|| શિક્ષાપત્ર ૩૬ મું ||  … અને (૩૭) ગીતગોવિંદ – … (પદ) …

|| શિક્ષાપત્ર ૩૬ મું ||  …

 

 n11

 

 

શિક્ષાપત્ર પાંત્રીસમાં વિચારાયું છે કે ભગવદીયોને વિજાતીય ભાવવાળા વૈષ્ણવોનો સંગ મહાદુઃખકારક છે અને સજાતીય સંગ ન મળવો એ પણ મહાદુઃખકારક છે. શ્રી હરિરાયજી ચરણ કહે છે કે લૌકિકમાં રત રહેનાર જીવોનો સંગ પણ દુઃસંગ જ છે વળી દુઃસંગથી ઉત્પન્ન થતું દુઃખ નિવૃત થતું નથી તેથી દુઃસંગથી સદાયે દૂર રહેવું.

 

શ્રી હરિરાયચરણે દુષ્ટજીવનાં ત્રણ પ્રકાર દર્શાવ્યાં છે જેમાં આધિભૌતિક દુષ્ટ એ છે જે કર્મ દુષ્ટ હોવા છતાં પણ સત્સંગથી સુધરી શકે છે. આધ્યાત્મિક દુષ્ટજીવ જે જ્ઞાન દુષ્ટ છે અને વિપરીત જ્ઞાન ધરાવનારો છે જે કદાચિત મહાપ્રયત્નો દ્વારા સુધરી શકે છે પરંતુ આધિદૈવીક દુષ્ટજીવ જેની ગણના ભક્તિ અને પ્રેમ રહિત હોવાથી મહાદુષ્ટ છે જે કદાપિ ન સુધરે તેમનો સંગ કરવાથી ભક્તજીવ પણ આસુરી બની જાય છે. માટે આવા આધિદૈવીકજીવોથી પણ દૂર રહેવું જોઈએ અને તેમનો સંગ ત્યજવો જોઈએ.

 

છત્રીસમુ શિક્ષાપત્ર ૧૯ શ્લોકોથી અલંકૃત કરાયું છે. જેનો વિષય વૃથા ચિંતાઓનો ત્યાગ છે. આ શિક્ષાપત્રોમાં નિરૂપાયું છે કે ભક્તિમાર્ગીય જીવે ક્યારેય ચિંતા ન કરવી જોઈએ કારણ કે ચિંતાતુર હૃદયમાં શ્રી પ્રભુ બિરાજતા નથી. શ્રી હરિરાયજીચરણ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજી રચિત નવરત્ન ગ્રંથનું ભાષ્ય કરતાં કહે છે કે ધર્મમાર્ગમાં “ કલૌ કર્ત્તૈવ  કેવલમ્ ” કલિયુગમાં સંસર્ગ દોષ મનાતો નથી કારણ કે જે કરે તે પામે તથા તથા જે કરે તે ભોગવે છે તેથી અવૈષ્ણવનો સંગ ન કરવો, ફક્ત પ્રભુચરણમાં આસક્ત રહી અહંતા મમતાનો ત્યાગ કરવો જોઈએ માટે

 

નૈવ ચિંતા પ્રકર્તવ્યા લૌકિકી ભક્તિમાર્ગેગૈઃ ।
ચિત્તે ચિંતાતુરે કૃષ્ણઃ કથમ વિશતે ગુણૈઃ ।।૧।।

 

લૌકિકમાં રહેનાર ભક્તિમાર્ગીય વૈષ્ણવે કદી પણ ચિંતા  ન કરવી કારણ કે જો ચિત્ત ચિંતાતુર હોય તો પ્રભુ હૃદયમાં બિરાજતાં નથી.

 

યથા ગૃહે ગૃહપતિઃ શુધ્ધે સંમાર્જનાદિભિઃ ।
સ્વસ્થસ્તિષ્ઠત્યન્યથા તુ પરાવર્તેત સર્વથા ।।૨।।

 

એટ્લે કે જેમ ઘર સ્વચ્છ હોય તો તેમાં રહેનાર પણ સ્વસ્થ થઈને રહે છે તેમ શ્રી પ્રભુ પણ ચિંતા સભર મલિન હૃદયમાં બિરાજવાનું પસંદ કરતાં નથી.

