ય છે અને આ પરમ કર્તવ્યમા કોઈ જ  વાદવિવાદને સ્થાન ન હોઈ શકે બ્રહ્માજી, શિવ,નારદ, શુક-સનકાદી ઋષિમુનિઓ પણ અનેક જન્મો અને યુગયુગાંતર સુધી તપ આદી સાધનો કરે છે ત્યારે તેમને કવચિત્ પ્રભુની ઝાંખી દેખાય છે પણ પ્રભુ સ્વયં પૂર્ણ રૂપથી દેખાતા નથી.

 

વારંવાર જોવાયું છે કે અત્યંત અને અગણિત દોષોથી ભરપૂર હોવાને કારણે જીવ દૂષિત થઈ ગયો છે, અને જીવનાં આ દૂષિતપણાને કારણે જીવોને માટે પ્રભુ દુરાધ્ય થઈ ગયાં છે. જ્યાં સર્વે દેવી દેવતાઓ અને ઋષિમુનિજનો પોતાની આટઆટલી સાધના બાદ પ્રભુને ન પામી શકતાં હોય તો દૂષિત અને દોષોથી ભરેલા જીવો કેવી રીતે પ્રભુને પામી શકશે? આથી જ શ્રી હરિરાયજીચરણ કહે છે કે જે જીવ શ્રી વલ્લભનાં માધ્યમથી દૈન્યતાપૂર્વક શ્રી ઠાકુરજી પાસે જશે તે જીવને શ્રી ઠાકુરજી તરત જ અપનાવીને પોતાનો કરી લેશે, અને જે જીવને શ્રી વલ્લભનાં ચરણમાં સ્થાન અને ઠાકુરજીનાં હૃદયમાં સ્થાન મળી જાય છે તે જીવો પરમ ભાગ્યશાળી છે, અને તેવા જીવોનો જન્મ સફળ થઈ જાય છે. શ્રી હરિરાયજીચરણ કહે છે કે કોઈપણ જીવ શ્રી વલ્લભની કૃપા થકી પ્રભુ શ્રી કૃષ્ણની પાસે આવે છે તે સમસ્ત જનોનો ઉધ્ધાર થાય છે. શ્રી હરિરાયજીચરણની આ જ વાણીને સમજીએ અને માર્ગનાં અન્ય ગ્રંથોનું વાંચન કરીએ તો જાણીએ કે નર્મદા, તાપી, મનસા આદી દેવીઓ શ્રી વલ્લભની પદયાત્રા દરમ્યાન તેમનાં શરણે આવેલી, કૃષ્ણદાસ મેઘનનાં માધ્યમથી શ્રી વલ્લભે બ્રહ્મરાક્ષસનો ઉધ્ધાર કરાવેલો, આજ રીતે સ્વયં પણ ૧૦૦૦ ભૂત પલીતોનો ઉધ્ધાર કરેલો, શ્રી વિઠ્ઠલનાથજીનાં ચરણે પણ અનેકાનેક જીવો શરણે આવેલા જેમાં કપોત,  મયૂર,  ચટક,  આદીનો સમાવેશ થાય છે આ બધાં જીવો ઉપરાંત વૃક્ષ વનસ્પતિઑ પણ હતાં જેઓ વૈષ્ણવોને જોતાં જ તેમનાં માર્ગમાં બિછોના થઈ જતાં. આમ આ તમામ જીવોએ મોક્ષદાતા શ્રી વલ્લભ અને તેમનાં દ્વારા શ્રી પ્રભુને ભજવાથી તેમને કોઈ જ ભય અને કોઈપણ પ્રકારનો ભય તેમની પાસે ન રહેવાથી તેમનું કલ્યાણ થઈ ગયું. તેથી જ શ્રીમદ્ ભાગવતજીનાં સપ્તમ સ્કંધમાં શ્રી પ્રહ્લાદજી કહે છે કે પશુ, પક્ષી, દેવ, અસુર, મનુષ્ય, યક્ષ, કે ગંધર્વ કોઈપણ પ્રભુને ભજે તો પણ તેમને મોક્ષ મળતા તેમનો ઉધ્ધાર થાય છે. જ્યારે સતીમાતા પાર્વતીને મહાદેવજીએ સ્વયં કહ્યું છે કે નારાયણપરાયણ જીવો સ્વર્ગ, મોક્ષ, નર્ક વગેરેને તુચ્છ માનનારા હોઇ તેઓ કોઈનાથી ભય પામતા નથી.

