|| શિક્ષાપત્ર ૩૫ મું || … અને (૩૬) ગ્વાલિની કૃષ્ણદરસસોં- શૃંગાર સન્મુખનું પદ …

|| શિક્ષાપત્ર ૩૫ મું || … …

 

 pushti prasad n1

 

 

ગત ચોત્રીસમાં શિક્ષાપત્રનાં તેત્રીસ શ્લોકથી નીરુપાયું કે, ભક્તિના બે પ્રકાર છે. મુખારવિંદની ભક્તિ અને ચરણારવિંદની ભક્તિ. મુખારવિંદની ભક્તિમાં સર્વ સમર્પણ થતું હોવાથી આ ભક્તિ ઉગ્રભક્તિ છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ ભક્તિમાં પ્રભુના અધરામૃતની પ્રાપ્તિ દ્વારા સાક્ષાત સંબંધ થાય છે, આ ભક્તિમાં આર્તિ-તાપ- વિરહભાવ જરૂરી છે. આ ભક્તિમાં સર્વાત્મભાવ અને દીનતા એ જ મુખ્ય સાધનરૂપ અને ફળરૂપ છે.

 

 

બીજા પ્રકારની ભક્તિ કે સેવા જે ચરણારવિંદની છે. ચરણારવિંદની ભક્તિ ધર્મ કરતાં ધર્મવિશિષ્ટ છે જેનાથી શ્રી પ્રભુની પ્રાપ્તિ નિશ્ચિત છે. જેના વડે સાયુજ્ય ફળ મળે છે. પરંતુ આ ભક્તિમાં વિરહતાપ ઓછો હોવાથી ચરણારવિંદની ભક્તિ શીતળ કહેવાય છે. આ ભક્તિમાં શરણાગતિ મુખ્ય છે.

 

 

ભક્તિમાં નડતા પ્રતિબંધોમાં મદ, લોભ, લૌકિક કામનાઓ અને દુ:સંગ મુખ્ય છે. જેને દૂર કરવા માટે કામ, ક્રોધ લોભનો ત્યાગ કરી ભગવદ્દીયોનો સંગ કરી દ્રઢ ભગવદ આશ્રય લેવો અનિવાર્ય છે, અને સાથે સાથે શ્રીજીને સમર્પિત કરેલ ભોજનની પ્રસાદી લઇ જીવનમાં સંતોષ અને વૈરાગ્ય રાખવો અને તેમજ પ્રભુ દ્વારા મળતા દંડને શ્રી પ્રભુની કૃપાનું દાન ગણી લેવું.

 

 

શિક્ષાપત્ર પાંત્રીસ જે તેર શ્લોકથી અલંકૃત છે. જેના પ્રથમ શ્લોકથી વિજાતીય ભાવવાળા વૈષ્ણવોનો સંગ દુઃખદાયક બને છે તેથી તેનાથી સદાયે સાવધાન રહેવા જણાવતા કહેવાનું કે,

 

 

તદીયાનાં મહદ્દદુઃખં વિજાતીયેન સંગમ: |
સંભાષણં સજાતીયૈરસંગો ભાષણં ચ ન |
તદેતદુભયં જાતં મમવાધ્મ સ્વભાગ્યત: ||૧||

 

 

અર્થાત, વિજાતીયોઓને સંગ થાય પરંતુ ભગવદીયો સાથે ન તો સંગ થાય કે નતો સંભાષણ થાય. એ વૈષ્ણવોને મહાદુઃખનું કારણ બને છે. ભાગ્ય યોગથી આ બે મને (શ્રીહરિરાયચરણને) પ્રાપ્ત થયા છે. અત્રે શ્રી હરિરાયચરણ લખે છે કે, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને એક મહાદુઃખ વિજાતીય એટલે અન્યમાર્ગીયનો સંગ અને સ્વમાર્ગીયનાં સંગનો અભાવ. જે નો અનુભવ શ્રી હરિરાયચરણ કરી રહ્યા છે.