 

ઉક્તં ચ પ્રભુભિસ્તસ્માત્ નવરત્ને કૃપાલુભિઃ ।
અતોડન્યવિનિયોગેડપિ ચિંતા કા સ્વસ્ય સોપિ ચેત્ ।।૩।।

 

આથી જ નવરત્ન ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે સ્ત્રી, પુત્ર, ધન, ઘર, સંપતિ આદી કૃષ્ણને અર્પણ કરેલ છે, માટે આ બધા પ્રભુનાં થયાં જેથી કરીને આ બધાં જ તત્વો પ્રભુને માટે વિનિયોગ થાય તો ચિંતા કરવાનો કોઈ વિષય રહેતો નથી માટેજ આચાર્યચરણ  કહે છે કે જે પ્રભુના હોય તો તેઓએ અન્યનાં વિનિયોગની ચિંતા શા માટે કરવી?

 

ધર્મમાર્ગ વિચારેડપિ કલૌ કર્તૈવ લિપ્યતે ।
ન સંસર્ગકૃતો દોષસ્તથા કલિયુગે ભવેત્ ।।૪।।

 

અર્થાત ધર્મમાર્ગની દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તો કલિયુગમાં કર્તા પણ એકલો જ લિપ્ત થાય છે પણ કલિયુગમાં સંસર્ગનો દોષ લાગતો નથી. ધર્મમાર્ગની રીતે વિચારાય તો ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કે કલિયુગમાં જે દોષ કરે છે તે જ લિપ્ત થાય છે. સંસર્ગનો દોષ  કલિયુગમાં સર્વથા ન લાગે માટે સંબંધીઓનો દોષ આપણને લાગતો નથી એવી મર્યાદા છે માટે સંબંધી ભક્તની રીત છોડી અન્યાશ્રય કરે તો પણ તેને સમજાવીને અન્યાશ્રય છોડાવી શકાય છે. અને જો સંબધી ન માને તો એ જે કરે છે તે જ પામશે તેમાં હું ભક્તજીવ લેપાતો નથી આમ વિચારી પોતે પોતાના ધર્મમાં સાવધાન રહેવું.

 

યુગાંતરે તથૈવાડયં પંચમત્વેન ગણ્યતે ।
યદ્યપ્યુક્તં નિજાડચાયૈર્થેયં નાડવૈષ્ણવૈઃ સહ ।।૫।।

 

તે જ પ્રમાણે અન્ય યુગોની સરખામણીમાં આ પાંચમો યુગ ઉત્તમોત્તમ યુગ છે ( અત્રે કલિયુગને ઉત્તમ મનાયો છે ) પરંતુ આપણાં આચાર્યશ્રીએ કહ્યું છે કે અવૈષ્ણવોની સાથે કદી ન રહેવું યુગાંતરને સમજતા સતયુગ, દ્વાપર, ત્રેતાયુગ અને કલિયુગ દર્શાવ્યા છે અને તેમાં આ ચાલતો કલિયુગ પાંચમો યુગ દર્શાવાયો છે અર્થાત યુગોમાં બે કલિયુગ દર્શાવાયા છે. જે યુગમાં પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયેલું છે તે કલિયુગ સૌથી ઉત્તમ છે. શ્રી ગુંસાઈજી પ્રભુચરણ સપ્ત શ્લોકીમાં આ વાત કરતાં કહે છે કે

 

સપ્ત શ્લોકીનો શ્લોક

“માયાવદકરીન્દ્રદર્પદલનેનાસ્યેન્દુરાજોદ્રત
શ્રીમદ્ભાગવતારવ્ય દુર્લભસુધાવર્ષેણ વેદોત્કિભિઃ ।
રાધાવલ્લભસેવયા તદુચિત્તપ્રેમ્ણોપદેશૈરપિ
શ્રીમદ્વલ્લભનામધેયસદશી ભાવી ન ભૂતોડસ્ત્યપિ ।।

 

અર્થાત માયાવાદરૂપ મદોન્મત્ત હાથીનો ગર્વ તોડવાને માટે શ્રી ઠાકુરજીનાં મુખચંદ્ર થી પ્રગટ થયેલ શ્રીમદ્ ભાગવત નામની દુર્લભ સુધાની વૃષ્ટિ વર્ષણ કરવાને લીધે વેદના વચનથી શ્રી રાધાવલ્લભ શ્રી કૃષ્ણની સેવાથી અને તે સેવાને યોગ્ય એવા પ્રેમ સહિત ઉપદેશથી શ્રી મહાપ્રભુજી સમાન કોઈ થશે નહિ.