 

તસ્માદ્દઢં મનઃ કૃત્વા કૃષ્ણ એવ હિ સેવ્યતામ્ ।
અત્રત્યં વૃત્તમખિલં વદિષ્યતિ વિશેષતઃ ।।૫।।

 

શ્રી વિઠ્ઠલેશપ્રભોર્દાસઃ શ્યામદાસસહસ્થિતઃ ।
તત્રત્યવૃત્તાન્તોડખિલો વિવિચ્ય લેખ્યઃ કિમધિકમ્ ।।૬।।

 

મનને દ્રઢ કરીને પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રની સેવા કરવી એ જ વૈષ્ણવોનો ધર્મ છે તેમ શ્રી ગોકુલનાથજીનાં પુત્ર શ્રી વિઠ્ઠલરાયજીનાં સેવક શ્યામદાસજી કહે છે.

 

આમ અત્રે શિક્ષાપત્ર ૩૯ મુ સંકલિત કરી વાંચક વિચારકોને ગ્રંથનું વાંચન કરવાનો અનુરોધ કરાય છે.

  

શેષ … શ્રીજી કૃપા …

 

સંકલન : શ્રી વ્રજનિશ શાહ.
બોયડસ્. મેરીલેન્ડ.યુ એસ એ.

 

[email protected]
[email protected]

 

સંલેખ પ્રાપ્તિ : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
email: [email protected]

 

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે…

 

 

બ્લોગ લીંક: http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

 

 

(૪૦)  માઈ મંગલ આરતી … 

કવિ- ચતુર્ભુજદાસ
રાગ-ભૈરવ  

 12

 

માઈ મંગલ આરતી ગોપાલ કી ।
નિત પ્રતિ મંગલ હોત નિરખી મુખ,
ચિતવનિ નયન વિસાલ કી ।।૧।।

મંગલ રૂપ સ્યામ સુંદર કો, મંગલ ભૃકુટિ સુભાલકી ।
“ચત્રભુજ” પ્રભુ સદા મંગલનિધિ ,
બાનિક ગિરિધરલાલકી ।।૨।।

 

 

વ્રજભાષામાં રહેલા શબ્દોનો અર્થ

  

માઈ- સખી

નિતપ્રતિ-દરરોજ

વિસાલ-મોટા

સુભાલ- મોટું અને સુંદર કપાળ

બાનિક-શોભા

ચિતવનિ- ચિંતન
 

 

પદનો સાર …

 

હે સખી ! શ્રી ગોપાલની મંગળ આરતી થઈ રહી છે, તું દર્શન કર. રોજ તેમનું આરીતે મુખ નિરખતા મંગળ થાય છે. તે નિરખ્યા પછી તેમનાં વિશાળ-સુંદર નેત્રોનું સદા ચિંતન થાય છે (૧)

શ્રી શ્યામ સુંદર રૂપ મંગળ છે, તેમનાં વિશાળ સુંદર લલાટ પરનિ ભ્રમરો પણ અતિ મંગળ છે. ચતુર્ભુજદાસનાં પ્રભુ સદા મંગળતાનો ખજાનો છે. શ્રી ગિરિધરલાલની શોભા મંગળ છે.

 

પુષ્ટિમાર્ગીય કીર્તન સાહિત્યનાં આધારે 
 

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

email: [email protected]

 

   

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....