 

 

દુઃખાંતરં તુ જ્ઞાનેન ભક્ત્યાવાડપિ નિવર્તતે |
લૌકિકં વિષમ પ્રપ્ત્યા ન હિ દુ:સંગજં કવચિત્ ||૨||

 

 

એટલે કે, અન્ય સર્વે પ્રકારનાં દુઃખ નિવૃત્ત કરવાના જ્ઞાન કે ભક્તિ દ્વારા તેનું નિરાકરણ થઇ શકે. જો લૌકિક વિષયોને લાગતું દુઃખ હોય તો તે વિષયોની પ્રાપ્તિ થતા તે નિવૃત્ત થાય. પરંતુ દુ:સંગથી ઉત્પન્ન થતું જે થનારું દુઃખ ક્યારેય નિવૃત્ત થતું નથી. તેથી વિષયના સંગી બહિર્મુખતાનો સંગ ત્યજવો.

 

 

દુષ્યનાં દુર્વચોબાણૈર્ભિન્નં મર્મણિ મદ્રપુ : |
ન ક્વાડપિ લભતે સ્વાસ્થ્યં સમાહિતમપિ સ્વત : ||૩||

 

 

અર્થાત, દુષ્ટ જનોનાં દુર્વચનોરૂપી બાણથી મારા (શ્રીહરિરાયચરણનું) શરીરનું મર્મસ્થાન ભેદાઇ ગયું છે. તેનાથી જરાપણ સ્વાસ્થય મળતું નથી અને હું પોતે જરા પણ ધીરજ રાખી શકતો નથી. (અત્રે ઉલ્લેખનિય છે કે, જ્યારે શિક્ષાપત્ર શ્રી હરિરાયચરણે પોતાના લઘુભ્રાતા શ્રી ગોપેશ્વરજીને સંબોધીને લખતા હતા ત્યારે શ્રી હરિરાયજી જેસલમેરમાં બિરાજતા હતા. આવા સ્થળે કદાચ તે સમયે ભગવદીય કે તાર્દશિય વૈષ્ણવ પણ અપ્રાપ્ય હોય જે ને કારણે અનુભવાતી વ્યથા હોય.)

 

 

અત્રે ચોથા શ્લોકથી આ પ્રમાણે જણાવાય છે કે,

 

 

ઇદાનીં તું જના: પ્રાયો દુ:સંગપદવીં ગતા |
શુદ્વં મનં કલુષિતં ક્ષણેનાડતિવિચક્ષણા: ||૪||

 

 

અર્થાત, મોટા ભાગે, લોકો દુ:સંગની સામાન્ય કક્ષાએ પહોંચ્યા છે. તેથી મન સિદ્ધ હોવા છતાં તેઓ એક ક્ષણમાં મનને મલીન કરવામાં ઘણા જ આતુર હોય છે. શ્રી ગુંસાઈજી કહે છે કે, “દુ:સંગથી વૈષ્ણવ નિશ્ચય દુઃખ પામે જ છે.”

 

 

ગૃહસ્થિતસ્ય વ્યાવૃત્તિયુતસ્ય ન હિ તાર્દશામ્ |
સંગો વારયિતું શક્યો વ્યાવૃત્તેર્વિનિરોધ ત : |
આવ્યાવૃત્તૌન વિશ્વાસર્દાઢયઁ યેન તથા કૃતિ : ||૫||

 

 

એટલે કે, જેઓ ગૃહસ્થ છે, તેમને ધંધાદારી જીવોનો સંગ થાય છે. ધંધા રોજગારને લીધે ગૃહસ્થો ધંધાદારી જીવોનાં સંગ છોડી શકતા નથી કારણ કે તેમ કરવાથી તેમના ગૃહસ્થી જીવન ખોરંભાય જવાનો ડર હોય છે.

 

આ પ્રકારે પણ દુ:સંગ પ્રાપ્ત થાય છે. આ વિચારના નિરાકરણ માટે શ્રી આચાર્ય માહાપ્રભુજી માર્ગ બતાવે છે કે,

 

મહાપ્રભુજીએ કહેલો અલગ શ્લોક

 

 

આવ્યાવૃત્તૌ ભજેત્કૃષ્ણં પૂજ્યા શ્રવણાદીભિઃ
વ્યાવૃતૌડપિહરૌચિત્તંશ્રવણાદૌ યતેત્ સદા ||

 

 

એટલે કે, અવ્યાવૃત્ત થઇ શ્રી કૃષ્ણનું ભજન, સેવા તથા સ્મરણ, શ્રવણ કરવું એ માર્ગ ઉત્તમ છે. અથવા વ્યાવૃત્તિ હોય તો પણ ચિત્તને શ્રાવણાદિથી હરિમાં સદા મગ્ન રાખવા પ્રયત્ન કરવો.