 

જે આ કલિયુગમાં શ્રી મહાપ્રભુજીનું દૈવીસૃષ્ટિનાં જીવોનાં ઉધ્ધાર કરવાનું કાર્ય પૂર્ણ કરવા માટે ફરી ભૂતલ પર પધારવું પડે તે યુગ  કલિયુગ હોવા છતાં પણ ઉત્તમ છે. વેદ શ્રુતિ પણ અત્રે પ્રતિપાદન કરે છે કે “અક્ષણ્વતાં ફલમિદં ન પરં વિદામઃ” એટ્લે કે આંખો તથા અન્ય ઇન્દ્રિયો જેમને પ્રભુએ આપેલી છે તેનું ફલ તો આ પ્રકટ ભાવાત્મક, રસાત્મક શ્રી ગોપીજન વલ્લભ છે. એ આંખોનો વિનિયોગ શ્રી પ્રભુનાં દર્શન કરવામાં તો જરૂર કરો, વળી અમે ગોપીઑ ઉપનિષદરૂપક-શ્રુતિરૂપા છીએ તેથી રસાત્મક પુષ્ટિ પુરુષોત્તમનાં દર્શનથી અધિક ફલ કંઇ જ નથી, અને આજ વાત શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં કહે છે કે જ્ઞાનીઓનાં નિરાકાર બ્રહ્મની હીનતા “ઇડમ” શબ્દથી દર્શાવી સાકર રસેશ શ્રી કૃષ્ણ –શ્રી ગોપીજન વલ્લભનું પરમ ફલત્વ સિધ્ધ કરે છે.

 

તથાપિ લોકસંકોચઃ કર્તવ્યગ્રહદર્શનૈઃ ।
મનઃ સ્થાપ્યં તન્નિવૃત્તૌ સમયે તન્નિવર્તનમ્ ।।૬।।

 

આપણાં આચાર્યજી કહે છે કે અવૈષ્ણવોની સાથે કદી રહેવું નહીં અને રહેવાનુ થાય તો અવૈષ્ણવ સાથેનાં સંગને ધીરે ધીરે ઓછો કરતાં જવું અને સમય આવે ત્યારે અવૈષ્ણવ સંગથી દૂર થઈ જવું.

 

તત્કાલં તત્પ્રયાને તુ રોગસ્યેનોદ્દભવો ભવેત્ ।
અતઃ કાર્ય શનૈરેવ પ્રતિબંધનિવર્તનમ્ ।।૭।।

 

અર્થાત જો દર્દ થાય કે તરત જ દર્દનું મૂળ શોધ્યા વગર દર્દને બાહ્ય ઉપચારથી તરત જ દબાવી દેવામાં આવે તો કદાચ તત્કાળ દર્દ ઓછું થાય પણ ફરીથી પાછું ઉદ્ભવે તો તો વધારે પરિસ્થિતી ખરાબ થતી જાય માટે દર્દ ઓછું કરવા માટે કાયમી ઉપચાર કરવો પડે છે તેમ ચિંતા, મોહનાં અતિરેક ભર્યા કારણોની અંદર ન પ્રવેશતા આ તત્વોથી દૂર જ રહેવું.

 

વૃથા ચિંતા ન કર્તવ્યા સ્વમનોમોહકારણમ્ ।
યથા સચ્છિદ્રકલશાત્ જલં સ્ત્રવતિ સર્વશઃ ।।૮।।

તથાડયુઃસતતં યાતિ જ્ઞાયતે ન ગ્રહસ્થિતૈઃ ।
એવં હિં ગચ્છત્યાયુષ્યે ક્ષણં નૈવ વિલંબયેત્ ।।૯।।

ભગવચ્ચરણે ચેતઃ સ્થાપનેડતિવિચક્ષણઃ

(૯ મો શ્લોક સાડાત્રણ ટૂંકનો બનેલો છે.)

 

ચિંતાએ મોહનાં કારણરૂપ તત્વ છે માટે ભગવદ્જીવોએ નકામી ચિંતા કરવી નહીં. જેમ કોઈ કાણાંવાળા પાત્રમાંથી જળ વહી જાય છે તેમ ગૃહસ્થાશ્રમ અને લૌકિક સંસારમાં વ્યસ્ત એવી વ્યક્તિનાં જીવનમાંથી પણ સમય એ સરતો જાય છે જેનો જીવને ખ્યાલ આવતો નથી, માટે ભક્તજીવે પોતાના ચિત્તને ભગવદ્ચરણમાં સ્થાપવું હોય તો પોતે જાગૃત રહી શ્રીજી સેવા કરવા માટે એક ક્ષણનો પણ વ્યય કરવો નહીં. પુષ્ટિમાર્ગની રીતિ પ્રીતિ પ્રમાણે નિત્ય પ્રભુની સેવા-સ્મરણ-મનન-ચિંતનમાં સ્વયં રત રહેવું અને પોતાની ઇન્દ્રિયોને પણ ભગવદ્કાર્યાર્થે વ્યસ્ત રાખવી.

 

 

શરીરં પ્રાકૃતંત્દ્વિહન્નિત્યં સર્વથા મતમ્ ।।૧૦।।

 

તત્સંબંધોપ્યવિધાતસ્તતોડહંમમમતાડત્મકઃ
સંસારસ્ત ત્કૃતઃ સર્વસંબંધો ડપિ મૃષા મતઃ ।।૧૧।।

તત્સંબંધકૃતઃ દુઃખં ન હિ મંતવ્યમુત્તમૈઃ ।
પ્રતિબંધ નિવૃત્યથં હરિં શરણમાવ્રજેત્ ।।૧૨।।

 

અર્થાત શરીર તો પ્રાકૃત છે માટે તેનો નાશ સુનિશ્ચિત છે. ચોરાશી લાખનાં ફેરામા પડેલા જીવનાં દેહનો કોઈ સંબંધ કાળ સાથે નથી પરંતુ પંચમહાભૂતતત્વોથી બનેલો આ દેહ પ્રાકૃત હોવાથી તેનું કાર્ય પણ પ્રાકૃત જ હોય છે. જીવઆત્મા તો સદાયે અખંડ છે તેને નથી અગ્નિ બાળી શકતો કે ન તો શસ્ત્રો ભેદી શકતા. જીવઆત્મા એ નિત્ય છે પરંતુ અવિદ્યાને કારણે દેહધારી જીવને શરીર એ પોતાનું લાગે છે. આમ જીવને અહંતા મમતા લાગેલા છે અને આજ પ્રમાણે અહંતા મમતાથી સઘળો સંસાર બંધાયેલો છે. જીવ જાણે છે કે આ સંસાર જુઠ્ઠો છે પણ તેમ છતાં પણ અવિદ્યા અને અજ્ઞાનને કારણે સંસારમા રહેલા જીવતત્વો આ સત્યાર્થને સમજી શકતાં નથી. આથી શ્રી હરીરાયજીચરણ કહે છે કે લૌકિકમાં મન ન રાખવું તે જ ભગવદીયને માટે ઉત્તમ છે. સર્વ અહંતા, મમતાનો અંચળો દૂર કરી શ્રી હરીને અને ગુરુને શરણે જવાથી સર્વે પ્રતિબંધો દૂર થાય છે આ વાતે નવમા સ્કંધમાં કહેવાય છે કે “ જે ભક્તો સ્ત્રી, પુરુષ, પુત્રાદી, ગૃહ, સ્નેહ, સંબંધી, પ્રાણ, હૃદય તેમજ આ લોક અને પરલોકને છોડીને પ્રભુને શરણે જાય તેમને પ્રભુ છોડતા નથી. માટે શ્રી મહાપ્રભુજી દ્વારા વૈષ્ણવોનું શ્રી ઠાકુરજીને નામ નિવેદન મંત્રથી સર્વ સમર્પણ થાય તેજ વૈષ્ણવો માટે પરમ શ્રેષ્ઠ છે.

 

ભકતદુઃખાસહિષ્ણુસ્તં તદૈવ નિવર્ત્તયેત્ ।
અશકયે હરિવાસ્તીત્યેવમેવ પ્રભોર્વચઃ ।।૧૩।।

 

એટ્લે કે ભક્તોનું દુઃખ પ્રભુ સહન કરી શકતા નથી એવા પ્રભુ ભક્તોનાં સર્વે પ્રતિબંધોને – અડચણોને દૂર કરે છે કારણ કે જીવથી કશું જ ન બને ત્યારે શ્રી પ્રભુ જ રક્ષક બને છે આવું શ્રી મહાપ્રભુજીનું વચનામૃત છે. ભક્તનું દુઃખ શ્રી પ્રભુ સહન કરી શકતા નથી. તેથી તેઓ ભક્તો પાસે દોડી જઈ ભક્તોની પરેશાની, ચિંતાઓ અને દુઃખ દૂર કરે છે. વિવેકાધૈર્યાશ્રયમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે

 

 

વિવેકાધૈર્યાશ્રયનો શ્લોક

“અશકયે હરિરેવાસ્તિ સર્વમાશ્રયતો ભવત
તથા અશકયે વા સુશકયે વા સર્વથા શરણં હરિઃ”

 

આપણાંથી ન બની શકે તેવી પરિસ્થિતી હોય ત્યારે તેમાં હરિ જ રક્ષક છે. કારણ કે આશ્રયથી સર્વ સિધ્ધ થાય છે. અશક્ય કે સુશક્યમાં સર્વથા હરિનું જ શરણ છે આવી રીતે શ્રી હરિનિ શરણભાવના રાખવાથી શ્રી પ્રભુ સર્વ તરફથી ભક્તોનું રક્ષણ કરે છે.

 

યાવચ્છક્તિઃ પ્રકર્તવ્યો હ્યુ પાયસ્તન્નિવર્તને ।
પ્રતિકૂલે ચ તત્યાગપર્યંતં વિહિતં પુનઃ ।।૧૪।।

 

અર્થાત પ્રતિબંધનિ નિવૃતિ માટે પોતાની શક્તિ પ્રમાણે ઉપાય કરવો. જો સ્ત્રી, પુત્રો, પરિવાર પ્રતિકુળ હોય સેવા સ્મરણમાં વિરોધ ઉત્પન્ન થાય છે અથવા કરે છે ત્યારે તેમનો ત્યાગ કરવો તે જ સર્વથા ઉચિત છે. “ઉદાસીને સ્વયં કુર્યાત્પ્રતિકુલે ગૃહં ત્યેજત” ભગવાન આત્મ સંબંધી જન્મ જન્મનાં પ્રભુ છે. દેહસંબંધી સ્ત્રી, પુત્ર, પરિવાર છે જ્યાં સુધી તેમનો દેહ છે ત્યાં સુધી જ દેહનાં સંબંધો રહેલા છે. દેહનું મરણ થતાં જ પરિવારનાં બધાં જ સંબંધો છૂટી જાય છે. માટે શ્રી આચાર્યચરણ કહે છે કે દેહ સંબંધને માટે આત્મસંબંધ ન છોડવો.

 

સર્વથા સ્વસ્ય ચાશકતૌ હરિરેવ હિ રક્ષકઃ ।
સ્વકીયચિંતાં કુસતે કર્તા સ ચ કરિષ્યતિ ।।૧૫।।

 

પોતાની આશક્તિમાં સર્વથા હરિ જ આપણાં રક્ષક છે. શ્રી પ્રભુ પોતાના ભક્તનિ ચિંતાં કરે છે, અને કરશે જ, માટે “સર્વાર્થે શરણં હરિઃ તથા સર્વથા શરણં હરિઃ।

 

સ્વયં કિમર્થં કર્તવ્યા પિતરીવ શિરઃ સ્થિતે ।
ન ત્યક્ષ્યતિ કૃપાપૂણઃ સેવકં સર્વસદાશ્રિતમ્ ।।૧૬।।

 

જેમ આપણે માથે પિતા છે તેમ શ્રી ઠાકુરજી પણ આપણે માથે બિરાજે છે તો પછી ચિંતા શાને કરવી? પ્રભુ અત્યંત કૃપાળુ છે તેઓ પોતાના આશ્રિત સેવકોને કદી ત્યાગશે નહીં. જેની કૃપા દૃષ્ટિ સર્વ સદા એક ભક્ત પર જ છે એવો વૈષ્ણવે કોઈ પણ વિષયે ચિંતાં ન કરવી જોઈએ. કારણ કે પ્રભુનો જ આશ્રય જ ભક્તોનિ આસ્થાને દ્રઢ કરે છે.