 

અત્રે ૬, ૭, ૮ શ્લોકના શબ્દાર્થ સાથે નિરુપાય છે.

 

 

ભગવદ્દદ્વવેષિતાં યાત: સ તુ તક્ષક એવ હિ |
યથા વિપ્રાડર્ભકવચ: પ્રેરિત: ક્રોધમૂર્ચ્છિત : ||૬||

 

 

અર્દશત્સ સમાગ્ત્ય મહાભકતં પરીક્ષિતમ્ |
તથા દુર્જનવાકયૈકપ્રેરિતો હયતિતાનસ: ||૭||

 

 

અવજ્ઞયા દુવચનૈરધિક્ષેપેણ મામયમ્ |
દુષ્કર્મા ભૌતિકો દુષ્ટ: સંસાધ્ય: સત્ક્રિયોકિતભિ: ||૮||

 

 

અર્થાત, જો કોઈ ભગવાનનો દ્વેષ કરનારા હોય, તેને તક્ષક જેવા જાણવા. જેમ કે, શૃંગી ઋષિનાં પુત્ર દ્વારા રાજા પરિક્ષિતને શાપ અપાયો કે જે રીતે રાજાએ મરેલો સર્પ મારા પિતાનાં ગળામાં નાખ્યો છે તો હે રાજા તારું મૃત્યુ પણ સર્પ દ્વારા અને આજથી સાતમે દિવસે જ થાઓ. જ્યારે શૃંગી ઋષિ ધ્યાનમાંથી ઉઠ્યા ત્યારે તેમને તેમના પુત્ર દ્વારા અપાયેલા શાપની જાણ થઈ આથી તેમણે આશ્રમનાં એક બ્રાહ્મણ બાળકને રાજા પરિક્ષિત પાસે મોકલાવી આ શાપની જાણ કરી. શૃંગીપુત્રના શાપના પરિણામે સાતમે દિવસે તક્ષક નાગ આવીને પરીક્ષિત રાજાને કરડ્યો. તેથી જ શ્રી હરિરાયજીચરણ અહીં કહે છે કે તેવી જ રીતે દુર્જનનાં વચનથી મોકલાયેલો અતિ તમોગુણી અને દુષ્ટ કર્મ કરનારો સર્પ જેવો દુર્જન મને (શ્રી હરિરાયચરણને) નિંદા, દુર્વચન અને તિરસ્કાર વડે ડસે છે. કારણ કે ભૌતિક લૌકિકમાં માનનારો દુષ્ટ જન, દુષ્ટ કર્મ કરનારો હોય છે. આથી જે જીવોએ સત્કર્મ અને સારા વચનોથી સુધારી શકાય તેવા ભગવદ આશ્રયી જીવોનો સંગ અને સત્સંગ કરવો જોઈએ. જે રીતે રાજા પરિક્ષિતે પણ કર્યું છે અને સાત દિવસમાં પોતાનું મૃત્યુ આવવાનું છે તે જાણીને લૌકિક અને ભૌતિક પદાર્થોમાંથી પોતાનું મન અને હૃદય ખેંચી લઈ તેને ભગવદ ગુણગાન સાંભળવા અને સમજવા માટે જોડી દીધું છે. આમ અત્રે કાળદોષ નિરૂપણ કરતાં કહેવાયું છે કે જેમ બ્રાહ્મણ બાળકે ક્રોધયુક્ત થઇ પરીક્ષિતરાજાને શાપ આપ્યો તે કાળદોષનું લાક્ષણિક કાર્ય છે, તેજ રીતે વૈષ્ણવો માટે પણ કાલ ભગવદ્દધર્મમાં મહાબાધક છે.

 

અત્રે કલિકાળનાં દુષ્ટ થયેલા જીવો આધિભૌતિક જીવ, આધ્યાત્મિક જીવ અને આધિભૌતિક એમ ત્રણ પ્રકારનાં વર્ણવાયા છે. આ ત્રણ પ્રકારનાં જીવોમાંથી આધિભૌતિક જીવો અને આધ્યાત્મિક જીવો તો કોઈ પણ સમયે ભગવદ્દભાવ તરફ ખેંચાતા હોય છે અને ભગવદ ધર્મમાં પ્રવૃત્ત થાય છે. જે શરીરથી દુષ્ટ કર્મ કરે તેને આધિભૌતિક દુષ્ટ જીવ સમજવો. આવો આ ભૌતિક દુષ્ટ પણ ભગવદ્દીયોનાં સંગથી અને ભગવદ્દ સેવાથી પોતાના મનનો વિક્ષેપ દૂર કરે છે અને ભક્તિની પ્રાપ્તિ કરે છે.