 

આચાર્યશરણં તસ્ય ચિંતા લેશોપિ નૈવ હિ ।
તસ્માત્ શ્રી વલ્લભાચરણાબ્જદ્વયાશ્રિતૈઃ ।।૧૭।।

ન કા પિ ચિંતા કર્તવ્યા કૃષ્ણસેવા વિના પુનઃ ।
નિવેદનાનુ સંધાનચિંતામાટ્ત્રં વિધીયતામ્ ।।૧૮।।

 

જેમને આચાર્યચરણનો દ્રઢ આશ્રય કરેલો છે, તેમને લેશ માત્ર ચિંતાનુ કારણ નથી. શ્રી વલ્લભનાં ચરણકમળનાં આશ્રિતે કૃષ્ણસેવા વિના અન્ય ચિંતા કરવી ઘટે નહિ. ચિંતાં કરવી હોય તો તે કેવળ નિવેદનનાં અનુસંધાન પરત્વે જ કરવી. જે શ્રી આચાર્યચરણ મહાપ્રભુજીનાં શરણે છે જેને નામમંત્ર “ શ્રી કૃષ્ણઃ શરણંમમ ” મળ્યો છે. તેણે ચિંતાનો જરા પણ વિચાર ન કરવો. શ્રી ગુંસાઈજીચરણ વિજ્ઞપ્તિમાં કહે છે કે

 

વિજ્ઞપ્તિનો શ્લોક  

યદુક્તંતાતચરણેઃ શ્રી કૃષ્ણઃ શરણંમમ ।
તત એવાસ્તિ નૈ શ્ચિંત્યમૈહિકે પારલૌકિકે ।।

 

અર્થાત “તાત ચરણ શ્રી વલ્લભ એમ કહે છે કે” શ્રી કૃષ્ણઃ શરણંમમ એ મંત્ર વડે જીવોનાં આ લોક અને પરલોકનાં  ફળાદિકમાં નિશ્ચિંતતા છે.

 

લોકે સ્વાસ્થ્યં તથા વેદે ઇતિ શ્રીમત્પ્રભોર્વચઃ ।
સ્મૃતા શીઘ્રં હનદિસ્થા સા નિવત્યાં સેવનાર્થિભિઃ ।। ૧૯ ।।

 

નવરત્ન ગ્રંથમાં શ્રી વલ્લભાચાર્યજી કહે છે કે

નવરત્ન ગ્રંથનો શ્લોક

“લોકે સ્વાસ્થયં તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ”

 

અર્થાત હરિ લોકવેદમાં સ્વસ્થતા કરશે નહીં, જેઓ પ્રભુમાં સ્થિતિ કરીને (જેમને પ્રભુમાં પરત્વે દ્રઢ શ્રધ્ધા રહેલી છે) રહેલા છે તેમણે ચિંતાનો ત્યાગ કરવો. કારણ કે પ્રભુ શ્રી કૃષ્ણચંદ્ર પોતાના ભક્તને માટે લૌકિક વૈદિક પરીસ્થિતિ ઊભી નહીં જ કરે.

 

અત્રે ૩૬ માં શિક્ષાપત્રનાં શ્લોકોનું સમાપન કરતાં કહેવાયું છે કે લૌકિક કામનાવાળા અને અન્યાશ્રયી લોકોના સંગમાં રહેવાથી હૃદયમાં તાપ, કલેશ અને ચિંતાઓ ઉત્પન્ન થાય છે અને આજ સંગ મોહનું કારણ બને છે જેને કારણે વૈષ્ણવજીવો લૌકિક, ભૌતિકમાં અટવાઈ જાય છે., આથી વૈષ્ણવ જીવોએ સમજદારીપૂર્વક લૌકિક, ભૌતિકને જીવનમાંથી દૂર કરવા માટે અસંગી સંગથી અને અસંગી સંગથી ઉત્પન્ન થતી ચિંતાઓથી દૂર રહેવું કારણ કે ચિંતાતુર હૃદયમાં પ્રભુ બિરાજતાં ન હોવાથી ભક્તિ માર્ગીય જીવે શ્રી વલ્લભની કૃપાથી પોતાને મળેલા બ્રહ્મસંબંધ પ્રતિજ્ઞાનું સંસ્મરણ કરી પોતાની જાતને ભાગ્યશાળી માની કદાપિ ચિંતા કરવી નહીં. આ સાથે અહી અતિ વિચારણીય એવા ૩૬માં શિક્ષાપત્રને પૂર્ણ કરાય છે અને શિક્ષાપત્રનાં વાંચકોને અનુરોધ કરાય છે જે વધુ જાણકારી માટે શ્રી હરિરાયજી મહાપ્રભુજી રચિત શિક્ષાપત્ર ગ્રંથનું વાંચન કરવું અતિ આવશ્યક છે.

 

 

શેષ … શ્રીજી કૃપા …

 

સંકલન : શ્રી વ્રજનિશ શાહ.
બોયડસ્. મેરીલેન્ડ.યુ એસ એ.

 

[email protected]
[email protected]

 

સંલેખ પ્રાપ્તિ : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
email: [email protected]

 

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે…

 

 

બ્લોગ લીંક: http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

 


(૩૭) ગીતગોવિંદ – …

રાગ- બિભાસ:પ્રબંધ
રચના-કવિ જયદેવજી

 

 

 

pushti N2
 

વિજન રજની જોઈ લજ્જા છબીલી તણી છૂટી
પ્રગટી તનમાં તાલાવેલી ઉરે રાત ઊમગી
રસબસ દગે સેજે હજે રમી રહી તલ્પતી
તવ તલસતી વહાલી પ્રત્યે વદે હરિ હર્ષથી.

 

૧) વિજન=એકાંત

૨) રતિ=પ્રીતિ

૩) હેજે=હેતથી

 

એકાંત નિર્જન રાત્રિ જોઈને પ્રિયાજીની લજ્જા છૂટી ગઈ. વિલસવા માટે તનમાં તાલાવેલી પ્રગટ થઈ અને તેમના હૃદયમાં રતિ ઉભરાઇ આવી. તેમની દૃષ્ટિમાં પ્રભુપ્રેમનો રસ છલકાઈ ગયો અને પ્રભુ માટે આતુરતા થઈ આવી. શ્રી રાધાજીના હૃદયમાં રહેલો તલસાટ જોઈ શ્રી ઠાકુરજી હર્ષપૂર્વક કહેવા લાગ્યાં કે.

 

રાગ બિભાસ:પ્રબંધ

 

કામિની! આ તવ કરપલ્લવની કરવા જતું સરસાઈ
નૂતન કૂંપળ કેરું શયન, તુજ ચરણે ચગદ જ ચ્હાઈ,
અવ યશવર્તી આ તવ અનુચર વરતનું ! વિનવે. (૧)
 
ચરણશરણ મણિમય અણવટ વત, સેવક હું સહુ વાતે
આવ સુહાવ શયન, સેવાનો લહું લ્હાવો ભલી ભાતે. (૨)
 
લાવ લલિત પાવલિયા કોમળ કેળ સમા સુકુમારી
ઓળાંસી શ્રમ હરું, મુજ અર્થ જે તું અતિ દૂર પધારી (૩)
 
અમી સમ મધુર વચન, અમીધર સમ મુખથી ઉચર શુભ રીતે
કે કુચફળથી વિછોહ કરવતું, ટાળું પટાંતર પ્રીતે (૪)
 
ડોલે મસરસના આંદોલે, તુજ જે કંટક ધારી
કુચ અંબુજ એ ઉરધર શીતળ, સ્પર્શે અતિ સુખકારી (૫)
 
દેહ દહે દારૂણ વિરહાનલ, સુખ શાંતિય સંહારી
તું જ બેલી મૂન,પાઇ અધર અમી, લે અલબેલી ઉગારી (૬)
રસનાની રણઝણ ને કંઠની કિલકિલ ધુનિ લલકારી
કોકિલના કલકલ કલબલનું કષ્ટ કટવિયે હારી. (૭)
 
નિષ્ફળ રોષ સજી મુજ સંગે સંતાપી શરમાઈ
નયન રસીલાં પડી છોભીલાં તુજ જાયે લોચાઇ (૮)
 
વિનતી જે “હરિની” રસભીની જયદેવે ઉચ્ચારી
રસિક તણે ઉર તે અતિ દે રતિરંગતરંગ પ્રસારી (૯)
 

 

* ૧) કામિની=સ્ત્રી

૨) યશવર્તી=અધીન

૩)અનુચર=દાસ

૪) શયન=શથ્યા

 

* ૧) અણવટ=પગની આંગણીમાં પહેરવાનું ઘરેણું
૨) અમીધર=ચંદ્ર
૩) વિછોહ=વિયોગ
૪) મસ=પુષ્કળ

 

* ૧) રતિરંગતરંગ=પ્રેમરસના તરંગો

 

ભાવાર્થ

 

પ્રથમકડી

 

૧) હે કામિની! આ નવીન કૂંપળોની રચેલી શથ્યા, તારા કોમળ ચરણોની હરીફાઈ કરતી હોય તેવી છે અર્થાત તારા ચરણની પ્રતિસ્પર્ધી જેવી છે. સખી માટે કહું છું તારા ચરણની દે હરાવી દે. હે સુકુમારી તને આધીન થયેલો આ સેવક તને વિનંતી કરીને કહે છે તું આ શથ્યામાં પોઢ.
 