 

હવે ૯ અને ૧૦ શ્લોકથી આધ્યાત્મિક દુષ્ટ તથા આધિદૈવિક દુષ્ટ જીવનાં લક્ષનું નિરૂપણ કરાય છે.

 

 

આધ્યાત્મિકો જ્ઞાનશૂન્યો હયન્યથાજ્ઞાનનવાનપિ |
કષ્ટ સાધ્ય: કદાચિત્સતત્વબોધેણ શુધ્વયતિ ||૯||

 

 

અર્થાત, આધ્યાત્મિક દુષ્ટો જ્ઞાન શૂન્ય અથવા અન્યથા જ્ઞાનવાળા હોય છે એટલે કે, વિપરિત જ્ઞાનવાળા હોય છે તેવા જીવો તત્વબોધથી શુદ્ધ થઇ શકે છે.
પરંતુ,

 

 

પ્રીતિ શૂન્યો મહાદુષ્ટ: સ ન સાધ્ય: કથંચન |
યથા નપુસંકો નૈવ હયૌષધૈ: પુરુષો ભવેત ||૧૦||

 

 

યથા ત્રિદોષગ્રસ્તો ન કથંચિદપિ જીવતિ |
પ્રીતિશૂન્યો નીરસચ ન તથા શ્રાવણાદિભિ: ||૧૧||

 

 

એટલે કે, આધિદૈવિક જીવો પ્રીતિ શૂન્ય મહાદુષ્ટો હોય છે તેમને સુધારવાનો કોઈ જ ઉપાય જ હોતો નથી. જેમ , નપુસંક ગમે તેટલી દવા કરે તેમ છતાંથી તે પુરુષત્વ પામી શકતો નથી અથવા કફ, પિત્ત અને વાત આવો ત્રિદોષનો રોગી કોઈ પણ ઉપાયે બચી શકતો નથી, તેમ પ્રીતિશૂન્ય દુષ્ટ આધિદૈવિક જીવ નીરસ હોય તે ગમે તેટલી ભગવદ્દ કથાનું શ્રવણ કરવાથી પણ સુધરી શકતો નથી.

 

આવા જીવોને શ્રી મહાપ્રભુજી “પુષ્ટિ પ્રવાહ મર્યાદા” ગ્રંથમાં પ્રવાહી ચર્ષણી જીવો નિરૂપે છે. એક ક્ષણ માત્રમાં સર્વમાર્ગ ભ્રમે છે તો પણ તેમની રૂચિ કોઈ પણ સ્થળે થતી નથી. આ વચનના આધારે પ્રીતિશૂન્ય જીવ પ્રવાહી આસુરી જીવ સમાન જન્મો જન્મ સંસારમાં આશક્ત થઇ રહે છે.

 

પ્રીતિ શૂન્ય આધિદૈવિક જીવ મહાદુષ્ટ હોય પુષ્ટિ માર્ગનું મહાત્મય જાણે અને ગુણ સાંભળે પરંતુ તે કદીએ પોતાના હૃદયમાં ક્ષણિક પણ ભગવદ્દ ધર્મ ગ્રહણ કરે નહિ. એવા ભક્તિરસ રહિત જીવો બહિર્મુખ છે.

 

 

પ્રાય: આસુરો જીવો યસ્મિન પ્રતેરસંભવ : |
તાર્દશૌર્નિત્યસંગેન ભવદાસુરભાવવાન્ ||૧૨||

 

 

અર્થાત, જેમનામાં પ્રતિનો અભાવ હોય, તેઓ ઘણું ખરું આસુરી જીવો હોય છે. આવા આસુરી જીવો સાથે નિત્ય સંગ કરવામાં આવે તો આસુરી ભાવવાળા થઇ જવાય. ભગવદીયના સંગ વગર નિત્ય આસુર ભાવ ઉદ્દભવે છે.