૨) તારા ચરણોમાં રહેલા આ મણિજડિત ઝાંઝરની જેમ હું પણ તારા ચરણોનો સેવક છું. કામિની ! તારી શથ્યા શોભાવ, જેથી હું તારી સેવાનો લ્હાવો લઇ શકું. પ્રિયાના વિયોગથી દીન બનેલા પ્રિયતમ, પ્રિયાનો સંકોચ દૂર કરવા માટે સહૃદયતાથી આ વચનો ઉચ્ચારી રહ્યાં છે.
 
૩) હે સુકુમારી લાવ તારા કેળ જેવા સુંદર કોમળ ચરણ હું દાબી દઉં, તને શ્રમ થયો હશે તે હું દૂર કરીને આપું, તું મારે માટે અતિ દૂરથી ચાલીને આવી છે.
 
૪) તારા ચંદ્ર સમા મુખથી અમૃતશાં મીઠા વેણ બોલ એટ્લે તારા કુચ-ફળનો વિયોગ કરાવનારું આ પટાંતર હું દૂર કરું.
 
૫) પ્રબળ લાગણીવશતાને લીધે પ્રિયાના ઉરઃસ્થલમાં કંપન થઈ રહ્યું છે, તે જોઈને પ્રિયતમ કહે છે કે હે પ્રિયે તારા કુચ કમળ શીતળ સ્પર્શ ઉપજાવનારા છે, તો મારા ઉર સાથે તારાં આ રોમાંચિત અને રસનાં આદોલનથી કંપતા કુચ કમળોને સંલગ્ન કર.
 
૬) દારુણ વિરહાગ્નિએ આ દેહને બાળ્યો છે, સુખશાંતિ હરી લીધી છે. હવે તું જ આધાર છે હે અલબેલી !તારું શીતળ અધરામૃત પાઈને મને બચાવી લે.
 
૭) પ્રિયે તારા વિયોગમાં આ કુંજમાં જ્યારે કોકિલા બોલતી હતી તેનો કલરવ પણ મને અરૂચિકર લાગતો હતો તેથી પ્રિયે હવે તારી કટિમેખલાનો નાદ અને તારાં કોકિલકંઠની કિલકારી સંભળાવી મારા એ કષ્ટનું નિવારણ કર.
 
૮) મારી સામે કૃત્રિમ રોષ અને માન કરવાથી તને જે સંતાપ અને શરમ ઊપજી છે તેને લીધે તારાં રસિલાં નયનો છોભીલા પડી ગયાં છે. પ્રિયે તું તારાં એ સંતાપ અને શરમ છોડી દે.
 
૯) હરિવરની આ રસભરી વિનંતી સાંભળીને, રસિકજનોનાં હૃદયમાં પ્રેમરસનાં આંદોલનનો પ્રસાર થયો.
 

 

રાગ: શાર્દૂલવિક્રીડિત

 

જોતાં નેનભરી નિમેષ પણ જ્યાં પીડે, ભુજે ભીડતાં
રોમાંચે ખટકે, નડે મુખ સુધા પીતાંય ચીત્કાર જ્યાં
આનંદે વળી જ્યાં દુભે રસ રૂડો ક્રીડા તણો ચાખતાં
એવી રંગભરી રચી યુગલની શૃંગાર લીલા તદા.

 

૧) નિમેષ= આંખનો પલકારો

૨) સીત્કાર=સિસકારો

૩) દુભે=અંતરાય કરે છે

૪) તદા=ત્યારે

 

પ્રિયતમની વિનંતી પ્રિયાજીએ માની લીધી અને યુગલ સ્વરૂપો વચ્ચે ક્રિયારંભ શરૂ થયો. બંને સ્વરૂપ એકબીજાને નેત્રો ભરીને નીરખી રહ્યાં છે, તેઓની વચ્ચે નિમેષ માત્ર પલક અંતરાય રૂપ થઈ રહયોછે. તેઓ પરસ્પર આલિંગન આપી અધરામૃતનું પાન કરતાં સીત્કારો કરી રહ્યાં છે. રંગભરી યુગલ સ્વરૂપની આ વિહારલીલા ત્યાં મચી રહી છે.

 

લેખક:વ્રજરત્નદાસ.ચી.પરીખ (પાટણ)
 

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

email: [email protected]

 

   

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …

 

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....