 

 

દુષ્કર્માં કર્મદુષ્ટ: સ્યાત જ્ઞાનદુષ્ટોડન્યવાર્દશિ: |
પ્રીતિશૂન્યો ભક્તિં દુષ્તત્તન્માર્ગ ગતસત્ય જે તૂ ||૧૩||

 

 

એટલે કે, દુષ્ટ કર્મ કરનાર કર્મ દુષ્ટ કહેવાય છે. વિપરીત દૃષ્ટિવાળો જ્ઞાનદુષ્ટ કહેવાય છે અને પ્રીતિશૂન્ય ભક્તિ દુષ્ટ કહેવાય છે.

 

અત્રે શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે કે, દુષ્ટ કર્મ કરનાર જીવને આધિભૌતિક દુષ્ટ જણાવો. આજે આવા દુષ્ટ જીવો તો કદાચ સત્સંગથી ભગવદ્દ ધર્મમાં ઓર્વેશ પણ કરે છે. પરંતુ પ્રીતિશૂન્ય –ભક્તિરહિત જીવને આધિદૈવિક દુષ્ટ જાણવો. જે જીવ કદાપિ ભક્તિનો અધિકારી થતો જ નથી. જેથી પુષ્ટિમાર્ગીયો એ સર્વથા એવા જીવનો ત્યાગ કરવો તો જ તેઓ પોતાનો ભગવદ્દ ભાવ અને ભગવદ્દ ધર્મ સાચવી શકશે.

 

આ સાથે જ અત્ર પાંત્રીસમું શિક્ષાપત્ર સંકલિત કરાય છે. વિસ્તૃત જ્ઞાન માહિતી માટે શિક્ષાપત્ર ગ્રંથનું ચિંતન અતિ જરૂરી છે.
 

 

શેષ … શ્રીજી કૃપા …

 

 

 

સંકલન : શ્રી વ્રજનિશ શાહ.
બોયડસ્. મેરીલેન્ડ.યુ એસ એ.

 

[email protected]
[email protected]

 

સંલેખ પ્રાપ્તિ : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
email: [email protected]

 

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે…

 

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

 

 
(૩૬)  ગ્વાલિની કૃષ્ણદરસસોં- …
સમય-શૃંગાર સન્મુખનું પદ
રાગ- આસાવરી
રચના-કૃષ્ણદાસ અધિકારીજી

 

 yamunaji darshan

 

 

ગ્વાલિની કૃષ્ણદરસસોં અટકી,
બારબાર પનઘટ પર આવત સિર જમુનાજલ મટકી. (૧)

 

મદનમોહનકો રૂપ સુધાનિધિ પીબત પ્રેમરસ ગટકિ,
“કૃષ્ણદાસ” ધન્ય ધન્ય રાધિકા લોકલાજ સબ પટકી. (૨)

 

 

ભાવાર્થઃ

 

પોતાનો થયેલો અનુભવ આ વ્રજાંગના રાધિકા કહી રહી છે કે તે જયારે યમુનાજીના પનઘટથી યમુનાજલ ભરીને આવતી હતી, ત્યારે માર્ગમાં મને શ્રીશ્યામસુંદરનાં દર્શન થયાં. હે સખી, હું કૃષ્ણકનૈયાનાં દર્શન કરતાં જ ત્યાં જ અટકી ગઈ. કૃષ્ણકનૈયાનાં દર્શન મને થતાંની સાથે જ કૃષ્ણદર્શનનું એવું વ્યસન લાગી ગયું કે મસ્તકે મટુકી મૂકીને હું વારંવાર યમુનાજલ લેવા માટે પનઘટ પર જવા લાગી. જયારે ત્યાં મને (શ્રીયમુનાજીના પનઘટ પર)શ્રીમદનમોહનલાલનાં મને જયારે દર્શન થતાં, ત્યારે તેમના રૂપસુધાસાગરનું પાન હું ગટ-ગટ કરતી. શ્રી કૃષ્ણદાસજી કહે છે, આવાં શ્રીરાધિકાજીને ધન્ય છે, જેમણે પ્રભુ સાથેના પ્રેમને લઈને દુનિયાની સર્વ લજ્જા-શરમ છોડી દીધી છે.

 

લેખક: અજ્ઞાત

 

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

email: [email protected]

 

   

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …

 

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....